" તપતો ચૈત્ર અને કોરોના "
તપતા ચૈત્રની ગરમીમાં રાજવી એસીની ઠંડક વગર જાણે તરફડીયા મારી રહી હતી. પીપીઈ કીટમાં સજ્જ દર્દીની સારવાર કરી રહેલા ડોક્ટરો, નર્સો તેને એક સમાન ભૂતનાં ઓળા સરખા ભાસી રહયાં હતાં. ઉનાળાની કાળઝાળ ગરમી અને તેનાં શરીરનું વધતું તાપમાન એકબીજાની હોડમાં ઉતર્યા હતાં. કફથી ભરાયેલી છાતી ધમણની જેમ ઉછાળા મારી રહી હતી, ઓકસીજન માસ્કથી ઢંકાયેલા તેનાં નસકોરાં શ્વાસ લેવા બમણા જોરથી કામે ચડી ગયા હતાં. રાજવીને લાગી રહયું હતું જાણે હમણાં તેનાં શ્વાસ ખુટી પડશે. હમણાં જ તે મૃત્યુની આગોશમાં સમાઈ જશે, પણ પોતાની દશ વર્ષની ઢીંગલી પીયુ નજર સામે તરવરતાં, તે પુરી તાકાતથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ કરી રહી હતી. શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ રાજવી શહેરનાં મોટાં બિઝનેસમેનની પત્ની હતી. ચાઈનાથી આવેલ આ કોરોના પગપેસારો કરતો કરતો છેક રાજવીનાં શરીરમાં અડીગો જમાવી દીધો હતો. જન્મથી જ એસીની ઠંડકમાં ઉછરેલી રાજવી સાથે ઉનાળાનાં ધોમ ધખતા તડકામાં કોરોનાને એટલું ફાવી ગયું કે તે રાજવીને છોડવા તૈયાર ન હતો. આખરે કોરોનાથી પીછો છોડાવવાં રાજવીને હોસ્પિટલમાં દાખલ કરવી જરૂરી બની, પણ શહેરની દરેક ખાનગી હોસ્પિટલની બૅડો કોરોનાએ પોતાનાં નામે કરી નાખી હતી, કોઈ ખાનગી હોસ્પિટલમાં બૅડ ખાલી ન મળતા છેવટે રાજવીનો જીવ બચાવવા તેને શહેરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવી પડી.
તપાસમાં આવેલાં ડોક્ટરે જરૂરી દવા ઈન્જેકશનો, રીપોર્ટ વગેરે માટે સાથી નર્સને સૂચના આપતાં, નર્સે સારવાર ચાલુ કરી ઈન્જેકશન આપતાં થોડીવારમાં રાજવી કંઈક અંશે હળવાશ અનુભવી. થોડી રાહત થતાં રાજવી સામે બે વર્ષ પહેલાંનો આવો જ તપતો ચૈત્ર આવીને ઊભો રહી ગયો.
બિઝનેસમેન પતિનાં બાળપણનાં એક ખેડુતમિત્રએ
પોતાનાં ગામડે આવવાં, ગામડાની મહેમાનગતી માણવા, લહેરાતા ખેતરોનાં સૌંદર્યને નિરખવા, ગામડાની માટીની સુગંધ શ્વાસમાં ભરવા, વારંવારનાં આમંત્રણને માન આપી પિયુની સ્કુલમાં વેકેશન પડતાં પતિ અને પોતાની ઢીંગલી પિયુ સાથે ગામડામાં આવી. ધનાઢ્ય કુટુંબમાં જન્મેલી અને એવાં જ ધનાઢ્ય સાસરામાં રહેલી રાજવી ગામડાનાં ધુડીયા રસ્તા પર પહેલીવાર પગ મૂક્યો.
કાર ગામડામાં આવી ઉભી રહેતા, ગામડાનાં માયાળુ માણસો તો અડધાં અડધાં થઈ ગયાં. આવો બુન ! આવો ભાઈ ! કહેતાં ફળીયામાં ઢોલિયા ઢાળી દિધો. ઉપર રૂની ધડકી પાથરી દિધી. તાંબાના લોટામાં કુવાના અમૃત જેવાં મીઠાં જળ ધરી દીધાં. પણ રાજવીને તો ઢોલીયો અને ધડકી પોતાના શરીરને ખૂંચતા લાગ્યાં, મિનરલ વૉટર પીવા ટેવાયેલી રાજવીને કુવાનાં અમૃતની શી પિછાણ હોય. થાળીમાં પીરસાયેલ રોટલા , વાડીનાં તાજા રીંગણાનાં શાક અને છાસનું જમણ તેને કોઈ મીડલ ક્લાસનું જમણનો અહેસાસ થયો.
પરવારી યજમાન તેને પોતાની વાડી તરફ દોરી ગયા. ઉનાળો અને એમાય ચૈત્ર મહીનો, સૂરજ દાદાએ માજા મૂકી હતી, પણ લીલીછમ મૌલાતો, હમણાં જ ખેતરોને પાયેલા પાણી, ઉનાળાનાં આ તપતા ચૈત્રની લૂને ઠંડક બક્ષી રહયા હતાં. ઉનાળાનાં તડકાનો અહેસાસ રાજવીએ આજે પહેલીવાર કર્યો હતો.
ખેતરને શેઢે પહોચતા યજમાન ફરી ઢોલિયા- ધડકી પર મહેમાને બીરાજમાન કર્યા, પણ રાજવી તો એસીની ઠંડક વગર બેચેન થઈ રહી હતી. જુઓ બુન ! આ વડલો છે, આ પીપળો છે, આ ગુલમહોર, આ કડવો છતાં નરવો લીમડો ,આ ગરમાળો છે, આ આંબા વાડીયું છે. અમારે તો વડલાની ચોખ્ખી હવા, નીચે ઢોલીયો બસ એક નિંદરે સવાર. રાજવી મનમાં હસી રહી. અરે ! આ વડલા પીપળા આ ઉભાં વૃક્ષો હોય તો જ થોડો ઓકસીજન મળે, અમારે શહેરમાં તો આવાં કંઈ વૃક્ષો નથી છતાંય અમે શ્વાસ લઈએ જ છીએ. ત્યાંજ કેરીનાં ભારથી નમી ગયેલી આંબા ડાળીયુ પર પિયુ ચડી કેરી તોડવા જતી પિયુને રાજવી વઢીને પોતાની પાસે બોલાવી લીધી. સાંજ ઢળવા આવતાં ઉનાળાની લૂની જગ્યા ઠંડી ઠંડી હવાએ લઈ લીધી, કઢીયલ દુધનાં વાળું પછી ખુલ્લા આકાશ નિચે મહેમાનોની પથારી પૂરાં હરખથી કરવામાં આવી. રાજવી માટે તો શું વડલા પીપળાની શુદ્ધ હવા કે શું ખુલ્લું આકાશ. માંડ માંડ બે દિવસ પસાર કરી તેઓ શહેર પરત ફરી ગયાં.
નર્સ ફરી ઈન્જેકશન આપવા આવતાં રાજવી વર્તમાનમાં પાછી ફરી, આજે તેને પેલી લીલીછમ વાડીઓની ઠંડક, વડલા/પીપળાનાં શુદ્ધ ઓકસીજન યુકત હવાઓ, બધું જ યાદ આવી રહયું હતું. તેને આજે ઘણું સમજાય ગયું હતું કે આજે તેનાં જ નહીં તેનાં જેવાં ઘણાં લોકોનાં શ્વાસ કેમ ખુટી રહયા છે. કદાચ આજે શહેરોમાં આવા ઘણા ઘેઘુર વડલા હોત, ઠેર ઠેર પીપળાઓ ઝૂલતા હોત, આંબા, ગરમાળાનાં વૃક્ષોથી મારુ શહેર શોભી રહયું હોત તો અમે પણ શુદ્ધ ઓકસીજન યુક્ત હવા શ્વાસમાં ભરી રહયા હોત, અને કદાચ કોરોના આપણા શહેર સુધી પહોચી જ ન શક્યો હોત, અમને પણ ઓકસીજન માસ્કની જરૂર પડી ન હોત.
તેણે એક દ્રઢ નિશ્ચય કરી લીધો..... !! જેવી પોતે સાજી થઈ ઘરે જશે, તેવી જ પતિનાં બિઝનેસમાંથી કેટલીક રકમ વૃક્ષો રોપવા અને તેને ઉછેરવા માટે અલગ માંગી લેશે, પછી આ તપતા ચૈત્રની ગરમીને તે ઠંડી ઠંડી હવામાં રૂપાંતર કરી નાખશે. !! ..??
એ સાથે જ જાણે પોતાને આ બિમારીથી લડવાની તાકાત મળી હોય... કોરોના જાણે પોતાના વતનની વાટ પકડવાની તૈયારી કરી રહ્યો હોય તેવું તેને લાગી રહયું હતું.
Asha j bhatt