આ મલ્હોત્રા ફેમિલી છે.... છળ કપટ તો એના લોહીમાં સમાયેલ છે!!!......
તું તારી મરજીથી આવી તો છે પણ તારી મરજીથી જઈ નહીં શકે!!!.....
અહીં બધા લોકો બે ચહેરા લઈને ફરે છે!!! દરેકે છળ કપટના મુખોટા પહેર્યા છે.... એ તો જેને અનુભવ થયો હોય એજ જાણે...!!!"
એ સફાળી બેઠી થઈ ગઈ. શ્વાસ જાણે અધ્ધર ચડી ગયો હતો. એ. સી. વાળા રૂમમાં પણ કપાળે પરસેવો ઉપસી આવ્યો. ગળું સાવ સુકાઈ ગયું હતું. બાજુના ટેબલ પર રાખેલી બોટલ લીધી પણ ખાલી!
રાતના બે વાગ્યા હતા. પોતાની જમણી બાજુ નજર કરી તો યુવરાજ પડખું ફરીને સૂતો હતો. બોટલ લઈ રૂમની બહાર નીકળી. આખા ઘરમાં અંધારું છવાયેલ હતું. આમ તો એને અંધારાથી ખૂબ ડર લાગતો પણ તરસ ખૂબ લાગી હતી એટલે નીચે કિચન તરફ જવા લાગી. સીળીના એક એક પગથિયે ડરતા ડરતા અને સમજીવિચારીને પગ મુકતી હતી.
એ મુખોટા વાળી વાત હજી તેના મગજમાં ઘૂમતી હતી. આખરે કનક જાણતી જ શું હતી આ પરિવાર વિશે..!
****************
યુવરાજ પહેલી વાર કંપનીની બીજી સાઈટની મુલાકાતે જઈ રહ્યો હતો. જે શહેરથી ત્રીસ કિલોમીટર દૂર મણિપુર નામના ગામમાં હતી. અડધી કલાકના પાકા રસ્તા બાદ ગામનું બોર્ડ દેખાયું. પાકા રસ્તેથી ડાબી બાજુ કાચા રસ્તા તરફ એરો દોરેલો હતો. યુવરાજે એ તરફ ગાડી વાળી. ગામ સાવ જુનું અને પછાત લાગી રહ્યું હતું.
સામેથી એક વ્યક્તિને આવતા જોયો. યુવરાજે અડધો કાચ ખોલી તે ગામના યુવકને પૂછ્યું, "ઓ... હેલ્લો.... આ મલ્હોત્રા'ઝ સોફ્ટ ડ્રિન્કનું કારખાનું કઈ બાજુ આવેલું છે?"
તે યુવક જિણી આંખ કરી કારમાં જોઈ બોલ્યો, "આ જ રસ્તે થોડે આગળ જઈ જમણી બાજુએ વળી જજો. ત્યાથી સીધા રસ્તે જ આવી જશે તમારું કારખાનું."
"થેન્ક્સ." કહી યુવરાજ આગળ વધ્યો. ત્યાંજ કોઈના ચિલ્લાવાનો અવાજ તેના કાને પડ્યો. ફરી કાર ઉભી રાખી અને બહાર નીકળ્યો. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. ફરીથી અવાજ આવ્યો..
"બચાવો.... " ફરી તેના કાન સતર્ક થયા. એ અવાજની દિશાને ગોતી રહ્યો હતો. એટલામાં જ એનું ધ્યાન સામેની નદી પર ગયું. કોઈ ડૂબી રહ્યું હતું તેમાં! કોઈ છોકરી પોતાની જાતને પાણીમાં ડૂબતા બચાવવા માટે વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી.
એ જોઈ યુવરાજ તરત ભાગ્યો અને સીધો નદીમાં કુદીયો. યુવરાજે પોતાના જીવની પરવાહ કર્યા વગર એ છોકરીનો જીવ બચાવ્યો. આજુ બાજુ કોઈ દેખાતું નહતું. એ છોકરીને ઊંચકીને કિનારે આવ્યો. તે બેહોંશ થઈ ગઈ હતી. જમીન પર સૂવડાવી તેને ઉઠાડવાના પ્રયત્નો કર્યા પણ એ ઉઠી નહીં. યુવરાજે ફરી તેના ગાલ થપથપાવ્યા. બંને હાથના જોરથી પેટ દબાવ્યુ, તેના હોઠના ખૂણેથી પાણી નીકળી કાન સુધી પહોંચ્યું. પણ હજી તે હોંશમાં આવતી ન હતી.
યુવરાજે આજુબાજુ નજર કરી પણ કોઈ દેખાતું નહતું કે તેની મદદ લઈ શકે. છેવટે યુવરાજે તેનું મોં ખોલ્યું. એ છોકરીના હોઠ પર પોતાના હોઠ મૂક્યા અને લાંબો શ્વાસ ભરી તેના મોં મા શ્વાસ છોડ્યો. એક બે વખત એ ક્રિયા કરી કે તરત જ એ છોકરીએ લાંબો શ્વાસ લીધો, આંખો ખોલી અને ઉભી થઈ ગઈ. તેને ઉધરસ આવતી હતી. યુવરાજે તેની પીઠ પાછળ હાથ ફેરવતા પૂછ્યું, "આર યુ ઓકે?"
છોકરી કઈ જવાબ આપે તે પહેલાં જ સામેથી કોઈનો અવાજ સંભળાયો , "કનક....!"
સામે ગુસ્સાથી લાલચોળ એક સ્ત્રી ઉભી હતી. એમને જોઈ એ છોકરી ખૂબજ ડેરલા અવાજે બોલી, "કાકી!"
"આ હું શું જોઈ રહી છું! હેં ભગવાન અનર્થ થઈ ગયો... લાજ શરમ મૂકીને તું શું કરી રહી છે આ છોકરા સાથે?!" એટલું કહેતા કનકના ગાલ પર જોરથી થપ્પડ મારી. યુવરાજ જોતો જ રહી ગયો. કનકના ગાલ પર ચાર આંગળીઓ ઉપસી આવી.
ક્રમશ:... ✍️✍️✍️✍️
-Payal Sangani.