થોડા સમય પહેલાં જ અમેરિકાના વૈજ્ઞાનિક જ્હોન ફેરાડે અને એમની ટીમે એક રિસર્ચ કર્યું. એ રિસર્ચના તારણ મુજબ સેંથામાં સિંદૂરમાં નાંખવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે! જી હા, સિંદૂરમાં હળદર, ચૂનો અને પારા જેવી ધાતુઓનું મિશ્રણ હોય છે. એના લીધે શરીરમાં દબાણ પણ ઓછું થાય છે અને તણાવમાંથી પણ મુક્તિ મળે છે. અરે! એક મિનિટ! એની પહેલાં કે તમે કોઈને આ સિંદૂરજ્ઞાન આપો, જણાવી દઉં કે આ સ્યુડો સાયન્સ છે, ફેક ન્યૂઝ છે! જી હા, મિત્રો આજકાલ વ્હોટ્સઍપ યુનિવર્સિટીમાં આ પ્રકારના સ્યુડો સાયન્સનો જાણે એક આખો અભાસક્રમ ચાલી રહ્યો છે! છાશવારે આ પ્રકારના કેટલાય મેસેઝ તમને પણ મળતા જ હશે. તો ચાલો આજે આ સ્યુડો સાયન્સમાં કેટલું સાયન્સ છૂપાયેલું છે? એની તપાસ કરીએ.
પાછલા કેટલાક વર્ષોમાં વિજ્ઞાને કરેલી પ્રગતીના લીધે અશક્ય કે ચમત્કાર લાગતા કામો આજે શક્ય બન્યા છે. એના સચોટ અવલોકનોના લીધે વિજ્ઞાન સત્યતા ચકાસવાનો એક મજબૂત માપદંડ બન્યું છે. લોકોના મનમાં પણ વિજ્ઞાને એક જાતની વિશ્વસનીયતા પ્રાપ્ત કરી છે. વિજ્ઞાનની આ પ્રમાણભૂતતા જોઈને કેટલાક લોકો પોતાની ધડમાથા વગરની ભ્રામક માન્યતાઓને પણ આ વિજ્ઞાનનો અંચળો ઓઢાડીને રજુ કરતા હોય છે. જેથી વધુંને વધું લોકો એમની આ વાતને સાચી માને! વિજ્ઞાનના નામે લોકોને ભ્રમિત કરનાર/ઠગનાર સાયન્સના આ પ્રકારને સ્યુડો સાયન્સ કહેવામાં આવે છે. અરે! હવે તો પોતાની જાતને સાયન્ટિસ્ટ કહેવા વાળા સ્યુડો સાયન્ટિસ્ટો પણ આ પવિત્ર ધરતી પર અવતાર લેવા માંડ્યા છે! તો ચાલો શરૂ કરીએ આજનો લેખ અને મને ખાતરી છે કે આ લેખ વાંચ્યા પછી તમને કોઈ વિજ્ઞાનના નામે છેતરી નહીં શકે!
સૌપ્રથમ તો વિજ્ઞાન કઈ રીતે કામ કરે છે? એ જોઈ લઈએ. કોઈપણ વૈજ્ઞાનિક નિયમ બનતા પહેલાં એ કેટલીય પ્રક્રિયાઓમાંથી પસાર થતો હોય છે. વિજ્ઞાનમાં કોઈ પણ વિષય પર સંશોધન કરતાં પહેલાં જે તે વિષય, વસ્તુ કે પદાર્થનું ઝીણવટ પૂર્વકનું અવલોકન કરવામાં આવે છે. પછી આ અવલોકનના આધારે કેટલાક તારણો અલગ તારવવામાં આવે અને પછી એના પર પ્રયોગો કરવામાં આવે. આ બધા પછી એના પર કેટલાક હાયપોથીસિસ રજુ થાય. અહીં સુધીની પણ એક લાંબી પ્રક્રિયા હોય છે જેમાં વર્ષો લાગી જતા હોય છે. એમ છતાં હજુ પણ આ વૈજ્ઞાનિક પ્રક્રિયા અહીં પૂરી નથી થતી. આ હાયપોથીસિસમાંથી કોઈ હાયપોથીસિસ પર સેંકડો પ્રયોગો પછી જ્યારે એ વૈજ્ઞાનિક પ્રક્રિયામાં સો ટકા ખરો ઉતરે ત્યારે, બધી રીતે, બધી જગ્યાએ ચેક કરતા એક જ પરિણામ આવે, એક પણ વિરોધી પરિણામ ના મળે ત્યારે જઈને એક વૈજ્ઞાનિક સિદ્ધાંત બને છે જેને પૃવ્ડ થિયરી કહેવામાં આવે છે. અહીં પણ સમગ્ર વિશ્વ માટે જે તે સિદ્ધાંતને ચકાસવા માટેના બધા દરવાજા ખુલ્લા હોય છે! કોઈ દવા બનાવવાની હોય તો ત્યારે પણ આ જ રીતે એક લાંબી પ્રોસેસ ચાલતી હોય છે. પહેલાં લેબમાં ટેસ્ટીંગ ચાલે. પછી એને ઉંદર જેવા જીવના શરીર પર ટેસ્ટ કરવામાં આવે. પછી જો યોગ્ય લાગે તો એ માનવ શરીર પર અજમાવવામાં આવે. અહીં પણ પાછી એક આખી લાંબી પ્રક્રિયા ચાલે! મતલબ ભૂલ થવાની એક ટકો પણ શક્યતા ના રહે એ રીતે વર્ષોની મહેનત પછી છેક વિજ્ઞાન દ્વારા કોઈ માહિતીને સ્વાકરવામાં આવતી હોય છે. અને એટલે જ તો લોકો વિજ્ઞાનને સત્યતાનું પ્રમાણ માને છે. હવે આમ જનતાને વિજ્ઞાન વિષે ખાસ કોઈ ઊંડી જાણકારી નથી હોતી. અને એટલે જ અમુક ઠગો વિજ્ઞાનની આ વિશ્વસનિયતા નો ગેરફાયદો ઉઠાવીને લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે. આ કામમાં બળતામાં ઘી હોમવાનું કામ ઇન્ટરનેટ અને સૉશ્યલ મિડિયા ખૂબ સરસ રીતે નિભાવે છે!
ઇન્ટરનેટ એક એવો વિશાળ દરિયો છે જેના પેટાળમાં આપણને બ્રહ્માંડના સહસ્યો ઉજાગર કરનારા વૈજ્ઞાનિક સિદ્ધાંતોની પણ જાણકારી મળી શકે અને આજે પણ ધરતી ચપટી છે એવી પયાવિહોણી હંબગ વાતો પણ જોવા મળે! આજકાલ વ્હોટ્સઍપ યુનિવર્સિટી પર પરંપરાને વિજ્ઞાન સાથે જોડવાની જાણે ફેશન ચાલી રહી છે! જેમ કે, ઉપવાસ કરવાથી શરીરની ચયાપચયની ક્રિયાને આરામ મળે છે અને એ બમણા જોશથી કામ કરવા લાગે છે! ઉપવાસ એ શ્રદ્ધાનો વિષય છે, એની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે, ધર્મ જોડાયેલો છે. ત્યાં સુધી બધું બરાબર પણ છે. આ આપણી સંસ્કૃતિ છે, ધર્મ છે અને એનો પૂરેપૂરો ગર્વ પણ લેવો જોઈએ. પણ એને જો ખરેખર એને વિજ્ઞાન સાથે કોઈ કનેક્શન ના હોય તો એને વિજ્ઞાન સાથે જોડવાની શું જરૂર છે? આપણું પાચનતંત્ર ખોરાક પચાવવા માટે જ બન્યું છે. અને આ કામ એ આરામ લીધા વગર પણ સરળતાથી કરી જ શકે છે. જેમ શ્વશનતંત્રને વચ્ચે કોઈ એક દિવસના આરામની જરૂર નથી એમ જ! એમાં તો એક કલાકનો પણ આરામ લઈએ તો રામ રમી જાય ભાઈ! એવી જ રીતે આપણે અહીં સ્ત્રીઓના ઘરેણાંથી લઈને બધા સાજશણગાર માટે પણ આવા પસાચ જાતના વૈજ્ઞાનિક કારણો બતાવનારો એક આખો વર્ગ છે. બંગડી પહેરવાથી રક્તચાપ નિયંત્રણમાં રહે અને શરીરના બહારના ભાગની ત્વચાથી પસાર થતી વીજળી બંગડીના લીધે રસ્તો ના મળતા એ શરીરમાં પાછી ચાલી જાય! (ઓ બાપ રે!) સિંદૂર લગાવવાથી બ્લપ્રેશર કંટ્રોલમાં રહે અને તણાવમાંથી મુક્તિ મળે! કાન વિંધવાથી ભાષા પર સંયમ રહે! નમસ્કાર કરવાથી બન્ને હાથની હથેળીઓ ભેગી થતાં કાન, આંખ અને મગજના પ્રેશર પૉઈંટ એક્ટિવ થતાં કોઈ વ્યક્તિને વધારે સમય યાદ રાખી શકાય! (ગજબ!) તો તો પરીક્ષાની તૈયારી કરતાં વિદ્ધાર્થીઓએ તો નમસ્કારમુદ્રામાં જ બધું વાંચી લેવાનું એટલે પત્યું! (ખીખીખી) અરે! માથાના સિંદૂરથી લઈને પગના વિછયા સુધી બધાના ઢગલાબંધ વૈજ્ઞાનિક કારણો હોય છે આ લોકો પાસે! પણ આપણને પ્રશ્ન થાય કે આ બધું સ્ત્રીઓ માટે જ કેમ? પુરુષોની કોઈ ચિંતા જ નથી કે શું આ લોકોને!? હવે કદાચ કોઈ એમ પણ કહે કે સ્ત્રીઓનું શરીર, માનસિક સ્થિતિ અને જવાબદારીઓ પુરુષોથી અલગ હોય. તો પણ પછી વિધવા સ્ત્રીઓનું શું? એને પણ ત્વચા પરની વીજળી જોઈતી હોય ને! એમને પણ બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખવું હોય અને તણાવમાંથી મુક્ત રહેવું હોય! (હકીકતમાં તો સમાજના બનાવેલા અમુક ઢાંચાઓના લીધે સૌથી વધારે તણાવમાં તો એ જ હોય છે.) ખબર નથી પડતી કે આ લોકો આવું વિજ્ઞાન ક્યાંથી શોધી લાવે છે? અમુક ઓનલાઈન સાઇટો પરના ચોંકાવી દે એવા હેડિંગ ધરાવતા લેખો પણ આવી ભ્રામક વાતો ફેલાવતા હોય છે! દૂધ પીવાથી કેન્સર થવાની શક્યતા વધી જાય, ચોકલેટ ખાવાથી માનસિક તણાવ દૂર થાય, ફલાણું ઢીંકળું જોઈને વિજ્ઞાન પણ પડ્યું ઘુંટણીયે! આવા ચટાકેદાર હેડિંગ લખ્યા હોય છે. પછી પશ્વિમના કોઈ વૈજ્ઞાનિક કે નાશા કે હાર્વડ યુનિ. જેવી સંસ્થાનું નામ જોડી દે એટલે પત્યું! આ બધું જોઈને જ આપણી આમ જનતા એ બધી હંબગ વાતો માનવા માટે ગાંડીઘેલી થઈ જાય!
સામાન્ય રીતે આપણે ભૂત, ભુવા, ડાકલાં અને દોરાધાગામાં માનતા લોકોને અંધશ્રદ્ધાળું કહેતા હોઈએ છીએ. પણ આ પ્રકારના મેસેઝ ફેલાવનારથી માંડીને કુંડળી જોઈને લગ્ન કરનારા અને જ્યોતિષશાસ્ત્રમાં માનનારા લોકોની માનસિકતા પણ આ જ હોય છે. આમાં બોલિવુડના સિતારાઓ અને સેલિબ્રિટી પણ પાછળ નથી! અમીરોની અંધશ્રદ્ધા પણ અમીર હોય છે! આમાં અમુક વૅલ એજ્યુકેટેડ લોકો પણ આવી જાય! વકીલ, ડૉક્ટર અને એન્જીનિયરથી લઈને છેક અમુક તો વૈજ્ઞાનિક પોતે પણ અમુક બાબતમાં અંધશ્રદ્ધાળું હોઈ શકે છે. રાજસ્થાન હાઈકોર્ટના નિવૃત જજનું બયાન તો સાંભળ્યું જ હશે, મોરના આંસુ પીવાથી મોરની ગર્ભવતી થાય છે! પણ આ બધાની અંધશ્રદ્ધાને લોકો અંધશ્રદ્ધા નથી કહેતા હોતા! મને એક જોક્સ યાદ આવે છે, ડૉ. સ્મિતાનો પતિ ડ્રિંક કરે છે, એક મધ્યમ વર્ગની ગૃહિણી એવી સુશીલાનો પતિ દારૂ પિએ છે અને કામવાળી ગંગુબાઈનો પતિ દારૂડિયો છે! આ અંધશ્રદ્ધાઓનું પણ કંઈક આવું જ છે!
પરંપરા કે રીતરિવાજો જે પણ હોય એને પરંપરા તરીકે જ ધ્યાનમાં લેવા જોઈએ. કોઈ સંસ્કૃતિમાં કોઈપણ રીતરિવાજ હોય એને માનવાનો પણ વ્યક્તિને પૂરેપૂરો અધિકાર છે. આપણી સંસ્કૃતિ ખરેખર મહાન છે, હતી અને રહેશે. અને જે તે રિવાજો પણ જે તે સમય અનુરૂપ ફાયદાકારક જ હતા (અમુકને બાદ કરતાં) એમાં પણ શંકાને કોઈ સ્થાન નથી. પણ સવાલ એ છે કે જ્યારે એને વિજ્ઞાન સાથે નિસ્બત ના હોવા છતાં પણ એને ખોટી રીતે વિજ્ઞાન સાથે જોડવાની શું જરૂર છે? જો કોઈ વ્યક્તિ આ વિષે વાત કરે તો એને અધર્મી કે સંસ્કૃતિનું અપમાન કરનાર કહેવામાં આવે છે! પણ ખરેખર તો આ બધું ફેલાવવા વાળા લોકોએ જ સંસ્કૃતિને વિશ્વમાં હાંસીને પાત્ર બનાવે છે. શું આપણી મહાન સંસ્કૃતિ સાથે વિજ્ઞાન જોડાય તો જ એ મહાન રહે? નહીં તો એની મહાનતા ઓછી જાય? શું આપણી સંસ્કૃતિ વિજ્ઞાનના સિદ્ધાંતોની મોહતાજ છે? નહીં ને! તો પછી સાચો સંસ્કૃતિનો રક્ષક કોણ થયો? આ બધું ફેલાવનાર કે અટકાવીને સાચી વાત રજુ કરનાર? આપણી મહાન સંસ્કૃતિને ચોકક્સથી આપણે માથે ચડાવીને નમન કરીએ. પણ, વિજ્ઞાન એક અલગ વિષય છે. સત્યથી દૂર જવું એ તો આપણી સંસ્કૃતિ નથી જ. એમ કહેવાય છે કે એક સમયે જ્યારે પશ્વિમના લોકોને કપડા પહેરવાનું પણ ભાન નહોતું ત્યારે આપણી પાસે એક નાનકડી ડબ્બીમાં સમાય જાય એવી સાડી બનાવવા સુધીની ટેક્નોલોજી હતી! પણ, આવી ભ્રામક માન્યતાઓમાં રચ્યાપચ્યા રહીને ધીમેધીમે આપણે આપણી એ સર્જનાત્મકતા ગુમાવી બેઠા! જે ધર્મ અને સંસ્કૃતિ આપણને સત્યનિષ્ઠા શિવખવતા હોય એના જ નામે સત્યનિષ્ઠાને કોરાણે મૂકીને હંબગ વાતો ફેલાવવીને એને હાંસીને પાત્ર બનાવાના? આ છે આપણી ધર્મ પરાયણતા છે?
વિજ્ઞાન જગતમાં એક કહેવત બહું પ્રખ્યાત છે, "ન્યૂટન શું કહે છે? એનું કોઈ મહત્ત્વ નથી, ન્યૂટન વિજ્ઞાનના નિયમોના આધારે શું સિદ્ધ/સાબિત કરે છે એ મહત્ત્વનું છે." બની શકે અમુક કેસમાં અમુક વૈજ્ઞાનિકો પણ પાયાવિહોણા દાવાઓ કરે! પણ એ કાયદેશરના રિસર્ચ પેપર રજુ કરીને એ બાબત સિદ્ધ કરે તો જ એ વાત માનવા યોગ્ય ગણાય. એવું પણ બની શકે કે વિજ્ઞાનની ડીગ્રી મેળવેલ માણસ પણ વૈચારિક રીતે વૈજ્ઞાનિક વિચારધાર ન અપનાવી શક્યો હોય. એક દિવસ મને વિજ્ઞાનના એક શિક્ષક મળ્યા જેઓ રાહુ અને કેતુ નામના ગ્રહ વિશે વાતો કરી રહ્યા હતા. મેં એમને પૂછ્યુ કે શું આ વાત તમે તમારા ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવી શકો? તો કહે ના. કારણ કે એની બુકમાં આ બે ગ્રહોનો ક્યાંય ઉલ્લેખ નથી! કહેવાનો મતલબ કે, માણસની અંગત માન્યતાઓ એમણે મેળવેલી ડીગ્રીઓથી અલગ હોય શકે છે!
હવે આવું બધું ફેલાય છે શા માટે? એવું નથી કે આ બધું આપણા દેશમાં જ ચાલે છે. આખા વિશ્વમાં ઓછાવત્તા અંશે સ્યુડો સાયન્સનો પગપેસારો છે જ. આ ફેલાવવા પાછળના મોટાભાગના કારણો તો આપણે પેલા ફેક ન્યૂઝ વાળા લેખમાં જોઈ ગયા એ જ છે. જેમ કે, વિજ્ઞાન વિશે સામાન્ય લોકોમાં રહેલ સમજણનો અભાવ, "આ નવી જાણકારીની મને ખબર છે" નો દેખાડો. પછી સરળતા પણ એક કારણ છે. વિજ્ઞાનની આંટીઘૂંટી કરતાં સીધું અને સરળ જ્ઞાન આપણા મગજને વધારે ગમતું હોય છે. એટલે એ ચેક કરવાની માથાકૂટમાં પડ્યા વગર આપણે ફોરવર્ડ કરી દેતા હોઈ છીએ. આ બધું માનવામાં તો કંઈ મહેનત લાગતી નથી! પણ ક્યાંક એ સાચું નિકળે તો? આ પ્રકારનો ડર પણ કારણભૂત હોય છે. આવા કેટલાક કારણો ના લીધે સ્યુડો સાયન્સ ફેલાતું રહે છે. તો એને ઓળખવું કઈ રીતે અને રોકવું કઈ રીતે? સાયન્સની આખી પ્રક્રિયા આપણે જોઈ ગયા કે કોઈ સિદ્ધાંત કઈ રીતે બને છે. બધા વિરોધી કારણો અને તારણોને પહેલા ચકાસવામાં આવે છે. જ્યારે સ્યુડો સાયન્સમાં એક નિષ્કર્ષ પહેલાથી જ તારવી લીધો હોય છે અને પછી એ નિષ્કર્ષને સાચો સાબિત કરવા એને સમર્થન આપતા તારણો જ રજુ કરાતા હોય છે! આ નિષ્કર્ષને નકારી શકે એવા તારણને ઈગ્નોર કરવામાં આવે અથવા છુપાવવામાં આવતા હોય છે! અહીં જર્મન ફિલોસોફર Friedrich Nietzsche નું એક વાક્ય બરાબરનું બંધ બેસે છે, "There are to different kinds of people in this world, those who want to know and those wo want to believe."
વિજ્ઞાનના સંશોધનનો ચેક કરવા માટે આપણે ઓનલાઈન વેબસાઈટનો સહારો લઈ શકીએ છીએ. Pubmed અને researchgate જેવી વેબસાઈટ પર જઈને તમે કોઈપણ વિષય પર થયેલા વૈજ્ઞાનિક સંશોધનો અને સર્વે ચેક કરી શકો છો. અહીં તમને જે તે સંશોધન પરના કાયદેસરના રિસર્ચ પેપર જોવા મળશે! આ જોઈને ચેક કરી શકાય કે ખરેખર દાવો કરવામાં આવેલા વિષય પર સંશોધન થયું છે કે નહીં અને થયું છે તો એનો નિષ્કર્ષ શું આવ્યો? અહીં સર્વે પર વિશ્વાસ કરવામાં પણ એ કેટલા લોકો પર થયેલો, કોણે કરાવ્યો છે? જેવી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ઘટે! પચાસ કે સો જણા કરતા હજારો લોકો પર કરેલો સર્વે વધારે સાચો અને હકીકતોની નજીક હોય છે. તો મિત્રો, આપણા શાસ્ત્રો પણ આપણને 'સત્યમેવ જયતે' નું સૂત્ર આપીને સત્યનિષ્ઠા શિખવે છે ત્યારે આપણે આવી ભ્રામક માહિતીઓ ફેલાવવા કરતા સત્યનો પક્ષ લેવો જોઈએ. પાયાવિહોણા મેસેઝ ફોરવર્ડ કરવાથી આપણે કંઈ મહાન નથી બની જવાના. હા, ખરેખર જો કોઈ માન્યતામાં વિજ્ઞાન નજરે ચડે તો ચોક્કસથી એના પર સંશોધન કરીએ અને રિસર્ચ પેપર રજુ કરીને સમગ્ર વિશ્વમાં ભારત દેશનો ડંકો વગાડીએ! આપણી પાસે પણ હોનહાર વૈજ્ઞાનિકો છે જ. તો આવો મિત્રો ભારત દેશને વૈજ્ઞાનિક વિચારધારા પર એક કદમ આગળ લાવીને વિશ્વમાં દેશનું માન વધારીએ.
- ભગીરથ ચાવડા
bhagirath1bd1@gmail.com