Lilo Ujas – Chapter – 11 Frigidity – Manisha’s Mental Problem – Divyesh Trivedi in Gujarati Fiction Stories by Smita Trivedi books and stories PDF | લીલો ઉજાસ - પ્રકરણ – ૧૧ – ‘ફ્રિજિડીટી’ – મનીષાની માનસિક સમસ્યા? – દિવ્યેશ ત્રિવેદી

Featured Books
Categories
Share

લીલો ઉજાસ - પ્રકરણ – ૧૧ – ‘ફ્રિજિડીટી’ – મનીષાની માનસિક સમસ્યા? – દિવ્યેશ ત્રિવેદી

બારણું બંધ કરીને મનીષા સોનલ સામે ગોઠવાઈ ગઈ. સોનલે ઊંડો શ્વાસ લઈને કહ્યું, “મોનુ, મારા સવાલનો એકદમ ઓનેસ્ટ - એકદમ પ્રામાણિક જવાબ આપજે. હું આ સવાલ તને કારણ વગર પૂછતી નથી. તું સાચો જવાબ નહિ આપે તો મારા મનમાં મૂંઝવણ વધશે. એટલે ફરીવાર તને કહું છું કે, સાચો અને પ્રામાણિક જવાબ આપજે.”

“બહુ ભૂમિકા બાંધ્યા વગર સીધું પૂછી નાંખ ને!” મનીષાએ અકળામણના ભાવ ચહેરા પર લાવીને કહ્યું.

“મોનુ, સાચું કહે, તું ઉદયને ખરેખર પ્રેમ કરતી હતી ખરી?" સોનલે સીધો જ સવાલ કર્યો.

“હા.” મનીષાએ એકાક્ષરી જવાબ આપ્યો.

“આટલા જવાબથી મને સંતોષ નથી. સારું ચાલ, કેવો પ્રેમ કરતી હતી?" સોનલે આગળ પૂછવું.

“કેવો એટલે? પ્રેમ જેવો પ્રેમ...” મનીષાએ થોડા ચિડાઈને કહ્યું.

“પ્રેમ તો પ્રેમ જેવો જ હોય એ તો હું પણ સમજું છું. કેવો પ્રેમ એનો આ જવાબ નથી!” સોનલે પણ થોડા ચીડના ભાવ સાથે કહ્યું.

“હું શું કહું તને? એક પત્ની પોતાના પતિને પ્રેમ કરે એવો પ્રેમ.... બીજું શું?” મનીષાએ થોડો ફોડ પાડયો.

“એક્ઝેટલી, હું એ જ જાણવા માગું છું. એક પત્ની તરીકેનો પ્રેમ, પ્રેમિકા તરીકેનો પ્રેમ નહિ!” સોનલ પોતાની વાતને વધુ સ્પષ્ટ કરવા મથતી હતી.

“એમાં શું ફેર પડે છે? પત્ની તરીકેના પ્રેમમાં અને પ્રેમિકા તરીકેના પ્રેમમાં શું ફેર પડે છે? એ તો પ્રેમની શરૂઆતનો સવાલ છે. પ્રેમ આગળ વધે પછી તો બંને પ્રેમ એક જ છે ને!” મનીષાએ એનો તર્ક રજૂ કર્યો.

“ના, બંને વચ્ચે તફાવત છે.” સોનલે કહ્યું.

“શું તફાવત છે?” મનીષા પ્રશ્નસૂચક નજરે એના તરફ જોઈ રહી.

“પત્ની તરીકેના પ્રેમમાં ફરજ અને કર્તવ્યની ભાવના મુખ્ય હોય છે. પ્રેમિકા તરીકેના પ્રેમમાં સમર્પણની ભાવના મુખ્ય હોય છે. આગળ વધીને કહું તો પત્ની તરીકેના પ્રેમને લગ્નજીવનની કોઈક નબળાઈની ફરજના એક ભાગ તરીકે સ્વીકાર થાય છે. જ્યારે પ્રેમિકા તરીકેના પ્રેમમાં કોઈ પણ નબળાઈનો સહજ રીતે સ્વીકાર થાય છે.” સોનલે તફાવત સમજાવવાનો પ્રયાસ કર્યો.

“પણ તું અત્યારે આવું બધું શા માટે પૂછે છે? તારે ખરેખર શું જાણવું છે. એ મને કહી દે ને!" મનીષાને ખ્યાલ આવી ગયો કે સોનલ કઈ વાત પર આવવા માગતી હતી.

“આમ જુઓ તો મારે કશું જ જાણવું નથી. છતાં તને કહું તો જો તું ઉદયને પત્ની તરીકેનો જ પ્રેમ કરતી હોય તો એની કોઈ પણ વાત તને ન ગમતી હોય કે તેને અનુકૂળ ન હોય તો તું તારી ફરજ છે એમ સમજીને સ્વીકાર કરી લે અને જો પ્રેમિકા તરીકે વ્યવહાર હોય તો તું તેને ના પાડી શકે અથવા ખરેખર તો અમુક વાત તને પસંદ નથી એમ સમજીને જ એ આગ્રહ ના કરે. લગ્નજીવનમાં આવા તો અનેક મુદ્દા આવતા હોય છે.” સોનલે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું.

“એટલે તું કયા મુદ્દાની વાત કરે છે?" મનીષાએ સહેજ શંકા સાથે કહ્યું.

“કોઈ સ્પેસિફિક મુદ્દાની વાત નથી... કોઈ પણ... જેમ કે રસોઈની વાત હોય, બહાર હરવા-ફરવાની વાત હોય કે પછી... સોનલે આંખ મિચકારી.

“તું શું જાણવા માગે છે એનો મતલબ મને થોડું થોડું સમજાય છે...” મનીષાએ સહેજ ગંભીર થઈ જતાં કહ્યું અને પછી ઉમેર્યું. “જો સોનુ, લગ્ન પહેલાં હું અને ઉદય બહુ પરિચયમાં નહોતાં. માત્ર બે જ વખત મળ્યાં હતાં. લગ્ન પછી મેં એનો પતિ તરીકે સંપૂર્ણ સ્વીકાર કર્યો હતો. તું કહે છે એ સાચું છે. પતિ તરીકે મને એના માટે પ્રેમ હતો, પણ એમાં ફરજ અને કર્તવ્યભાવના વિશેષ હતી. એને કોઈ પણ રીતે દુઃખ ન થાય એ જોવા હું આતુર હતી. પણ તું કહે છે તેમ એ પ્રેમિકા તરીકેનો પ્રેમ તો નહોતો જ... ક્યારેક મને ન ગમે એવી વાત પણ એ કરે તો હું સ્વીકારી લેતી હતી... પણ એને ન ગમે એવું તો ન જ કરવું એટલું મારા મનમાં સ્પષ્ટ હતું...”

“બસ, મારે આટલું જ જાણવું હતું.” સોનલે સંતોષના ભાવ સાથે કહ્યું. એણે જોયું કે મનીષા થોડી ભારેખમ થઈ ગઈ હતી. આથી એણે વાતાવરણને હળવું કરી દેવાના ઈરાદાથી મનીષાના પગ પર ટપલો મારીને એકદમ ઉત્સાહના ભાવ લાવીને કહ્યું, “મોનુ, એક આઈડિયા! આપણે બંને અંકલ અને આન્ટીને સરપ્રાઈઝ આપીએ!”

“કઈ રીતે?" મનીષાએ મૂંઝવણ સાથે પૂછયું.

“એક કામ કર, તું મારાં જીન્સ અને ટી-શર્ટ પહેરીને એકદમ એમની સામે જઈને ઊભી રહે...” સોનલ થોડી ઉત્તેજના સાથે બોલી.

“ચલ હટ! મારાથી ના પહેરાય! સારું ન લાગે! જરા વિચાર તો કર!” મનીષા સહેજ ખિજાઈ ગઈ.

“મોનુ, ખોટું ન લગાડતી, પણ ઉદય અત્યારે હોત અને એણે કહ્યું હોત તો...” સોનલે એને મનાવવા માટે દલીલ કરી.

“એ વાત જુદી છે...” મનીષાએ નિસાસા સાથે પોતાનો બચાવ કર્યો.

“એ વાત જુદી નથી. હું તો કાયમ કહું છું કે જે માણસ હાજર નથી એ હાજર હોત તો આપણે જે કરતાં હોત એ જ કરવું જોઈએ... જો તું આત્માના અસ્તિત્વને માનતી હોય તો વિચાર કર કે તને ખુશ અને હસતી રમતી જોઈને એના આત્માને આનંદ થાય કે દુઃખ?" સોનલે એનો મૂળભૂત તર્ક રજૂ કર્યો. મનીષા ઘડીભર વિચારમાં પડી. એને પણ સોનલની વાત તો ગળે ઊતરતી હતી. છતાં એનું મન માનતું નહોતું. સોનલ એના મનની મૂંઝવણ કળી ગઈ હોય એમ બોલી, “અત્યારે આપણે બધાં ઘરનાં ઘરનાં જ છીએ. બહારથી કોઈ આવવાનું નથી. જરીક વાર વાતાવરણ હળવું થઈ જશે!”

મનીષા માની તો ગઈ, પણ એણે સોનલ સામે શરત મૂકી, “હું તારાં જીન્સ અને ટી-શર્ટ તો પહેરું, પણ તુંય મારી સાડી પહેર...”

સોનલે સહેજ પણ આનાકાની કરી નહિ. બંને એકબીજાનાં કપડાં પહેરીને તૈયાર થયાં બંને બહાર આવ્યાં એટલે એમને જોઈને પિનાકીનભાઈ તાળીઓ પાડીને બોલી ઊઠયા, “અહાહા, આ હું શું જોઉં છું? સરોજ, જો તો આ કોણ બે બહેનો આવી છે?” એમણે બૂમ પાડતાં જ સરોજબહેન બહાર આવી ગયાં. સરોજબહેન અને વિનોદિનીબહેન તો બંનેને જોતા જ રહી ગયાં. મનહરભાઈ પણ વારાફરતી બંનેને જોતા હતા. એમનાથી બોલી જવાયું, “બહુ સરસ લાગો છો. હવે બદલી કાઢો. કોઈ આવે તો ખરાબ લાગે.”

સોનલથી ન રહેવાયું એટલે એ બોલી ગઈ, “તમે ય શું અંકલ? કોઈ આવે તો શું વાંધો છે? અમે કોઈ ચોરી તો નથી કરી ને?”

“ના, એમ નથી. તારો વાંધો નહિ, પણ...” એ વાક્ય પૂરું કરે ત્યાં જ પિનાકીનભાઈ વચ્ચે બોલી પડયા, “મનહર, આવા કન્ઝર્વેટિવ નહિ થવાનું! છોકરાં છે. એ આનંદ નહિ કરે તો શું આપણે કરવાના હતા?"

મનહરભાઈએ મન મનાવી લીધું પણ મનીષા જરા ઉદાસ થઈ ગઈ. એ કપડાં બદલવા પાછી જ જતી હતી ત્યાં સોનલે એને પકડી લીધી અને કહ્યું, “થોડીવાર પહેરી રાખ!” પછી પિનાકીનભાઈ તરફ ફરીને બોલી, “અંકલ, તમે કહ્યું ને કે એ આનંદ નહિ કરે તો શું આપણે આનંદ કરવાના હતા? આઈ પ્રોટેસ્ટ યોર સ્ટેટમેન્ટ. આનંદ કરવાની કોઈ ઉંમર હોય ખરી? તમે આનંદ ન કરો એમાં તમારો જ વાંક છે."

પિનાકીનભાઈએ તરત કાનની બૂટ પર આંગળી મૂકી અને સોનલની વાતનો સ્વીકાર કરી લીધો. સરોજબહેન બોલ્યાં, “સોનલ, સાડીમાં તું પરી જેવી લાગે છે. કપાળમાં ચાંલ્લો અને હાથમાં બંગડી જ ખૂટે છે!” પછી એમણે એક નજર મનીષા પર કરી. મનીષાનો લાંબો ચોટલો અને ગળામાં એણે પહેરી રાખેલું મંગળસૂત્ર જીન્સ સાથે મેચ થતું નહોતું. પણ એ કંઈ બોલ્યાં નહિ.

મનીષાને શું સૂઝયું કે એણે વિનોદિનીબહેન પાસેથી શાક સમારવાની થાળી અને ચપ્પુ લઈ લીધાં અને શાક સમારવા માંડી. સરોજબહેને કહ્યું, “ચાલ સોનલ! આજે તું રસોઈ બનાવ. કેવી રસોઈ બનાવે છે એ અમે જોઈએ તો ખરાં..!”

“આન્ટી, બસને! આવો જ જુલમ ગુજારવાનો ને! સાડી પહેરી એટલે રસોઈ પણ કરવી પડે એવું ખરું? એટલે જ તો હું સાડી પહેરતી નથી!” સોનલે પોતાનો બચાવ કરતાં કહ્યું, અને પછી બોલી, “આ મોનુ તમને મારા વતી મદદ કરશે... મને જામીન પર છોડો!” એણે સરોજબહેન તરફ હાથ જોડીને કહ્યું.

પિનાકીનભાઈ તરત જ બોલ્યા, “આ મનીષા તને મદદ કરે છે. એટલી વાર મારે અને મનહરને સોનલ સાથે જરા વાત કરવી છે. સોનલ જરા આવ તો...

સોનલ તરત જ એમની પાછળ રૂમમાં ગઈ. પિનાકીનભાઈએ બારણું બંધ કર્યું અને બેઠા પછી બોલ્યા, “સોનલ, આજે તો તું જવાની. પછી કોણ જાણે ક્યારે મળીશ.

“તમે બોલાવજોને. હું આવી જઈશ. આ વખતે તો હું તમારા બોલાવ્યા વિના જ આવી ગઈ છું ને!” સોનલે મારકણી આંખો કરીને કહ્યું .

“તું આવી તો અમને બધાંને સારું લાગ્યું... સોનલ, મારે તને બે વાત પૂછવી છે..." પિનાકીનભાઈએ કહ્યું.

“તારી બુધ્ધિ તો ઘણે દૂર સુધી પહોંચે છે. એટલે જ તને પૂછવાનું મન થયું... પહેલી વાત તો એ કે જ્યોતિબહેને સરોજને જે વાત કરી એ તને કેટલી સાચી લાગે છે? આવું બની શકે ખરું?” પિનાકીનભાઈ મૂળ વાત પર આવ્યા.

“મને આખી વાતમાં કંઈક ગેરસમજ થતી હોય એવું લાગે છે... મનીષા ધારો કે ફ્રિજિડ હોય તો પણ શું? એ ફ્રિજિડ હોય તો પણ એની અને ઉદયની વચ્ચે શારીરિક સંબંધ નહિ હોવાનું કારણ સમજાતું નથી.” સોનલે થોડી મૂંઝવણ સાથે કહ્યું.

“અમારે એ જ સમજવું છે. પહેલાં તું અમને ‘ફ્રિજિડ'નો અર્થ સમજાવ. અમે તો એટલું જ સમજીએ છીએ કે ‘ફ્રિજિડ’ એટલે સાવ ઠંડી સ્ત્રી અને એવી સ્ત્રી સાથે પુરૂષનો કોઈ સંબંધ સ્થપાઈ જ ન શકે.” પિનાકીનભાઈએ સ્પષ્ટ વાત કરી.

“હું અને મનીષા કૉલેજમાં હતાં ત્યારે સાઈકોલોજીમાં ‘ફ્રિજિડીટી' વિષે થોડું ભણ્યાં પણ છીએ. આ મૂળભૂત રીતે સ્ત્રીની માનસિક સમસ્યા છે. ‘ફ્રિજિડ'નો અર્થ આપણે ઠંડી સ્ત્રી કરીએ છીએ. ઠંડી સ્ત્રી એટલે એવી સ્ત્રી જે સ્વાભાવિક જાતીય ઉત્તેજના પણ ભાગ્યે જ અનુભવે છે અને પરાકાષ્ઠાનો આનંદ પણ માણી શકતી નથી. આવી સ્ત્રી તદ્દન નિષ્ક્રિય હોય છે. મારી સમજ પ્રમાણે આ સમસ્યા માનસિક જ છે. અપવાદરૂપ કિસ્સામાં એ શારીરિક હોઈ શકે છે...”

“એની પાછળ કયાં કારણો કામ કરતાં હશે?” પિનાકીનભાઈને વાતમાં રસ પડતો હતો.

“જુઓ, અંકલ! માનસિક સમસ્યાઓ માટે એક ને એક બે જેવાં કે ફિઝિક્સના ન્યૂટનના નિયમ કે બોઈલના નિયમ જેવાં કારણો હોઈ શકે નહિ. એનું કારણ એ છે કે દરેક માણસ વિશિષ્ટ છે. એક કારણ છે મને લાગુ પડતું હોય એ જ કારણ તમને લાગુ ન પડે એવુંય બને...”

“વાત તો સાચી છે... દરેકને દરેક વસ્તુ માટે જુદાં જુદાં કારણો હોય છે...” પિનાકીનભાઈને વાત સમજાતી હતી.

“તો પણ... તો પણ ‘ફ્રિજિડીટી' જેવી સમસ્યા માટે કેટલાંક સામાન્ય કારણો હોઈ શકે છે... મોટે ભાગે તો એવાં કારણો જ જવાબદાર હોય છે.” સોનલને કૉલેજમાં સાયકોલોજીના પ્રોફેસરનું લૅક્ચર યાદ આવતું હતું.

“એવાં કયાં કારણો હોઈ શકે?” પિનાકીનભાઈએ પૂછયું.

“હું એ જ કહું છું... ફ્રોઈડ નામનો મનોવિજ્ઞાની કહે છે કે, મોટા ભાગની માનસિક સમસ્યાનાં મૂળ બાળપણમાં પડેલાં હોય છે. એ દ્રષ્ટિએ જોઈએ તો બાળપણમાં જેણે પોતાનાં મધર-ફાધરને સતત ઝઘડતાં જ જોયાં હોય એવા બાળકમાં મોટા પાયે આવાં લક્ષણો વિકસતાં હોય છે...”

“મનહર, મનીષાના કિસ્સામાં તો આવું નથી...” પિનાકીનભાઈએ મનહરભાઈને સંબોધીને કહ્યું, મનહરભાઈએ સજ્જડ રીતે ડોકું ધુણાવીને ના પાડી.

“અંકલ, આપણે અત્યારે મનીષાની વાત નથી કરતાં. ફિજિડીટી વિષે સાયન્ટિફિક ચર્ચા કરીએ છીએ.” સોનલ જાણે ઠપકો આપતી હોય એમ બોલી.

“સૉરી, બસ! પણ આપણી વાતના મૂળમાં તો એ જ છે ને!” પિનાકીનભાઈએ બચાવ કર્યો.

“બીજું કારણ એ પણ હોઈ શકે કે બાળપણમાં છોકરીને કોઈ દુઃખદ જાતીય અનુભવ થયો હોય... કોઈકે અણસમજમાં એની સાથે જાતીય અડપલું કર્યું હોય અને એના મનમાં પુરુષ પ્રત્યે કે એનાં જાતીય અંગો પ્રત્યે ધૃણા પેદા થઈ હોય તો પણ ફ્રિજિડીટી આવી શકે..." સોનલ એકીશ્વાસે બોલી ગઈ.

પિનાકીનભાઈ આ વખતે કંઈ બોલ્યા નહિ. પરંતુ એમણે મનહરભાઈ તરફ પ્રશ્નસૂચક નજ૨ નાંખી અને મનહરભાઈએ પણ બોલ્યા વિના એવું કહી દીધું કે મનીષાના કિસ્સામાં આવું કંઈ બન્યું નથી.

સોનલે આગળ ચલાવ્યું, ફ્રિજિડીટી માટેનાં કારણો હંમેશાં બાળપણમાં જ હોય એ જરૂરી નથી. મેં કહ્યું તેમ દરેક માણસની પ્રકૃતિ જુદી જુદી હોય છે. જેમ કેટલાક માણસો નાની અમથી વાતમાં તરત ગુસ્સે થઈ જતાં હોય છે અને કેટલાક માણસો બહુ વાર પછી માંડ થોડો ગુસ્સો કરે છે. એવું જ સ્ત્રીની જાતીય ઉત્તેજનાનું પણ છે. કેટલીક સ્ત્રીઓ ઝડપથી ઉત્તેજના અનુભવે છે. તો કેટલીક સ્ત્રીઓને ઉત્તેજિત થતાં વાર લાગે છે અને કેટલીક સ્ત્રીઓના કિસ્સામાં તો ખૂબ જ વાર લાગે છે. બીજી બાજુ પુરુષ ઝડપથી ઉત્તેજના અનુભવે છે અને જ્યારે પુરુષ અધીરો બની જાય ત્યારે એને આવી સ્ત્રી ઠંડી લાગે છે. તમે મારી વાત સમજ્યા ને?”

પિનાકીનભાઈ અને મનહરભાઈએ હકારમાં ડોકું ધુણાવ્યું.

સોનલ ટટ્ટાર થતાં બોલી, “હવે આપણે જરા મનીષાની વાત કરીએ. અર્ચનાના કહેવા મુજબ ઉદયે એને કહ્યું કે, એમની વચ્ચે શારીરિક સંબંધ થયો જ નથી અને બંને કુંવારા જેવાં જ છે. આ વાત બહુ જામતી નથી. એનું કારણ એ છે કે સ્ત્રી ગમે એટલી ઠંડી હોય તો પણ પુરુષ એની સાથે શારીરિક સંબંધ તો સ્થાપી જ શકે છે. કદાચ એણે એમાં બળજબરી પણ કરવી પડે.. અને એરેન્જ્ડ મેરેજ હોય ત્યારે તો પુરુષ બળજબરી કર્યા વિના રહે જ નહિ, કારણ કે એ સંજોગોમાં એને પોતાની પત્ની પર માલિકીભાવ હોય છે...” સોનલે ભારપૂર્વક પોતાનો અભિપ્રાય આપ્યો.

“તારી વાત તો વિચારવા જેવી છે... તો પછી આવી વાત આવી એનું કારણ શું હોઈ શકે?" પિનાકીનભાઈના મનમાં નવી મૂંઝવણ પેદા થઈ.

“એ તો આપણને કઈ રીતે ખબર પડે? ઉદયે અર્ચનાને શું કહ્યું અને અર્ચના એમાંથી શું સમજી એ કહેવું ખૂબ અઘરું છે!” સોનલે વિસ્મયના ભાવ સાથે કહ્યું.

“એનો અર્થ એ કે આપણને સાચી વાત તો કદી જાણવા નહિ મળે!” મનહરભાઈ નિસાસા સાથે બોલી પડયા.

“હવે તો મનીષા કંઈક કહે તો જ ખબર પડે! અને તમે ચિંતા ન કરો. હું મનીષા પાસે વાત કઢાવીશ.” સોનલે આત્મવિશ્વાસ સાથે કહ્યું.

સહેજ વાર મૌન છવાઈ ગયું. પછી સોનલે પિનાકીનભાઈને પૂછયું, “તમે બે વાત પૂછવાના હતા ને? બીજી કઈ વાત?”

“અરે હા, બીજી વાત... બીજી વાત એ હતી કે તે કહ્યું હતું કે તું હમણાં લગ્ન કરવા વિચારતી નથી. કેમ? અમને તો એ જ વિચાર આવે છે કે તને કેવો છોકરો મળશે? એ છોકરો તને જીરવી શકશે કે નહિ?"

સોનલ પહેલાં હસી પડી અને પછી આંખો ઝીણી કરીને બોલી, “કેમ એવું કહો છો?"

“તને ખબર છે ને આપણામાં કહેવત છે કે સિંહણના દૂધ માટે સોનાનું પાત્ર જોઈએ!” પિનાકીનભાઈએ પ્રશંસાના ભાવ સાથે કહ્યું.

“તમે જ મારા પ્રશ્નનો જવાબ આપી દીધો. હું સિંહણના દૂધ જેવી હોઉં તો સોનાનું પાત્ર મળશે ત્યારે હું લગ્ન કરીશ...”

“આ જવાબથી મને સંતોષ નથી થતો. એનું કારણ એ છે કે પાત્ર સોનાનું છે કે પિત્તળનું એ પણ તું ક્યાં અત્યારે ચકાસે છે?" પિનાકીનભાઈએ ભવાં ઊંચા કરતાં કહ્યું.

“તો હવે હું તમને સાચું કારણ કહી દઉં.... લગ્ન માણસ એટલા માટે કરે છે કે એને સુરક્ષા અને સહવાસની ભૂખ હોય છે... મને અસુરક્ષામાં મજા આવે છે અને હું મારી જાતનો સહવાસ માણું એટલું જ મારા માટે બસ છે... મારી દ્રષ્ટિએ લગ્ન એટલે કે બે સ્વતંત્ર વ્યક્તિઓ એકબીજાની સ્વતંત્રતા માટે પરસ્પરની પરતંત્રતાનો સ્વીકાર કરે. મને તો આ રીતે પરસ્પરની પરતંત્રતા પણ ખપતી નથી. લગ્ન કરીને જે મેળવી શકાતું હોય એ લગ્ન વિના પણ મળી શકતું હોય તો લગ્ન કરવાની શી જરૂર છે? આઈ મીન, સુરક્ષા અને સહવાસ..."

એટલામાં સરોજબહેન જમવા માટે બોલાવવા આવ્યાં. પિનાકીનભાઈથી સહજ કહેવાઈ ગયું. “સોનલે સરસ વાત કરી. આપણને વિચારતાં કરી દે એવી વાત છે..."

“શું વાત કરી? મને તો કહો!” સરોજબહેનને પણ જિજ્ઞાસા થઈ.

“પછી નિરાંતે વાત..." કહીને એ જમવા માટે ઊભા થયા.

બધાં જમી રહ્યાં હતાં ત્યાં નયન આવ્યો. એને પણ આગ્રહ કરીને જમવા બેસાડી દીધો. એણે કહ્યું કે હું જમીને આવ્યો છું. છતાં કોઈએ એની વાત માની નહિ. એ જમવા બેઠો ત્યારે એની પાસેની એક પ્લાસ્ટિકની થેલી એણે પોતાના પગ નીચે દબાવી હતી. સોનલે એને પૂછયું. “આ થેલીમાં શું છે?" નયન જરા સંકોચાયો અને બોલ્યો કહેવાય એવું નથી!” સોનલે મોં મચકોડયું ત્યાં નયન બોલ્યો. “દાળ સરસ થઈ છે. મેં ના ખાધું હોત તો અફસોસ રહી જાત.”

“મનીષાએ દાળ બનાવી છે!” સરોજબહેન બોલ્યાં, નયન મનીષા સામે જોઈ રહ્યો. એને ક્યારનુંય કંઈક નવું નવું લાગતું હતું. અચાનક ખ્યાલ આવ્યો કે મનીષાએ જીન્સ અને ટી-શર્ટ પહેર્યા હતાં. તથા સોનલે સાડી પહેરી હતી. એણે સોનલને કહ્યું, “તમે સાડીમાં શોભો છો કે સાડી તમને શોભે છે?” પછી તરત મનીષા સામે જોઈને કહ્યું, “ક્યારેક ક્યારેક જીન્સ પણ પહેરવું જોઈએ!”

અમારા બંને વતી થેંક યૂ!” સોનલે સ્પષ્ટતાના ભાવ સાથે કહ્યું.

જમ્યા પછી નયન હાથ ધોવા વૉશબેઝિન પાસે ગયો ત્યારે પણ પેલી થેલી લઈને ગયો હતો. સોનલને જરા નવાઈ લાગતી હતી. પણ એ કંઈ બોલી નહિ.

જમ્યા પછી મનીષા અને સોનલ એમના રૂમમાં જઈને આડાં પડયાં. સોનલે ધીમે રહીને પૂછયું. “મોનુ, આ નયન કેવો છોકરો છે?”

“કેમ, તને ગમી ગયો છે? ઈચ્છા હોય તો બોલ! હું હમણાં જ વાત કરું.” મનીષા એકદમ એના તરફ પાસું ફેરવતાં બોલી.

“ઈડિયટ, હું મારા માટે નથી કહેતી... હું તો એમ કહેવા માગું છું કે એને તારે માટે સોફ્ટ કૉર્નર હોય એવું મને લાગે છે! ” સોનલે ગંભીરતા સાથે કહ્યું.

“હટ, તું મારા કરતાં મોટી ઈડિયટ છે. મેં તો આવું સપનામાં ય વિચાર્યું નથી. તું શાના પરથી આવું કહે છે?” મનીષાએ ગંભીર થતાં પૂછયું.

સોનલે કંઈ જ જવાબ ન આપ્યો. એ મનીષાના ચહેરા તરફ તાકી રહી.