સ્વિત્ઝર્લેન્ડમાં બર્ન શહેરની આસપાસ આવેલ એમેન્ટલ ખીણની આસપાસની ડેરીઓમાં ઉત્પાદિત થતા વિશ્વવિખ્યાત ચીઝ ને એમન્ટમેલ્મેન્ટલ ચીઝ તરીકે ઓળખવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં અને અન્યત્ર પણ આ ચીઝ ની સામાન્ય ઓળખ "સ્વિસ ચીઝ" તરીકેની જ છે. વિશ્વ બજારમાં જેમ રત્નાગીરી હાફૂસ કે ફ્રેન્ચ શેમ્પેઇનની ખાસ પ્રાદેશિક ઓળખ છે તેમ જ ફક્ત એમેન્ટલ ખીણ ની આસપાસ ઉત્પાદિત થતા ચીઝ ને જ 'સ્વિસ ચીઝ' તરીકે ઓળખવામાં આવે છે. અને આ લેબલ ચીઝ ના અસરકારક માર્કેટિંગ માટે જરૂરી પણ છે. ગમે તે બીજા પ્રકારના બનાવટી ચીઝ પર "સ્વિસ ચીઝ" નું લેબલ લગાડી દેવાથી કે પેકેટ્સ પર એવી ઓળખ આપી દેવાથી ઘણા લેભાગુ ઉત્પાદકોને હલકા ચીઝ ઉત્પાદના ઉંચા ભાવ મળી શકે છે. આમ, ખોટું લેબલ લગાડવાથી કે ખોટી ઓળખ આપવાથી ફાયદો થવાને લીધે બનાવટી ચીઝ નો કારોબાર ફુલ્યોફાલ્યો છે.
જો કે બીજા કોઈ પણ ચીઝ પર "બનાવટી સ્વિસ ચીઝ" નો આરોપ મુકવો સહેલો છે પણ એ બનાવટ કે છેતરપિંડી સાબિત કરવી અઘરી છે. ચીઝને ના ટુકડા ને પહેલી નજરે જોતાં ખબર પણ ન પડે. અરે, સ્વાદ નિષ્ણાતો સિવાય સામાન્ય લોકોને તો સ્વાદ,સુગંધ અને દેખાવ પણ સરખા જ લાગે. બીજો કોઈ રસ્તો નથી કે જે અપનાવીને જાણી શકાય કે ગ્રાહકે "સ્વિસ ચીઝ" નું લેબલ જોઈને ખરીદેલ ચીઝ ખરેખર સ્વિસ ચીઝ છે કે બનાવટી ચીઝ છે! જો કદાચ ગ્રાહકને ખબર પણ પડી જાય તો પણ ઘણે આઘે રહેલા મૂળ સ્વિસ ચીઝ ઉત્પાદકો કાંઈ કરી શકતા નથી.
સાવ સીધો સરળ રસ્તો એ ચીઝના પેકીંગને લેબલ આપવાનો છે. આ ઉપરાંત બીજો રસ્તો દરેક ચીઝ ની લાદી ઉપર સ્વિસ ચીઝ પ્રમાણપત્ર, ડેરી નંબર, ઉત્પાદની તારીખ અને સત્યતાની ખાતરી વગેરે સૂચના કોતરી કાઢવાનો છે. આટલું કરવા છત્તા બનાવટ અટકતી કે પકડાતી નથી. એક વખત લેબલ નીકળી જાય કે સૂચના કોતરી કાઢેલ ભાગ કપાઈ જાય એટલે ગ્રાહક લાચાર બની જાય છે અને પોતે જે પૈસા ચૂકવે છે તે જ વસ્તુ તેને મળે છે તેની કોઈ ખાત્રી નથી. અને તેથી જ સ્વિસ ચીઝ ઉત્પાદકો અને સ્વિસ સરકારે સાથે મળીને એક નવતર જ રસ્તો કાઢ્યો છે અને એક ગુપ્ત ઓળખ વડે સ્વિસ ચીઝને સમૃદ્ધ કર્યું છે. અસરકારક ઉપાય અજમાવવા માટે વર્ષોથી મથી રહેલ સ્વિસ સરકારના ખેતીવાડી ખાતાને અંતે 2008 માં એક રસ્તો મળી જ ગયો. એક ગુપ્ત ઓળખ ધરાવતા બેકટેરિયા ને ચીઝ માં મેળવી દેવાનું. આમ કરવું સહેલું તો નોહતું જ. કેટલાય પ્રયોગો બાદ અંતે મૂળ સ્વિસ ચીઝ નો સ્વાદ, સુગંધ, રંગ કે દેખાવ ન ફરી જાય એવા બેક્ટેરિયા ની ઓળખ થઈ. બેક્ટેરિયા ને ઉમેરવા છત્તા મૂળ ચીઝ માં ઘણા મહિનાઓ સુધી બદલાવ આવતો નથી. જો શરૂઆત ના તાજા ચીઝ ને વાપરવામાં આવે તો કોઈ ફરક જણાતો નથી.
આજે, લગભગ તમામ સ્વિસ ચીઝ માં ઉત્પાદનની શરૂઆતમાં જ ખાસ પ્રકારના બેક્ટેરિયા ઉમેરી દેવામાં આવે છે અને પરિણામે બનાવટી ચીઝ ને ઓળખવું સાવ સહેલું બની જાય છે. ખાસ જનીન સિક્વન્સ ધરાવતા બેકટેરિયાને ઓળખવા અને બનાવટી અને મૂળ ચીઝ નો ફરક ઓળખવા ફક્ત થોડાક જ ગ્રામ ચીઝ ની જરૂર પડે છે. આખી લાદી ચેક કરવાની જરૂર નથી. મતલબ કે ચીઝના સાવ નાના ટુકડા નું પરીક્ષણ કરવાથી પણ ખબર પડી જાય છે. અલબત્ત, ખાલી બેક્ટેરિયા ઉમેરી દેવાથી કઈ બનાવટ સાવ બન્ધ નથી થઇ જવાની. સ્થળ ઉપર જ ચેકીંગ માટે સ્વિસ સરકારે ખાસ ‘ચીઝ પોલીસ ‘ ની સ્થાપના કરી છે. ખાલી સ્વિટ્ઝર્લેન્ડ માં જ નહિ પણ આખા યુરોપ અને નોર્થ અમેરિકા માં આવી ‘ચીઝ પોલીસ’ કામે લાગીને બનાવટી ચીઝ એકઠું કરીને સ્વિટઝર્લેન્ડ DNA ટેસ્ટિંગ માટે મોકલી આપે છે.
હશે, પણ આપણે સ્વિટ્ઝર્લૅન્ડની દેખાદેખીમાં ‘‘બાસમતી પોલીસ’ કે ‘હાફુસ પોલીસ’ કે ‘કાશ્મીરી કેસર પોલીસ’ વિકસાવાની અને કામે લગાડવાની જરૂર નથી.