Zombieism - (Part 4) in Gujarati Horror Stories by Leena Patgir books and stories PDF | ઝોમ્બિવાદ - (ભાગ 4)

Featured Books
Categories
Share

ઝોમ્બિવાદ - (ભાગ 4)

"સર, આ દિનિયો તો ફોન જ નથી ઉપાડતો. સાલો એ ડ્રગ્સ લઈને ટલ્લી તો નથી થઇ ગયો ને?!"

"દીપેશ, અત્યારે આવી ફાલતુની મજાક કરવાનો ટાઈમ નથી. ટીમની રાહ જોવામાં મોડું થઇ જશે. આપણે બે જ ત્યાં પહોંચી જઈએ. પાછળથી ટીમ પણ આવી જશે એટલે સમય પણ ઓછો વેડફાશે. તું દિનકરને ફોન ચાલુ જ રાખ, સમજ્યો."

"અહીંયા પેટમાં બિલાડા બોલે છે ને આમને સમયની પડી છે." સબ. ઈ. દીપેશ મનમાં જ ગણગણ્યા.

એસીપી અભય અને સબ. ઈ. દીપેશ બંને જીપમાં બેસીને ફાર્મહાઉસ તરફ જવાં રવાના થયાં.

********************

મોહિત બારમાં બેઠો બેઠો દારૂ પી રહ્યો હતો. પાર્ટીમાં રહેલા લોકો પોતાની મસ્તીમાં નાચી રહ્યા હતા. ઉપર દરવાજો ખોલતાની સાથે દરેક લોકો ભૂખ્યા વરુની માફક પોતાનાં નવાં શિકારને પકડવાં નીચે આવવા લાગ્યાં હતાં. દીપનો ચહેરો પહેલાથી પણ વધુ ભયાનક લાગી રહ્યો હતો. માંસનાં લૉંદા તેનાં ચહેરાં પાસે ચોંટી ગયાં હતાં જેમાંથી હજુ પણ લોહી ટપકી રહ્યું હતું. મોહિતનું ધ્યાન દીપ તરફ ગયું.

"વાહ, ભાઈએ તો ઉપર જઈને પહેલાં કરતાંય મસ્ત મેકઅપ કરી નાખ્યો. કાશ મારાંય આવાં નસીબ હોત." મોહિત મનોમન દીપને જોઈને બબડી ઉઠ્યો.

બાકીનાં લોકોનાં ચહેરાં પણ એટલા જ ભયાવહ હતાં. એ તમામ પાર્ટીમાં રહેલાં લોકો પર હુમલો કરવા લાગ્યાં. મોહિતને હજુ પણ આ બધું એક પ્રેન્ક જ લાગતું હતું અને તે આ બધું જોઈને જોરજોરથી હસી રહ્યો હતો. દીપ મોહિતની નજીક આવ્યો. મોહિતે દીપને વાઈનનો ગ્લાસ ધર્યો. દીપે ગુસ્સે ભરાઈને મોહિતની આંગળી પર બટકો ભરવા મોઢું ખોલ્યું પણ મોહિતે હાથ પાછો ખેંચી લીધો. કાચનો ગ્લાસ તૂટીને નીચે પડી ગયો. મોહિતને હવે ખરેખર કંઈક અજુગતું લાગ્યું. તે પણ બહાર જવાનાં રસ્તે દોડવા લાગ્યો.

આસપાસ લોકોની ભાગવાની અફરાતફરી મચી ગઈ. બે ત્રણ જણાને ત્યાંજ મારીને હેવાનિયતની માફક તેમનું માંસ ખાતાં જોઈને પાર્ટીમાં રહેલાં લોકોનાં હોશ ઉડી ગયાં. ડીજે ત્યાંનું દ્રશ્ય જોઈને અવાક બની ગયો અને બધાને ભાગો ભાગોની બૂમો મારવાં લાગ્યો. તેણે પોતે પણ સોન્ગ્સનો અવાજ બંધ કરી દીધો. મોહિત દરવાજા તરફ ભાગતો ગયો અને દીપ પણ તેની પાછળ પાછળ ભાગવા લાગ્યો.

આ તરફ ઇવા અને કિયારા ઝગડી રહ્યા હતાં. સિદ્ધાર્થ ચિડાઈને જોરથી "ચૂપ થઇ જાઓ બેઉ જણા!" એવું બોલી ઉઠ્યો.

"ક્યારના ઝગડ ઝગડ કરો છો. તમને અંદરથી કોઈ ચીસો નથી સંભળાતી. ચલો અંદર જઈને જોઈએ શું થયું. તમારાં ઝગડા કરતાં તો ઈમ્પોર્ટન્ટ જ હશે."

"મને આવી ફાલતુની પાર્ટીમાં આવવાનો કોઈ શોખ નથી. કિયારાને રોકવા આવી છું એન્ડ એને હું રોકીને જ રહીશ." ઇવા અદબ વાળતાં મોઢું ફેરવીને બોલી.

"એક મિનિટ, તું મારી માઁ નથી સમજી. મારે જે કરવું હશે એ હું કરીશ. તારામાં હિંમત હોય તો રોકી બતાય મને!" કિયારા વધુ ઊંચા અવાજે બોલી.સિદ્ધાર્થ કિયારાને થોડી સાઈડમાં લઈ ગયો.

"કિયારા પ્લીઝ જસ્ટ લિસન ટુ મી. ઇવાને તારી ચિંતા છે એટલે ના પાડે છે. જો ડ્રિન્ક કે સિગરેટ સુધી ઓક્કે છે પછી આ ડ્રગ વસ્તુનાં લફરાંમાં ના પડવું જ સારું છે. લોકોની લાઈફ સ્પોઈલ થઇ જાય છે."

"અરે પણ હું થોડી કાંઈ કાયમી લેવાની છું. મારાં સર્કલમાં પણ ખબર ના પડે એટલે પેલા ### દીપને ટેમ્પરરી બોયફ્રેન્ડ બનાવ્યો છે. આજે બસ એક જ વખત ટ્રાય કરવાની છું. પછી ડ્રગની સાથે દીપને પણ બાય બાય! એમ પણ મને કોઈ વસ્તુની હેબિટ નથી. બસ જસ્ટ વનટાઇમ કરવાનો ક્રેઝ છે મને, એમાં શું ખોટું છે!"

"તો તો આઈ ગેઝ, તારે કોઈનું મર્ડર પણ કરવું જોઈએ."

"વ્હૉટ રબીશ! શું બોલે છે?!"

"તારે બધું વન ટાઈમ ટ્રાય કરવું છે તો કોઈનું મર્ડર પણ ટ્રાય કરી જોજે."

"એટલે મને જેલ થઇ જાય હેં ને!"

"તો ડ્રગ લેવામાં કોઈ નુકસાન નહીં થાય એની શું ગેરંટી છે?! યુ નો બે વર્ષની જેલ થાય જો તું ડ્રગ કંઝ્યુમર તરીકે પકડાય તો એની કરતાં મર્ડરમાં તો તું ખોટું બોલીને કદાચ છૂટી પણ જાય. ચોઈસ ઈસ યોર્સ." સિદ્ધાર્થ સ્માર્ટલી કિયારાને સમજાવતાં બોલ્યો.

કિયારા પણ સિદ્ધાર્થની વાત સાંભળીને સમજી ગઈ. તે સિદ્ધાર્થની સામું એકધારું જોઈ રહી હતી. સિદ્ધાર્થ કિયારાને પૂછવા જતો હતો ત્યાં જ મોહિતની પાછળથી જોરથી બુમ સંભળાઈ.

"ભાગો.... ભાગો... ગાય્ઝ જલ્દી ગાડીમાં બેસો." મોહિતની પાછળ દીપ તેને મારવાં માટે દોડી રહ્યો હતો.

સિદ્ધાર્થે કિયારાનો હાથ પક્ડીને ખેંચ્યો અને તેને આગળ ઇવા જોડે બેસાડી. ઇવા પણ ફટાફટ ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાઈ. સિદ્ધાર્થે પાછળ બેસીને ઇવાને ગાડી સ્ટાર્ટ કરવાનું કહ્યું પણ ગાડી સ્ટાર્ટ જ નહોતી થતી. કિયારાએ જોયું તો તે બોલી, "ડફોળ, પહેલાં ઈગ્નિશન તો સ્ટાર્ટ કર."
ઇવાએ હડબડાતમાં સ્ટાર્ટ કર્યું અને ગાડી શરુ થઇ. આસપાસ દરેક લોકો પણ હવે ભાગી રહ્યા હતાં. કોઈક જીવ બચાવવાં તો કોઈક જીવ કાઢવા! સિદ્ધાર્થે મોહિતને હાથ આપ્યો પણ દીપે મોહિતનો પગ ખેંચ્યો અને તે નીચે પડી ગયો. દીપે મોહિતનાં પગ પર જોરથી બટકું ભર્યું પણ સિદ્ધાર્થે ગાડીમાં પડેલ સળિયો કાઢીને જોરથી દીપનાં માથાનાં ભાગે પ્રહાર કર્યો. તે સાથે જ દીપ ત્યાં ઢળી પડ્યો. સિદ્ધાર્થે મોહિતને ઊંચકીને ગાડીમાં બેસાડ્યો અને ઇવાએ ગાડીને પુરપાટ વેગે ભગાવી.

"આ બધું શું છે?" સિદ્ધાર્થે ચોંકતા પૂછ્યું.

"આઈ ડોન્ટ નો, બટ સિડલા આતો ઝોમ્બી જેવું જ કંઈક લાગે છે."

"મતલબ?" કિયારાએ પૂછ્યું.

"અરે, ઓલી ફિલ્મો નથી જોઈ. ઝોમ્બીવાળી એ રીતનું જ કંઈક લાગે છે."

"મતલબ ઝોમ્બી વાયરસ?" ઇવા બોલી.

"અરે એવું બધું ના હોય યાર. એ બધું ખાલી ફિલ્મોને સિરીઝમાં જ હોય. આ બધા નાટકો કરતાં હશે ખાલી હૅલોવીન પાર્ટી છે તો કદાચ એક્ટિંગ કરવાનું મન થયું હશે!દીપભાઈ તો એમ પણ ઓવરએક્ટિંગની દુકાન છે. સાલું મેં એમને માથે બહુ જોરથી તો નથી માર્યું ને?!" સિદ્ધાર્થ બોલી ઉઠ્યો.

"ના ભાઈ, આ સાચેમાં છે. અંદર મેં મારી આંખોથી જોયું બે ત્રણ જણાએ લોકોને મારીને એમના તીક્ષ્ણ દાંત વડે લોકોની ચામડી ઉધેડી નાખી અને બહુ જ ગંદી રીતે ખાવા લાગ્યાં હતાં." મોહિત મોઢું બગાડતાં બોલ્યો.

"ક્યાં જવા દઉં?" ઇવાએ પૂછ્યું.

"એક કામ, આપણા ઘરે જ લઈ લે." કિયારા બોલી.

"ડેડને શું કહીશું?"

"ડફોળની ડફોળ જ છે તું. ડેડ દિલ્હી ગયાં છે મિટિંગ માટે. સવારે તો કહ્યું હતું એમણે, ક્યાં ધ્યાન હોય છે તારું?!"

"ઓક્કે." આટલું કહી ઇવા ગાડી ચલાવવા લાગી.

આગળ ગાડીઓનો ટ્રાફિક થઇ ગયો હતો. એકાદ ઝોમ્બી કોઈની ગાડીમાં બેસી જતાં રસ્તામાં પણ ખૂન ખરોબો ચાલુ થઇ ગયો હતો. ઇવાની ગાડી પણ ટ્રાફિકમાં ફસાઈ ચૂકી હતી. બે ત્રણ ઝોમ્બી તેમની તરફ જ લાળની સાથે લોહી ટપકાવતાં તેમની તરફ આવી રહ્યા હતાં.

********************

"સર, આગળ બહુ ટ્રાફિક લાગે છે. ગાડીઓમાં તો કોઈ દેખાતું જ નથી." સબ ઈ. દીપેશ બોલ્યાં.

"કાચા રોડે જવાં દે." એસીપી અભય હળવેથી બોલ્યાં.

"કાચા શું ખાવાનું?"

"બહેરા, અંદરના કાચા રોડે જવાદે. એમ કહું છું." એસીપી અભયે જોરથી જવાબ આપ્યો.

સબ ઈ. દીપેશે ગાડી ઘુમાવીને કાચા રોડ પર જવાં દીધી. એસીપી અભયે પોતાનાં ફોનથી ફોન કરીને રિંગ રોડ પરનો ટ્રાફિક દૂર કરવા માટે કહ્યું. થોડી જ વારમાં તે લોકો ગ્રીનવુડ ફાર્મહાઉસ પર આવી ગયાં. ત્યાંની પરિસ્થિતિ જોઈને તે લોકોને કંઈક અજુગતું થયાનો અણસાર આવી ગયો.

"સર, આટલો સન્નાટો શું કામ છે?"

"લાગે છે એ લોકોને ખબર પડી ગઈ હશે એટલે બંધ કરી દીધી લાગે પાર્ટી. ચલ ઉતરીને જોઈશું તો ખબર પડશે ને." આટલું કહી એસીપી અભય અને સબ ઈ. દીપેશ ગાડીમાંથી બહાર ઉતર્યા.

ત્યાંજ એસીપી અભયનો ફોન વાગ્યો.

"ડીસીપી સાહેબનો ફોન છે. હું વાત કરીને આવું છું. તું અંદર જા." એસીપી અભયે સાઈડમાં જતાં કહ્યું.

સબ ઈ. દીપેશ અંદર દરવાજા તરફ ગયા અને અંદર પ્રવેશ્યા. અંદર જઈને જોયું તો સામેથી એક ઝોમ્બી જેવો માણસ તેમની તરફ જ આવી રહ્યો હતો. સબ ઈ. દીપેશને એવું લાગ્યું કે આ હૅલોવીન પાર્ટી છે એટલે આ ગાંડો આવાં ગાંડા કાઢી રહ્યો લાગે. નીચે જમીન ઉપર પણ લોહીની નદીઓ વહી રહી હતી.

"બે આ લોકોએ તો થીમ એટલે આખો માહોલ હૅલોવીન જેવો કરી નાખ્યો." ત્યાં તો સામેથી આવતો ઝોમ્બી સબ ઈ. દીપેશને મારવાં તૂટી પડ્યો પણ તેઓ ખસી ગયાં અને પોતાની બંદૂક કાઢીને તેની સામે ધરી દીધી.

*************

"હા, સર."

"ક્યાં છો તમે એસીપી અભય??"

"સર, મને લિંક મળી હતી કે અમદાવાદમાં જે ડ્રગ્સ લાવવામાં આવ્યું છે એ અહીં ગ્રીનવુડ ફાર્મહાઉસમાં છે એટલે હું અને સબ ઈ. દીપેશ રેડ પાડવા અહીં આવ્યા છીએ."

"અભય, અહીંયા શહેરમાં અફરાતફરી મચી પડી છે અને તું રેઇડ કરવા નીકળી પડ્યો છું. શહેરમાં તાત્કાલિક કર્ફ્યુ જાહેર કરવાનો ઓર્ડર આવી ગયો છે."

"વ્હૉટ હેપન્ડ સર? શું થયું છે?"

"ઝોમ્બી વિશે શું જાણે છે તું?"

"સર, એ બધું માત્ર કલ્પના હોય. હું આવામાં વિશ્વાસ નથી કરતો."

"તો કરવો પડશે."

"મતલબ?"

"આઈ ડોન્ટ નો બટ શહેરમાં તેજીથી ઝોમ્બી વાયરસ ફેલાઈ રહ્યો છે. અમે તને વોકિંટોકીથી કેટલા મેસેજ આપ્યાં પણ તું જવાબ જ નથી આપતો. તારો ફોન પણ આઉટ ઓફ કવરેજ બતાવે છે."

"સર, કોઈએ મજાક કરી હશે. આવું બધું ના હોય."

"અમુક લોકોનાં કહેવા અનુસાર ગ્રીનવુડ ફાર્મમાં જ પ્રથમ વખત જોવા મળ્યું છે. હું તને વિડીયો મોકલું છું. તું જાતે જ તારી આંખોથી જોઈ લે એટલે વિશ્વાસ આવે અને જો તું કોઈ ઝોમ્બીથી બચી જાય તો મને ફોન કરજે." આટલું કહી ડીસીપી સાહેબે ફોન કાપી નાખ્યો.

એસીપી અભયે ફોનમાં આવેલો વિડીયો જોયો જે જોઈને તેમની આંખો ફાટી ને ફાટી રહી ગઈ. તેમને અચાનક સબ. ઈ. દીપેશનો વિચાર આવ્યો. તેઓ દોડતાં અંદર ગયાં. ત્યાંજ ધડામ કરતી ગોળી છૂટી અને સબ ઈ. દીપેશની સામે ઉભેલો ઝોમ્બી ત્યાંજ ગોળી માથામાં વાગવાથી ઢળી પડ્યો.

"આપણે અહીંથી નીકળવું પડશે. આ જગ્યા સેફ નથી." એસીપી અભય આજુબાજુ જોતાં બોલ્યાં. ત્યાંજ બાકીનાં ઝોમ્બી પણ ગોળીનાં અવાજથી તે દિશામાં આવવા લાગ્યાં. દરેકનાં ચહેરાં ખૂબજ ભયાનક લાગી રહ્યા હતાં.

એસીપી અભય અને સબ ઈ. દીપેશ બંને ગાડી તરફ દોડ્યા. તેમની પાછળ ઝોમ્બીનું મોટું ટોળું તેમને મારવાં આવી રહ્યું હતું. તેઓ ફટાફટ જીપમાં બેસીને જીપને રસ્તા ઉપર દોડાવી.

"સર, આ બધું શું હતું?" સબ ઈ. દીપેશે ગભરાઈને પૂછ્યું.

"ઝોમ્બી."

"સર, અહીંયા આ લોકો મારાં જીવની પાછળ થયાં છે ને તમને ગોબી ખાવાની પડી છે." સબ ઈ. દીપેશે ચિડાઈને જવાબ આપ્યો.

"ડફોળ, આ ઝોમ્બી હતાં. એક વાયરસ જેનાં લીધે લોકો એકબીજાને મારીને ખાવા લાગે. મુવીઝ નથી જોઈ તે કયારેય?"

"ઓહહ હા સર, ન્યુઝમાં જોયું હતું એ જ ને?"

"હા, એ જ. હવે ફોન લગાય જલ્દી."

"કોને? ઝોમ્બીને?"

"ડોબા, ડીસીપી સાહેબને લગાય."

"હા સર." આટલું કહી સબ ઈ. દીપેશે ફોન લગાવીને સ્પીકર પર કર્યો.

ફોન રિસીવ થતાં જ સામેથી ડીસીપી સાહેબ બોલ્યાં, "તો બચી ગયાં એમ ને?!"

"હા સર. પણ આગળ હવે શું કરવાનું છે??"

"સાંભળ અભય. હમણાં તો અમદાવાદની સરહદો સીલ કરી દેવાઈ છે. રેડ એલાર્ટ જાહેર કરીને તમામ લોકોને ઘરમાં પુરાઈ રહેવાની સૂચનાઓ બસ હમણાં રેડિયો અને રસ્તા પર આસપાસ જેટલાં પણ સ્પીકર હોય એમાંથી સૂચના આપવાની શરુ કરી દીધી છે. મસ્જિદની બહાર લગાવેલ સ્પીકરની રેન્જ વધારીને એ એરિયાઓ સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે. આર્મી ફોર્સ પણ તેની બીજી દસ ટીમને મોકલી રહી છે. બટ આપણે આ ઝોમ્બી બનેલ લોકોને ઝાઝો ટાઈમ નહીં રોકી શકીએ. આ વાયરસ વિશે જ્યાં સુધી ડોક્ટરો કે સાયન્ટિસ્ટો કશું સ્પષ્ટ ના કરે ત્યાં સુધી કંઈજ ખબર નહીં પડે. સીએમ સાહેબે આ બાબતે તને અને સબ ઈ. દીપેશને આ મામલાની જાંચ કરવા માટે કહ્યું છે. બાકીનાં રાજનેતાઓ તો પોતાનાં ચાર્ટેડ પ્લેન લઈ લઈને ઉપડી ગયાં છે. અહીં આપણો જ મરો છે."

"સર, મારાં મતાનુસાર આ વાયરસ અચાનક કેમનો ફેલાઈ ગયો એનું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. હું અને સબ ઈ. દીપેશ અમારાથી બનતા પ્રયત્નો કરીશું."

"થેન્ક્સ. કોઈક તો છે જેને આ શહેરની સુરક્ષાની પડી છે. અને એ તારી સિવાય બીજું કોઈ ન હોઈ શકે. કાંઈ પણ અપડેટ હોય તો આના પર કોલ કરજે."

"ઓક્કે સર." આટલું કહેતાં જ સબ ઈ. દીપેશે ફોન કાપી નાખ્યો.

"વાહ વાહ સર, બહુ મહાન છો આપ. આપના ચરણો ક્યાં છે?! હું ધ હોલ આર યું."

"હેલ."

"જે પણ હોય. આ કોઈ ખૂનનો કે ચોરીનો કેસ નથી કે આમાં તમારે ઇન્વેસ્ટિગેટ કરવું છે. એક ડ્રગ કેસ તો સોલ્વ કરી ના શક્યા અને વાયરસનો કેસ સોલ્વ કરવો છે. તમારી આગળપાછળ કોઈ નહીં હોય પણ મારે બૈરી છોકરા છે." અચાનક આટલું કહેતાં સબ ઈ. દીપેશને યાદ આવતાં પોતાનાં ફોનથી ફોન જોડ્યો.

"હેલો..."

"કેટલા ફોન કર્યા તમને?! કેમ ઉપાડતા નહોતાં?"સબ ઈ. દીપેશનાં પત્નીએ ચિંતાતુર અવાજે પૂછ્યું.

"તમે બધા ઠીક તો છો ને?"

"હા, અમે ટીવીમાં જોયું. આપણો ફ્લેટ અગિયારમાં માળે છે તો સારું છે. લિફ્ટ પણ બંધ કરી દીધી છે. દરવાજે પણ તાળા મારી દીધા છે. કોઈ આવે નહીં તો સારું."

"તું ચિંતા ના કર. કોઈ નહીં આવે. હું પણ હમણાં ઘરે જ આવું છું." આટલું કહી સબ ઈ. દીપેશ એસીપી અભયની સામું જોતાં બોલ્યાં.

"ના બાબા ના. તમે આ વાઇરસ મટાડીને જ આઓ. બહુ લોકો મરી રહ્યા છે દીપેશ. આટલો ખરાબ માહોલ મેં મારી આખી ઝીંદગીમાં નથી જોયો. એસીપી અભય તમારી સાથે જ હશે ને? એમને પણ કહેજો માઁ અંબા તમને બેઉંને શક્તિ આપશે આ વાયરસને જલ્દીથી દૂર કરવાની. " આટલું કહી સબ. ઈ. દિપેશના પત્નીએ ફોન કાપી નાખ્યો.

"અરે પણ ડોબી સાંભળ તો ખરી?!"

"શું થયું?" એસીપી અભયે મૂછમાં હસતાં પૂછ્યું.

"ક્યાંથી શરુ કરીશું ઇન્વેસ્ટિગેટ?" સબ ઈ. દીપેશ મોઢું બગાડીને બોલ્યાં.

"ઇન્વેસ્ટિગેશન."

"હા હા એ જ. મારાં બૈરાંનેય મારી કરતાં વાયરસની પડી છે. મરી જઈશ ત્યારે ખબર પડશે."

"શું ફાલતુની વાત કરે. હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી તને કંઈજ નહીં થવાં દઉં." એસીપી અભયે હસતાં હસતાં જવાબ આપ્યો.

"હમ્મ જોઉં છું. બોલો તો હવે શું કરશું?"

"પહેલાં આપણે થોડી માહિતી ભેગી કરી લઈએ."

******************

ઇવાએ ગાડી રોકી તો દીધી હતી પણ તેમની ચારે તરફ ઝોમ્બી ફેલાઈ ચૂક્યા હતાં.

"ગાડી ચલાય ઇવા." કિયારા ગભરાઈને બોલી.

ઇવા હજુ પણ સ્તબ્ધ થઈને ફાટી આંખોએ જોયા કરતી હતી. તેનાં હાથોમાંથી જાણે સ્ટિયરિંગ લસરી પડતું હતું. કિયારાએ છેવટે ગાડીને ગિયરમાં નાખી અને સામે રહેલાં ઝોમ્બી પર ગાડી ચઢાવીને આગળ જંગલ તરફ જવાં દીધી. બધાનાં જીવમાં જીવ આવ્યો. કિયારા પણ પોતાની સીટ પર પાછી આવી ગઈ.

"મરવાનો શોખ છે તને? કે તારી ભેગા અમને પણ મારી નખાવાનો??"

"કિયારા પ્લીઝ સ્ટોપ. એ ડરી ગઈ હતી. લુક એટ હર ફેસ." સિદ્ધાર્થ બોલ્યો, "ઇવા, તું કિયારાની સીટ પર આવી જા. એન્ડ કિયારા તું ગાડી ચલાય."

ઇવા ચૂપચાપ બહાર નીકળીને કિયારાની સીટ પર ગોઠવાઈ. કિયારાએ ગાડી સ્ટાર્ટ કરી પણ ગાડી શરુ નહોતી થઇ રહી.

"ઓહહ ગોડ. આની આ ખટારાની જગ્યાએ મારી બીએમ લીધી હોત તો સારું હતું. મેડમને કયારેય પેટ્રોલની ટાંકી ફૂલ કરાવાની તો ક્યાં ખબર પડે છે. હવે લો શું કરશું બોલો."

"મારે તારી જેમ આખો દિવસ ફરવાનું નથી હોતું સમજી. પૈસાનું ઝાડ નથી હોતું. ખુદનાં કમાઈને વાપરું છું. ડેડના નથી ઉડાવતી."

"એક્સક્યુઝ મી. હું પણ ડીજે છું એન્ડ તારાથી ડબલ કમાઉ છું."

"વાપરે છે તો એનાથી પણ ડબલ ને!"

"વીલ યુ બોથ પ્લીઝ શટ અપ." સિદ્ધાર્થ ચિડાઈને બોલ્યો ,"હવે ગાડી આગળ જવાની નથી તો કોઈ ઝોમ્બીની રાહ જોવાની છે કે એ આવે ને પછી ભાગીએ. ચલો બહાર જીવ બચાવવાં સર્વાઇવ કરવું જરૂરી છે."

બધા ગાડીની બહાર આવી ગયાં.

"જુઓ જેની પાસે જે પણ હથિયાર હોય એ જોડે રાખી લો." સિદ્ધાર્થે સમજાવતાં કહ્યું.

"આ ડોબીની કારમાં સળિયો માંડ હશે." કિયારા મોઢું બગાડીને બોલી.

"ટૂલબોક્સ છે?" સિદ્ધાર્થે ઇવા સામું જોઈને પૂછ્યું.

ઇવાએ હા પાડી અને ડેકીમાંથી ટુલબોક્સ કાઢ્યું.

સિદ્ધાર્થે એમાંથી પાનું, પકડ, થોડી ખીલ્લીઓ લઈ લીધી. ત્રણેયને એક એક વસ્તુ આપી સિદ્ધાર્થે સળિયો રાખ્યો.

"હેય, સિડ મને એક મસ્ત આઈડિયા આયો છે. ઝોમ્બીથી બચવાં માટે." કિયારાએ ખુશ થતાં કહ્યું.