Hiyan - 19 in Gujarati Love Stories by Alish Shadal books and stories PDF | હિયાન - ૧૯

Featured Books
Categories
Share

હિયાન - ૧૯

હિયાનો પત્ર વાંચીને ઘરમાં બધાને શાંતિ થઈ જાય છે. બધાને એક વાતની રાહત થાય છે કે એ જ્યાં હશે ત્યાં સુરક્ષિત હશે. બધા પોત પોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત થઈ જાય છે. પણ હા હિયાને રોજ યાદ કરતા જ હોય છે. હવે તો આયાન અને માલવિકા ને પણ તેમણે સંપૂર્ણપણે માફ કરી દીધા હોય છે.

"કેવું કહેવાય નહિ. એ છોકરી આપણો પરિવાર ભેગો કરીને પોતે એકલી રહી ગઈ. એને ખબર હતી કે એની હાજરીમાં આપણે આયાન અને માલવિકા ને સ્વીકારી શકીશું નહિ એટલે એ પોતે જતી રહી." સુનિલભાઈ નાસ્તાના ટેબલ પર બેઠા બેઠા વાતો કરતા હોય છે.

"હા, એનું દિલ ખરેખર સોનાનું છે. એ વગર કહ્યે તમામની લાગણી સમજી જાય છે. પણ એક વાત એની ખુબજ ખરાબ છે. એ બાકી બધાને ખુશ કરવામાં પોતાની ખુશી હંમેશા ભૂલી જાય છે." શાલિનીબેન જવાબ આપે છે.

"ભગવાન કરે એ જલ્દી પાછી આવી જાય. મારી બેસ્ટ ફ્રેન્ડ હિયાને હું ખુબજ મિસ કરું છું." આરવી જવાબ આપે છે.

"ભાઇલુ, આ બધી વાતમાં એક વાત તો પૂછવાની રહી ગઈ. એવી કઈ મજબૂરી હતી કે તમારે આ રીતે લગ્ન કરવા પડ્યા હતા?" ધ્રુહી પૂછે છે.

ધ્રુહીના સવાલ થી માલવિકા અને આયાન બંને એકબીજાને જુએ છે. તેઓ આંખો આંખોમાં કઈક વાતો કરે છે.

"દીદી હવે એ વાત અમે હિયા પાછી આવે ત્યારે તેની સામે જ જણાવીશું. આટલી રાહ જોઈ છે તો હવે થોડાક મહિના વધુ." આયાન જવાબ આપે છે.

________________________________________________

(દિલ્હી)

હિમાની અનુજ જી ની તમામ ફાઈલ ચેક કરે છે. અને તેમાંથી તેને જ્યાં જ્યાં ભૂલો લાગે ત્યાં ત્યાં સુધારો કરવાનું સૂચન કરે છે. જેનાથી અનુજ જી ને ઘણો ફાયદો થાય છે.

આમજ દિવસો ઉપર દિવસો પસાર થઈને આ વાતને ચાર મહિના થાય છે. હિમાની ધીરે ધીરે અનુજ જી નો વિશ્વાસ પ્રાપ્ત કરવામાં સફળ રહે છે. હિમાની ની સલાહથી અનુજ જી ની રાજકીય છબી ખુબજ સુધરી ગઈ હોય છે. અને ઘણા કામ સરળતા થી થઈ ગયા હોય છે. હવે તો એમનું નામ PM Candidate તરીકે પણ ચર્ચાતું થઈ ગયું હોય છે.

"બેટા તારો કયા શબ્દોમાં આભાર માનું. જો તું મને થોડા વર્ષો પહેલા મળી હોત તો આજે હું પ્રધાનમંત્રી હોત. તું નાની છે પણ કામ ખુબજ મોટા છે તારા." અનુજ જી હિમાનીના વખાણ કરતા કહે છે.

"અરે સાહેબ. એમાં આભાર માનવાનો ના હોય. મારું એ જ તો કામ છે અને એના માટે જ તો હું પગાર લવ છું. ભલે અત્યારે પ્રધાનમંત્રી નથી બની શક્યા પણ હું વચન આપું છું કે તમે નજીકના ભવિષ્યમાં ખુબજ આગળ હશો." હિમાની કહે છે.

"બેટા તારા શબ્દો જો સાચા પડે તો હું તારો ગુલામ થઈ જઇશ."

"ના રે સાહેબ. હું નાની છું તો નાની બનીને જ જીવવા દો. ચાલો તો હું રજા લવ છું. આપણે કાલે મળીએ. અને હા આવતીકાલની સભા માટે મેં કહ્યું તે તમામ વાતો યાદ રાખજો. આવતીકાલે તમારી પર જરૂર સવાલો થશે પણ મે શીખવાડ્યું છે તેમ જ જવાબ આપજો."

આમ કહીને તે ત્યાંથી જતી રહે છે.

બીજે દિવસે અનુજ જી જાહેરસભા માં સંબોધન કરતા હોય છે. એમની સભા પૂરી થાય છે તેવી જ એક પત્રકાર આવીને સવાલ કરે છે.

"અનુજ જી, હાલમાં જે દેશમાં અમુક જગ્યાએ નક્સલવાદ ફાટી નીકળ્યો છે તે વિશે તમારું શું કહેવું છે? અમને જાણવા મળ્યું એ મુજબ તમે હજી સુધી આ દિશામાં કોઈ પગલાં પણ નથી લીધા. અને હાલમાં ઘણી જગ્યા એ કોમી એકતા ને પણ હાની પહોંચી રહી છે. તે બાબતમાં પણ તમે તમારા રાજકીય ફાયદા માટે હજી તમે કોઈ પગલાં નથી ભર્યા. એક ગૃહમંત્રી તરીકે દેશની આંતરીક શાંતિ માટે તમે જવાબદાર બનો છો. તો આ બાબતે તમારું શું કહેવું છે?"

"તમે સવાલ ખુબજ સરસ કર્યો છે. હું એટલું કહેવા માંગુ છું કે આ દેશની આંતરિક સુરક્ષા નો પ્રશ્ન છે તો એને હમણાં આંતરિક જ રહેવા દો. આવી રીતે જાહેરમાં આવી ગંભીર બાબતો પર ચર્ચા ના થઈ શકે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી સાથે મારી આ બાબત પર ચર્ચા થઈ ગઈ છે અને એ દિશામાં પગલાં લેવાનું શરૂ પણ થઈ ગયું છે. હું એટલું જ કહેવા માંગીશ કે નક્સલવાદ હોય કે દેશ ની એકતા તોડવાના પ્રયત્ન હોય, હું દેશ વિરોધી એક પણ બાબત ચલાવી નહિ લવ." અનુજ જી આટલો જવાબ આપીને ત્યાંથી જતા રહે છે.

તેમના જતા જ તે પત્રકાર હિમાનીને ફોન કરે છે.

"મેડમ તમારું કામ થઈ ગયું છે. તમે જેમ કહ્યું હતું તે જ મુજબ મેં સવાલો કર્યા હતા અને આગળ news પણ તમારા કહેવા મુજબ જ ચલાવીશું. પણ હા તમે જે પ્રોમિસ કર્યું છે તે જરૂર પૂરું કરજો."

"મારી મદદ માટે ખૂબ ખૂબ આભાર. અને હું મારું પ્રોમિસ કદી ભૂલું નહિ. થોડા દિવસોમાં જે વિસ્ફોટક ન્યૂઝ મળવાના છે તેની પહેલી માહિતી હું તમારી ચેનલ ને જ આપીશ." આટલું કહીને હિમાની ફોન મૂકી દે છે.

અને પછી હિમાની બીજા કોઈને ફોન જોડે છે. સામે ફોન ઉચકતા જ હિમાની પોતાની વાત શરૂ કરે છે.

"ભાઈ હવે આપણા પ્લાન નું આખરી પગલું આવી ગયું છે. મને વિશ્વાસ છે કે આજની ઘટના પછી અનુજ ને મારા પર પૂરેપૂરો વિશ્વાસ થઈ જશે. અને તે કહ્યું એ રીતે જ મે એની ફાઈલ ચેક કરવાનાં બહાને તમામ માહિતી ભેગી કરી નાખી છે. હવે જોઈએ આગળ આગળ શું થાય."

"વાહ.. મારી બહેન તો ખુબજ હોશિયાર નીકળી. ધારવા કરતા પણ ખુબજ ઓછા સમયમાં તે આ કામ પૂરું કરી દીધું. આશા રાખું કે ખુબજ જલ્દીથી આપણું કામ પૂરું થાય. અને હા તારું ધ્યાન રાખજે. અને હવે આપણે આ કામ પૂરું થાય ત્યારે જ વાત કરીશું. ત્યાં સુધી કોઈ કોન્ટેક્ટ નહિ. ચલ બાય. ધ્યાન રાખજે."

આટલું કહીને સામેવાળો વ્યક્તિ ફોન મૂકી દે છે. હિમાની ખુબજ ખુશ જણાય છે. એણે ફોન મૂક્યો હોય છે અને ત્યાંજ અનુજ એની ઓફિસમાં આવે છે.

"બેટા આજે કેમ ખુબજ ખુશ જણાય છે? મને પણ એ ખુશીનું કારણ કહે હું પણ ખુશ થઈશ."

અનુજની વાત સાંભળી પહેલા તો હિમાની ભોંઠપ અનુભવે છે. પણ પછી સ્વસ્થતા ધારણ કરી લે છે.

"સાહેબ તમે જાતે જ જોઈલો." આમ કહેતા તે ટીવી ચાલુ કરે છે.

સમાચારમાં અનુજના વખાણ થતા હતા. આજે પત્રકારે પૂછેલા સવાલ ના જવાબથી દેશમાં અશાંતિ ઊભી કરનારને અનુજ જી એ આડકતરી રીતે કડક ચેતવણી આપી છે એવું બતાવતા હતા. અનુજ તો આ જોઈને ખુબજ ખુશ થઈ જાય છે.

"બેટા આ બધુ શું છે? અને તને કેવી રીતે ખબર કે આજે પત્રકાર આવી સવાલ પૂછશે જ."

"એ સવાલ મેં જ કરાવ્યો હતો."

"શું? તું સાચું કહે છે? અને જો એવું જ હોય તો આવું કરવાની શી જરૂર હતી?"

"મારા અમુક સૂત્રો ના સર્વે મુજબ લોકોમાં તમારા તરફ અસંતોષ ઊભો થયો હતો કે તમે આ દિશામાં ધ્યાન આપતા નથી. અને એટલે જ મે તમારી છબી હજુ મજબૂત કરવા આ સવાલ કરાવ્યો હતો."

"બેટા મને કહેવું તો જોઈએ. આ બાજી ઊંધી પડી ગઈ હોત તો?"

"એમનેમ થોડી કઈ હું બાજી ઊંધી પડવા દવ. આ સમાચારમાં જે બતાવે છે તે પણ મારા કહ્યા મુજબ નું જ તો બતાવે છે."

"બેટા માની ગયો હું તારી આવડત પર. હું ખુબજ ખુશ છું. ચાલ આજે તને એક જગ્યા પર લઈ જાવ."

એમ કહીને અનુજ હિમાની ને શહેરથી દૂર એક બંધ પડેલી ફેકટરીમાં લઈ જાય છે. ત્યાં કોઈ હોતું નથી. ચારે બાજુ નીરવ શાંતિ પથરાયેલી હોય છે. હિમાનીને આ જગ્યાએ એકલી આવીને પસ્તાવો થાય છે. તેને થાય છે કે અનુજ ને તેમનો પ્લાન ખબર તો નથી પડી ગઈ ને? હવે શું થશે? તે ખુબજ ડરી જાય છે પણ તે ચહેરા પર દર્શાવવા દેતી નથી. ત્યાં અંદર જતા જ...

(ક્રમશ:)