Ascent Descent - 76 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 76

Featured Books
Categories
Share

આરોહ અવરોહ - 76

પ્રકરણ - ૭૬

કદાચ આ રાત્રિ પસાર કરવી સોના અને ઉત્સવ માટે બહું વધારે અઘરી બની રહી છે. ઉત્સવ આખી રાત પડખાં ફેરવતો શું કરવું એ વિચારમાં સૂઈ ન શક્યો. આધ્યાની પણ કંઈ આવી જ સ્થિતિ છે પણ એ સાથે કદાચ હવે એનું એક ઉજ્જવળ ભવિષ્ય પણ છે. ભલે એનો ભૂતકાળ એની સાથે છે પણ કદાચ પૈસાની તાકાત એ બધું બદલાવી પણ શકે છે એ પણ એને ખબર છે. પણ સાથે કર્તવ્યનો એ સાથ કદાચ એને લાગે છે કે કદાચ હવે એ જીવનભર કર્તવ્ય સિવાય કોઈને સાચો પ્રેમ નહીં કરી શકે. એનું મન પણ આખરે એની મમ્મી શ્વેતા જેવું જ છે જેને પ્રેમ કરે એનાં માટે જિંદગી પણ ન્યોછાવર કરી દે. બસ વિચારોમાં ખોવાઈને એણે આમતેમ આંસુઓ વહાવતા રાત પસાર કરી દીધી.

કર્તવ્ય એક એવો વ્યક્તિ છે ખબર નહીં મનમાં શું વિચારીને શું કરી રહ્યો છે એ સમજાતું નથી કે એ શાંતિથી સૂઈને સવારમાં ઉઠી ગયો. સવાર સવારમાં આવેલાં શિલ્પાબેનના ફોને એને જગાડી દીધો.

શિલ્પાબેનના કહ્યું, " બેટા કયારે ઘરે આવીશ? પરમદિવસથી સવારે ઓફિસ ગયા પછી ઘરે નથી આવ્યો. એવું તો શું કામ છે ઓફિસનું? આવી રીતે તો ક્યાંય જતો નથી.બધું ઠીક તો છે ને બેટા? મને ચિંતા થાય છે તારી. હું તો પરમ દિવસે જ ફોન કરવાની હતી મને તારાં પપ્પાએ કહ્યું કે એ કોઈ અગત્યનાં કામથી ગયો છે આપણે ફોન કરી ડિસ્ટર્બ નથી કરવો. પણ આજે ખબર નહીં મને આખી રાતે ઉઘ જ આવી વિચારોમાં. એટલે મેં તને ફોન કરી જ દીધો."

 

"અરે કંઈ વાંધો નહીં મમ્મી. હું ઠીક છું એકદમ. અને આજે જ ઘરે આવી જઈશ."

 

"બેટા જલ્દીથી ઘરે આવ. તારું એક ખાસ કામ છે તારી રાહ જોવાઈ રહી છે." કહીને ફોન મુકાઈ ગયો. પણ જાણે સવાર પડતાં કર્તવ્યને પૂરતી ઉઘ થઈ હોવા છતાં એનું માથું ભારે લાગી રહ્યું છે.

 

એણે જોયું તો બાજુમાં બેડ પર ઉત્સવ નથી. એ થોડો ફ્રેશ થઈને બહાર આવ્યો. જોયું તો ઉત્સવ અને સોના બંને તૈયાર થઈને બેઠા છે. સાથે આધ્યા પણ. જાણે એક ચૂપકીદી ત્રણેય વચ્ચે છવાઈ ગઈ છે. ચહેરા બધાનાં તંગ પણ છે. ઘણાં દિવસો સુધી રહેલું એક હસીખુશીનુ વાતાવરણ આજે બધું એક ગહન શાંતિમાં ફેરવાઈ ગયું છે. ઘડિયાળમાં જોયું હજુ સાત જ વાગ્યા છે.

 

ઉત્સવ કર્તવ્યને જોઈને આવીને બોલ્યો, " ભાઈ, મેં તારી સાથે વાત કર્યા પછી આખી રાત વિચારીને નિર્ણય કર્યો છે. હું સોનાને અકીલા અને નેન્સીને પાસે ત્યાં મુકી આવું છું. પછી યોગ્ય રીતે ઘરે નક્કી થયાં બાદ જે થશે એ નિર્ણય કરીશ. કારણ કે હું પપ્પાની જેમ એને રાખીને જીવનમાં બે બાજુ જિંદગીને હાલકડોલક નથી કરવા માગતો. ભલે થોડો સમય લાગે પણ પરિવારની સંમતિથી જ સોનાને માનભેર પરિવારજનો અપનાવશે એ રીતે જ અને સમાજની વચ્ચે જ લઈ જઈશ. જેથી એનું માન સન્માન ક્યારેય ઘવાય નહીં."

 

કર્તવ્ય : " તમારો પ્રેમ સાચો હશે તો ચોક્કસ મળશો. તે યોગ્ય નિર્ણય કર્યો છે. સોના હવે આધ્યા જાય પછી હું અને ઉત્સવ બંને ત્યાં આવીશું. પછી જ ઘરે જઈશું."

 

આધ્યા હજુ પણ કદાચ કર્તવ્ય કંઈ બોલશે એવી આશાએ મીટ માંડીને એની સામે વારેવારે જોઈ રહી છે. પણ કર્તવ્યનું વર્તન જરાય ન બદલાયું.

 

એટલામાં જ મિસ્ટર આર્યનનો ફોન આવતાં કર્તવ્ય બોલ્યો," આધ્યા ચાલ તારાં પરિવારજનો તારી રાહ જોઈ રહ્યાં છે. અને ઉત્સવ અને સોના તમને બંનેને પણ સાથે આવવા કહ્યું છે ચાલો જઈએ ગાડી બહાર આવી ગઈ છે."

 

હજુ સુધી ચૂપ રહેલી આધ્યા બોલી, " કોઈને તો હવે જવાબદારી પૂરી થઈ એવું લાગી રહ્યું હશે નહીં? હજુ સુધી મારાં માટે જે કર્યુ એનો કરજ તો હું ક્યારેય ચૂકવી શકીશ નહીં પણ હવે જો મારાથી દૂર જ જવું હોય તો કોઈ દિવસ હેરાન નહીં કરું." કહેતા જ આધ્યાની આખો ભરાઈ આવી પણ આજે એને મક્કમ બનીને એક આસું પણ બહાર ન આવવા દીધુ.

 

કર્તવ્ય એ ઉત્સવ કંઈ પણ કહ્યાં વિના એને ઉત્સવ અને સોનાની સામે જ આધ્યાને હગ કરીને એને કપાળ પર ચુંબન કરી દીધું. ફક્ત એટલું બોલ્યો, " તારું ધ્યાન રાખજે. " કદાચ આ વસ્તુ આધ્યા માટે બહું મોટી વાત છે. એને કર્તવ્ય માટે એટલી લાગણી બંધાઈ છે કે ફક્ત આ યાદો અને હૂંફથી પણ જિંદગી પસાર કરી દે.

 

"ચાલો હવે..." કહીને ચારેય જણા ગાડીમાં બેસીને મિસ્ટર આર્યનના ઘરે પહોંચી ગયાં. એમના આશ્ચર્ય વચ્ચે એમનો આખો બંગલો શણગારાયેલો છે. જાણે કોઈ પ્રસંગ હોય એ રીતે. આધ્યા તો આ બધું જોવા જ લાગી. ત્યાં મુખ્ય દરવાજાથી અંદર જતાં જ બધાની નજર એ રોશની, ફુલોનો શણગાર, સુંદર મહેક રંગોળી બધા પર જઈ રહી છે. એક નવી જ દુનિયામાં આવી ગયાં હોય એવું લાગે છે. રાતોરાત આ બધું કામ કરવામાં આવ્યું છે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે. બંગલાના પ્રવેશ પાસે જોયું તો આધ્યાને નવાઈ લાગે એમ શ્વેતાબેન અને સલોની પણ મિસ્ટર આર્યન અને પાયલની સાથે હાજર છે. આધ્યા ખુશ થઈ ગઈ. અદ્દલ આધ્યા જેવી જ દેખાતી શ્વેતાને ઉત્સવ અને સોના જોઈ જ રહ્યાં. શ્વેતા અને પાયલ બંનેએ આધ્યાની આરતી ઉતારીને મો મીઠું કરીને બધાને અંદર આવકાર્યા.

 

કર્તવ્ય બોલ્યો, " બહુ થોડાં જ સમયમાં આટલી જક્કાસ તૈયારી? માની ગયો તમને."

 

બેટા આજે એક નહી પણ મારી બે બે ખુશહાલી મારી પાસે આવી રહી છે તો પછી...આધ્યાને સરપ્રાઈઝ આપવા શ્વેતા અને સલોની પણ આવવાનાં હતાં એટલે બધું જ તૈયાર કરી દીધું.

 

કર્તવ્ય સિવાય ત્રણેય મિસ્ટર આર્યનની જાહોજલાલીને જોઈ રહ્યાં. બધાં થોડીવાર બેઠાં. શાહી ચા નાસ્તો કર્યાં બાદ કર્તવ્ય બોલ્યો, " અંકલ હવે જઈએ. ઓફિસ પણ જવાનું છે."

 

શ્વેતાએ સોનાના ઉતરેલા ચહેરા સામે જોઈને પૂછ્યું, " આધ્યા આ કોણ? તારી સાથે હતી એ જ સોનાને?"

 

" હા મમ્મી..."

 

"હમમમ...ચિંતા ન કરીશ. જ્યારે પણ આધ્યાને મળવું હોય આવી શકે છે. એનો ફોન આવી જશે એટલે તને બધું જણાવી દેશું. તું ગમે ત્યારે એને મળી શકે છે."

 

પછી પાયલ તરત જ ખુશ થઈને ત્રણ બોક્સ પેકિંગ કરેલા લઈ આવી. એ બોલી, "લો ત્રણેય માટે..."

 

ઉત્સવ અને સોના જોવા લાગ્યાં. કર્તવ્ય બોલ્યો, " એ તો આપશે જ આન્ટી પરાણે પણ...મને પણ આપી હતી હું પહેલીવાર આવ્યો હતો ત્યારે."

 

પાયલ હસીને બોલી, " જેટલીવાર આવીશ એટલી વાર મળશે...એટલે આજે પણ તારે લેવાનું જ છે. કોઈ ના નહીં." ને પછી થોડીવારમાં જ કર્તવ્ય,ઉત્સવ અને સોના જવા માટે ઊભા થયાં. સોના અને આધ્યા એમની મિત્રતા હંમેશા આવી જ રહેશે કહીને છુટા પડ્યા. આધ્યાની નજર કર્તવ્ય નીકળ્યો ત્યાં સુધી એની તરફ જ મંડાયેલી રહી!

**********

કર્તવ્ય મિસ્ટર આર્યનના ઘરેથી સોનાને મૂકીને પછી ઓફિસે પહોચ્યો. થોડું કામ પતાવીને એ વહેલાં ઘરે પહોચ્યો કે તરત જ બધાં ખુશ થઈને એની રાહ જોઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

 

એણે જોયું તો અંતરા પણ ખુશ દેખાઈ રહી છે. કર્તવ્ય બોલ્યો, " વાહ! અંતરા બે દિવસમાં બધાએ શું જાદુ કર્યો કે તું આટલી ખુશ લાગે છે?"

" એ તો સરપ્રાઈઝ છે." કોમલ ખુશ થઈને બોલી.

" પણ એ પહેલાં તારા માટે સરપ્રાઈઝ છે." શિલ્પાબેન હરખાઈને બોલ્યાં.

"શું આજે આટલી બધી સરપ્રાઈઝ શેની?"

" ચાલ જમીને મસ્ત તૈયાર થઈ જા. ગેસ્ટ આવે છે હમણાં. આમ તો સારો જ લાગે છે મારો હેન્ડસમ ભાઈ... બસ થોડો ટચ અપ... આપી દે..." કહીને હસવા લાગી.

કર્તવ્યને ખબર છે કે કોઈ એને કંઈ કહેશે નહીં એટલે એ જમીને પોતાનાં રૂમમાં ગયો. એ સરસ વાઈટ શર્ટ બ્લુ જીન્સ પહેરીને તૈયાર થયો. એ સામાન્ય રીતે ક્લીન શેવ રાખે. રૂટીન મુજબ એ શેવિંગ માટે વિચારવા લાગ્યો ત્યારે જ એને યાદ આવી કે આધ્યા કહેતી હતી કે તું થોડી દાઢી સાથે કુલ, હેન્ડસમ લાગે છે. એનાં ચહેરા પર સ્મિત આવી ગયું. એણે શેવિંગ કરવાનું રહેવા દીધું મહેમાન આવતાં જ એ નીચે બધા હાથે આવી ગયો.

એની ધારણા મુજબ જ એક સુંદર છોકરી સાથે એનાં પેરેન્ટ્સ એમનાં ઘરે આવ્યાં. બધાએ એમને બહું સારી રીતે આવકાર્યા. થોડી વાતચીત પછી ખબર પડી ગઈ કે આ બધું એનાં માટે છોકરી જોવાનું જ આયોજન છે.

શિલ્પાબેન બોલ્યાં " મને લાગતું નથી કે કર્તવ્યને આમાં કંઈ વાંધો હોય. તમારી દીકરી પણ ભણેલી ગણેલી, દેખાવડી અને જમાના પ્રમાણે સેટ થાય એવી છે. ઘર પણ સમોવડિયા વળી વર્ષો જુની ઓળખાણ તો ખરી જ! છતાં પણ બંને બાળકોની મરજી વિના આગળ નહીં વધી શકાય. કોઈની પણ જિંદગી ખરાબ થાય એ ન ચાલે."

કર્તવ્ય એ દરમ્યાન હા કે ના કંઈ બોલ્યો નહીં અને એ આવેલી છોકરી શ્લોકા સાથે રૂમમાં વાતચીત માટે ગયો...બંનેના પરિવારજનો થોડી જ વારમાં બંને તરફથી હા આવતાં કદાચ ખુશીનાં સમાચાર મળશે એ વિચારી મીટ માંડીને બેસી રહ્યાં છે...!

શું કર્તવ્ય શ્લોકા સાથે સગાઈ માટે હા પાડી દેશે? ઉત્સવ સોના માટે પરિવારજનોને મનાવી શકશે? કર્તવ્ય આધ્યાને હંમેશા માટે ભૂલીને જીવનમાં આગળ વધી જશે?" જાણવા માટે વાચતા રહો, આરોહ અવરોહ - ૭૭