તે ઝોમ્બી ધીરે ધીરે એસીપી અભય તરફ જ આવી રહ્યો હતો ને તેણે દોડીને એસીપી અભયનાં હાથ પર હુમલો કર્યો પણ તેમણે જેકેટ ઉતારીને આગ તરફ નાખ્યું એ સાથે જ ઝોમ્બી પણ તે આગની ચપેટમાં આવી ગયો.
એસીપી અભયનો શ્વાસ ચઢી ગયો. પણ તેમણે જોયું તો એ ઝોમ્બી સળગતા શરીરે તેમની ઉપર એટેક કરવા દોડ્યો. એસીપી અભય સીડીઓ ઉતરીને નીચે દોડવા લાગ્યાં. પાર્ટીની લાલ ભૂરી લાઈટો હજુ પણ ફોક્સ પાડી રહી હતી. એસીપી અભય પાછળ જોવામાં ધ્યાન ના રહેતાં નીચે પડી ગયાં. તે ઝોમ્બી તેમનાથી માત્ર પાંચ ફૂટના અંતરે હતો.
એસીપી અભયને લાગ્યું કે હવે તેમનો જીવ ચોક્કસ ગયો એટલે તેમણે આંખો બંધ કરી દીધી. બે સેકન્ડ સુધી કાંઈ ના થતાં તેમણે આંખો ખોલીને જોયું તો ઝોમ્બી બ્લુ લાઈટનાં ફોક્સથી ભાગી રહ્યો હતો જે એસીપી અભય પરજ પડતો હતો. એસીપી અભય તરત ઉભા થયાં અને દરવાજા તરફ દોડ્યા. પ્લાન મુજબ તેમણે બહાર રહેલાં ઝાડ પર ચઢીને ત્યાંથી ગાડી ઉપર છલાંગ મારવાની હતી. તેઓ ઝાડ ઉપર ચઢવા લાગ્યાં. સબ ઈ. દીપેશનું ધ્યાન તેમની ઉપર જતું રહ્યું. તેમણે પણ ગાડીનો છેલ્લો આંટો એક તરફ લગાવી ઝાડ તરફ ગાડી જવાં દીધી. એસીપી અભયે તરત ગાડી નીચે આવતાં છલાંગ લગાવી પણ તેમનો પગ અડધો બહાર રહી ગયો જે ઝોમ્બીએ પકડી લીધો. તેમણે જોરથી લાત મારીને તે ઝોમ્બીને ધક્કો લગાવી દીધો. એ સાથે જ સબ ઈ. દીપેશે ગાડીને રિંગ રોડ તરફ આગળ ભગાવી મૂકી.
"શું થયું સર? કાંઈ મળ્યું?" સબ ઈ. દીપેશે એસીપી અભય સામું જોતાં પૂછ્યું.
એસીપી અભયનો શ્વાસ ખૂબજ ફુલાઈ ગયો હતો. તેમનાં ધબકારા ધમણની માફક દોડી રહ્યા હતાં. સબ ઈ. દીપેશે પાણીની બોટલ તેમની તરફ ધરી.
"સર, સોરી પણ ભલભલાને હંફાવનાર આજે ખુદ હાંફી રહ્યા છે." આટલું કહી સબ ઈ. દીપેશ હસવા લાગ્યાં.
"મારી ઉંમરે પહોંચ પહેલાં. સીધો ઉભો પણ નહીં રહી શકે. આ તોન્દ પહેલાં અંદર કર આયો મોટો મને ટોન્ટ મારવાં."
"મારું જેકેટ તમે સ્વાહા કરીને જ આવશો. મને ખબર જ હતી."
"બીજું અપાઈ દઈશ. રો માઁ."
"અમેરિકાથી મારાં ફોઈ સાસુમાંએ મોકલાવ્યું હતું. બોલો લાઈ દેશો અમેરિકાથી?"
"દીપેશ, શ્રુતિ ઠીક તો હશે ને ત્યાં?"
"સર, એ ત્યાં છે એટલે સેફ છે. અહીંયા હોત તો તમારે પણ મારી જેમ બળતરા થાત."
"હમ્મ. આ જો મને શું મળ્યું!" એમ કહી એસીપી અભયે પોકેટમાંથી ડ્રગનું પેકેટ કાઢીને બતાવ્યું.
"સર, અહીંયા ઝોમ્બી નામનો વાયરસ ફેલાઈ ગયો છે ને તમને ગાલો પર પાવડર લગાવાની પડી છે!"
"દીપેશ, એક ખૂન માફ હશે ને તો હું સૌથી પહેલાં તારું કરીશ. આ કોઈ નોર્મલ પાઉડર નથી; ડ્રગ પાઉડર છે."
"સર, તમે હજુ ડ્રગ કેસમાં જ પડ્યાં છો. આપણે આ વાયરસ માટે ઇન્વેષ્ટિગેટ કરવાનું છે. લાગે છે તમારી ડગળી ચસકી ગઈ છે." સબ ઈ. દીપેશ આટલું કહી હસવા લાગ્યા.
"પહેલાં મારી પૂરી વાત સાંભળ. પછી તારી બકબક કરજે." એસીપી અભય સબ ઈ. દીપેશના માથે ટપલી મારતાં બોલ્યાં.
"બોલો."
"આ ડ્રગ લીધા પછી જ વાયરસ ફેલાયો છે."
"તમે આવું ચોક્કસ કઈ રીતે કહી શકો?"
"આખી પાર્ટીની પબમાં લાશો સિવાય કશું જ નથી અને ઉપર રૂમમાં બે લોકોની ગંદી લાશ પડી હતી અને એક તિજોરી પણ ખુલ્લી હતી જેમાં આ ડ્રગનો માલ હતો. હવે આ વિડીયો જો. જેણે પણ ઉતાર્યો એમાં પાછળ જો સીડીઓ પરથી ઝોમ્બી ઉતરી રહ્યો છે અને પછી જ અફરાતફરી મચી ગઈ હતી. સીસીટીવી પ્રમાણે જેવા દસ લોકો ઉપર ગયાં અને પછી થોડીવાર બાદ નીચે આવ્યા તો તેઓ ઝોમ્બી બનીને આવ્યા સમજ્યો."
"અચ્છા, સમજી ગયો. પણ હવે શું કરશું? વાયરસ તો ક્યાંથી અને કેવી રીતે ફેલાયો એ તો સમજાયું પણ એ જશે કેવી રીતે એ કેમ જાણશું?"
"મને લાગે છે આ એક બહુ જ વિચારીને કરેલું કામ છે. ટ્રક માત્ર અમદાવાદમાં જ લાવવામાં આવ્યો હતો એટલે ડ્રગને બીજે ક્યાંય ફેલાવા ના દેવાની યોજના હતી. બીજી વાત એ કે માત્ર મારાં જ નંબર પર એવો મેસેજ આવ્યો હતો કે અમદાવાદમાં સૌપ્રથમ ડ્રગ લાવવામાં આવવાનું છે. રોકી શકું તો રોકી લઉં! આવો મેસેજ પણ માત્ર મને જ કેમ કરવામાં આવ્યો. ડ્રગ ડીલર કોઈ હતું જ નહીં દીપેશ!" એસીપી અભય મગજ પર જોર લગાવીને કંઈક યાદ કરતાં બોલ્યાં.
"મતલબ? ડ્રગ ડીલર ખુદ ઝોમ્બી બનીને બધાને ખાતો હશે તબિયતથી." આટલું કહી સબ ઈ. દીપેશ જોરજોરથી હસવા લાગ્યાં.
"સ્ટોપ યાર. અહીંયા હું એક એક કડીને જોડીને કોઈ પ્રોપર સ્ટેટમેન્ટ પર આઈ રહ્યો છું ને તને મજાક સૂઝે છે." એસીપી અભય ચિડાઈને બોલ્યાં.
"સોરી, સર." સબ ઈ. દીપેશ નીચું જોઈ ગયાં.
"ડ્રગ ડીલર કોઈ હતું જ નહીં. આ બધું પહેલેથી કરેલી એક યોજના હતી. ડ્રગને ફેલાવવાનો જ માત્ર ઈરાદો નહોતો પણ મને પણ લાચાર કરીને આ પરિસ્થિતિ ઉભી કરીને મને હેરાન કરવાનો પણ ઈરાદો હતો. આ બીજું કોઈ નહીં પણ એક જ વ્યક્તિનું કામ હોઈ શકે!" એસીપી અભયનાં ચહેરા પર તણાવની રેખાઓ ખેંચાઈ ગઈ.
"કોણ સર?" સબ ઈ. દીપેશે ગભરાતા પૂછ્યું.
*********************
"સિડ, રૂમમાંથી બહુ જ વાસ આવી રહી છે. મોહિતને ક્યાં સુધી રૂમમાં બંધ રાખીશું?"
"મને નથી ખબર પડતી ઇવા. મોહિતને આમ એકલો પણ મૂકાશે નહીં.
અંદર કોઈ બહારથી જોઈ શકાય એવી વિન્ડો છે?" સિદ્ધાર્થે શ્રુતિ સામું જોતાં પૂછ્યું.
શ્રુતિએ જવાબમાં ડોકું હલાવ્યું. સિદ્ધાર્થે કિયારાને ઇવાનું અને શ્રુતિનું ધ્યાન રાખવાનું કહ્યું અને પોતે સાથે એક લોખંડનો પાવડો લઈને પાછળનાં દરવાજા તરફ ગયો. ત્યાં બેડરૂમની બારી પડતી હતી. સિદ્ધાર્થ ધીમા પગલે આગળ વધ્યો. તેણે સહેજ ડોકું બારી તરફ ઘુમાવીને જોયું તો તેની આંખોનાં ડોળા પહોળા થઇ ગયાં. મોહિત બેડરૂમ અને બાથરૂમની વચ્ચે બેઠો બેઠો કંઈક ખાઈ રહ્યો હતો. તેનું મોઢું અને બંને હાથો લોહીલુહાણ હતું. સિદ્ધાર્થ થોડો વધુ આગળ વધ્યો અને જોયું તો તેનાં ગળામાંથી નીકળેલી ચીસ તેણે પોતાનાં હાથો વડે દબાવીને પાછી ખેંચી લીધી.
મોહિત ત્યાં વચ્ચે બેસીને કોઈક વ્યક્તિની લાશનાં છોતરા ઉખેડીને ઉખેડીને ખાતો હતો. ચહેરો સંપૂર્ણપણે ખવાઈ ગયો હતો પણ માથાનાં ઉપલા વાળ વાળો ભાગ હજુ શેષ હતો જેનાં પરથી સિદ્ધાર્થને ખ્યાલ આવ્યો કે તે કોઈ પુરુષ જ હતો. મોહિતની આંખો લાલઘુમ થઇ ગઈ હતી. તેનું આ નવું રૂપ ઓળખાવું પણ અઘરું થઇ ગયું હતું.
સિદ્ધાર્થ પાછો ત્યાંથી નીકળીને મેઈન હોલમાં આવ્યો. તેનાં ચહેરાં પરનાં હાવભાવ જોઈને ઇવા અને કિયારા સમજી ગયાં કે કંઈક ભય ઉપજાવે એવું થયું છે. શ્રુતિનું ધ્યાન હજુ સિદ્ધાર્થ તરફ નહોતું પડ્યું પણ કિયારાએ જોરથી સિદ્ધાર્થ તરફ જોતાં પૂછ્યું, " શું થયું?" એ સાથે જ તેની નજરો પણ સિદ્ધાર્થ પર મંડાઈ ગઈ.
સિદ્ધાર્થ આઘાતમાં આવીને શ્રુતિ પાસે પહોંચ્યો.
"શું થયું?" શ્રુતિએ અજાણ્યા બનતા પૂછ્યું.
"રૂમમાં કોણ છે?" સિદ્ધાર્થ આટલું માંડ બોલી શક્યો.
"તમારો ફ્રેન્ડ મોહિત છે. મને શું કામ પૂછે છે?" શ્રુતિ નજરો ચોરાવતા બોલી.
"મોહિત સિવાય કોણ છે?" સિદ્ધાર્થનો અવાજ થોડો ઊંચો થયો.
શ્રુતિ અચાનક આ સવાલથી ગભરાઈ ગઈ. તે આજુબાજુમાં નજરો કરીને પોતાનાં મગજમાં ઘુમરાતા ઝંઝાવાતને શાંત કરવા માંગતી હતી.
"મેં તમને કંઈક પૂછ્યું." સિદ્ધાર્થે ફરી શ્રુતિને હલાવતા પૂછ્યું.
"માય ફકિંગ હસબન્ડ." શ્રુતિ જોરથી ચિલ્લાઈને બોલી.
"તો એને ત્યાં શું કામ મરવા માટે મૂકી દીધો." કિયારાએ નવાઈ પામતાં પૂછ્યું.
"એ ઓલરેડી ડેડ જ છે." શ્રુતિ રડતાં રડતાં બોલી રહી.
"મતલબ?" ઇવાએ પૂછ્યું.
"મેં જ એને મારાં હાથોથી મારી નાખ્યો અને પોતે પણ ગળાફાંસો ખાવા જઈ રહી હતી પણ ત્યાંજ અચાનક તમે લોકો આવી ગયાં. મને શું ખબર કે તમારામાંથી જ કોઈ નંદિશને ચીરીને ખાઈ જશે." શ્રુતિ નિરસ અવાજે બોલી રહી.
"બટ તમે શું કામ તમારાં પતિનો જીવ લીધો?" સિદ્ધાર્થે હેરાનીથી સવાલ કર્યો.
"હું એનાં લીધે બધાથી દૂર થઇ ગઈ. મારાં આવનાર બાળકને પણ હું શું જવાબ આપત એટલે ખુદ પણ મોતને ભેટવાં જઈ રહી હતી. નંદિશ આજથી બે વર્ષ પહેલાં મને કોલેજમાં સિનિયર તરીકે મળ્યો હતો. અમે બેઉ જલ્દી જ એકમેકના પ્રેમમાં પડી ગયાં. મારાં પપ્પા પોલીસમાં હતાં. તેઓએ મને નાનપણથી એકલા હાથે ઉછેરી હતી. તેમને નંદિશ નહોતો ગમતો. તેમણે મને ખૂબ રોકી પણ હું ન રોકાઈ. છેલ્લે જયારે મને મારી પ્રેગ્નેન્સીની ખબર પડી તો મેં નંદિશ સાથે મળીને પ્લાન બનાવ્યો. ડેડનાં મુજબ હું લંડનમાઁ છું. મેં તેમની સાથે વાત કરવાની પણ બંધ કરી દીધી છે. ડેડએ મારાં ગયાં બાદ નંદિશ પર ખોટા આરોપો લગાવ્યા અને તેને છ મહિનાની જેલ થઇ. છ મહિના સતત મેં જેલનાં ચક્કરો ખાધા અને તેને છોડાવવાની લાખ મહેનત કરી પણ અંતે નંદિશની હકીકત મારી સામે આવી. તેને મારી સાથે માત્ર મારાં પૈસા પૂરતો સંબંધ હતો. પપ્પા પણ સાચા હતાં. તે એક ડ્રગ એડિક્ટ હતો. તે નશામાં ઘરે આવ્યો અને મને કાંઈ ન સૂઝતાં તેને મારીને મેં પણ જીવન ટૂંકાવી દેવાનું વિચાર્યું."
"શ્રુતિ, તમે ખૂબ બહાદુર છો. તમે નસીબદાર પણ છો કે તમારાં પિતા તમારાં માટે ખૂબ પ્રેમાળ છે. બસ એટલું જ કહેવા માંગુ છું કે તમે તમારાં પિતાને પૂરી સચ્ચાઈ જણાવી દો. એ તમને જરૂર માફ કરી દેશે. ડર માત્ર એક અહેસાસ છે. તમે મગજમાંથી એ ડર કાઢી દો કે તમારાં પપ્પા તમારી વાત જાણ્યા બાદ ગુસ્સે થશે કે હર્ટ થશે. બસ કહી દો... કદાચ એક બે દિવસ નહીં બોલાવે પણ પછી એમનું પણ હૃદયપરિવર્તન થશે." સિદ્ધાર્થે શ્રુતિનાં હાથમાં પોતાનાં હાથ મૂકી હિંમ્મત આપતાં કહ્યું.
"પપ્પાને એવું છે કે હું લંડનમાં છું. મેં અહીંથી નીકળ્યા બાદ કેટલાય મહિનાથી તેમની સાથે કોઈજ પ્રકારે વાત પણ નથી કરી. અચાનક કરીશ તો...."
"શ્રુતિ, તમે જ કહ્યું કે તમારાં પિતા પોલીસમાં છે તો એમના માથે પણ મોટું સંકટ ફરતું હોવું જોઈએ. બહારની પરિસ્થિતિ જોતાં તમારે ચોક્કસ એમને ફોન કરીને બધું જણાવી દેવું જોઈએ." સિદ્ધાર્થ સમજાવી રહ્યો.
"હું ફોન પર નહીં વાત કરી શકું. પ્લીઝ તું કાંઈ પણ કહીને એમને અહીં બોલાવ ને?!" શ્રુતિએ હાથ જોડતા કહ્યું.
"ઓક્કે રિલેક્સ. ગીવ મી અ નંબર."
સિદ્ધાર્થે ફોન લગાવ્યો.
"હેલો સર?"
"કોણ?"
"સર, મારી પાસે આ ઝોમ્બી વાયરસનાં રિલેટેડ બહુ જરૂરી મેસેજ છે."
"વ્હૉટ? શું છે એ? એન્ડ હુ આર યુ?"
"હું જે એડ્રેસ આપું. ત્યાં કલાકમાં પહોંચી જાઓ. 20 ગ્રીનવુડ બંગ્લોઝ, બોપલ." આટલું કહી સિદ્ધાર્થે ફોન કાપી નાખ્યો.
"બાયધવે તારા ડેડનું નામ શું છે?" સિદ્ધાર્થે મલકાતાં પૂછ્યું.
"એસીપી અભયસિંહ રાઠોડ."
"વ્હૉટ, એસીપી? અને મેં એમની સાથે આવી રીતે વાત કરી. શીટ મેન... હાઉ આઈ એમ ક્રેઝી! મને ઝોમ્બીનાં હવાલે કરી દેશે એ."
"શું બોલે છે સિડ?" ઇવાએ સિદ્ધાર્થ પાસે આવીને કહ્યું.
"ઇવા, યુ ડોન્ટ નો. એસીપી અભય સર શું છે એ મને જ ખબર છે."
"કેમ, તું કેવી રીતે ઓળખે ડેડને?" શ્રુતિએ નવાઈ પામતાં પૂછ્યું.
"અરે, એ મારાં ગુરુ છે. એમની ઝીણામાં ઝીણી વાત મને ખબર છે. ડાય હાર્ડ ફેન યુ નો."
"ઓહહ શટ અપ. એન્ડ હવે આ મોહિતનું શું કરવાનું છે?" કિયારાએ અકળાઈને પૂછ્યું.
"મોહિત આજની રાત તો કદાચ વ્યસ્ત રહેશે એન્ડ હા નંદિશનાં મર્ડર માટે તું જવાબદાર પણ નહીં ગણાઉં." સિદ્ધાર્થે હસતાં હસતાં જવાબ આપ્યો.
"વ્હૉટ ડુ યુ મીન?" શ્રુતિએ પૂછ્યું.
"બીકોઝ મોહિત ઝોમ્બી બની ગયો છે એન્ડ એને હવે ખાવા માટે માંસ ને એવું જ જોઈશે જેનો રસ્તો એણે જાતે જ કરી નાખ્યો. બાથરૂમમાં નંદિશની લાશ પડી હતી એને એ શાંતિથી બેઠો બેઠો ખાઈ રહ્યો છે."
"સિડ, તને આ શું બધું નોર્મલ લાગે છે! એક વ્યક્તિની લાશ મોહિત બેરહેમથી ખાઈ રહ્યો છે અને તને આમાં હસું આવે છે." ઇવા ચિડાઈને બોલી.
"લિસન ઇવા, જ્યાં સુધી શ્રુતિએ મને કાંઈ નહોતું કહ્યું ત્યાં સુધી મને નહોતું ગમ્યું પણ હવે એવું લાગે છે કે એની સાથે જે પણ થયું એ યોગ્ય થયું છે." સિદ્ધાર્થે સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું.
"મોહિત આમ ક્યાં સુધી રહેશે?" શ્રુતિએ સિદ્ધાર્થ અને ઇવા સામું જોતાં પૂછ્યું.
"કદાચ સર જ હવે આના વિશે જણાવી શકે." સિદ્ધાર્થે શ્રુતિની આંખોમાં જોતાં જવાબ આપ્યો.
********************
"કોણ સર?" સબ ઈ. દીપેશે ગભરાતા પૂછ્યું.
ત્યાંજ એસીપી અભયનાં ફોનની રિંગ વાગી.
"કોણ છે સર?" સબ ઈ. દીપેશે મોબાઈલની સ્ક્રીન તરફ નજર કરતાં પૂછ્યું.
"અજાણ્યો નંબર છે. ખબર નહિ પડતી કોનો હશે?"
"એમાં શું ખબર નહિ પડતી. ઉપાડો એટલે ખબર પડી જશે."
ફોન મૂક્યા બાદ સબ ઇન્સ્પેક્ટર દીપેશ એસીપી અભયને પૂછે છે, "કોનો ફોન હતો સર?"
એસીપી અભય ફોન પર થયેલી વાત જણાવે છે.
"તે છોકરા ને ખબર નહિ શું ખબર હશે?! ગાડી બોપલ જવા દે ગ્રીનવુડ બંગલોઝમાં. એમ પણ હાલમાં આપણે કાંઈ કરી શકીએ એમ પણ નથી. ત્યાં જઈને ટાઈમ મળે એવો તરત શ્રુતિને પણ ફોન કરીને વાત કરી લઈશ." એસીપી અભયનાં ચહેરાં પર થોડી ખુશી છવાઈ.
"ઓકે સર."
થોડી જ વારમાં સબ ઇન્સ્પેક્ટર દીપેશ અને અભય ગ્રીન બંગ્લોઝના 20 નંબર બંગલાની બહાર ઊભા હતા.
"દીપેશ શાંતિથી કોટ કૂદી જઈએ એટલે બંગલામાં રહેતાં લોકોને ખલેલ ન પહોંચે."
એસીપી અભયે સબ ઈ. દીપેશને પોતાનો ખભો આપીને ચઢાવ્યા અને પોતાનાં કસાયેલા શરીરને ઊંચું કરીને તેઓ પણ ફટાક કરતાં ઉપર ચઢી ગયાં. નીચે ઉતરીને તેઓ 20માં બંગલા તરફ ચાલવા લાગ્યાં. તેમણે દરવાજા પાસે આવીને બેલ મારી. સામે સિદ્ધાર્થે દરવાજો ખોલ્યો.
"સર" આટલું બોલતા તો સિદ્ધાર્થને આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.
એસીપી અભયે તરત ગંભીર થઇ ને પૂછ્યું, "શું કામ મને બોલાવ્યો છે અને તને શું ખબર છે આ વાયરસથી છે રિલેટેડ? જલ્દી બોલ!"
"સર, પેલા અંદર તો આવો આપણે અંદર બેસીને વાત કરીએ." સિદ્ધાર્થે અંદર આવવા હાથ કર્યો.
એસીપી અભય અને સબ ઈ. દીપેશ અંદર આવીને બેઠા.
શ્રુતિ રસોડામાંથી પાછળની બાજુથી પાણીના ગ્લાસ લઈને આવી. એસીપી અભયે જોયું તો સામે શ્રુતિ હતી. તેઓ શ્રુતિને જોઈને ચોંકી ગયા.
"આ બધું શું છે શ્રુતિ અને તું પ્રેગનેટ?" એસીપી અભયે શ્રુતિ પર નજર નાંખતા ગુસ્સે થઈને પૂછ્યું.
"ડેડ હું તમને બધું જણાવું છું. પ્લીઝ તમે પહેલા મારી પૂરી વાત સાંભળી લો પછી તમે કોઈપણ એક્શન આપશો પ્લીઝ પ્લીઝ પ્લીઝ." શ્રુતિએ આંખોમાં આંસુ સાથે હાથ જોડીને વિંનતી કરી.
શ્રુતિએ અભયને પૂરેપૂરી વાત કરી નાખી. સિદ્ધાર્થે પણ અહીંયા આવીને તેમની લોકો સાથે જે કંઈ પણ થયું એ બધું જણાવી દીધું.
"તો તમે લોકોએ ખોટું બોલીને મને અહીંયા બોલાવ્યો." એસીપી અભય ચિડાઈને બોલ્યાં.
"સર, કોઈ ઓપ્શન નહોતો પ્લીઝ સોરી." સિદ્ધાર્થે કાન પકડતાં કહ્યું.
"મોહીત ક્યાં છે અત્યારે??"
"સર, સામે ના રૂમમાં છે."
શ્રુતિને અજીબ બેચેની થવા લાગી.
ત્યાં એસીપી અભયના ફોનમાં રીંગ વાગી. સ્ક્રીન પર તે વ્યક્તિનું નામ વાંચતા જ તેમની આંખો પહોળી થઈ ગઈ.
"કોનો ફોન છે ડેડ" શ્રુતિએ એસીપી અભયનાં ચહેરાનો રંગ જોતાં પૂછ્યું
"ડૉક્ટર અલય રાઠોડ!" એસીપી અભયે મોબાઈલની સ્ક્રીન શ્રુતિ તરફ ઘુમાવી.
શ્રુતિ નામ સાંભળતા જ ડરી ગઈ.