Dhup-Chhanv - 27 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 27

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 27

આપણે પ્રકરણ-26 માં જોયું કે લક્ષ્મી પ્રાણથી પણ પ્યારા અને પોતાનાથી જોજનો દૂર વસતા પોતાના બાળકો સાથે વાત કરે છે. અક્ષત અને અર્ચના પોતાની માં ને પોતાની સાથે રહેવા માટે યુએસએ બોલાવે છે પરંતુ લક્ષ્મી "ના" જ પાડે છે અને કહે છે કે,

લક્ષ્મી: ના બેટા,‌ હું અહીં જ મજામાં છું અને મારી તબિયત પણ સારી છે. મારી ચિંતા ન કરશો. બસ, ભગવાન કરે ને મારી અપેક્ષાને સારું થઈ જાય એટલે બસ.

અર્ચના: માં, તમે તેની ચિંતા ન કરશો, તેની તબિયત ઘણી સુધારા ઉપર છે, થોડા સમયમાં જ તે બિલકુલ નોર્મલ થઈ જશે.

અને લક્ષ્મીના મનને આજે અક્ષત અને અર્ચના સાથે વાત કરીને ઘણી રાહત લાગી.

લક્ષ્મીએ ફોન મૂક્યો પછી અક્ષત અપેક્ષાને પૂછવા લાગ્યો કે, "અપેક્ષા, એકલા ન સૂઈ જવું હોય તો ચલ અમારી સાથે અમારા રૂમમાં."

પણ અપેક્ષાએ માથું ધુણાવીને "ના" જ પાડી અને અક્ષત અને અર્ચના બંને પોતાના રૂમમાં સૂઈ જવા માટે ગયા.

લક્ષ્મીની વાતોથી અપેક્ષાના માનસપટ ઉપર પાછી ફરી જૂની યાદો અને જૂની વાતોએ જાણે કબજો જમાવી લીધો હોય તેમ તે સૂઈ જવા માટે પથારીમાં તો પડે છે પણ તેની આંખો સામેથી મિથિલનો ચહેરો ખસવાનું નામ લેતો નથી અને તે મનોમન મિથિલને ખૂબ કોશે છે કે, મેં તને સાચા હ્રદયથી ચાહ્યો, મારું યૌવન તને સોંપી દીધું, મારું કૌમાર્ય તને સોંપી દીધું મારા એ જિંદગીની શરૂઆતના ભરયુવાનીના કિંમતી દિવસો તને સોંપી દીધા અને મારી માસુમિયતનો લાભ ઉઠાવીને તે મારી સાથે શું નથી કર્યું..?? અને પછી તે મારી આ દશા કરી. કોને જવાબદાર સમજું મારી આ દશા માટે તને કે ઈશ્વરને કે પછી મારા કર્મોને..??

અને અપેક્ષાની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી, ખૂબ રડી અપેક્ષા ખૂબ રડી.... આજે તેનાં અતીત સિવાય તેની પાસે બીજું કંઈજ ન હતું..તે અંદરથી એટલી બધી ભાંગી પડી હતી કે હવે તેની જિંદગી જીવવાની હિંમત પણ જાણે ચાલી ગઈ હતી. અને માટે જ તે બિલકુલ સૂનમૂન અને ચૂપચાપ થઈ ગઈ હતી.

દરેક માણસ ઉપરથી તેનો ભરોસો ઉઠી ગયો હતો અને તેથીજ તે કોઈની સાથે વાત કરવા કે બોલવા કે દોસ્તી કરતાં પણ હવે ડરતી હતી.

એ દિવસે રાત્રે એને આખી રાત ઊંઘ આવી નહિ અને તેથી સવારે અર્ચનાએ તેને ઉઠાડી પરંતુ તેનાથી ઉઠાયુ જ નહીં અને ઈશાનના સ્ટોર ઉપર તેનાથી જવાયું નહિ. અર્ચનાએ ઈશાનને ફોન કરીને જણાવ્યું કે, અપેક્ષા ગઈ કાલ રાતથી થોડી ડિસ્ટર્બ છે તો આજે તે સ્ટોર ઉપર નહિ આવે.

અપેક્ષા સ્ટોર ઉપર ન આવી શકી તેથી ઈશાનને જાણે પોતે એકલો હોય તેવું ફીલ થવા લાગ્યું અને સ્ટોર ઉપર કે બીજા કોઈ પણ કામમાં તેનું મન લાગ્યું નહિ તેને અપેક્ષાની કમી વર્તાવા લાગી તેથી તેણે અર્ચનાને ફોન કર્યો અને અપેક્ષાને હવે સારું હોય તો સ્ટોર ઉપર મૂકી જવા માટે રીક્વેસ્ટ કરી.
પરંતુ અર્ચના પોતાના કામમાં થોડી બીઝી હતી તેથી તેણે પોતે મૂકવા નહિ આવી શકે તેમ જણાવ્યું.

ઈશાનને તો ભાવતું'તુ અને વૈદ્યે કીધું એમ તે અપેક્ષાને લેવા જવા માટે તૈયાર જ હતો, અપેક્ષાની સાથે બહાર ફરવા જવા માટે તે ક્યારનો વિચારી રહ્યો હતો બસ, તે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો અને આજે ચાન્સ મળ્યો છે તો તે છોડવા માંગતો ન હતો.

ઈશાન પોતાની મમ્મીને સ્ટોર ઉપર બેસાડીને પોતે અપેક્ષાને લેવા જવા માટે ચડે ઘોડે નીકળી ગયો.

પોતાની ન્યૂ પેટીપેક સ્ટીલ ગ્રે કલરની કાર કાઢી ઈશાન અક્ષતના ઘર તરફ જવા માટે નીકળી ગયો.

ઈશાન લેવા જવા માટે તો નીકળી ગયો છે પણ અપેક્ષા તેની સાથે સ્ટોર ઉપર જવા માટે તૈયાર થાય છે કે નહિ..?? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ