પતિ પત્ની અને પ્રેત
- રાકેશ ઠક્કર
પ્રકરણ-૩૫
ગૂરૂ દીનાનાથને રેતાના મંગળસૂત્ર પર અંગ્રેજી અક્ષરમાં નામ વાંચી નવાઇ લાગી હતી. તેમને અંગ્રેજી આવડતું ન હતું. તેમણે રેતાને લખાણ વિશે પૂછ્યું એટલે રેતાએ તરત જ ખુલાસો કર્યો:"ગુરૂજી, એ મારા પતિ 'વિરેન' નું નામ છે."
"અચ્છા.." કહી એ કંઇક વિચારવા લાગ્યા. અને સહેજ ગંભીર થઇને બોલ્યા:"વિરેનની રાશિના ગ્રહો અત્યારે સારા નથી. તેના જીવન પર ખતરો મંડરાયેલો છે. આપણે એને બચાવવા ઝડપથી કંઇક કરવું પડશે..."
ગુરૂ દીનાનાથની વાત સાંભળી બધા કરતાં રેતાના દિલની ધડકન ડરથી વધી ગઇ:"ગુરૂજી, તમે શક્તિશાળી છો. વિરેનને બચાવવા કોઇ ઉપાય કરો..."
"રેતા, તું નિરાશ કે હતાશ ના થઇશ. ગુરૂજીએ આવા કંઇ કેટલાયે ભૂત અને પ્રેતને સબક શીખવ્યો છે. અમે સાથે મળીને એના પર હુમલો કરીને વિરેનને જરૂર છોડાવીશું..." ચિલ્વા ભગત આશ્વાસન આપતાં બોલ્યા.
ત્યાં જાગતીબેન કહે:"તમે જયનાને નુકસાન પહોંચાડો એમાં મારી સ્વાલાને કંઇ નહીં થાય ને?"
"બેન, આ વાત અમારી કસોટી કરી રહી છે. જયનાના પ્રેતને એવી રીતે ભગાવવાનું છે કે સ્વાલાના શરીરને કોઇ હાનિ ના પહોંચે..." ચિલ્વા ભગત ચિંતા વ્યક્ત કરતા બોલ્યા.
થોડીવાર સુધી ગુરૂ દીનાનાથ અને ચિલ્વા ભગત વચ્ચે ચર્ચા ચાલી. બંનેએ એકબીજા સાથે સંસ્કૃત શ્લોક પણ કહ્યા અને કોઇ મંત્ર ભણીને આગળનું આયોજન નક્કી કર્યું.
"જુઓ, હું અને ગુરૂજી જયનાના મકાન પાસે જઇએ છીએ. શક્ય બને તો એમને કોઇ નુકસાન ના થાય એ રીતથી અમારા કબ્જામાં લઇશું..." કહી ચિલ્વા ભગતે જવાની તૈયારી કરી.
ગુરૂ દીનાનાથ અને ચિલ્વા ભગત પોતાના થેલામાં જરૂરી સામગ્રી ચકાસીને મંત્રોચ્ચાર કરતા જયનાના મકાન તરફ જવા રવાના થયા. રેતા અને રિલોક ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા.
જયનાના મકાનની નજીક જઇને ગુરૂ દીનાનાથે મંત્ર ભણીને એક તેજપૂંજ જેવું મકાન પર રવાના કર્યું. એ તેજ વર્તુળ મકાનની નજીક ગયું અને ચારે તરફ ફેલાઇ ગયું.
"ચિલ્વા, જયનાનું પ્રેત હવે બહાર નીકળી શકશે નહીં. ચાલ આપણે અંદર જઇએ અને તેને વશમાં કરી લઇએ..."
"ગુરૂજી, જયનાનું પ્રેત બહુ ચાલાક છે. એણે કેટલીક વિશેષ શક્તિઓ મેળવેલી લાગે છે. જલદી પકડમાં આવી રહ્યું નથી. એણે રેતાના પતિને કેમ પકડ્યો છે એંનો ખ્યાલ આવતો નથી. અને રેતાના પતિએ એની ચુંગાલમાંથી છૂટવાના પ્રયત્ન કેમ કર્યા નથી એ સમજાતું નથી...." ચિલ્વા ભગતે પોતાના વિચાર વ્યક્ત કર્યા.
"ચિલ્વા, રેતાના પતિને જયનાએ મોહજાળમાં ફસાવીને રાખ્યો હશે. અપ્સરાઓને જોઇને મુનિઓ પણ ચલિત થાય છે. જયનાએ કોઇ મોટી રમત રમી છે. પણ હવે એની ખેર નથી..." બોલતા ગુરૂ દીનાનાથ મકાન તરફ આગળ વધ્યા. ચિલ્વા ભગત આમતેમ નજર નાખતા એમની પાછળ ચાલ્યા.
મકાનના દરવાજા પાસે જઇને ગુરૂ દીનાનાથ બોલ્યા:"પ્રેત-બલા જે હોય એ ત્યાં જ રહેજે. તારો કાળ આવી ગયો છે. તારે બચવું હોય તો મારી શરણમાં આવી જા...."
ગુરૂ દીનાનાથના અવાજનો અંદરથી કોઇ પ્રતિસાદ ના આવ્યો.
ચિલ્વા ભગતે પણ કહ્યું:" ગુરૂ દીનાનાથ આવ્યા છે. તેમની સામે તારું કંઇ ચાલવાનું નથી...બહાર નીકળ..."
કોઇ પ્રતિસાદ ના મળ્યો એટલે ગુરૂ દીનાનાથે દરવાજાને ધક્કો મારીને ખોલ્યો.
બંનેએ જોયું તો અંદર કોઇ દેખાતું ન હતું. ગુરૂ દીનાનાથ તેજ વર્તુળને આગળ રાખી ચાલવા લાગ્યા. ક્યાંય કોઇ દેખાયું નહીં. "ચિલ્વા એ છટકી ગઇ છે...તારી વાત સાચી છે. એ બહુ ચાલાક છે..."
"હવે શું કરીશું ગુરૂજી?" ચિલ્વાએ પૂછ્યું.
"સ્વાલાની જિંદગીને ખતરામાં મૂકવી પડશે. કોઇ એકને બચાવી શકાય એમ બની શકે..." ગુરૂ દીનાનાથ માટે વિકટ સમસ્યા ઊભી થઇ હતી.
"ગુરૂજી, આ તો મોટું ધર્મસંકટ કહેવાય. પહેલી વાત એ છે કે જયનાના પ્રેતને હવે પકડીશું કઇ રીતે? એ વિરેનને લઇને ક્યાં ભાગી ગયું હશે?" ચિલ્વાને થયું કે બધાની આશા કેવી રીતે પૂરી કરીશું.
"શશશ.....પેલી કબૂતરની જોડી દેખાય છે?" ગુરૂ દીનાનાથ ઇશારો કરીને ધીમેથી બોલ્યા.
"હા, પણ એનું શું કરીશું?" પૂછીને ચિલ્વાને થયું કે એ જયના અને વિરેન તો નહીં હોય ને?
***
ગુરુ દીનાનાથ અને ચિલ્વા ભગત ગયા પછી રેતા, રિલોક, જામગીર, જશવંતભાઇ અને જાગતીબેન બેઠા હતા. અચાનક જાગતીબેન રડવા લાગ્યા. રેતાએ એમને આશ્વાસન આપતાં કહ્યું:"માસી, તમે ચિંતા ના કરશો. હવે ગુરૂ દીનાનાથ આવી ગયા છે. ચિલ્વા ભગત પણ આવા અનેક ભૂત-પ્રેતને જવાબ આપી ચૂક્યા હોવાનું કહે છે. ગુરૂ દીનાનાથના આગમન પછી એમને વધારે શક્તિ મળી છે. એ મારા પતિ સાથે તમારી દીકરીને પણ બચાવશે. તમારી દીકરી કેટલી સુંદર છે! હું પહેલી વખત એને મળી ત્યારે મારી દુશ્મન તરીકે એને જોઇ હતી. હવે એને હું મારી બહેન તરીકે માની રહી છું. એ જયનાના પ્રેત સાથે કેવી રીતે ફસાઇ ગઇ હશે?"
"હા બેટા, અમને એની ચિંતા થતી હતી. અમે એને શોધવા જ ગામેગામ ફરતા હતા. એની સલામતિ માટે અમે કેટલીય માનતા માની છે. અમે પ્રાર્થના કરતા હતા કે સ્વાલા જ્યાં હોય ત્યાં સલામત રહે. એને સલામત જોઇને આનંદ થયો પરંતુ આ રીતે કોઇ પ્રેતનો તેના પર કબ્જો હશે એવી સપનામાં પણ શંકા કે કલ્પના થઇ શકે એમ ન હતી. સારું થયું કે અમે અહીં આવ્યા અને એ જોવા મળી. જો અમે ના આવ્યા હોત તો તમે સ્વાલાને જ જયના સમજીને તેના પર હુમલો કરી દીધો હોત તો...? અમે યોગ્ય સમય પર આવી ગયા છે? ગુરૂ દીનાનાથ ખરેખર સ્વાલાને બચાવી શકશે?"
જાગતીબેનનું બોલવાનું પૂરું થાય ત્યાં મોટો અવાજ સંભળાયો.
"ના... ગુરૂ દીનાનાથ એને બચાવી શકે એમ નથી..."
અવાજ સાંભળીને બધા ચોંકી ગયા.
*
વધુ છત્રીસમા પ્રકરણમાં...