Hiyan - 18 in Gujarati Love Stories by Alish Shadal books and stories PDF | હિયાન - ૧૮

Featured Books
Categories
Share

હિયાન - ૧૮

આયાન પત્ર વાંચે છે. એ પત્ર હિયાએ લખ્યો હોય છે. અંદર હિયા એ આ મુજબ લખ્યું હોય છે.

(હિયાના શબ્દોમાં)

"મમ્મી, પપ્પા અને બાકીના તમામ..

મેં કહ્યું હતું કે મને શોધવાની કોશિશ ના કરતા. તો પણ તમે મને છેલ્લા એક અઠવાડિયાથી શોધી રહ્યા છો. આ વાત મને પસંદ આવી નથી. હું હવે તમને છેલ્લી વાર કહું છું મને શોધવાનો પ્રયત્ન છોડી દો. સમય આવ્યે હું જાતે જ પાછી આવી જઈશ.

દીદી તમારે આ સમયે આરામ કરવાનો છે તો તેની જગ્યાએ તમે મને શોધવામાં લાગી ગયા છો. આયાન તું પણ કેમ એમને બહાર આ રીતે જવા દે છે? એમને હવે બિલકુલ પણ સ્ટ્રેસ ના પહોંચે એની જવાબદારી તારી.હું પ્રોમિસ આપુ છું કે હું માસી બનું તે પહેલાં પાછી આવી જઈશ. ત્યાં સુધીમાં હું આ સત્ય સ્વીકારવા માટે પોતાને મજબૂત બનાવી દઈશ. જેથી મને ફરીવાર તમને સાથે જોઈને તકલીફ ના થાય.

ધ્રુહી દીદી અને આરવી તમે બંને એ મારા કારણે છેલ્લા ઘણા સમયથી પોતાનું ભણતર બગડ્યું છે તે હવે એવું ના કરતા. હવે મને આવી ફરિયાદ ના જોઈએ.

અને મમ્મી પપ્પા તમે આયાન અને દીદીને સ્વીકારવા તરફ ના શરૂઆત ના પગલાં ભર્યા તે મને ખુબજ ગમ્યું છે.અને મારી ચિંતા ના કરતા. હું ઠીક છું અને આયાન અને દીદી નો સામનો કરવા માટે પોતાની જાતને તૈયાર કરી રહી છું.

ફરીથી હું કહું છું કે હવે મને જો શોધવાની કોશિશ કરી તો હું જીવનમાં તમને ફરીથી કોઈ દિવસ મળીશ નહિ.

તમારી હિયા.."


ઘરના તમામ લોકો આ પત્ર વાંચે છે.

"તો હવે હિયાની ઈચ્છા ને માન આપીને હવે આપણે એને શોધવાનું બંધ કરવું જોઈએ. એણે કહ્યું તેમ એ સમય આવ્યે આપણા બધાની સામે હાજર થઈ જ જશે. મને વિશ્વાસ છે એના પર." સુનિલભાઈ કહે છે.

"સાવ એવું થોડી હોય. મારી દીકરી ક્યાં કેવીરીતે રહેતી હશે કોઈને ખબર નથી. એને આ રીતે એકલી તો ના જ છોડાય." શાલિની બેન કહે છે.

"મમ્મી..ઓહ સોરી આંટી તમે ચિંતા ના કરો. મારી બહેન એટલી પણ કમજોર નથી. હું પોલીસ ઓફિસર થઈને એને નથી શોધી શકી અને એ આપણાથી છુપાઈ ને આપણી તમામ માહિતી રાખે છે એનો મતલબ એણે ખુબજ મોટુ કઈક વિચાર્યું હશે. એટલે એ સુરક્ષિત જ હશે જ્યાં પણ હશે ત્યાં." માલવિકા જવાબ આપે છે.

"બેટા તું મને મમ્મી કહી શકે છે. હું તમને માફ કરી ચૂકી છું. તમારા બંને નો હિયા પ્રત્યે નો પ્રેમ હું છેલ્લા એક અઠવાડિયામાં જોઈ ચૂકી છું તેના પરથી મને ખ્યાલ આવી ગયો છે કે તમે આ લગ્ન કોઈને કોઈ મજબૂરી હશે તો જ કર્યા હશે. છેલ્લા એક અઠવાડિયાથી હિયા ની ગેરહાજરી થી મૂંઝાતા આયાન ને મેં જોયો છે. અને તારી મોટી બહેન તરીકે ની ચિંતા પણ જોઈ છે મેં. એક માં ચિંતા કરતી હોય તે રીતે તું એની ચિંતા કરે છે. અને મને વિશ્વાસ છે કે એક માં તો એની દીકરી સાથે ખોટું કરી જ ના શકે. એટલે તમે બંને એ હિયા સાથે જે કર્યું તે સમજી વિચારીને જ કર્યું હશે. હવે મને આ વાતમાં કોઈ શંકા નથી." શાલિની બેનના આટલું બોલતા જ માલવિકા તેમને વળગીને રડી પડે છે.

સુનીલ ભાઈ માલવિકા ના માથે હાથ ફેરવે છે અને કહે છે.
"બેટા શાંત થઈ જા. હવે અમને અહેસાસ થઈ ગયો છે. બધું ખુબજ જલ્દી થી સારું થઈ જશે. પણ મારે એક વાત કહેવી છે. આયાન હવે તો તારા લગ્ન થઈ ગયાં છે. તો તારો આ હિયા પ્રત્યેનો પ્રેમ હવે કાબૂમાં કરવો પડશે. એમાં જ બધાનું ભલું છે. કારણકે હવે તમારું બાળક પણ આવવાનું છે અને હિયા પણ પોતે મજબૂત બનીને આવશે. જેથી હવે જો તું ફરી લાગણીમાં ડૂબવા જશે તો બધું અસ્તવ્યસ્ત થઈ જશે. મારી એવી ઈચ્છા છે કે હિયા બધું ભૂલાવીને જેવી પાછી આવે તેવા તરત જ એના લગ્ન કરાવી દઈશું."

સુનિલભાઈ નું આટલું કહેતા જ આયાન અને માલવિકા એકબીજાની આંખોમાં જુએ છે. અને જાણે કશીક વાતો કરતા હોય.

________________________________________________

(દિલ્હી)

હિમાની બીજા દિવસે સવારે દશ વાગ્યે ગૃહમંત્રી અનુજ જી ની ઓફીસ પર પહોંચી જાય છે. તે ત્યાં પહોંચે છે ત્યાં અનુજ જી પહેલેથી જ તેની રાહ જોતા હોય છે.

"આવો હિમાની જી. હું તમારી જ રાહ જોતો હતો. શું લેશો ચા કે કોફી?"

"મને ચા ચાલશે. અને એવું તો શું કામ હતું જે મારી રાહ જોતા હતા?"

"પહેલા તો મને ગઈકાલનો એક પ્રશ્ન થઈ રહ્યો છે કે તમને કેવી રીતે ખબર પડી કે મારા પર્સનલ આસિસ્ટન્ટ પાસે કેમેરા હતો?"

"સાહેબ એમાં મગજ બગાડવા જેવું નથી. તમારું કામ થઈ ગયું ને? બસ. આપણે હંમેશા કામ વિનાની બાબતોમાં ધ્યાન આપીએ એટલે પછી મહત્વની બાબત ધ્યાન બહાર રહી જાય. જેમકે હમણાંની જ વાત કરું તો એ આસિસ્ટન્ટ પકડાઈ ગયો છે તો એ જાણવાની કોઈ જરૂર નથી કે કેવી રીતે પકડાયો ક્યારે પકડાયો એ. તમારા માટે એ મહત્વનું છે કે તે પકડાયો છે."

"બસ માતાજી. હું સમજી ગયો તમારી વાત."

"બીજી એક વાત કહી દવ છું. હું તમારી દીકરીની ઉમરની છું તો પ્લીઝ મને માન આપીને બોલાવશો નહિ. અને બીજો સવાલ કહો જે તમારા મનમાં ચાલી રહ્યો છે."

"સારું તો જેવી તારી ઈચ્છા. તો દીકરી મને એ કહે કે તે મને જે ફાઈલ મોકલી હતી તો એનું હવે નિરાકરણ કેવી રીતે લાવીએ. મારે બહાર કોઈને ખબર પડ્યા વિના એનું ડેમેજ કન્ટ્રોલ કરી નાખવું છે."

"સાહેબ એના વિશે પણ મેં આખો પ્લાન તૈયાર કરી નાખ્યો છે. બસ ખાલી તમારી ટીમને કહી દેજો કે હું કહું તે પ્રમાણે કહ્યા કરે."

"અરે વાહ. તું તો ખુબજ આગળનું વિચારી લે છે ને. હું તો કહું છું તું એકવાર ગૃહમંત્રાલયના બાકીના તમામ કામ ની ફાઈલો પણ ચેક કરી લે. જેથી કરીને તેમાં પણ કોઈ ભૂલ રહી ગઈ હોય તો સુધારી લેવાય."

"સાહેબ ચિંતા ના કરો. એની પણ તમામ ફાઈલ મેં મંગાવી લીધી છે. અને આજે હું એ બધું જ ચેક કરી લઈશ."

"ઓકે. તને જેમ ઠીક લાગે એ મુજબ કર. અને બીજી પણ કોઈ જરૂર પડે તો મને કહેજે."

આટલું કહીને અનુજ જી ત્યાંથી જતા રહે છે. અને હિમાનીના મોઢા પર એ જ રહસ્મયી અને વિજ્યભર્યું સ્મિત આવી જાય છે.


(ક્રમશ:)