Wheels keep spinning - 21 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | પૈડાં ફરતાં રહે - 21

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

પૈડાં ફરતાં રહે - 21

21

મેં ઘડિયાળમાં જોઈ તરત જ વખત ગુમાવ્યા વગર વકીલને કીધું કે મારે બીજે વકીલાત કરવા જવાની છે. પુણ્યનું કામ છે. ઈ બાપાને લઈને ગામ પહોંચે. એની બાઈક મને આપે. થાય એટલા જલ્દી રાજકોટ પહોંચવું છે.

એ કહે કેટલા વાગે?

મેં કીધું આમ તો ચાર વાગે.

એ કહે 'નોટ પોસીબલ. ઉડતા જાઓ તો ય નહીં.'

મેં કીધું બાઇકની ચિંતા નહીં કરતા. હું તો સાચવીને પણ બંદૂકની ગોળીની જેમ લઈશ. બસ સ્પીડમાં હાંકી છે એમ આ બાઇક.

એક સેકંડ બગાડ્યા વગર મેં બહાર પેટ્રોલ પંપે ટાંકી ફૂલ કરાવી. ભીડભંજન મહાદેવ બંધ હતા. બહારથી હોર્ન મારી હાથ જોડી આભાર માન્યો અને લાલબંગલા, રણજિત સાગર તળાવ ને પૂર્વની ભાગોળ ક્રોસ કરી હાઇવે પકડ્યો. ઘડિયાળ પહેરેલી પણ અત્યારે ન જોઉં તો વધારે સારું.

મેં હાઇવે આવતાં જ બાઇક 80 ઉપર જવા દીધી. બપોરનો ત્રાંસમાંથી વાતો સામો પવન સુસવાટા બોલાવતો હતો. મેં લીવર ઉપર મુઠ્ઠી દબાવી. 90.. 95.. 100!

થોડો વખત તો એન્જીનના ને મારા ધબકારા સરખા ફાસ્ટ હતા!

ધ્રોળની બહારથી નીકળ્યો. મારા ગામ ભણી જતા રસ્તે એક નજર કરી. હવે મારા બાપા એટલે ભવિષ્યમાં હું એ જમીનનો માલીક હતો.

પડધરી આવવાનું થયું ને બાઇક ખેંચાઈને ઉભી રહી ગઈ. પીસ્ટન જામ. એકદમ ગરમ થાય તો આવું થાય. બીજી દસ મિનિટ.

સામેથી 1212 નીકળી. નાથગર ચલાવતા હતા. મને હાથ ઊંચો કર્યો. 1212 મારી મઝાક કરતી હોય કે 'હાય, કેમ છો' કહેતી હોય એમ એણે પોંપું પોંપું કરતું બે ચાર વાર હોર્ન માર્યું ને ઈ તો દેખાતી બંધ થઈ ગઈ.

પાસેની એક પરબ પરથી મેં કોઠીમાં પ્લાસ્ટિકનો ગ્લાસ ડુબાડી ગરમ પાણી પીધું. નાહક દસ મિનિટ ગઈ.

પાછી આઠ દસ કીક મારી એટલે થોડાં નખરાં કરી બાઇક સ્ટાર્ટ થઈ.

લાબું અંતર એટલે જ કાર કે બસમાં કપાય. એન્જીનની કેપેસિટી જોઈએ ને સતત જોર સહન કરવા!

રાજકોટ હોસ્પિટલરોડ ટચ કર્યો ત્યારે હું પરસેવે નીતરતો હતો. મેં કાંડે બાંધેલી ઘડિયાળમાં જોયું. સાડાચારને પાંચ. શું થયું હશે?

પોણાપાંચમાં બે મિનિટ બાકી હતી ત્યાં હું રાજકોટ ડીસી સાહેબની ઓફિસ બહાર બાઇક પાર્ક કરી દોડતો પગથિયાં ચડતો હતો.

અંદરથી જીવણ મહારાજ કાંઈક સમજાવી રહ્યા હતા. '... સાહેબ, એટલે એમ છે. બસ વડોદરાથી રાજકોટ તો સલામત ને સમયસર આવી.'

'મારું એ જ કહેવાનું છે. બસમાં કોઈ જ ખામી ન હતી તો ખામી ક્યાં હોય? એને ચલાવનારમાં. કબુલ કરી લે કે તારો છેલ્લો કલાક હતો એટલે તેં લાગણીશીલ થઈ મગજને બંધ કરી દીધેલું. ભઈલા, આ તોતિંગ મશીન સાથે કામ પડ્યું છે. છેલ્લી સેકંડે પણ ધ્યાન ભટકે તો મર્યા ને બીજાને પણ માર્યા.'

જીવણ પંડ્યાને આજ સુધી કોઈએ તુંકારે બોલાવ્યા નથી. એ મૂંગા કેમ છે!

'સાહેબ, આવે વખતે લાગણી બધાને થાય. બસ એન્ટર થઈ ને સ્ટાફ મને લેવા દોડ્યો ત્યારે મને પણ થઈ ગયેલી પણ તરત કાબુમાં લઈ લીધી. બસ મારા કાબુમાં જ હતી. વળાંક વાળી ત્યારે પણ.' આજીજી કરતાં જીવણ મહારાજ જાણે એમનો જ વાંક હોય એમ કરગરી રહ્યા હતા.

તમને કોઈ આરોપ મૂકે ત્યારે તો ખાસ એની આંખમાં આંખ મેળવીને પુરા આત્મવિશ્વાસથી તમારી વાત રજુ કરવી જોઈએ.

'હજી કહું છું. જે છાંટોપાણી કર્યાં હોય, વડોદરામાં કે રાજકોટ સુધીમાં એ કબૂલી દે. દયાની અરજી કર.' સાહેબ તોરમાં હતા.

'તમને શું સમજાવું સાહેબ? આ જનોઈના સોગંદ જો એક ટીપું નશો કરી આ ખોળિયું અભડાવ્યું હોય તો.' મહારાજે શર્ટમાંથી જનોઈ કાઢી.

'નાટક બંધ કર. એ સોગંદ બોગંદનાં.… કોમરેડ કહેતો જ હતો કે આ ચંડાળ ચોકડીનો ભરોસો ન કરાય.'

આમ તો હું બધે ઝુકીને સલામ ભરતો 'આવું સાહેબ?' પૂછીને જ જાઉં છું. મને ચંડાળ કહ્યો એટલે એ ચાંડાલ સાહેબની સામે ધસી જઈ હું ઉભો રહ્યો.

'કોણ ચંડાળ છે, ફરી બોલો જોઉં?' મેં લાલ આંખ કરી સાહેબ સામે જોયું.

'પધારો. આપશ્રી આવી ગયા? બહુ વહેલા છો.' તેણે કટાક્ષમાં કહ્યું.

'મેં જણાવેલું જ છે કે મારે કોર્ટમાં મુદત હતી. એ પતાવીને આવ્યો. મેં તો બીજે દિવસે કેઇસ લેવા જીવણલાલ પંડ્યાને રિકવેસ્ટ મુકવા કહેલું.'

'બાપની પેઢી ખરી ને? નવરા છીએ તમે નચાવો એમ નાચવા?'

'સાહેબ, ઇન્કવાયરી કમિટીમાં ત્રણ સાહેબો બેસવાના હતા. તમે એકલા કેમ?' મેં પૂછ્યું.

'બહુ મોઢું ફાટ્યું છે. તારે શું કામ?' તોછડાઈથી કહેવાયું.

'મહારાજ, તમે અડધો કલાક થોભ્યા તો બે મિનિટ વધુ. હું આવું. ડીસી સાહેબને આ સાહેબની વાત કાને નાખી આવું.' કહી મેં મારા મોબાઈલમાં આ વાત રેકોર્ડ કરવા માંડેલી એ પ્લે કરી.

'સાહેબ' કાપો તો લોહી ન નીકળે એવા થઈ ગયા. 'વાત કહું ભૂમિપાલ, અરે એમ ગરમ ન થવાય. મહારાજ, તમે કાંક કહો.'

બાજી ફરી ગઈ હતી!

હું રોકાયા વગર ડાંફો ભરતો ડીસી સાહેબની કેબિનમાં ઘુસી ગયો. મેં સલામ કરી.

"આવો ભૂમિપાલસિંહ. તમે જીવણલાલ વતી રહેવાના હતા ને?'

મેં ટૂંકમાં મારા જમીનના કેઇસની વાત કહી. અત્યારે ઇન્કવાયરી કમિટીમાં સાહેબ શું કરે છે એ બતાવવા સીધી રેકોર્ડ પ્લે કરી.

"બહારથી આવેલા ઓફિસર છે. ગમે તે હોય. મારો સ્ટાફ મારાં છોકરાં છે. એની સાથે આમ વાત? હું એનો જ રિપોર્ટ કરીશ.

તમે જાઓ. હવે તો હું અને કંટ્રોલર સાહેબ સાથે મિકેનિકલ એન્જીનીયર સાહેબ પણ આવશે. અમે આપણાં ડિવિઝનની બસોમાં ઓચિંતી થતી તકલીફોની વાત જ કરતા હતા."

"સાહેબ, આ પણ ઓચિંતી તકલીફ જ હતી. આપ આવો."

"એમને કહો કે અમે આવીએ પછી જ ઇન્કવાયરી શરૂ કરે. તમે રહેવા દો. અમારો પીયૂન જ મારી ચિઠ્ઠી આપવા જાય છે."

ઇન્કવાયરીમાં રીસેસ પડી. એ દરમ્યાન મહારાજે કહ્યું કે સાડાચાર સુધી કોઈ નહોતું આવ્યું. પછી એમણે દસેક મિનિટ મારી રાહ જોવા કહ્યું પણ આ સાહેબ એકલા શરૂ જ થઈ ગયા. એ કોઈ એચ.આર.એમ. હેડ છે.

ડીસી સાહેબ આવ્યા. સાથે કંટ્રોલર અને એન્જીનીયર સાહેબને પણ બોલાવ્યા.

ચારેય સાહેબો બેઠા. ફરી ચાર્જ વંચાયો. ફરી ઇન્કવાયરી શરૂ થઈ.

મહારાજે હવે સ્પષ્ટ કહયું કે પોતે વડોદરાથી બસ ચેક કરીને લાવેલા. બગોદરા ચોકડીથી આગળ વચ્ચે ઓચિંતું કોઈ બકરીઓનું ધણ ધસી આવ્યું એટલે પોતે બસ એકદમ લો ગીયરમાં નાખેલી. ક્લચ બરાબર ઓપરેટ કરેલો. છતાં સ્ટાર્ટ કરતાં ફર્સ્ટ થી સેકન્ડમાં જતાં ટ્રબલ થયેલી. ગીયર ચોંટી ગયેલાં એમ લાગ્યું. પછી એકધારી ગતિ હતી. ક્યાંય ઝટકાથી ગીયર બદલવાં પડ્યાં નહોતાં.

હવે મેં કહ્યું.

"હું માનું છું કે તમે પોતાની કાર ઉપરાંત બસ પણ ચલાવી છે."

"વ્હોટ નોનસેન્સ? અમને સમજે શું છે તું?" એચ.આર. હેડ બરાડ્યા.

"મી. …, બીહેવ યોરસેલ્ફ. તમે ઇન્કવાયરી એટલે સત્ય શોધવા આવ્યા છો, રિમાન્ડ પર લેવા નહીં." ડીસી સાહેબ કડક અવાજે બોલ્યા.

મને કહે, "ગો અહેડ. આગળ કહે."

"સાહેબ, હું ગો અહેડ નો અર્થ પણ સમજું છું. હા. કેટલુંક તો કહે છે ને કે રામબાણ વાગ્યાં હોય એ જાણે? મારૂં કહેવું છે કે અમુક અનુભવ હોય તો જ અમુક વાત સમજાય."

કંટ્રોલર સાહેબ કહે, "હા. મેં બસ ચલાવી છે. એસટી જ. જુનાં મોડેલ. મારી જેવાં."

અમારાં, ખાસ તો આ સ્થિતિમાં પણ મહારાજનાં મોં પર સ્મિત રેલાયું.

"તો સાહેબ, એક તો જીવણલાલનો રેકોર્ડ જોવો. અમે ક્યાંક અડાડી હશે. ભલે ગુંડાઓનો પીછો કરતાં. પણ જીવણલાલે આજ સુધી એની બસને એક ગોબો નથી પડવા દીધો. તેઓ એક કુશળ ડ્રાઈવર ઉપરાંત એક શિસ્તબદ્ધ નાગરિક છે. રુલ્સ મુજબ જ ડ્રાઇવ કરે છે.

હવે આ વાત પર ધ્યાન આપો.

જીવણલાલ બસ બગોદરા ચોકડી પર તોફાની ટોળાં વચ્ચેથી એક બકરું ઠોક્યાં વગર લઈ આવ્યા. ઓચિંતો કન્ટ્રોલ કર્યો. તમે ત્યારે કેટલી સ્પીડે હતા જીવણ મહારાજ?" મેં પૂછ્યું.

"પંચોતેર થી એંસી."

"તો કંટ્રોલર સાહેબ, એટલી સ્પીડે તમે ઓચિંતાં સામે આવતાં આખાં ધણને કલ્પો. એમાં ગીયર વાયર તૂટી અધરસ્તે રહી જવાનો કે બકરીઓ ઉપર ચડાવી દેવાનો ભય હતો. બકરીઓ કેવી ભાગભાગ કરે એ તમને ખ્યાલ હશે."

"મેં એક હોર્ન પણ નહોતું માર્યું."

"હવે.. એના જીગરી દોસ્તો અમે બધા બસને ઘેરીને ઢોલ નગારાં વગાડતા નજીક આવ્યા. અમને ન કચર્યા. પછી ગીયર ન પડ્યું. તમે શું કરેલું જીવણલાલ?"

ઇન્કવાયરી જાણે મેં કંડકટ કરી.

"રોજ કરીએ એમ. ઇગ્નિશન બંધ કરી ફરી ચાલુ કર્યું, ક્લચ પ્રેસ કરી ફર્સ્ટમાં નાખી. એ તો બરાબર ગઈ. સેકન્ડમાં અટકી."

"તમે નોટ કરો સાહેબ."

"આ તો કારમાં પણ થાય. ગો અહેડ." ડીસી સાહેબે મને પોરો ચડાવ્યો.

"પછી એમણે તો પણ કન્ટ્રોલ કરી આમથી તેમ દોડતી પબ્લિક વચ્ચેથી પૂરો ટર્ન મારી બસને વર્કશોપના ઢોળાવ પાસે લીધી." મેં કહ્યું.

"સાહેબ, ત્યાં આપણા પચાસેક ભાઈઓ નજીક ઉભેલા. મેં સેકંડમાંથી ફર્સ્ટમાં નાખી ગાડી ઉપાડી. વચ્ચે લોકો હોઈ બંધ કરી. ચાલુ કરી તો ઉપડી નહીં." જીવણ મહારાજે સમજાવ્યું.

"સાહેબ, નોટ કરો. વચ્ચે બંધ કરવા ફરજ પડી. અને પછી ચાલુ કરતાં ઉપડી નહીં. હવે એ વખતે ઉપાડવા એક્સેલરેટર આપવું જ પડે. તો જ બસ ઢાળ ચડે. એ વખતે બસની બ્રેક દાબે તો બસ ઊંઘી પાછી આવે." મેં કહ્યું.

"એટલે ક્લચ સહેજ જ દાબીને મેં બસ રેસ કરી. એ સીધી પાર્ટીશનની આગળ લેથને અડી ગઈ." જીવણ મહારાજે બચાવ કર્યો.

કંટ્રોલરે પૂછ્યું, "લેથ અને ઢાળ વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે?"

"સાહેબ, આખી બસ ઉભે એનાથી ઓછું. બસો ઢાળ ચડતાં જ ટર્ન મારી બાજુમાં વળી જાય છે." મહારાજે કહ્યું.

"મને એ બતાવો. ત્યાં ઢાળ ચડતાં જ કાચની, પાતળી એલ્યુમિનિયમની પટ્ટીઓ વાળી કેબિન કોણે કરી? ને એ પણ ઓછું હોય એમ એની આગળ પાંચેક ફૂટ લેથ! બસ ઢાળ ચડતાં થોડી ઉભી રાખી દેવાય? ઊંઘી જાય જ." મિકેનિકલ એન્જીનીયર બોલ્યા.

"મેં એક્સેલરેટર સહેજ જ આપ્યું તો ત્યાં થોડી ભાગીને ટચ થઈ ગઈ." વળી મહારાજ કરગરવાના મૂડમાં.

"હવે સાહેબ, તમે સિગ્નલ પર કોઈ ભિખારી કે માણસને ટચ કરો તો પણ એ પડી જશે. આ લેથને ધક્કો લાગ્યો એટલે લેથ પાછળ ખસી ને પાર્ટીશન તૂટ્યું. જો બસ ગતિમાં હોત તો કેબિન ઉડાવી સામી ભીંત તોડી બહાર નીકળી ગઈ હોત." મેં મુદ્દો રજુ કર્યો. ડીસી સાહેબે ને એન્જીનિયરે સંમતિમાં ડોકું હલાવ્યું.

"તે પછી પણ મારું મગજ પૂરું સતેજ હતું. ન સ્ટાફના ગેધરિંગ ને અડે ન આગળ જાય ને નુકસાન કરે એટલે મેં ફટાફટ રિવર્સ લીધી. મારું ધ્યાન અરીસામાં હતું જ. તો યે કૂતરું ઘુસી ગયું." મહારાજ પશ્ચાતાપની ગંગામાં નહાતા હતા એ ગંગાનાં નીર પરસેવા રૂપે એમના આખા શરીરનો અભિષેક કરતાં હતાં.

"સાહેબ, કૂતરું ડ્રાઇવર સાઈડેથી નહીં, એની વિરુદ્ધ સાઈડેથી આવ્યું. નીચે હોય તો મીરરમાં દેખાય?" મેં પૂછ્યું.

"ઇમ્પોસીબલ. કોઈએ ગાઈડ કરવા જોઈએ. બે સાઈડ માટે બે મીરર છે પણ વ્હીલ નીચે શું થાય છે એ કેમ દેખાય? ત્યાં ઉભું હોય એણે ગાઈડ કરવું પડે. ત્યાં કોણ ઉભું હતું?" એન્જીનીયર સાહેબે નોલેજ વાપર્યું, જણાવ્યું અને પૂછ્યું.

"જવા દો સાહેબ. થોડી પેનલ્ટી લઈને વાત પતાવો." એચ.આર. ઓચિંતા વાત સંકેલવા માંડ્યા.

"ત્યાં કોમરેડ જ ઉભેલા. સ્ટાફમાં કોણ શું કરે છે એ જોતા. એમને આ સમારંભ ખાસ પસંદ નહોતો." મેં કહ્યું. ડીસી સાહેબ ત્યારે સાક્ષી હતા.

"અને મને યાદ છે ત્યાં સુધી કૂતરું ઘુસી આવ્યું એને બહાર તરફ ભગાડવાને બદલે કોમરેડે બહારને બદલે અંદર બસ તરફ હૈડ કર્યું." મેં કહયું.

"મૂરખ નહીં તો. જે તરફથી કાઢો એની ઊંઘી બાજુ જ જનાવર જાય. એને ગેઈટ તરફથી હૈડ કરાય? એ પણ બસ ઢાળ ચડતી આવતી હોય ત્યારે? અને બસની હાઈટ કેટલી ને કૂતરાંની કેટલી! પાછલા મીરરમાં દેખાય જ નહીં." મિકેનિકલ એન્જીનીયર સાહેબે કહ્યું.

"સાહેબ, તો હવે હું નહોતો કહેવાનો પણ કહું છું. લોકોના પગાર સીધા ખાતામાં જમા કરવાની મેં ફેવર કરી એટલે કોમરેડ નારાજ થયેલા. મને કહેલું કે જોજે, તારું પીએફ ને બધું અટકે નહીં તો. તને વર્કર્સના નિસાસા લાગશે." મહારાજે કહ્યું.

"તો હવે હું પણ કહું. કૂતરું એ તરફ જાણીજોઈને લાવવામાં આવેલું હોઈ શકે, ના, લવાયું હતું. કૂતરું આ વર્કશોપ આસપાસ જ ફરતું હોય એટલે કઈ તરફથી ભગાય એ એને ખબર હોય જ. એને ધરાર ત્યાં એ વખતે લાવી પાછળ ટાણું જોઈ ધકેલ્યું હતું. કોમરેડે જ. એના હાથમાં ધોકો જોયેલો મેં." મેં મને એકદમ યાદ આવ્યું એટલે કહ્યું. જો જીવણ મહારાજે છુપી વાત ન કહી હોત તો મને યાદ ન આવત.

સોપો પડી ગયો.

પેલા એચ.આર. "જવા દો જે થયું એ. દાટેલાં મડદાં કોણ ઉખેળે?" કહી વાત ટાળવા લાગ્યા.

"આ તો જાણી જોઈ રાખેલી કિન્નાખોરીની વાત થઈ. યાદ આવ્યું. એ વખતે કોમરેડે જ બધા ચાર્જ મૂકી દીધેલા અને બીજા ચૂપ હતા. કરો કોમરેડ પર ચાર્જ તૈયાર. હું હાજર હતો. હું જ અમારા ડિપાર્ટમેન્ટને કહી કોમરેડ ઉપર ઇન્કવાયરી કરાવીશ." ડેપો મેનેજર સાહેબ બોલી ઉઠ્યા.

"તો આર્કિટેક્ટને કે એસ્ટેટને પૂછ્યા વગર, અંદર જગ્યા હતી તો પણ, ઢાળની સામે સાવ નજીક કેબિન કરી એ માટે તૂટફૂટનો ખર્ચ વર્કશોપ ઇન્ચાર્જ પાસેથી લેવો. આજે

રખડતાં કૂતરાં છે, કાલે કોઈ ચોર કે આતંકવાદી ઘુસી આવશે. વર્કશોપના ગેઇટ પરનો સિકયીરિટી ગાર્ડ શું કરતો હતો! એની એજન્સીનું એ દિવસનું પેમેન્ટ કાપી લો." ડીસી સાહેબ ઓર્ડર કરતા ઉભા થયા.

"અને જીવણલાલ, તમે આજે ગ્રેચ્યુઇટીનો ને પીએફનો ચેક લઈને જજો. ગમે એટલા વાગે. હું સહી કરીને જ જઈશ." તેમણે જીવણ મહારાજની સાથે ઉમળકાથી હાથ મિલાવતાં કહ્યું.

મહારાજને ગળે ડૂમો બાઝી ગયો. તેમણે નમીને સાહેબને ચરણ સ્પર્શ કર્યો ને મને જોરથી ભેટીને મોકળા મને રોઈ પડ્યા.

ડીસી સાહેબે બહારથી આવેલા એચ.આર.ને પોતાની સાથે આવવા કહ્યું. પછી ખબર પડી કે એમના ડિવિઝનના કોમરેડના સરખા (કાઉન્ટરપાર્ટ) યુનિયન લીડર સાથે એને કાંઈક સાંઠગાંઠ હતી. અમુક મેડિકલ બિલ, કોઈની બદલીનો ટ્રાન્સપોર્ટ ખર્ચ ને એવાં બીલ પાસ કરવા માટે એ લીડર સાથે મળી કટકી કરતા. એટલે તો એસટીએ આ બધું ડાયરેકટ ખાતામાં જમા કરવાનું નક્કી કરેલું.

એ સાહેબ કડક હતા પણ વધુ તો અહીંથી અજાણ્યા હતા અને વધુમાં કાન ભંભેરણી કરેલા હતા. બાપડાનું આવી બન્યું. એના સાહેબને રિપોર્ટ થશે.

આજનો દિવસ સારો હતો. બે બે જગ્યાએ ફત્તેહ મળી ને એની ખુશીમાં ઘેર રાજકોટથી જેતપુરની બાંધણી લઈને ગ્યો એટલે હજી એક ઇનામ ઠકરાણાં તરફથી. હું ઇનામ લેતો રહ્યો. આખી રાત.

સુરજ મહારાજે તો ઉગવું પડે. દિવસે પણ બદલાવું પડે. આજે મારી ઈચ્છા નહોતી તોયે.

દિવસ ને સમય સતત બદલાય છે. તો મારે પણ બદલાવું રહ્યું.

ક્રમશઃ