ના નાન નાન ના ના ....
ના નાન નાન ના ના
ના નાન નાન ના ના
ના નાન નાન ના ના
ઇવા હાથને ગિટાર બનાવીને ગીતનાં તાલે ઝૂમી રહી હતી. વાળ હવામાં લહેરાતી તે પોતાની જાતને અરીસામાં જોઈને થનગની રહી હતી.
યારો જી ભર કે જી લે પલ,
લગતા હેં આજ કલ, દૌર અપના આયેગા,
યારો જો ખુદ પે હો યકીન,
જો ઝીંદગી હસીન,
તુજે કલ બુલાયેગા,
હેં ઝૂનૂન
હેં ઝૂનૂન સા જીને મે.......
ત્યાંજ રૂમમાં એક છોકરી આવી અને તેણે ટેપ બંધ કરી દીધું.
"વ્હૉટ રબીશ કીયારા!" તે ગુસ્સામાં બોલી.
"બંધ કર નોટંકી, તને ખબર છે મને જેઝ મ્યુઝિક ગમે છે તોય તું આવાં ફાલતુ સોન્ગ પ્લે કરીને નાચવા લાગતી હોય છે."
"જસ્ટ શટ અપ. આ મારો રૂમ છે. અહીંયા મારે જે કરવું હોય એ હું કરું એમાં તારે શું લેવાદેવા!"
"મારે કાલની પાર્ટી માટે સોન્ગ્સ એડિટ કરવાના છે. તારા ફાલતુ ગીત સાંભળીને મારું માઈન્ડ ડિસ્ટરેક્ટ થાય છે. સમજી, તો હવે જે કરવું હોય એ કર પણ મહેરબાની કરીને મને હેરાન કરવાનું બંધ કર." કિયારા બે હાથ જોડતી ઇવાના મોંઢા આગળ પછાડીને ત્યાંથી સડસડાટ નીકળી ગઈ.
ઇવા ઉદાસ ચહેરે બારીની બહારનો નજારો જોવા લાગી.
"શું થયું ડાર્લિંગ?" 60-65 વર્ષની ઉંમરની વ્યક્તિએ ઇવાની પાસે આવીને પૂછ્યું.
"નથીંગ ડેડ. યુ સે, હાઉઝ યુ?" ઇવાએ માંડ ચહેરાં પર હળવાશ લાવતાં પૂછ્યું.
"બાપ છું તારો. તારી આંખો કોઈ બીજાને વાંચતા આવડે ના આવડે પણ મને ચોક્કસ આવડે છે. કિયારાએ કાંઈ કર્યું છે હેં ને?"
"શું ફરક પડે છે ડેડ! એ ક્યાં કોઈનું માને એવી છે. જસ્ટ લીવ ઈટ."
"બેટા, એક સલાહ આપું. માનવી ના માનવી તારી ઉપર છે હોં." ઇવાના ડેડ આટલું કહી રોકાઈ ગયાં.
"બોલોને પણ હવે." ઇવાએ ઝીણી આંખો કરતાં કહ્યું.
"જો સાંભળ. તમે બેઉ સગી બહેનો તો છો પણ હું જાણું છું કે તમે બંને સ્વભાવે એકદમ વિપરીત છો. કિયારા થોડી અગ્રેસીવ તો છે બટ એ લાઈફને એન્જોય કરવાનું જાણે છે. જે ખોટું નથી, જાણું છું તને માત્ર તારી નાનકડી દુનિયામાં જ રહેવાનું પસંદ પડે છે પણ એમાંથી થોડી બહાર આવીશ તો તું દુનિયાનાં દરેક રંગોને માણતા શીખીશ. નવાં નવાં લોકોનો પરિચય તને એમની ખૂબીઓ અને ખામીઓ સાથે જીવવાનું શીખવશે."
"તમારે કહેવાનું શું થાય છે એ પોઇન્ટ જ પકડો ને ડેડ. વેલ જવાં દો મને ખબર છે તમે શું કહી રહ્યા છો."
"અચ્છા, શું તો જરાં કહે?"
"એમજ કે કાલની પાર્ટીમાં હું કિયારા જોડે જઉં?!"
"યપ. યુ હેવ ટુ."
"પ્લીઝ ડેડ, આઈ રિયલી ડોન્ટ લાઈક ધીસ. ડોન્ટ ફોર્સ ઓન મી." આટલું કહી ઇવા પોતાનાં ડેડને વળગીને કંઈક વિચારતી રહી.
**********************
"સર, કંડલા પાસેથી ટ્રક નંબર GJ 01 6578 નું રજીસ્ટર કોઈ ફેર એન્ડ ગ્લો કંપનીનાં પાવડર માટેનું રજીસ્ટર બતાવે છે." સબ. ઈ. દીપેશે એસીપી અભયને કેબિનમાં પ્રવેશીને જણાવ્યું.
"ગુડ. તો હવે એ ટ્રકને ટ્રેસ કરો. મને સાંજ સુધીમાં આ ટ્રકનો ડ્રાઈવર અને તેનાં માલ વિશે પૂરી જાણકારી જોઈએ. ટાઈમ ઓછો છે સો પ્લીઝ બી કવીક." એસીપી અભયે સૂચન ફરમાવ્યું.
સબ.ઈ. દીપેશ ત્યાંથી સલામી ભરીને નીકળી ગયાં.
*******************
સિદ્ધાર્થનું માથું જોરજોરથી સણકા મારી રહ્યું હતું. સિદ્ધાર્થે રૂમમાં જોયું તો પોતે એકલો રૂમમાં સૂતો હતો. ચારે તરફ દારૂની બોટલ અને ખાવાના ખાલી પેકેટો પડ્યાં હતાં. તે તરત બેઠો થયો અને મોબાઈલ લઈને એમાં ટાઈમ જોયો.
"ઓહ ગોડ! 12.30... હું આટલું બધું સુઈ ગયો તોય આહહ માથું કેમ હજુય ફાટું ફાટું થઇ રહ્યું છે?!" સિદ્ધાર્થ સ્વગત બબડ્યો. તેણે ફોનને ચાર્જિંગમાં ભરાવ્યો અને બાથરૂમમાં ગયો.
બાથરૂમમાં આવીને સિદ્ધાર્થ પોતાનો ચહેરો અરીસામાં બે મિનિટ સુધી ધ્યાનપૂર્વક જોતો રહ્યો. આંખો બંધ કરીને તે કંઈક વિચારી રહ્યો અને અચાનક તે બરાડી ઉઠ્યો, તે જોરજોરથી રોવા લાગ્યો. સિદ્ધાર્થનો અવાજ નીચે રહેલાં રૂમનાં લોકોને સંભળાયો જેથી એક છોકરાએ દીપને ફોન લગાવીને જણાવી દીધું.
સિદ્ધાર્થ શાવર નીચે ઉભો રહી પાણીની બૂંદોની માફક નશો પણ શરીરમાંથી ઉતારી દેવા માંગતો હતો પણ તેનું માથું હજુ પણ હેંગોવરનાં લીધે દુખતું હતું. શાવર લઈને તે બહાર નીકળ્યો. શર્ટ પહેરીને તે બટન બંધ કરવા જતો હતો કે ત્યાંજ જોરથી બારણું ખુલ્યું.
સિદ્ધાર્થે સામે જોયું તો દીપ અને મોહિત ઉભા હતાં. સિદ્ધાર્થ પાછો પોતાનાં શર્ટના બટન બંધ કરવા લાગ્યો.
"શું નાટકો કરી રહ્યો છું? તું શું એકલો રહે છે અહીં?" દીપ ગુસ્સામાં બોલી રહ્યો.
"ભાઈ, એ ટેંશનમાં હશે. નહીંતો સિડ કયારેય આવું ના કરે." મોહિત સિદ્ધાર્થનો બચાવ કરતાં બોલ્યો.
"જો ભાઈ પહેલી વાત એ કે આ રૂમ એનાં એકલાનો નથી અને બીજી વાત એ કે મારાં રૂમમાં રહીને લિમિટ બહાર જવાનું નહીં એટલે સજા તો તને જરૂર મળશે." દીપ લાલઘુમ આંખો કરતાં બોલ્યો.
"ભાઈ, સોરી. થોડો પ્રેશરમાં છું એટલે પણ હવે એવી ભૂલ નહીં કરું." સિદ્ધાર્થ માફી માંગતા બોલ્યો.
"ના બેટા, સજા તો તને મળીને જ રહેશે અને તારી સજા એ છે કે તારે મારી સાથે આજ રાતની પાર્ટીમાં આવવાનું છે." આટલું કહી દીપ જોરજોરથી હસવા લાગ્યો.
"ભાઈ, મને પાર્ટી વાર્ટીના ચક્કરમાં ના નાખો. હું આ બધાથી બહુજ દૂર રહેવા માંગુ છું. ગઈ કાલે જે કઈ પણ થયું એ મારી ભૂલ થઈ ગઈ, હવે પછી મારે એ ભૂલ નથી કરવી. મને પ્લીઝ માફ કરી દો." સિદ્ધાર્થ ગંભીર સ્વરે હાથ જોડતા બોલ્યો.
"તારી ભૂલ ગઈ ભાડમાં! મારો પિત્તો જાય એ પહેલા હા પાડી દે નહીંતો મારામાં તને જબરજસ્તી લઈ જવાની પણ આવડત છે."
"ભાઈ, પ્લીઝ જવા દો એને." મોહિત દિપને સમજાવતાં બોલ્યો.
સિદ્ધાર્થ નીચું મોઢું રાખીને ઉભો રહી ગયો
"હાહાહાહા ચીલ ગાય્ઝ આઈ એમ જસ્ટ કિડિંગ અને સાંભળ પાર્ટીમાં લઈ જવા માટે મારો બીજો પણ પ્લાન છે અને એ છે કે ત્યાં મારો ખાસ ફ્રેન્ડ છે જે ફિલ્મ પ્રોડયુસ કરતો હોય છે એટલે મારે એને તારી સાથે મળાવવો પણ છે એટલે તું પણ ચલ મેયબી તારી લાઈફ સેટ થઈ જાય ટોપા. એટલો વિશ્વાસ કર દીપ શેઠ કોઈ દિવસ ખોટું ના બોલે." દીપ પોતાની છાતી ફુલાવતો બોલ્યો.
"મારા નસીબમાં ફિલ્મી દુનિયા નથી લખી ભાઈ, છેલ્લા બે વર્ષથી ટ્રાય કરું છું. હું ઢોલીવુડ તો શું એક ગુજરાતી નાટકનો પણ હીરો બનવાને લાયક નથી. હું ખરેખર કંટાળી ગયો છું મને તો એવું લાગે છે કે મારામાં જાણે કોઈ આવડત જ નથી બસ એક કોરા કાગળ પર લાઈફનો L લખવાં નીકળ્યો હતો બટ હું માત્ર ઝીરો છું. ખાલી ખાલી મેં મારા ઘરનાં લોકોનું સપનું પણ ચકનાચૂર કરી નાખ્યું." સિદ્ધાર્થના આટલું કહેતાં આંખમાંથી એક અશ્રુબિંદુ સરી પડ્યું.
"રિલેક્સ બ્રો, આટલો બધો હાઇપર કેમ થાય છે!! તું ખાલી પાર્ટીમાં મારી સાથે આવ બસ હું તને ગેરંટી આપું છું કે આવતા 6 મહિનામાં તારી પિક્ચર થિયેટરમાં રિલીઝ થયેલી હશે. તો બોલ આવીશ ને??"
જવાબમાં સિદ્ધાર્થ ખાલી સ્મિત ફરકાવતો રહ્યો. તેણે ડોકુ હલાવી પોતાની સહમતિ દર્શાવી.
*******************
સબ ઇન્સ્પેક્ટર દીપેશ અને બીજા બે કોન્સ્ટેબલે તે ટ્રકનાં ડ્રાઇવરને શોધી નાખ્યો. તેમણે તેને સાઈડમાં લઈને રસ્તા પર જ પૂછપરછ શરુ કરી દીધી.
"બોલ હવે કેમ ભાગે છે??" સબ. ઈ. દીપેશે તે ટ્રક ડ્રાઇવરનો કોલર પકડતાં પૂછ્યું.
"સાબ, તમે પાછળ આવતાં તાં તો મું ડરી ગયો તો...મેં કાંઈ નથ કર્યું સાબ. મુંને જવાં દો."
"પહેલાં તો તું એ કહે કે ટ્રક નંબર GJ 01 6578 તું જ ડ્રાઇવ કરીને આવ્યો છું ને?"
"હા, સાબ. ઈ મારું જ ટ્રક હે, પણ તમે મુંને હું લેવા પૂસો સો?" ડ્રાઈવરે ડરતાં ડરતાં પૂછ્યું.
સબ ઈ. દીપેશે હજુ પણ ડ્રાઈવરને પકડી જ રાખ્યો હતો.
"શું કામ પૂછું છું. પાછો તો પૂછે છે કે હું શું કામ પૂછું છું?!" આટલું કહી સબ ઈ. દીપેશ અને બીજા તેમનાં ટીમનાં લોકો ટ્રક ડ્રાઈવરને ઝાપટો મારવાં લાગ્યાં.
"તારા ટ્રકમાં શેનો માલ છે કહી દે નહીંતો આ ગોળી તારા શરીરમાં ઉતારી દઈશ." સબ ઈ. દીપેશ આટલું કહી ફરી મારવાં લાગ્યાં ત્યાંજ કોન્સ્ટેબલે તેમને રોકતા કહ્યું, "ઉભા રહો સર, આ સાચું બોલે છે. ટ્રકમાં એવો કોઈજ પદાર્થ નથી જેની આપણે શોધમાં છીએ."
"શું??" સબ ઈ. દીપેશ મારતા રોકાઈ ગયા. ટ્રક ડ્રાઈવર નીચે જમીન પર ફસડાઈ પડ્યો.
"તરકમાં જે બી માલ હતો ઈ કોઈ પોતી પાવડર નઈ પણ ઈ કોલસાનો હતો. કોઈ ભડવીરે પોલીસને ગુમરાહ કરવા માટે તરકનો નંબર બદલી નાખ્યો અને છેલ્લી વેળાએ તરકની હેરફરી કર દીધી. જે માલ અહીં લાવવાનો હતો એ અહીં પહોંસી ગયો. મુંઆ માલિકને આ હેરફરીની ખબર હોવી જોઈએ પણ તેમને મુએ પૂછયુ તો તેમણે કહ્યું કે ઈમાં ઈમનો કોઈ જ હાથ નથી. તેમનું કહેવું હતું કે બીજી તરકમાં જે પણ માલ હતો ઈ માલ ફક્ત ને ફક્ત અમદાબાદમાં જ જઈ રહ્યો સે, જેનું કારણ ઈમને પોતાને પણ ખબર નથ પડી કીમ કે કોઈપણ માલસામાન અમારે યાં સાર મોટા શહેરોમાં જતો હોય સે, ઈક બોમ્બે જતો હોય સે, ઈક ડેલી જતો હોય સે, ઈક પંજાબ બાજુ જતો હોય સે અને ઈક ગુજરાટ બાજુ જતો હોય સે પણ હેરાન્નીની વાત એ સે સાબ, ગુજરાતના બી ઈક બી જિલ્લામાં આ માલ ગયો નથી સાબ, આને અમદાબાદમાં જ લાવવામાં આવ્યો સે ઈનું કારણ મૂને પણ નથ ખબર પણ હા જો ડરાઇવર કેતનસિંહ ભેટી ગયો તો ઈ જરૂર તમને આ વિશે કંઈક કહેશે. આનાથી વધુ મું ના જાણું સાબ." ડ્રાઈવર નીચે ટેકો દઈને પોતાને જે પણ ખબર હતી એ જણાવ્યું.
"તને ક્યાંથી ખબર કે માલ ફક્ત અમદાવાદમાં જ લાવવામાં આવ્યો છે?" સબ ઈ. દીપેશે પૂછ્યું.
"સાબ, ઈ એમ સે સાબ કી હમારાં બેઉના તરક જોડે જ હાલ્યા સે. રસ્તામાં બરોડા તરફ જવાનો રસ્તો આયો, રાજસાન તરફ જવાનો રસ્તો આયો પણ તે ક્યાંય ના વળ્યું. મારો તરક ઈની પાસળ જ હતો. મુએ તો એમ બી અહીં જ આવવાનું હતું. કેતનસિંહ જ ઈના બાબતે કાંઈ કહી શકશે."
"એ કોણ છે?" કોન્સ્ટેબલે પૂછ્યું.
"જે તરકને તમ બધા હોધો સો ઈનો ડરાઇવર. ઈ પણ બહુ ભલો માણહ સે. અમે તો ઝીંદગીમાં કોઈ દી બે નંબરી તરકોની હેરફરી નથ કરી; ખબર નહીં કેમ તમ બધા અમારી પાસળ પડ્યાં સો!" તે ડ્રાઈવર રોતા રોતા બોલ્યો.
"કેતનસિંહ ક્યાં મળશે?"
"સાબ, આમ તો ઈ ભલો માણહ સે બસ કોઈ દી પોટલી પી ને ક્યાંય પડ્યો હોય તો ઈનું કોઈ ઠેકાણું નો જડે. મુએ ઈને સેલ્લે સનાથલ બાજુ તરક વાળતાં જોયો તો પસી તો મું નરોડા આવી ગયો તો.
"તને એનો ચહેરો યાદ છે?"
"આ ફોનમાં ફોતુ સે સાબ." આટલું કહી ડ્રાઈવરે તેનો ફોન કાઢીને એક ફોટો સબ. ઈ. દીપેશને બતાવ્યો. તેમણે તરત એ ફોટો પોતાનાં ફોનમાં લઈ લીધો.
"સારું તું જા. તારું કામ પડ્યું તો બોલાઈશ પાછો."
તે ડ્રાઈવર ત્યાંથી લંગડાતો નીકળી ગયો.
"કાનીયા, આની પર નજર રાખજે." સબ. ઈ. દીપેશે તેમાંથી એક કોન્સ્ટેબલને ડ્રાઈવર પાછળ જવાનો ઈશારો કરતાં કહ્યું.
સબ ઈસ્પેક્ટર દીપેશે તરત એસીપી અભયને ફોન લગાવીને ટ્રકના ડ્રાઇવર પાસેથી જે પણ જાણકારી મળી એ જણાવી.
"સાહેબ, શું કરવું છે હવે?"
"તું એ ડ્રાઈવરનો ફોટો લઈને સનાથલ પાસે જા. ત્યાં માર્કેટમાં પૂછી જો કોઈએ ને કોઈએ તો જોયો હશે આને."
"ઓક્કે સર." આટલું કહી તે લોકો ગાડીમાં બેસીને નીકળી ગયાં.
******************
બપોરના ત્રણ વાગ્યાની આસપાસ એક સગર્ભા પોતાના હાથમાં થેલો ભરાવીને કોઈકની રાહ જોઈ રહી હતી. બે જ મિનિટમાં તેની સામે પોતાની જાણીતી વ્યક્તિને જોઈને તેના હોઠ થોડા લંબાયા. પણ તે વ્યક્તિ જાણે તેને જોઇને ગુસ્સે ભરાઈ હોય એવી દ્રષ્ટિથી જોઈ રહી હતી.
"તમને કોઈ તકલીફ તો નથી પડી ને?" તે સગર્ભાએ પૂછ્યું.
"આ તકલીફ મેં પાળી લીધી છે એનાથી મોટી તકલીફ બીજી કઈ હોય." તે વ્યક્તિએ સગર્ભાનાં પેટ તરફ હાથ કરતાં કહ્યું.
"આવું શું કામ બોલો છો?! બાળક બધું સાંભળતું હોય. એનાં પર ખરાબ અસર થાય." સગર્ભા આંખમાં આવેલું અશ્રુબિંદુ લૂછતાં બોલી.
"તારા આવા ફિલ્મી ડાયલોગ છે ને તારા બાપ આગળ બોલજે. તારો બાપો ## બનતો હશે. હું તારો બાપ નથી સમજી. લાવ પર્સ." આટલું કહી તે વ્યક્તિએ સગર્ભાના ખભે લટકાવેલ પર્સ ખેંચ્યું ને એમાંથી પૈસા કાઢવા લાગ્યો.
"તમે હમણાં તો છૂટ્યા છો. ક્યાં જવું છે તમારે? મારી સાથે ઘરે ચલો."
"તું તારું કામ કર અને મને પૂછવાની જરૂર નથી કીધું ને હું તારો બાપ નથી કે જ્યારે હોય ત્યારે બસ પૂછપૂછ જ કરતી હોય." આટલું કહી તે પૈસા લઈને પર્સ સગર્ભાનાં મોંઢે ફેંકીને નીકળી ગયો.
તે સગર્ભાએ પોતાનાં ચહેરાં પરથી બુરખો હટાવ્યો. તે શ્રુતિ હતી. શ્રુતિની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગ્યા. તે બોલવા છતાં પણ કાંઈ બોલી નહોતી શકતી. "નંદીશ" આટલું કહેતાં તો એ નીચે જમીન પર ફસડાઈ પડી.
***********************
સુમસામ રોડ પર એક વ્યક્તિ હાથમાં કંઈક વસ્તુ લઈને જઈ રહી હતી અથવા કહો તો છુપાવી ને કંઈક કરવા જઈ રહી હતી. તે વારેવારે પાછળ નજર કરીને ચકાસી લેતો કે કોઈ તેની પાછળ તો નથી આવતું ને કે ક્યાંક કોઈનું ધ્યાન તેની ઉપર પડી તો નથી ગયું ને! તે આગળ એક બંધ ફેક્ટરી આવતાં તેમાં અંદર જતો રહ્યો. અંદર આવીને તેણે પોતાના પેન્ટના ખિસ્સામાં સરકાવેલ એ વસ્તુને બહાર કાઢી, જેને જોઈને એની આંખોમાં ચમક આવી ગઈ.
તેણે એક વ્યક્તિને ફોન લગાવ્યો.
"ભાઈ, આપણા સારા દિવસો આવવાના ચાલુ થઇ ગયા સમજો. મારા હાથે બહુ જબરજસ્ત માલ આવ્યો છે."
સામેવાળી વ્યક્તિએ તેને પૂછ્યું, " શું વસ્તુ છે? "
તે વ્યક્તિ બોલી, "મારી પાસે દરગ છે દરગ."
"જાબે શું ઉલ્લુ બનાવે છે અમદાવાદમાં મળતું હશે કોઈ દિવસ ડ્રગ. અહીંયા તો ગાંજો ને ચરસ પણ માંડ મળતા હશે ને તુ ડ્રગની વાતો કરે છે."
"ભાઈ, હું સાચું કહું છું. કેતનસિંહ જે ટ્રક લઈને આવ્યો એમાં જ આ માલ હતો. માલને હવે ક્યાં લઈ જવાનો છે એ તો મને જરાય નથી ખબર. કેતનસિંહને મારતી વખતે પૂછ્યું પણ એ ટોપાને અંદર આવો માલ છે એય ખબર નથી. બસ કોઈકે એને એમ કહ્યું હતું કે સનાથલથી માલ ફેરવાશે પણ મેં એને ચોકડી પહેલાં જ રોકી લીધો અને પછી પાછળ જોયું ત્યારે ખબર પડી. તું તારા મોટા માથાઓને પૂછ ને તો ખબર પડે કે માલ ખરેખર ક્યાં પહોંચાડવાનો હતો તો આપણા બે ભાઈઓ ને સારા એવા પૈસા મળશે."
"સારું ચલ કેટલો માલ હશે આશરે?"
"ચારસો પેટી તો ઓછામાં ઓછી ભાઈ."
"કેતનસિંહનું શું કર્યું? એ પોલીસ પાસે જશે તો?"
"અરે ભાઈ, એનું કામ મેં પોતે જ તમામ કરી નાખ્યું."
"ને લાશ?"
"એ જંગલમાં સડતી હશે. કોઈને શું ફરક પડે એવાનાં મરવાથી. માલને એની જગ્યાએ પહોંચાડવો જરૂરી છે."
"સારું હવે એમાંથી એક પણ ઓછી ના કરતો. હું તને પૂછીને કહું છું કે તેનું શું કરવાનું છે. તું મને એડ્રેસ અને માલની બધી વિગતો દઈ દે. હમણાં જ મેસેજ કર."
"હા ભાઈ, હું તો મેસેજ કરી દઉં છું. તમે ત્યાંથી માલ લઇ લેજો. ત્યાં મારો માણસ ઉભો છે. પૈસાનો હિસાબ આપણે બેઉ પછી કરી લઈશું."
"તું નથી આવતો?"
"ના ભાઈ, મેં એક પોટલી તો સરકાવી છે ભાઈ. એ લઈને હું તો હવે ફુલ ટલ્લી થવા જઈ રહ્યો છું."
"હા પણ એડ્રેસ આપવાનું ના ભૂલતો."
"હા ભાઈ."
આટલું કહી તે વ્યક્તિએ ફોન મૂકીને પેકેટમાં રહેલાં માલને તૂટેલાં ટેબલ પર મૂકી હાથ વડે સરખો કરવા લાગી. આજુબાજુ નજર કરીને તેણે ફરી ચેક કરી લીધું કે કોઈ છે તો નહીંને! તેણે ઉભા થઈને ફેક્ટરીનું શટર બંધ કરીને તેની ઉપર તાળું મારી દીધું.
"બસ, હવે કોઈ ડિસ્ટર્બ નહીં કરે." આમ કહી તે પોતાની જગ્યાએ ગોઠવાયો. ચાવી પોતાનાં ખિસ્સામાં સરકાવીને તેણે ફોન લઈને એમાં મેસેજ કર્યો. ત્યારબાદ તે બધું પડતું મૂકીને માલ કાઢીને તેને સરખો કરવા લાગ્યો.
"વાહ વાહ! પહેલીવાર આવો પાક્કો માલ લઈશ હું આજે!" આટલું કહી તેની આંખોમાં ચમક આવી. તે ડ્રગના પાઉડર આગળ પોતાનું મોઢું નજીક લઈ ગયો.
"ફિલ્મોમાં તો બે રીતે પીવે ને નાકમાંથી અને મોંઢામાંથી. હું શેના વડે પીઉં?" તે આવો વિચાર કરવા લાગ્યો.
"હમ્મ નાક વડે જ લઉં." અને તેણે એકજ શ્વાસે તેની બનાવેલ એક લાઈન સૂંઘી ગયો. તેને બધું ગોળગોળ ભમવા લાગ્યું.
"વાહ વાહ આને કહેવાય ફૂલ કડક. આજ સુધી તો કચરો જ પીધો. ખરો બાપ તો આ છે." આટલું કહી તે ફરી વાંકો વળ્યો અને બીજી બે લાઈન પણ નાક વડે ખેંચીને પોતાની અંદર એ વસ્તુને સમાવી લીધી.
તેને નાકમાં તીવ્ર બળતરા થવાં લાગી. તે નાક પર હાથ રાખીને તેને ઠારવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તે દર્દથી કણસતો "આહ.... આહ..."ની ચીસો પાડવા લાગ્યો. એકાદ મિનિટ વીતી હશે ત્યાં જ તેનામાં અજીબોગરીબ પરિવર્તન થવાં લાગ્યાં. તેનાં શરીરની ચામડી કાળી પડવા લાગી. અમુક અમુક અંતરે ગોળ લોહીનાં ચકામાં ઉપસી પડવા લાગ્યાં. તેનાં દાંત પહેલાં કરતાં તીક્ષ્ણ બની ગયાં. આંખો તેની સળગતી અંગારા માફક ચમકવા લાગી. તે વ્યક્તિ પોતાનામાં આ પરિવર્તનને જોઈને નવાઈ પામી ગઈ. તે દરવાજા તરફ ભાગી પણ શટર પર લોક હતું. તે ચાવી લઈને ખોલવાનું વિચારે એ પહેલાં તે પૂર્ણપણે ઝોમ્બી બની ચૂક્યો હતો.
તે હવે માત્ર એક બંધ ઓરડામાં જીવતી લાશ સમાન બની ગયો હતો. તેને લોહીની ઉલ્ટીઓ થવાં લાગી. તેને ધીરે ધીરે પોતાનાં શરીરમાંથી ઝટકા આવવા લાગ્યાં. તેની વિચારવાની શક્તિ હવે ક્ષિણ થવાં લાગી. તે પાગલોની માફક ભૂખ્યા વરુની જેમ આંટા મારવાં લાગ્યો. તેને કાચું માંસ ખાવાની તીવ્ર ઈચ્છા થઇ ગઈ. તે આમતેમ ફાંફા મારતો શોધવા લાગ્યો. એક ઉંદર નજરે ચઢતા તેણે તેને પક્ડીને કાચોને કાચો ખાઈ લીધો. તેનાં મુખની બિહાકૃતિ જોઈને ભલભલી મજબૂત મનોબળવાળી વ્યક્તિનું હૃદય બંધ પડી જાય એવું હતું. થોડીવાર બાદ તેને ફરી તીવ્ર માંસ ખાવાની ઈચ્છા થવાં લાગી. બે કલાક વીતી જવાં છતાં તેને હવે કોઈ માંસ ના મળ્યું તો તે નીચે બેસી ગયો અને ધીરે ધીરે પોતાનાં જ પગના અંગુઠાને ચાવવા લાગ્યો.
થોડી વારમાં તે વ્યક્તિ પોતાનાં ધડની નીચેનો સંપૂર્ણ ભાગ ખાઈ ચૂકી હતી. આખી ફેક્ટરી રક્તરંજીત થઇ ગઈ હતી. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. તેનું મોઢું ભયાવહ રાક્ષસ જેવું થઇ ગયું હતું. તેનો ચહેરો પહેલાં કરતાંય વધુ બિહામણો થઇ ગયો હતો. છેલ્લે તેનાથી ના રહેવાતા તે પોતાનાં હાથને પણ બટકા ભરીને ચામડી ખેંચીને માંસના લૉંદા ચાવવા લાગ્યો.
(આ વાર્તા માત્ર કાલ્પનિક છે. મનોરંજન હેતુ તેમાં કરવામાં આવેલ ઉમેરો માત્ર કાલ્પનિક સમજીને અવગણવો. ઝોમ્બી શબ્દ પર ઘણી બધી થિયરીઓ છે જે આપણે મુવી કે વેબસીરીઝમાં જોઈ હશે. મેં પણ મારાં મત મુજબ અલગ જ થિયરી આપવાનો પ્રયત્ન કર્યો છે. જે અંતમાં ખબર પડશે. આપને સિરીઝ કેવી લાગી એ ચોક્કસ જણાવજો.)