ત્યાં અંદર જતા જ હિમાની જુએ છે કે બહારથી ભંગાર લાગતી ફેકટરી અંદર એકદમ આલીશાન હોય છે. આખી ફેકટરી ને અંદરથી ખુબજ સરસ ઓફિસ જેવી બનાવી હોય છે. ત્યાં એક મોટો હોલ હોય છે જેમાં સોફા અને ટેબલ પડેલા હોય છે અને આગળ જતાં બે રૂમ હોય છે. જેમાં એક રૂમમાં કમ્પ્યૂટર અને બીજા યંત્રો હોય છે જ્યારે બીજો રૂમ બેડરૂમ જેવો બનાવ્યો હોય છે. હિમાની આ બધું જોવામાં જ વ્યસ્ત હોય છે. ત્યાં જ અનુજ બોલી ઊઠે છે.
"બેટા અંદર આવ. આ મારી સિક્રેટ ઓફિસ છે. જે કોઈને પણ નથી ખબર. મારા બાકીના તમામ કામ હું અહીંયાથી સંભાળું છું. મને તારી પર વિશ્વાસ છે અને તું કદાચ હજી વધુ સારી રીતે મદદ કરી શકે એટલે હું તને ખુબજ ખાનગી વાત કહેવા જઈ રહ્યો છું."
"એવી તો કેવી ખાનગી વાત જે હજી સુધી મને નથી ખબર? લગભગ તો હું તમામ વસ્તુ જાણું જ છું તમારા વિશે." હિમાની પૂછે છે.
"બેટા તને તો ખબર જ છે કે રાજકારણમાં સાચા માણસની કોઈ જગ્યા હોતી નથી અને કોઈ ટકવા પણ દેતું નથી. બસ એ જ રીતે હું પણ રાજકારણમાં ટકવા માટે ક્યારે ખોટા કામ કરવા લાગ્યો તે મને પણ ખબર ન પડી. દુનિયા સામે હું જે છું તેના કરતાં અલગ જ હું અહીંયા કામ કરું છું. મારા તમામ ગેરકાયદેસર કામ હું અહીંયાથી સંભાળું છું. અને હવે હું પ્રધાનમંત્રી બનવા માટે નું મારું સ્વપ્ન પૂરું કરવા જઈ રહ્યો છું. જેના માટે મેં ખુબજ મોટી યોજના બનાવી છે."
"સાહેબ મને પણ પ્રશ્ન થયો જ હતો કે તમે પંદર વર્ષથી ગૃહમંત્રી તરીકે છો તો કોઈ દિવસ પ્રધાનમંત્રી બનવા માટે પ્રયત્ન જ ના કર્યો?"
"બેટા પ્રયત્ન તો મેં આજથી છ વર્ષ પહેલાં પણ કરેલો. પણ ત્યારે મારી યોજના નિષ્ફળ ગયેલી. પણ આ વખતે હું કોઈ ભૂલ કરવા માંગતો નથી. અને તે માટેજ તને અહીંયા લઈ આવ્યો કે જેથી તું મારી યોજના એકવાર ચકાસી લે અને કોઈ ભૂલ હોય તો બતાવી દે."
"હા હું જરૂર એ યોજના જોઈ લવ છું. પણ તે પહેલાં છ વર્ષ પહેલાં તમારી યોજના નિષ્ફળ ગઈ હતી તેના વિશે જણાવો. એટલે ત્યારે ક્યાં ચૂક રહી ગઈ હતી તે હું શોધી લવ."
"ઠીક છે હું તને આખી વાત કહું. આજથી છ વર્ષ પહેલાં સરકારે આતંકવાદીઓ ને પકડ્યા હતા. તો એ આતંકવાદીઓ સાથે મે એક યોજના બનાવી હતી કે હું તેઓ છૂટી જાય એ માટે એમની મદદ કરીશ. અને તેના બદલામાં તેઓ ભારતમાં જુદા જુદા શહેરોમાં અશાંતિ ફેલાવી દે અને એનો બધો દોષ પ્રધાનમંત્રી પર આવે એવું કામ તેઓ કરી આપવાના હતા. જેથી તેઓનું નામ આવતાં જ તેઓ રાજીનામું આપી દે અને તેમની જગ્યાએ મને પ્રધાનમંત્રી બનાવી દે. આતંકવાદીઓ છૂટી જાય એ માટે મે મારા દિકરાનું ખોટું ખોટું અપહરણ કરાવ્યું હતું. જેથી એ અપહરણ ના ભાગ રૂપે ધમકી આપી આતંકવાદીઓ ને છોડાવી શકાય. પણ કોણ જાણે કેમ મને પણ નથી ખબર પણ તે સમયની દિલ્હી પોલીસ કમિશનર માલવિકા ચૌહાણને આ યોજના વિશે માહિતી મળી જાય છે. પણ તેને હજી પણ ખબર નથી હોતી કે આના પાછળ મારો જ હાથ હોય છે. તે સર્ચ ઓપરેશન વડે બરોડા થી મારા દીકરાને શોધી લીધો અને મારી આખી યોજના પર પાણી ફેરવી નાખ્યું. અને અધૂરામાં પુરુ તે વખતે મારા માણસો મારી સાથે વાતો કરતા હતા તેનું રેકોર્ડીંગ કોઈ હિયા નામની છોકરીએ કરી નાખ્યું હતું. જે અમારા માણસને ખબર પડી ગઈ હતી. પણ તે સમયે બધી દોડધામમાં એ ક્યાં જતી રહી તે જ કોઈને ખબર ન પડી. એને ખુબજ શોધવાની કોશિશ કરી પણ પછી એ મળી જ નહિ. પછી દોઢ વર્ષ પહેલાં મને ખબર મળી કે તે સુરતમાં છે. અને વધુ તપાસ કરતા જણાયું કે તે માલવિકા ચૌહાણની જ બહેન હતી. તે સમયે હિયાને પકડીને તેની પાસેથી તે વિડીઓ મેળવીને તેને મારી નાંખવા માટે મેં મારા એક માણસને તેની પાછળ લગાડ્યો હતો. પણ કોઈને કોઈ કારણસર તેને મારવા માટે હજી સમય લાગતો હતો. પણ અચાનક એક દિવસ મને મારા માણસે ખબર આપ્યા કે હિયા કોઈ આયાન નામના છોકરા સાથે લગ્ન કરવા જઈ રહી છે. તો અમે એ લગ્નના દિવસે જ હિયાને મારવાનો પ્લાન બનાવ્યો. પણ તે પ્લાન અમલ માં મૂકતા પહેલા જ માલવિકા અને આયાનએ હિયાને દગો આપ્યો. અને તે બંનેએ લગ્ન કરી નાખ્યાં. એનાથી હિયા ખુબજ તૂટી ગઈ હતી. હવે એ પોતાનામાં જ એટલી વ્યસ્ત હતી કે એને કોઈ વાતની ખબર જ રહી ના હતી. એટલે મને એના તરફથી કોઈ નુકસાની થશે એવું ના લાગ્યું એટલે એને મેં એના હાલ પર છોડી દીધી. અને માલવિકા અને આયાનને પણ એના ઘરવાળા એ બહાર કાઢી મૂક્યા એવી વાત મને જાણવા મળી. પણ તો પણ હું કોઈ રિસ્ક લેવા માંગતો ન હતો એટલે માલવિકા ને મેં ટ્રાફિક વિભાગમાં ટ્રાન્સફર કરાવી એના હાથ કાપી નાખ્યાં. જેથી એને પાછળ થી પણ મારા વિશે કશું ખબર ના પડે અને મારા માટે મુસીબત ઊભી ના કરે. આટલું થયું હતું તે સમયે."
"ઓહ માય ગોડ. તે સમયે આટલું બધું થયું હતું. હા મે સમાચાર સાંભળ્યા હતા તમારા દીકરા ના અપહરણના. અને તે સમયે માલવિકા ચૌહાણના વખાણ પણ ખુબજ થયા હતા. પણ એની પાછળ તમારી આટલી મોટી યોજના હશે એ મને ખબર ના હતી. પણ માની ગઈ બોસ તમે તો કેટલી સરસ યોજના બનાવી હતી. પણ અફસોસ કે તમારો પ્લાન અડધે થી જ અટકી ગયો. પણ વાંધો નહિ આ વખતે એવું ના થાય. હું છું ને. તમે બિલકુલ પણ ચિંતા ના કરતાં."
"એટલે જ તો તને અહીંયા લઈ આવ્યો છું. જો તું બધું જાણી લે અને પછી વ્યવસ્થિત સમજીને યોજના જોઈ લે તો આ વખતે કોઈ ભૂલ ન રહી જાય."
"ખુબજ સારું કર્યું તમે કે મને અહીંયા લઈ આવ્યા. હવે તમને પ્રધાનમંત્રી બનતા કોઈ રોકી શકશે નહિ."
આમ જ તેઓ વાતો કરતા હોય છે અને અનુજ તેની બનાવેલી આખી યોજના જણાવે છે. પછી તેઓ ત્યાંથી છુટા પડે છે. ત્યાંથી છુટા પડતા જ હિમાની ફોન કરે છે.
"ભાઈ હવે આપણો સમય આવી ગયો છે. આજની થયેલી વાતો ખુબજ વિસ્ફોટક છે અને એનું તમામ રેકોર્ડીંગ મે કરી નાખ્યું છે. હું એ રેકોર્ડીંગ અને બીજા તમામ પુરાવા તમને મોકલું છું. તમારે એ પુરાવા પેલી ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડવાની જવાબદારી તમારી."
બીજે દિવસે સવારે 10 વાગ્યે સમાચાર આવે છે કે દિલ્હી શહેરની બહાર એક અવાવરૂ ફેકટરીમાં મળી આવી લાશ....
(ક્રમશઃ)