"કોનો ફોન છે ડેડ?"
"ડોકટર અલય રાઠોડ."
શ્રુતિ નામ સાંભળતા જ ડરી ગઈ.
એસીપી અભયે બધાને મોંઢા પર આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને ફોન ઉપાડ્યો.
"હેલો..."
"હેલો માય ડિયર બ્રધર. હાઉ આર યુ?"
"આ બધા પાછળ તું જ જવાબદાર છું ને?" એસીપી અભય ગુસ્સામાં બોલી રહ્યા.
"ઓહ ગોડ. તમને એવું કેમ લાગે છે ભાઈ કે કોઈપણ પરિસ્થિતિ માટે હંમેશા હું જ જવાબદાર હોઉં છું."
"તારા સિવાય આવું ઘટિયા રિસર્ચ કોઈનું હોઈ જ ના શકે."
"ઓહહ કમોન. મારાં રિસર્ચ બાબતે તમારે બોલવાનો કોઈ અધિકાર મેં તમને આપ્યો નથી. સમજ્યા. રહી વાત વાયરસની તો હા, મેં જ એને તમારાં પ્રિય શહેરમાં ફેલાવ્યો. બાયધવે મારાં ધાર્યા કરતાં બહુ જલ્દી ફેલાઈ ગયો છે યુ નો."
"મને આ વાયરસ અટકાવવા માટેની વેક્સીન જોઈએ છે."
"શું ભાઈ તમેય... તમને એક કામ આપ્યું હતું માનનીય ડીસીપી સાહેબે એ પણ તમે મારાં દ્વારા હવે જાણી શક્યા. એમ તો મારી વગર તમારો ઉદ્દાર નથી બટ સોરી આ વખતે હું તમારી બિલકુલ પણ મદદ કરવાના મૂડમાં નથી."
"વ્હૉટ યુ મીન આ વખતે?"
"લો ભૂલી ગયાં. શ્રુતિ બેબી વર્લ્ડની સ્ટ્રોંગેસ્ટ ગર્લ બનવાની હતી પણ તમે રોકી લીધી. હું તો મદદ જ કરતો હતો ને! ત્યારે તો તમને મારી મદદ ના ગમી તો હવે હું શું કરવા ફરી મદદ કરું."
"અલય, લોકોને મારીને તને શું મળશે?
"મારાં ભાઈ, તમારો ભાઈ કયારેય કોઈ વસ્તુ કામ વગરની કરે છે! આ એક બાયોલોજિકલ વેપન રેડી કર્યું એનું પરીક્ષણ કર્યું છે મેં. બદલામાં રશિયાવાળાઓ અબજો રૂપિયા આપવાના છે એન્ડ જોડે જોડે બેસ્ટ સાયન્ટિસ્ટનો એવોર્ડ પણ. જેનાં માટે હું વરસોથી તરસ્યો હતો."
"પ્લીઝ અલય, હું તને હાથ જોડીને વિનંતી કરું છું. આ વાયરસનો ઈલાજ મને કહી દે." એસીપી અભય ફરી રડમસ સ્વરે બોલ્યાં.
"ઓહો... તમે મને આટલો હેરાન કરો છો એની કરતાં તમારાં પ્રિય સાયન્ટિસ્ટ જેમ્સ ડોબરીયાલને જ કહો ને. ઓક્કે બાય, મારે હજુ ઘણો તમાશો જોવાનો છે. ભૂમ ભૂમ અમદાવાદ બન્યું ઝોમ્બિવાદ!! વાહ વોટ એ ટેગલાઈન!! હાહાહા " જોરજોરથી હસીને અલયે ફોન મૂકી દીધો.
"શું કીધું એમણે ડેડ?" શ્રુતિએ ગભરાઈને સવાલ કર્યો.
"બધું મારાં લીધે થયું છે શ્રુતિ. આ બધા પાછળ હું જ જવાબદાર છું. ના મેં અલયને અહીંથી જવાં દીધો હોત કે ના એ રાશિયામાં જઇને આવો ખતરનાક વાયરસ શોધત."
"તો હવે શું કરશું સર?" સિદ્ધાર્થે એસીપી અભય સામું જોતાં પૂછ્યું.
ત્યાંજ ફરી એસીપી અભયના ફોનની રીંગ વાગી.
સ્ક્રીન પર તે વ્યક્તિનું નામ વાંચીને તેમને ખુબ ખુશી થઇ એવું તેમનાં હાવભાવથી જોઈ શકાતું હતું. તેઓ તરત જ ફોન ઉપાડીને બોલ્યાં, "હેલો..."
"સર, જેમ્સ હિયર...મારે આ ઝોમ્બી વાયરસ વિશે તમને કંઈક જણાવું છે."
"જેમ્સ, હું તને જ ફોન કરવાનો હતો. આ વાયરસ ફેલાતો અટકાવવો જ પડશે. પ્લીઝ યાર શું કરવાનું છે શોધ તું."
"સર, પેલા મારી પૂરી વાત સાંભળી લો પછી આપણે આગળ વાત કરીએ."
"હા, બોલ."
"સર, આ વાયરસ મેં કહ્યું એમ ઝડપથી ફેલાતો જ જશે એટલે મેં અત્યારે એક ઝોમ્બી વાયરસ ધરાવતી વ્યક્તિને મારા ઘરમાં પુરીને એની પર રિસર્ચ કર્યું. જેમાં મને બહુ જ અમુક ચોંકાવનારી વસ્તુઓ જાણવા મળી છે..."
"શું?" એસીપી અભયે અધીરાઈથી પૂછ્યું.
"સર, આ વાયરસ હાલ ડ્રગથી રોગ ફેલાવે છે. તમે મેસેજ કર્યો એમ તે ડ્રગને કન્યુમ કર્યા બાદ સીધુ નાકમાં પ્રવેશ કરવાના લીધે એ જલ્દી શરીરમાં ભળી જાય છે. જેના લીધે તે વ્યક્તિ માત્ર ત્રણ જ મિનિટમાં ઝોમ્બી બનવા લાગે છે. તેની વિચારવાની શક્તિ નાશ પામી જાય છે તેને કશું ભાન નથી રહેતું અને એ પોતાના જેમ જ બીજી વ્યક્તિને આ વાયરસ ફેલાવવા માટે પ્રોત્સાહિત કરે છે એટલે કે બાઈટ કરીને વધુ ફેલાવવાની કોશિશ કરે છે. ઝોમ્બી બન્યા બાદ તેને માત્ર કાચું માંસ ખાવાની તલપ ઉઠે છે. તેને ખાવા માટે માણસ કે પ્રાણી કંઈજ નથી દેખાતું. તે પોતાની નજર સામે જે પણ શિકાર દેખાય એની ઉપર એટેક કરે છે. એક વાત એ પણ છે કે મોટેભાગે ઝોમ્બીનું ધ્યાન તેનાં પરિચિત પર વધુ જાય છે આથી તે તેની તરફ વધુ આકર્ષાય છે.
સર, આ વાયરસમાં રહેલું ઝેર જાપાની બ્લો ફીશમાંથી મળી આવે છે જે દુનિયાનું સૌથી ખતરનાક ઝેર છે. તેને લીધા બાદ તરત જ તે વ્યક્તિની નર્વસ સિસ્ટમ નાશ થવા લાગે છે. એક રીતે જોઈએ તો આ ઝેર લેવાથી વ્યક્તિ કોમામાં જતી રહે પરંતુ ડોકટર અલયે આનું બંધારણ કોઈક બીજી રીતથી બનાવ્યું છે તેમજ તેમાં એક બીજો દ્રવ્ય પણ ઉમેર્યો છે. હવે એ દ્રવ્ય વિશે માત્ર તે જ જણાવી શકશે બીકોઝ મેં ઇન્ડિયાના ટોપ સાયન્ટિસ્ટ સાથે પણ વાત કરી જોઈ બટ નોટ સક્સિડ......" જેમ્સએ ઝોમ્બી વિશે બીજી વધારે માહિતી આપતાં કહ્યું.
"જેમ્સ, વાયરસ ફેલાવવાનું તો તે કહ્યું પણ આને અટકાવી કઈ રીતે શકાય એ શોધવું વધારે જરૂરી છે. પ્રોફેસર મહેતા આના વિશે નહીં જણાવી શકે?"
"નો સર. હી હેઝ નો આઈડિયા. ઈનફેક્ટ બાકીના શહેરોમાંથી પણ મોટા મોટા સાયન્ટિસ્ટો આના માટે રિસર્ચ કરી રહ્યા છે પણ મને નથી લાગતું કે જલદીમાં જલદી આપણે શોધી શકીશું. બંધારણ સમજવા માટે ઓછામાં ઓછા 5-7 દિવસ તો જોઈએ જ તેમજ તેને રોકવા માટેની કોઈ વેક્સીન બનાવવામાં તો વર્ષ જેટલું ખેંચાઈ જાય સિવાય કે અલયસરે કોઈ એન્ટિડોટ નક્કી કર્યો હોય તો."
"નો. ત્યાં સુધીમાં આખું અમદાવાદ મુર્દાવાદ બની જશે. જલ્દી જ કંઈક કરવું પડશે. શહેરની હદ ઉપર પણ હાલત વણસી રહી છે. જલ્દી જ નિયંત્રણ નહીં આવે તો બાકીનાં શહેરોમાં પણ ફેલાતો જશે."
"ઓક્કે સર. હું તમને આગળ કાંઈ પણ જાણવા મળે તો જણાઉં છું."
"ઓક્કે." આટલું કહી એસીપી અભયે ફોન મૂકી દીધો.
"મારાં ફોનમાં પણ હવે નેટવર્ક જતું રહ્યું એવું આવે છે." એસીપી અભય ફોન જોતાં બોલ્યાં.
"આ બધું શું ચાલી રહ્યું છે સર. વી હેવ નો આઈડિયા." સિદ્ધાર્થ અકળાઈને સોફા પર બેસતાં બોલ્યો.
"જુઓ, હમણાં તમે બધા અહીંયા જ રહો જ્યાં સુધી આનો કોઈ ઉપાય ના મળી જાય. એ સિવાય રહી વાત મોહિતની તો એને હમણાં તો ખાવા માટે માંસ મળી ચૂક્યું છે. સો આઈ ડોન્ટ થિન્ક સો કે એ હવે હેરાન કરશે. હું અલયનો કોન્ટેક કરીને કોઈ પણ ભોગે આનો ઉપાય જાણવાનો પ્રયત્ન કરું છું.
શ્રુતિ, તારે બેટા કયો મહિનો જાય છે? કોઈક ડોકટરની વ્યવસ્થા કરવી પડશે કદાચ ઇમર્જન્સી ડિલિવરી થાય તો."
"અરે ડોન્ટ વરી અંકલ, અમે છીએ ને. અમે કરાઈ દઈશું. મેં 3 ઇડિયટ મુવી જોઈ છે." કિયારા એકદમ ફની અવાજે બોલી.
એસીપી અભયની આંખોમાં કિયારાએ પોતાનો બોલાઈ ગયાનો અણગમો પારખી લીધો.
"સર, આખા શહેરમાં નેટવર્ક જતું રહ્યું છે. છેલ્લે અડધો કલાક પહેલાં વૉટ્સઅપ પરથી બધી અપડેટ જાણવા મળ્યું. હવે ફોન પણ કોઈને કેમ કરશું?!"
"આપણી પાસે પણ એક ઝોમ્બી મેન છે. આપણે એની ઉપર કંઈક પ્રયત્નો કરી જોઈએ તો?!" એસીપી અભયે કંઈક વિચારતાં કહ્યું.
"પણ સર... આપણી પાસે કોઈ ટેબલ કે ચેર ક્યાં છે જ અને ભૂલથી એણે આપણામાંથી કોઈકને બાઈટ કરી દીધું તો???" સબ ઈ. દીપેશ બોલ્યાં.
"જો આમ હાથ પર હાથ રાખીને લાંબો સમય સુધી નહીં બેસી રહેવાય. બહાર જવામાં પણ ખતરો છે. અહીંયા રહીને કંઈક કરવું એ જ એકમાત્ર વિકલ્પ છે. તારે મદદ કરવી હોય દીપેશ તો કર નહીંતો તું તારા ઘરે જઈ શકે છે." એસીપી અભયનાં અવાજમાં પારાવાર ઝૂનૂન દેખાતું હતું.
"સરને ખબર છે કે હું એમને મૂકીને ક્યાંય નહીં જવાનો એટલે જ હાથે કરીને એવું બોલે છે. આ ઝોમ્બી તો મારો જીવ લઈને જપશે." સબ ઈ. દીપેશ મોઢું વાંકુ કરતાં મનમાં બોલ્યાં.
"સર, હું પણ તમારી મદદ કરીશ." સિદ્ધાર્થે આગળ વધીને કહ્યું.
"સારુ. તું અને હું મોહિતને પકડીશું અને દીપેશ તું છોકરીઓને લઈને ઉપરનાં માળે જતો રહે."
"પણ સર... હું મદદ કરું છું ને તમારી." સબ ઈ. દીપેશ મનોમન ખુશ થતાં પરાણે બોલ્યાં.
"ના ના... છોકરીઓની સેફટી પણ જરૂરી છે. તું એક કામ કર. ઉપર લેપટોપમાં આઈપી એડ્રેસ કનેક્ટ કરીને ફોનથી વાતચીત થઇ શકે એવી વ્યવસ્થા કર."
"ઓક્કે સર."
"શ્રુતિ, તું ધ્યાન રાખજે બેટા. આઈ નો તારે છેલ્લાં સમયમાં સીડીઓ ન ચઢાય પણ પ્લીઝ બેટા, અહીંયા રહેવામાં જોખમ છે."
"થેન્ક્યુ ડેડ. તમે મને આટલું સમજ્યા એ જ મારાં માટે બહુ મોટી વાત છે. હવે તો આ સીડીઓ હું દોડતાં દોડતાં ચઢી જઈશ."
એસીપી અભય પોતાનો હાથ શ્રુતિ પર રાખીને મુસ્કુરાયા. સિદ્ધાર્થ અને અભયને છોડીને બાકીનાં બધા ઉપર સીડીઓ ચઢવા લાગ્યાં.
"સિદ્ધાર્થ, આપણે મોહિતનો સામનો ચતુરાઈથી કરવો પડશે. પહેલાં એનું ધ્યાન ના પડે એમ પાછળથી આવીને એનાં માથાં પર ઘા કરવો પડશે. જેમ્સએ કહ્યું એમ આ ઝોમ્બીમાં તેમનું માથું બહુ નાજુક વસ્તુ છે. તેઓ એક પ્રકારનાં કોમા પેશન્ટની જેમજ હોય છે જેને ખબર બધી પડે પણ રિયેક્ટ ના કરી શકે, જયારે ઝોમ્બી બનીને તે વ્યક્તિનું મગજ સુઈ જતું હોય છે પણ એનું રિએકશન બહુ ઘાતકી નીકળતું હોય છે એટલે જો આપણે એનાં મગજ પર જરાં અમથો પણ ઘા કરીશું તો તેનું મગજ જાગૃત અવસ્થામાં પહોંચી જશે અને એ ઝોમ્બીની જેમ રીએક્ટ નહીં કરે. આપણી પાસે માત્ર દસ જ મિનિટનો ગાળો હશે કારણકે દસ મિનિટ બાદ ફરી તેનું મગજ અજાગૃત અવસ્થામાં પહોંચી જશે. મતલબ ફરી ઝોમ્બી... સમજ્યો?"
"હા, ઓક્કે સર. સમજી ગયો. હમ્મ આઈ હેવ એન આઈડિયા. હું મોહિતને આગળનાં દરવાજાથી વારેવારે દરવાજો ખોલ બંધ કરીને તેનું માઈન્ડ ડાયવર્ટ કરીશ અને તમે પાછળ સ્લાઈડીંગ વિન્ડો ખોલીને ત્યાંથી પ્રવેશી પાછળથી તેનાં માથાનાં ભાગે પ્રહાર કરી દેજો." સિદ્ધાર્થે ચતુરાઈપૂર્વક જવાબ આપતાં કહ્યું.
"ગુડ આઈડિયા. ઓક્કે તો હું જઉં છું પાછળ. તું બે મિનિટ બાદ તેનું ધ્યાન વાળવામાં લાગી જજે. જોજે કોઈ ભૂલ ન થાય. આપણને આવો મોકો વારેવારે નહીં મળે." આટલું કહી એસીપી અભય અંગુઠો બતાવીને હાથમાં લાકડાની સ્ટિક લઈને પાછળનાં દરવાજા તરફ ગયાં.
સિદ્ધાર્થ પણ કંઈક વિચારીને રસોડામાં જઈને વેલણ લઈ આવ્યો. બે મિનિટ જોયા બાદ તેણે દરવાજાનાં હેન્ડલ પર પોતાનો હાથ રાખ્યો ને એક ઊંડો શ્વાસ પોતાનાં શરીરમાં સમાવ્યો. શ્વાસ છોડતાં જ તેણે સહેજ દરવાજો ખોલ્યો તો સામે મોહિત નંદિશનાં આખા શરીરને ખાઈ ચૂક્યો હતો અને તે નંદિશનાં પગનાં પિંડીને હાથમાં લઈને ચિકનટાંગ હોય એમ છોતરા ઉડાડીને ઉડાડીને ખાઈ રહ્યો હતો. મોહિતનો ચહેરો અને નીચે જમીન આખી લોહીથી તરબતર હતી. મોહિતનો ચહેરો ઓળખાવવો પણ મુશ્કેલ હતો. સિદ્ધાર્થે તરત મોઢું બગાડીને દરવાજો બંધ કરી દીધો. મોહિતનું ધ્યાન દરવાજો બંધ થતાં જ તેની ઉપર પડ્યું પણ દરવાજો બંધ થઇ જતાં તે ફરી પોતાનાં હાથમાં રહેલી ટાંગને પક્ડીને ખાવા લાગ્યો. સિદ્ધાર્થને ઘડીક તો થયું કે તેને આ જોઈને વોમિટ થઇ જશે અને આવું વિચારતાં જ તેને એક ઉબકો આવી પણ ગયો. તે આંખો બંધ કરીને ભગવાનને યાદ કરવા લાગ્યો.
આ વખતે સિદ્ધાર્થે નક્કી કર્યું હતું કે તે માત્ર વિન્ડો પર નજર નાખશે જેથી તેનું ધ્યાન ન ભટકે. સિદ્ધાર્થે ફરી દરવાજો ખોલ્યો અને અંદર વિન્ડો તરફ નજર કરી તો એસીપી અભય વિન્ડો ખોલવામાં સફળ થઇ ચૂક્યા હતાં. સિદ્ધાર્થે મુસ્કુરાઈને દરવાજો બંધ કરી દીધો. એસીપી અભય પણ અંદર હળવે રહીને પહોંચવામાં સફળ થઇ ગયાં હતાં પણ અત્યાર સુધી શાંત બેઠેલો મોહિત બીજી વખત સિદ્ધાર્થની હરકતથી ચિડાઈ ગયો હતો. તે હવે જોરજોરથી હસીને ઉભો થઈને દરવાજા પાસે જ ઉભો જ રહી ગયો જેથી જો સિદ્ધાર્થ ફરી દરવાજો ખોલે તો તે તેને પકડી લે. એસીપી અભયનાં ધ્યાનમાં આ વાત આવી ગઈ.
આ વાતથી અજાણ સિદ્ધાર્થ ત્રીજી વખત દરવાજો ખોલવા ગયો કે ત્યાંજ એસીપી અભયે મોહિતનું ધ્યાન વાળવાં વિન્ડો પાસે બેડની બાજુમાં રહેલાં ટેબલ પર ફ્લાવર વાઝ નીચે પછાડ્યો, જેથી મોહિતનું ધ્યાન દરવાજાથી હટીને એસીપી અભય ઉપર પડ્યું.
********************
કિયારા ઉપર રૂમમાં ડેસ્ક પર બેઠી બેઠી મેગેઝીન જોઈ રહી હતી. ઇવા રૂમની બાલ્કનીમાં ઉભી રહીને બહારનો નજારો જોઈ રહી હતી. આખી રાતનો ઉજાગરો દરેકનાં ચહેરાં પર વર્તાઈ રહ્યો હતો.
"કેટલી નીરવ શાંતિ છે?" ઇવાએ બહાર નજર કરતાં જ કહ્યું.
"હજુ અહીંયા સુધી ઝોમ્બી નથી પ્રવેશી ગયાં એટલે શાંતિ છે." શ્રુતિ બેડ પર આડી પડીને પોતાનાં પેટ પર હાથ ફેરવતી બોલી રહી. કિયારાએ ઇવાની વાત પર મોઢું બગાડ્યું.
"કિયારા, તે દીપને શું જોઈને બોયફ્રેન્ડ બનાવ્યો હતો?" ઇવાએ સિદ્ધાર્થની ઝલક પોતાની આંખોમાં સમાવી પૂછ્યું.
"મને એનાથી માત્ર ડ્રગ રિલેટેડ જ કામ હતું. એ મારાં સર્કલમાં કોઈને કહી ના દે એટલે એવા બબુચક જોડે નાટક કર્યું." કિયારા બિન્દાસ્ત બની બોલી રહી.
"આઈ હોપ ડેડ ઠીક હોય." ઇવાએ કંઈક વિચારતાં કહ્યું.
"ડેડ સુધી આ વાયરસ પહોંચશે જ નહીં. ડોન્ટ વરી. બસ આ બધું પતે એટલે હું સિદ્ધાર્થને પ્રપોઝ કરીશ અને પછી એને ડેડ સાથે મળાવીશ." કિયારાએ ખુશ થતાં કહ્યું.
કિયારાની વાત સાંભળીને ઇવાના ચહેરાં પર ઉદાસી છવાઈ ગઈ. જેની નોંધ શ્રુતિએ લીધી.
"મને તો સિદ્ધાર્થની આંખોમાં પ્રેમ ઇવા માટે દેખાતો હતો.તારે એકવાર સિદ્ધાર્થને પૂછી લેવું જોઈએ." શ્રુતિએ કિયારા સામું જોઈને જવાબ આપ્યો.
કિયારાનું મોઢું પડી ગયું. તે ઉભી થઈને ત્યાંથી જવાં માંગતી હતી પણ તે સબ ઈ. દીપેશની બાજુમાં બેસી જઈને બેસી ગઈ. સબ ઈ. દીપેશ લેપટોપમાં પોતાને સોંપાયેલ કામ કરી રહ્યા હતાં.
થોડી વાર થઇ ત્યાં જ શ્રુતિએ પેટ પર હાથ રાખીને જોરથી
ચીસ પાડી. બધાનું ધ્યાન તેની ઉપર ગયું. ઇવા દોડીને શ્રુતિ પાસે આવીને પૂછવા લાગી, "શું થયું દી?"
"બહુ જ પેઈન થાય છે અને માથું પણ ખૂબ દુઃખી રહ્યું છે. આંખો આગળ અંધારું છવાઈ રહ્યું છે." શ્રુતિ હાંફતા હાંફતા બોલી.
"જુઓ લાગે છે ડિલિવરી થવાની છે. એક કામ કરો. નીચે જવું તો યોગ્ય નથી. તમે બેઉ બાજુનાં રૂમમાં ડિલિવરી કરી શકાય એની તૈયારી કરો. હું શ્રુતિને ઊંચકીને ત્યાં સુવડાવું છું." સબ ઈ. દીપેશ ઇવા અને કિયારાને સમજાવતા બોલ્યાં.
ઇવા અને કિયારા બંને દોડીને ત્યાંથી બાજુનાં રૂમમાં જવાં નીકળી ગયાં. સબ ઈ. દીપેશ શ્રુતિને ઊંચકવા માટે જેવા વાંકા વળ્યાં કે ત્યાં જ શ્રુતિમાં અચાનક પરિવર્તન આવવા લાગ્યું. સબ ઈ. દીપેશનું ધ્યાન શ્રુતિ ઉપર બિલકુલ નહોતું પડ્યું જે ધીરે ધીરે ઝોમ્બીમાં પરિવર્તિત થઇ રહી હતી. તેઓ જેવા હાથ આગળ કરીને શ્રુતિને તેડવાં ગયાં કે શ્રુતિએ સબ ઈ. દીપેશની પહેલી આંગળી પોતાનાં દાંતોથી દબાવીને સીધી ખટ કરતી ખેંચી કાઢી. સબ ઈ. દીપેશ જોરથી રાડ પાડી ઉઠ્યા. ઇવા અને કિયારાએ દોડીને દરવાજા પાસે ઉભા રહીનેઆ દ્રશ્ય જોયું તો તેમની આંખો પહોળી થઇ ગઈ.
ઇવા દોડવા ગઈ અંદર પણ કિયારાએ તેને પકડી લીધી. તેમ છતાં ઇવા હાથ છોડાવીને અંદર પહોંચીને સબ ઈ. દીપેશનો ખભો પક્ડીને પોતાનાં હાથો વડે પક્ડીને ખેંચવા લાગી. એ સાથે જ સબ ઈ. દીપેશની આંગળી તૂટીને શ્રુતિનાં જડબાઓમાં અટવાઈ રહી. ઇવાએ સબ ઈ. દીપેશને ખેંચીને બહાર કાઢી લીધા અને દરવાજો બહારથી બંધ કરી દીધો.
આ તરફ મોહિત એસીપી અભયને જોઈને તેમની તરફ જીભ લપલપાવતો આવી રહ્યો હતો. એસીપી અભયનાં ચહેરાં ઉપર પણ ઘડીક ભય આવી જ ગયો. સિદ્ધાર્થે દરવાજો ખોલ્યો તો તે પણ ચોંકી ગયો. તેને ખિસ્સામાં ખોસેલું વેલણ કાઢીને મોહિતનાં માથાં પાસે છૂટું હવામાં ફેંક્યુ અને એ તેનાં યોગ્ય સ્થાને લાગતા મોહિત એસીપી અભય પાસે પહોંચે એ પહેલાં જ તે નીચે જમીન પર ઢળી પડ્યો. એસીપી અભયને પણ હાશકારો થયો. સિદ્ધાર્થે પણ "થેન્ક ગોડ" બોલીને શ્વાસ છોડ્યો. ત્યાંજ ઉપરથી સબ ઈ. દીપેશની ચીસ સંભળાઈ. એસીપી અભયે સિદ્ધાર્થ સામું જોયું. એસીપી અભય ગભરાઈને દોડતાં ઉપર તરફ ગયાં. ત્યાં સુધીમાં તો તેમને ઇવા અને કિયારાનો બુમાબુમ કરતો અવાજ પણ સંભળાયો.
એસીપી અભય દોડીને ઉપર પહોંચીને શ્રુતિને શોધવા લાગ્યાં. દરવાજા પાસે સબ ઈ. દીપેશની લોહીથી ખરડાયેલી આંગળીમાંથી હજુ પણ રક્ત નીચે ટપકી રહ્યું હતું. ઇવા રેલિંગને અડીને નીચે બેસીને નાના બાળકની જેમ રોઈ રહી હતી.
કિયારાએ આગળ વધીને એસીપી અભયને થયેલ પરિસ્થિતિથી વાકેફ કર્યા. એસીપી અભયને આ સાંભળીને ખૂબજ ગુસ્સો આવ્યો. ત્યાંજ સિદ્ધાર્થ પણ સીડીઓ ચઢતો ઉપર આવ્યો. એસીપી અભય સિદ્ધાર્થની સામું ગુસ્સાભરી નજરોથી જોઈ રહ્યા હતાં.
શ્રુતિ એક તરફ દર્દથી ચીસો પાડી રહી હતી તો એક તરફ ઝટકા શરીરમાં વાગતાં ઝોમ્બી જેવી પ્રતિક્રિયાઓ દઈ રહી હતી. ત્યાંજ તેણે બે પગ પહોળા કર્યા અને જોરથી દર્દ વેઠીને બાળક બહાર લાવવા માટેનું જોર કર્યું અને એ સાથે જ તેનાં ગર્ભાશયમાંથી બાળક છૂટું પડીને ચિકણા પ્રવાહી અને તૂટેલી કોથળી સાથે બેડ પર પડ્યું. શ્રુતિની આંખોમાં માઁ બન્યાની ખુશીનાં આંસુ હજુ બહાર આવે એ પહેલાં જ તેની નજર પોતાનાં જ બાળક પર ક્રૂરતાભરી ફરી રહી હતી.
(આ માત્ર કાલ્પનિક વાર્તા છે. તેમાં દર્શાવેલ પાત્રો /દ્રશ્ય /સ્થળ બધું જ કાલ્પનિક છે. વાર્તાનો હેતુ માત્ર મનોરંજન પીરસવાનો છે. જેની નોંધ લેવી. આપને સ્ટોરી ગમે તો આપનો પ્રતિભાવ ચોક્કસ જણાવજો.)