આપણે પ્રકરણ-25 માં જોયું કે,
અર્ચના અક્ષતને કહી રહી છે કે,
" ઈશાન ઈઝ વાઈઝ બોય, તે જે રીતે અપેક્ષાને ટેકલ કરી રહ્યો છે તે જોતાં મને લાગે છે કે બહુ જલ્દીથી આપણી અપેક્ષા નોર્મલ થઈ જશે."
અક્ષત અને અર્ચનાએ અપેક્ષાની ચિંતામાં વાતો કરતાં કરતાં જ પોતાનું ડિનર ક્યાં પૂરુ કરી લીધું તેની ખબર જ ન પડી અને એટલામાં અપેક્ષાના સેલફોનમાં તેની માં લક્ષ્મીનો વિડિયો કૉલ આવ્યો એટલે તે લાઈટ પીંક કલરની રેેશમી નાઈટીમાં પોતાના રૂમમાંથી ફોન હાથમાં લઈને ડ્રોઈંગ રૂમમાં આવી અને ફોન અક્ષતના હાથમાં આપ્યો.
અક્ષત: માં છે તો વાત કર માં સાથે.
પણ અપેક્ષાએ માથું ધુણાવીને ધરાર "ના" પાડી દીધી અને પોતાના રૂમમાં ચાલી ગઈ અને અક્ષત તેની પાછળ પાછળ " અપેક્ષા અપેક્ષા " બોલતો બોલતો તેના રૂમમાં ગયો.
અપેક્ષાના રૂમમાં જઈને તે અપેક્ષાની બાજુમાં બેઠો અને વિડિયો કૉલિગમાં પોતાની માં લક્ષ્મીને અપેક્ષા બતાવવા લાગ્યો અને માંને ફરિયાદ કરવા લાગ્યો કે, "માં, આને સમજાવને આ અહીં યુ એસ એ આવીને બિલકુલ મૂંગી અને ચૂપચાપ થઈ ગઈ છે તો થોડું બોલવાનું રાખે."
અને લક્ષ્મીની આંખમાં અપેક્ષાને જોતાં જ ઝળહળીયા આવી ગયા, સાલ્લાની કોરથી આંખોનાં ખૂણા કોરા કરવાનો નિર્રથક પ્રયત્ન કરતાં કરતાં લક્ષ્મી અપેક્ષાને સંબોધીને બોલી પડી કે, "મારી દીકરી, હવે તારે જૂની જિંદગીને ભૂલીને, જૂની યાદોને સંકેલીને નવી જિંદગી જીવવાની છે એટલે તો તને મેં મારા કાળજાના કટકાને મારાથી જોજનો દૂર મોકલી છે બેટા. હવે તું ત્યાં જઈને પણ આવું જ કરે તો ભાઈ અને ભાભી બંનેને કેટલું દુઃખ થાય બેટા..?? તું તો મોટી છે તારે નાના ભાઈને સાચવવાનો હોય બેટા, એના બદલે એ તને સાચવે છે. યાદ છે તને તમે બંને નાના હતાં ત્યારે તમને બંનેને મૂકીને હું કામ કરવા જતી હતી અને ત્યારે ભાઈ રડે તો તું તેને ઉંચકીને દોડતી દોડતી મારી પાસે આવતી હતી અને એને ખુશ કરવા તું એને કેટલાં વ્હાલથી રમાડતી હતી અને હવે મોટી થઈ ગઈ એટલે એ જ ભાઈને હેરાન કરે છે બેટા..?? "
અક્ષતને પણ પોતાનો બાળપણનો દુ:ખભર્યો સમય અને એ ભૂખ્યા પેટે, કપરા સંજોગોમાં વિતાવેલા દિવસો પોતાની નજર સામે તરી આવ્યા અને આંખો ભીંજાઈ ગઈ. એક બાજુ અપેક્ષાનું દુઃખ અને બીજી બાજુ માંના આંસુ તેનાથી જીરવાયા નહીં.
એટલામાં અર્ચના, "અક્ષત, અક્ષત" બૂમો પાડતી પાડતી અપેક્ષાના રૂમમાં આવી અને આ દુઃખદ સીન તેને કંઈ રાજ આવ્યો નહીં એટલે પોતાની સાસુમાને ટકોર કરતાં બોલવા લાગી કે, "માં, તમે પણ શું આમ ઢીલાં પડી જાવ છો (અને અપેક્ષાને પાછળથી વ્હાલપૂર્વક વળગીને તેનાં ગાલ ઉપર એક પપ્પી કરીને બોલવા લાગી કે) અપેક્ષા અહીં અમારી સાથે ખૂબજ ખુશ છે, એ તો એણે નહિ બોલવાની બાધા લીધી છે એટલે નથી બોલતી બાકી બોલશે ને એટલે આપણી બધાની બોલતી બંધ કરી દેશે એવી મને પાક્કી ખાતરી છે. તમને ખાતરી છે ને માં..?? " અને પછી હસી પડી.
આખુંય દુઃખમય વાતાવરણ જાણે સુખમય બની ગયું અને લક્ષ્મી અર્ચનાના ઓવારણાં લેવા લાગી કે "વહુ મળજો તો તારા જેવી બેટા."
અને અર્ચના ખુશીથી પાછી બોલી પડી કે, "વહુ નહીં, દીકરી કહો માં દીકરી."
લક્ષ્મી પણ પોતાનું દુઃખ ભૂલી અર્ચનાની પ્યારભરી વાતોમાં ખોવાઈ ગઈ અને બોલી કે, "હા, તું પણ મારી દીકરી જ છે બેટા."
અક્ષતે પણ પોતાની જાતને થોડી સ્વસ્થ કરી અને વાત બદલીને બોલ્યો કે, " માં, તારી તબિયત કેવી છે..?? તારે આવવું છે અહીં અમારી સાથે..?? હું કે અર્ચના આવીએ તને લેવા માટે..?? "
લક્ષ્મી: ના બેટા, હું અહીં જ મજામાં છું અને મારી તબિયત પણ સારી છે. મારી ચિંતા ન કરશો. બસ, ભગવાન કરે ને મારી અપેક્ષાને સારું થઈ જાય એટલે બસ.
અર્ચના: માં, તમે તેની ચિંતા ન કરશો, તેની તબિયત ઘણી સુધારા ઉપર છે, થોડા સમયમાં જ તે બિલકુલ નોર્મલ થઈ જશે.
અને લક્ષ્મીના મનને આજે અક્ષત અને અર્ચના સાથે વાત કરીને ઘણી રાહત લાગી.
લક્ષ્મીએ ફોન મૂક્યો પછી અક્ષત અપેક્ષાને પૂછવા લાગ્યો કે, "અપેક્ષા, એકલા ન સૂઈ જવું હોય તો ચલ અમારી સાથે અમારા રૂમમાં."
પણ અપેક્ષાએ માથું ધુણાવીને "ના" જ પાડી અને અક્ષત અને અર્ચના બંને પોતાના રૂમમાં સૂઈ જવા માટે ગયા.
લક્ષ્મીની વાતોની અપેક્ષાના દિલોદિમાગ ઉપર શું અસર થાય છે..?? જાણવા માટે વાંચતાં રહો.. " ધૂપ-છાઁવ " પ્રકરણ-27
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ