હાઇવે રોબરી 06
આખી બપોર બધા સાથે બેઠા.નંદિનીએ સોનલને પૂછ્યું :' જિજુ ના આવ્યા? '
' આજે એમને અગત્ય નું કામ હતું.સાંજે લેવા આવશે.'
બપોરે બધા કેટલીક રમતો રમ્યા , ગપ્પા માર્યા અને સાંજે માતાજી ના મંદિરે ગયા.બાજુમાં નદી વહેતી હતી.આશુતોષ અને વસંત નહાવા ગયા.વસંતને આશુતોષ સાથે ઘણી વાત કરવી હતી.પણ ખબર નહોતી પડતી કે વાત કેવી રીતે કરવી અને ક્યાંથી શરૂઆત કરવી.અને એ વાતએ દિવસે હદયમાં જ રહી.
સાંજે છ વાગે નિરવ આવ્યો.સોનલને ફોન કરી એ આવ્યો હતો એટલેએ સીધો મંદિરે જ આવ્યો.નિરવ ના પિતાનો હિરા અને સોનાનો મોટો વ્યાપાર હતો. નિરવ દેખાવમાં સુંદર અને સારું એવો ભણેલો પણ હતો.સૌથી સારી વાત એ હતી કે એ સોનલને ખૂબ ચાહતો હતો.સગાઈના થોડા સમયમાં જ એને ખબર પડી હતી કે નંદિની સોનલની ખાસ ,અંગત મિત્ર હતી.નિરવને બહેન ન હતી. એટલે એ નંદિનીને બહેન ગણતો હતો.અને એ પણ જાણતો હતો કે એ નાતે વસંત , રાધા ભાભી અને આશુતોષ સોનલના અંગત મિત્રો હતા અને એ હિસાબે એના પણ અંગત મિત્રો હતા.અને સોનલના સ્વભાવથી એ પરિચિત હતો.ભોળી , હસમુખી અને રિસાય ત્યારે મનાવવી મુશ્કેલ થઈ જતી હતી , રિસાય ત્યારે જીદ્દી નમ્બર વન થઈ જતી. રૂપિયાની દુનિયાથી તદ્દન વિપરીત , કોશો દૂર એવા સોનલના આ મિત્રોમાં નિરવને પણ આત્મીયતાનો અનુભવ થતો .નિરવ અને સોનલના જવાનો સમય થયો.
નિરવ : ' વસંતભાઇ આ તમારા મિત્ર લગ્ન ક્યારે કરવાના છે? '
વસંત એકપળ નિરવ સામે જોઈ રહ્યો.એ કંઈ બોલે એ પહેલાં નંદિની બોલી :' બસ કોઈ કરોડપતિની દીકરી મળે એટલી જ વાર છે. કાળી , બહેરી , બોબડી પણ ચાલશે. કોઈ હોય તો બતાવજો.'
આસુતોષે નંદિની સામે જોયું.એની આંખોમાં આક્રોશની સાથે આજીજીના ભાવ જોયા.મન મક્કમ કરી આશુતોષ બોલ્યો :' નિરવભાઈ લુલી , લંગડી , અંધ બધું સાથે હોય તોય ચાલશે.'
બધા હસી પડ્યા.
સોનલ આશુતોષની વ્યથા સમજતી હતી.વાત ને ટૂંકાવવા એણે બધાની રજા લીધી.
આશુતોષનું સાંજનું જમવાનું પણ વસંતના ઘરે હતું. રાધા અને નંદિની રસોઈ કામમાં લાગ્યા. વસંતે ફરી વાત કરવાનો પ્રયત્ન કર્યો. પણ એને શબ્દો જડતા નહતા. મૈત્રી ની કોઈક મર્યાદા નડતી હતી. આશુતોષ એના દિવાસ્વપ્ન માંથી બહાર આવતો નહતો. ભણેલી , રૂપાળી , શહેર ની ફેશનેબલ અને કરોડપતિની એકની એક દીકરીની અપેક્ષા રાખીને એ બેઠો હતો. પોતે આશુતોષને મૂર્ખ , ગાંડો કે શેખચલ્લી પણ કહી નહોતો શકતો. કદાચ મૈત્રી માં આવી મર્યાદા નડતી હશે. અને પોતે જે વાત કહેવા માગતો હતો એમાં તો એને આ મર્યાદા નડતી જ હતી.
જમી ને આશુતોષ ઘરે ગયો.
****************************
પથારી માં પડે બે ક્લાક થઈ ગયા. પણ વિચારો બંધ થતાં નહોતા.ઘરની બહાર ખુલ્લા ફળિયામાં ઢાળેલા ખાટલામાં પડખા ઘસતા ઘસતા આશુતોષ કંટાળી ગયો. ભગવાને માણસને એવી શક્તિ આપવી જોઈએ કે એ જયારે ઈચ્છે ત્યારે મગજને વિચાર શૂન્ય કરી શકે.
આંખ સામે આઠ નવ મહિના પહેલાની ઘટના ફરી તલવાર લઈ તૈયાર થઈ ગઈ.પોતે ચાહતો કે આ બધા વિચારોથી મુક્ત થાય પણ એવુ થતું નહિ.
સોનલની સાથે ઓળખાણ થયા પછી એ ઝડપથી આશુતોષ તરફ ઢળતી ગઈ. પૈસાદાર ઘરની દીકરી એ હમેશા જે ચાહ્યું એ મેળવ્યું હતું.માટે પ્રેમ મેળવવો એ પણ એ એનો અધિકાર સમજતી હતી.અને એક દિવસ એ આશુતોષના ઘરે પુસ્તકો લઈ કઈક શીખવાના બહાને આવી ગઈ.શીખવું એ તો બહાનું હતું.જેવું એકાંત મળ્યું.એણે પોતાની વાત સમય બગાડ્યા વગર રજૂ કરી.
' આશુતોષ મારે તને એક વાત કહેવી છે.પણ તું તારી બાના સોંગન્ધ લે કે આ વાત તું કોઈને નહિ કહે.'
' બા ના સોંગન્ધ , બોલ.'
' આઈ લવ યુ , અને મારે તારી સાથે લગ્ન કરવા છે.'
' સોનલ , આ ઘર જોયું છે.આ તૂટેલા ઘરમાં મામૂલી પગારદાર તને શું આપશે.'
' બધું પૈસા થી ના તોલશો. મારા પપ્પાની હું એક જ દીકરી છું.એ બધું મારું જ છે.'
' તો પણ સબંધ સરખા સરખામાં શોભે.તારા બાપુનો વિચાર કર.'
' એ તમે મારા પર છોડી દો.તમે તમારી વાત કરો.શુ હું તમને પસંદ આવું એટલી સારી નથી?'
' સોનલ તને પામનાર ધન્ય થઈ જશે.પણ હવે હું એક વાત કહું? તું મને પ્રેમ કરે છે ને? તો લે મારા સોંગન્ધ કે આ વાત તું કોઈને નહિ કહે.'
' લીધા તમારા સોંગન્ધ, પ્રાણ જશે પણ વાત કોઈને નહિ કહું.'
' નાનપણથી વસંતના ઘર સાથે અમારા ઘરને અંગત સબંધ હતા. વસંત મારાથી ત્રણ વર્ષ મોટો હતો.નંદિની મારા કરતાં ત્રણ વર્ષ નાની હતી. એ સમયે એની બા જીવતા હતા. સ્કૂલમાં કે ગામમાં કોઈ મને કંઈ પણ કહે તો વસંત મારી પડખે આવીને ઉભો થઇ જતો.હું વસંતના ઘરે રમવા જતો.ઘણી વાર ત્યાં જ જમતો , ત્યાં જ સુઈ જતો. અમે લોકો... હું , વસંત અને નંદિની ઘણી રમતો રમતા.અને હું હંમેશા નંદિનીને હરાવવાના પ્રયત્નમાં જ રહેતો. નંદિની હારતી , હું ખુશ થઈ એની સામું જોતો. એની આંખોમાં હાર ના ભાવ છલકાતા.વસંત ઘણી વાર ખેતરે જતો.ત્યારે હું અને નંદિની રમતા.એ કહેતી તમે મને જાણી જોઈને હરાવો છો.મને વધુ મઝા આવતી.કયારેક હું તેના વાળ ખેંચતો. કમરે ચૂંટલો ભરતો.એ રડતી.અને એની મા ને ફરિયાદ કરતી. અમે બન્ને એકબીજા પર ચીટીંગના આક્ષેપ કરતા.એમ કરતાં કેટલો ય સમય વીતી ગયો.અને એ દિવસે મેં એને ખૂબ જ જોર થી ચૂંટલો ભર્યો.એની આંખ માંથી આંસુ આવી ગયા.એની બા ઘર માંથી બહાર આવતા હતા.એણે આંસુ લૂછી નાંખ્યા. એની બા એ પૂછ્યું શુ થયું? એણે હસી ને કહ્યું કંઈ નહિ બા.
એ દિવસે કદાચ અમે મોટા થઈ ગયા હતા. અડધી રાત સુધી મને ઉંઘ ના આવી.નંદિની આંસુ ભરેલો ચહેરો લઈ ઉપસ્થિત થઈ જતી હતી.મને પારાવાર ગુસ્સો આવતો હતો.મને શું અધિકાર હતો એ છોકરીને રડાવવાનો. મારી જાત મારા આત્મા સમક્ષ ગુનેગાર બનીને ઉભી હતી. અને મારો આત્મા તેને માફ કરવા તૈયાર નહોતો.એ પછી જ્યારે અમે રમત રમતા ત્યારે હું જાણી જોઈને હારી જતો. હું એના ચહેરા તરફ જોતો.એના ચહેરા પર એક આનન્દના ભાવ દેખાતા.એ આનન્દના ભાવ જીતના નહોતા.પોતાના અસ્તિત્વના સ્વીકારના હતા.એ મારા માટે જાત જાતના નાસ્તા , જમવાનું બનાવતી અને મને આગ્રહ કરી જમાડતી.એ દરમિયાન વસંતના લગ્ન થયા.એની માતાનું અવસાન થયું.અમારી નિકટતા વધતી ચાલી.અને એક દિવસ હું એના ઘરે ગયો.ઘરે કોઈ નહતું. રાધા ભાભી પિયર ગયા હતા.વસંત રાત્રે મોડે આવવાનું કહીને ગયો હતો. બપોરના બે વાગ્યા હતા. એણે હસીને મને આવકાર આપ્યો. હું અંદરના ઓરડા માં બેઠો.એ પાણી લઈને આવી.મેં એનો હાથ પકડી લીધો.એણે એનો હાથ છોડાવવાનો નિષફળ પ્રયત્ન કર્યો.ખડકીનો દરવાજો કોઈએ જોરથી ખખડાવ્યો. મેં એનો હાથ છોડી દીધો. એણે દરવાજો ખોલ્યો.હું રૂમના પહેલા દરવાજા આગળ ઉભો રહ્યો. વસંત હતો. મારા હાથપગ પાણી પાણી થઈ ગયા.પણ નંદિની એ વાત સંભાળી લીધી.
'ટાઈમસર છો ભાઈ.તમારા ભાઈબંધ ચ્હા પીવા આવ્યા છે. માસી બહાર ગયા છે. મેં મારી જાત ને માંડ માંડ સંભાળી. ચ્હા પી , થોડી વાર બેસી હું નીકળી ગયો.
એક અપરાધ ભાવ લઈ ને.
( ક્રમશ : )