Red Ahmedabad - 20 in Gujarati Fiction Stories by Chintan Madhu books and stories PDF | રેડ અમદાવાદ - 20

Featured Books
Categories
Share

રેડ અમદાવાદ - 20

સોનલની નજર વિશાલે આપેલ માહિતીના જે નામ પર અટકેલ હતી, તે બાબત માટે તે જ સમયે ચિરાગનો ફોન આવ્યો. ચિરાગે જણાવ્યું કે તેઓ માહિતીનો અભ્યાસ કરતા એક નામ સુધી પહોંચ્યા છે અને તે નામ હતું “રોહન”. રોહન નામે બધાને વિચારતા કરી દીધા. એવું નામ જે અમદાવાદમાં હતું જ નહિ. વિદેશમાં જ રહેતો રોહન, અને તેનો ફોન નંબર માહિતીની ખાણમાંથી મળ્યો હતો. સોનલે મેઘાવીને સમીરાને મળી રોહનના ભૂતકાળની તપાસ માટે જણાવ્યું. મેઘાવી બિપીન સાથે સમીરાના ઘરે જવા નીકળી. બીજી તરફ સોનલે ચિરાગને મળવા માટે બોલાવ્યો. તે ચિરાગ સાથે બેસી ચોથા વ્યક્તિ વિષે આગળ તપાસ કરવા ઇચ્છતી હતી. ચિરાગ આશરે અર્ધા કલાકમાં પહોંચવાનો હતો. સોનલ ખુરશી પર બેઠી. આંખો બંદ કરી વિચારોમાં ખોવાઇ. જમણા હાથની આંગળીઓ લલાટ પર ધીમેથી ફેરવી અને અચાનક અટકી ગઇ. જાણે કોઇ ખૂબ જ અગત્યનો ઇશારો મળ્યો હોય તેમ તેણે વિશાલ સામે જોયું, ‘વિશાલ...! દિપલે કરેલ કેસની તપાસ કયા ઇંસ્પેક્ટર પાસે હતી? તે તપાસ કર...’

વિશાલે તેણે બનાવેલ સોફ્ટવેર, કે જેની મદદથી દરેક કેસની માહિતીનો સંગ્રહ કરવામાં આવતો હતો. તેમાં વપરાશકર્તા માહિતી અને તેના માટેના ગુપ્ત કોડને દાખલ કર્યો. સ્ક્રીન પર અસંખ્ય ક્રમાંકો દેખાવા લાગ્યા. તેણે દિપલના કેસનો નંબર નાખી શોધ શરૂ કરી અને સ્ક્રીન અટકતાં જ તે બોલ્યો, ‘મેડમ..., ઇંસ્પેક્ટર વિક્રાંત ઝાલા...’

સોનલ ખુરશી પર તે જ અવસ્થામાં આંખો બંદ કરી સાંભળી રહેલી. તેનો ડાબો હાથ ખુરશીના હાથા પર આંગળીઓ રમાડી રહ્યો હતો. તેણે એકદમ જ હાથા પર આંગળીઓનું જોર વધાર્યું, ‘ઝાલા... વિક્રાંત ઝાલા.... આ એ જ ઇંસ્પેક્ટર છે, જે ૨૦૧૭માં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો?’

વિશાલે માહિતીનો અભ્યાસ ચાલુ રાખેલો, ‘હા... એ જ’

‘ગુડ... હવે એ અકસ્માતની માહિતી શોધ, અને ફટાફટ જણાવ... આ અકસ્માત જ આપણને કેસના અંત સુધી પહોંચાડશે...’, સોનલ ફરીથી હાથા પર આંગળીઓ રમાડાવા લાગી.

શરૂઆતથી ચાલી રહેલી રમતની માયાજાળમાં સોનલ રમવા લાગી. મનહર પટેલની હત્યા, સમીરાનું તેના ભાઇના ઘરે મુંબઇમાં હોવું, રવિ અભ્યાસ માટે બહાર, રોહન વિદેશમાં... એક પછી એક ગોઠવાતા પાસાઓ સોનલની બંદ આંખોના પડદા પર ચિત્રો આવવા લાગ્યા. પોલીસ કમિશ્નરનું દબાણ, ભટ્ટની હત્યા, રીવર ફ્રન્ટ - રવિવારીની મુલાકાત, રવિનું ત્યાં હાજર હોવું, અન્ય વ્યક્તિનું હાથમાં આવી છટકી જવું, પટેલ અને ભટ્ટની ભાગીદારી, બારોટની હત્યા, અને દિપલનો તેના જ પિતાને કેન્દ્રમાં રાખીને કરેલ કેસ... ચિત્રોની હારમાળામાં સોનલનું ધ્યાન વારંવાર દિપલ અને રોહન જે પહેલાથી આ કેસમાં ક્યાંય હતા જ નહિ, તે તરફ જતું હતું. વધારે ધ્યાનકેંન્દ્રિત કરનારી બાબત, અજાણી વ્યક્તિનો સંદેશ “સીસ્ટમના પાના ઉથલાવો” અને બારોટના ઘર પર મળેલ “સિંહનું માસ્ક”, બન્ને વચ્ચેનો સંબંધ. સોનલના વિચારોના પ્રવાહને ચિરાગના અવાજરૂપી બંધે રોક્યો. સોનલે આંખો ઉઘાડી, ચિરાગ અને જય બન્ને હાજર હતા. જયના હાથમાં ફાઇલ હતી. સોનલ જાણતી હતી કે તે એ જ માહિતી સાથે આવ્યો હતો, જે વિશાલે શોધી કાઢેલી.

‘હા...જય....તો શું માહિતી છે?’, સોનલે ચિરાગ અને જયને બેસવાનો ઇશારો કર્યો.

‘રેડ અને પોલીસ, બન્ને એક જ સ્થળ પર આવીને અટકી ગયા છે.,’ જયે ફાઇલ ખોલીને ચોક્કસ પાનું સોનલ સામે મૂક્યું, ‘તમે જે ચોથી વ્યક્તિને શોધો છો, તે દિપલે કરેલ કેસ સંભાળતો ઇંસ્પેક્ટર નથી. વળી, તેનું અકસ્માતમાં મૃત્યુ નથી થયું, તેનો અકસ્માત કરાવવામાં આવ્યો હતો.’, જયે ખુરશી પર ટેકો લીધો અને આરામથી બેઠો.

‘પણ કેસ તો અકસ્માતના નામે બંદ કરી દેવામાં આવેલ છે.’, વિશાલે જયની સામે જોયું.

‘હા... પોલીસ તપાસ અર્થે કેસ બંદ કરી દીધો હતો. તેનું કારણ છે તે સમયના કમિશ્નરશ્રી શ્રીમાન મદનસિંહ રાજપૂત…’, ચિરાગે જયને બોલતો અટકાવી વિશાલને જણાવ્યું.

‘રાજપૂત સાહેબ તો ૨૦૧૮માં નિવૃત થઇ ગયા.’, વિશાલે ફાઇલ ટેબલ પરથી ઉપાડી.

‘સાચી વાત છે. પરંતુ તે બારોટના ખાસ મિત્ર હતા... હવે આપણે જાણીએ છીએ કે બારોટ, મનહર પટેલ અને ઇંદ્રવદન ભટ્ટનો ખાસ મિત્ર હતો. તો...’, ચિરાગ વિશાલની સામે જોઇને બોલ્યો.

‘તો... રાજપૂત પણ તેમનો મિત્ર હશે. તેવી અમારી ધારણા છે.’, જયે સોનલી સામે જોયું.

‘યસ... રાજપૂત-પોલીસ કમિશ્નર સરકારી સિસ્ટમનો એક સિંહ, બારોટ-કોર્પોરેટર સરકારી સિસ્ટમનો બીજો સિંહ, ભટ્ટ-વકીલ ત્રીજો અને મનહર પટેલ શિક્ષણ જગત એટલે કે ચોથો સિંહ...’, સોનલે ચપટી વગાડી અને હાથ ટેબલ પર પછાડ્યો, ‘હત્યા શરૂ થઇ ચોથા સિંહથી, ભારતની રાષ્ટ્રીય મુદ્રાને કોઇ પણ બાજુથી જુઓ, ત્રણ સિંહ જ દેખાય છે, માટે જ આપણે પણ ત્રણ દેખાતા સિંહ જોયા... પરંતુ મુખ્ય કે જે પાછળ છુપાયેલ છે...તે આપણને દેખાયો નહિ.’, સોનલે જય અને ચિરાગ સામે જોયું, ‘અને તે કાગળ “સેવા, સુરક્ષા, શાંતિ” પણ રાજપૂત તરફ ઇશારો કરે છે.’

‘આપણને ખબર છે કે હવે કોની હત્યા થવાની છે... તે રોકી શકાય તેમ છે.’, ચિરાગ ખુરશી પરથી ઉઠયો, અને બારી તરફ ગયો.

‘આપણને એ ખબર નથી કે ક્યારે? અને આપણી પાસે કોઇ નક્કર પૂરાવો પણ નથી કે જેન આધારે આપણે અગળ વધી શકીએ.’, સોનલે વિશાલ પાસેથી ફાઇલ લીધી અને સ્ટેશનમાં હાજર ત્રણેય જણાંને મેઘાવી સમીરાની તપાસ માટે ગઇ હતી, તે બાબતની જાણ કરી.

સોનલે દરેકને દિપલે કેસ કર્યો હતો તે સમયગાળા દરમ્યાન પ્રત્યેકની સાથે સાથે રાજપૂતની હિલચાલ વિષે પણ તપાસ કરવા બાબતે જણાવેલ હતું. સાથે સાથે ઝાલાની પણ હિલચાલ ચકાસવા કહેલું. ટુકડીનો પ્રત્યેક સભ્ય પોતપોતાને સોંપેલા કાર્યમાં જોડાઇ ગયા હતા.

*****

મેઘાવી સમીરાની પૂછતાછ કરવાને બદલે તેને જ સ્ટેશન ઉપાડી લાવી હતી. સમીરાએ સફેદ રંગનો પંજાબી પોષાક ધારણ કરેલ હતો. સોનલના કાર્યાલયમાં દિવાલ પાસેની ખુરશી પર તેને બેસવાનું કહેવામાં આવેલું હતું. સમીરા ક્ષણેક્ષણે દુપટ્ટાથી ચહેરો લુછી રહી હતી. મેઘાવી તેની બાજુમાં જ વિશાલ પાસે બેસીને કોમ્પ્યુટર પર કાર્યરત હતી. પ્રતીક્ષા હતી સોનલની. સોનલ અન્ય કેસ બાબતે સ્ટેશનની નજીકમાં જ તપાસ અર્થે ગઇ હતી. આશરે દસેક મિનિટ પછી સોનલ સ્ટેશન પર પહોંચી. કાર્યાલયમાં દાખલ થતાં જ તેની નજર સમીરા પર પડી, ‘આમની તપાસ કરવાની હતી, ઉપાડી લાવવાના નહોતા.’

‘પણ, તે મને કોઇ જવાબ જ નહોતા આપતા, આથી જ મેં છેલ્લે નક્કી કર્યું કે ઘરે નહિ તો કંઇ નહિ, પરંતુ સ્ટેશનમાં તો જવાબ આપશે જ. એટલે ઉપાડી લાવી.’, મેઘાવી ઉઠીને સોનલના ટેબલની નજીક આવી.

સોનલના કિનાય સાથે જ સમીરા તેની સામેની ખુરશી પર બિરાજી. સોનલે મેઘાવીને પણ પાસ બેસવા જણાવ્યું. સમીરાએ તેમ જ કર્યું.

‘ગરમી બહુ છે, કેમ?’, સોનલે સમીરાને થતા પરસેવાને ધ્યાને લઇને મેઘાવી સામે જોયું.

‘પણ, જાન્યુઆરીમાં આટલી બધી ગરમી થોડી હોય, કે કોઇ પરસેવે રેબઝેબ થાય...’, મેઘાવીની નજર સમીરા પર જ હતી.

‘મારી તબિયત કંઇ ઠીક નથી...’, સમીરાએ ફરી ચહેરા પર બાઝેલી પરસેવાની રેખાઓને સાફ કરી.

‘પોલીસ સ્ટેશનમાં ભલભલાની તબિયત લથડી જાય છે.’, રમીલા કાર્યાલયમાં દાખલ થઇ.

‘તમે મને અહીં કેમ લાવ્યા છો?’, સમીરાએ રમીલા સામે જોયું.

‘અમે તમને થોડા પ્રશ્નો પૂછવા માંગીએ છીએ, અને આશા છે કે તમે પ્રત્યેક પ્રશ્નનો સાચો જવાબ આપશો.’, સોનલે સમીરા તરફ જોયું અને તેને પાણીનો પ્યાલો આપ્યો. સમીરાએ પાણી પીધું અને હકારમાં માથું ધુંળાવ્યું.

‘તો... સમીરાબેન... અમને રોહન વિષે કંઇક જણાવો...’, મેઘાવી સમીરા તરફ ખુરશી કરીને બેઠી.

‘રોહન…’

‘હા...રોહન...’

‘શું જણાવું?’

‘અત્યારે તે ક્યાં છે?’

‘વિદેશમાં’

‘વિદેશમાં ક્યાં?’

‘કેનેડા’

‘ખોટી વાત... તે કેનેડામાં નથી.’

‘એ ત્યાં જ છે.’

‘ત્યાં નથી.’

‘મને ખબર હોય ને...’,

‘તો પછી તેનો ફોન અહીં કેવી રીતે બંદ થયો? અમદાવાદમાં...’

‘અહીં...! મને શું ખબર?’

‘જુઓ સમીરાબેન... તે અહીં હતો, તેનો ફોન અહીં બંદ થયો... અને મારો સીધો સવાલ, તેણે તેના પિતાને કેમ માર્યા?’, સોનલે પ્રશ્નોની શરૂઆત કરી.

‘તે તેના પિતાને કેમ મારે?’

‘એ તમે અમને કહો...’

‘એ તેના પિતાને મારી જ ન શકે.’

‘કેમ?’

‘મેં કહ્યું ને એકવાર કે મારી ન શકે...’, સમીરાના ચહેરા પર અકળામણ અને ગુસ્સો દેખાયા.

‘અને હું પૂછું છું કે કેમ ન મારી શકે?’

‘બસ... ન મારી શકે.’

સોનલે રમીલાને ઇશારો કર્યો. રમીલાએ સમીરાની હડપચી પકડી, ‘કેમ ન મારી શકે?’, રમીલાએ હાથ ઉગામ્યો.

સમીરા ગભરાઇ ગઇ, ‘કારણ કે તે મૃત્યુ પામ્યો છે, અને એક મરેલ વ્યક્તિ તેના પિતાને કેવી રીતે મારે?’, સમીરા ચોધાર આંસુએ રડવા લાગી.

સ્ટેશનનું વાતાવરણ અવાક બની ગયું. શાંતિ છવાઇ ગઇ.

‘તો પછી કોણ મારે?’, મેઘાવીએ પ્રશ્ન કર્યો.

‘રોહન કેવી રીતે મૃત્યુ પામ્યો?’, સોનલે સમીરાની સામે લાલ આંખો કરી.

‘તે... દુર્ઘટનામાં’

‘અમારે એ દુર્ઘટના જાણવી છે.’, મેઘાવી બોલી.

‘બોલો...!’, સોનલે ગુસ્સાથી ટેબલ પર હાથ પછાડ્યો.

‘તે મૃત્યુ પામ્યો....૨૦૧૭ના વર્ષમાં...’

‘૨૦૧૭...?’, મેઘાવીએ વળતો પ્રશ્ન કર્યો.

‘હા... ૨૦૧૭’, સમીરાએ વાત શરૂ કરી.

*****