“માફ કરજો હું વગર આમંત્રણે તમારી મહેમાનગતી માણવા આવ્યો છું ”, ઘેરો ખરજ નો એ અવાજ બાજુના ખૂણાના ટેબલ ઉપર ચિકન સેન્ડવીચ ખાઈ રહેલા સરદારજીનો હતો. “શું તમને વાંધો ન હોય તો તમારી સાથે વાતચીતમાં જોડાઈ શકું?”
“જી બોલો?” એસીપીએ થોડા અણગમા સાથે કહ્યું.
સરદારજી એ એસીપીના આશ્ચર્ય અને અણગમાને આમંત્રણ માની લીધું અને બાજુમાંથી ત્રીજી ખુરશી ખેંચીને દયા અને એસીપીની વચ્ચે જ બેઠો. “હેમા એવું કરે નહિ. હેમા માલિની એ અંડા રોલ માં ઝેર નાખે એવી છે જ નહિ.અને એ પોતે પોતાના હાથે જ એ ખાસ વાનગી બનાવે છે. કાકે દા ઢાબા એ ઘરઘરાઉ જેમ જ ચાલતું એક નાનકડું રેસ્ટોરન્ટ છે. આર્થિક મુશ્કેલીને લીધે હેમા અને ધર્મેન્દ્રએ બીજો કોઈ કારીગર કામે રાખ્યો નથી. સસ્તા ભાવ અને ઉંચી ગુણવતા ને લીધે બંનેનું ગાડું સારું ગબડે છે. મને નથી લાગતું કે તેઓ પોતાના ઓર્ડરમાં ઝેર ભેળવે. આમ પણ તેઓનું પંજાબી ખરેખર સારું હોય છે.” આમ જણાવીને સરદારજીએ એ બન્ને સામે અધીરાઈપૂર્વક જોયું. જાણે કોળીયામાં કાંકરો ચવાઈ ગયો હોય એમ દયાએ મોઢું કટાણું કર્યું. પોતાના સ્વભાવ પ્રમાણે દયા ઉભો થઈને કંઈક પ્રતિક્રિયા કરે એ પહેલાં એસીપી પ્રદ્યુમને એને શાંત રહેવાનો ઈશારો કર્યો.
”કાકે કા ઢાબા ના માલિકો ને તમે ઓળખો છો?” દયાએ કડકાઈથી પૂછ્યું. “હા, બહુ સારી રીતે!” સરદારજીએ બેફકરાઈથી જવાબ આપ્યો. "એમની દાલમખની ખરેખર સારી હોય છે. હું શરત મારુ છું કે એમની દાલ મખની ખાવ અને તમને ફક્કડ લાગે તો મને ‘બુખારા’ માં દાલ બુખારા ખવડાવશો.”
દયાએ કંટાળાજનક નિઃસાસો નાખીને એસીપી સામે જોયું. “તું તેમને ખરેખર ઓળખે છે કે ખાલી એમનું ફૂડ જ તને ભાવે છે?”
“હમ્મ, સાવ એવું નથી કે મને તેઓનું બધું જ ભાવે છે. મને એ લોકોનું ચાઈનીઝ ભાવતું નથી. એ લોકો એમાં સસ્તી વસ્તુઓ વાપરે છે અને એ જ તો મૂળ મુદ્દો છે.”
“મૂળ મુદ્દો? કાંઈ સમજાયું નહીં”
“તમે ચર્ચા કરતા હતા કે હોટ એન્ડ સાવર સૂપમાં આખા મશરૂમ્સ હતા, નાની સાઈઝના. બાળકના નાજુક કાન જેવા?
“હા, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તો બાઉલમાં ન ખાધેલ મશરૂમ્સ આખા જ હતા”
“તો પછી એ ‘કાકે દા ઢાબા માં થી ન આવ્યા હોય.”
“તમામ ખાણાં નો ઓર્ડર ‘કાકે દા ઢાબા એ જ સપ્લાય કરેલો.” દયાએ કહ્યું. “રૂમમાં ફક્ત એના જ પેકીંગ્સ હતા. અમે જાતે ચેક કર્યું હતું.”
સરદારજીએ મક્કમતાથી નકારમાં ડોકું ધુણાવ્યું અને કહ્યું, “કાકે દા ઢાબા ના સૂપમાં મશરૂમ્સ ના સાવ ઝીણા ઝીણા ટુકડા જ નખાય છે અને તે પણ સાવ ઓછી માત્રામાં. એ થોડું સસ્તું પણ પડે છે એમને. ઢાબા ની આજુબાજુ ખાલી એક જ જગ્યા છે જેમાં આખા મશરૂમ્સ નખાય છે અને એ છે ‘લિટ્ટલ ચાઈના’. બહુ જ સરસ વાનગીઓ બનાવે છે અને સૂપમાં એ લોકો જે ખાસ સોસ……. ”
એસીપીએ સૂચક રીતે દયા સામે જોયું. દયા કોઈ ઊંડા વિચારમાં પડી ગયેલ જણાયો. પ્રદ્યુમ્નને લાગ્યું કે દયાને કૈક સમજાઈ રહ્યું છે.
“તો શું શકમંદ સૂપનુ બીજું સ્પેશ્યલ પાર્સલ લઈને આવેલો? એસીપીએ દ્વઢ શંકા વ્યક્ત કરી. ”અને બધું પત્યા પછી ઝેર વાળું પાર્સલ પોતાની સાથે સરકાવી ગયો!!”
“હવે તમે સમજ્યા સાહેબ.” સરદારજી એ ખુરશી પરથી ઉભા થતા કહ્યું. “બસ હવે એક જ કામ કરો સાહેબ, અનિલકપુર નો ફોટો લઈને “લિટ્ટલ ચાઈના” પોહચી જાવ. હું શરત મારવા તૈયાર છું કે કેશ કાઉન્ટર ઉપર કામ કરતી બો નામની છોકરી હોંશિયાર એને ઓળખી જ જશે."
"અનિલ?? તને કેમ ખબર?"
સરદારજી એ આંખ મિચકારી. "દેખીતું જ છે ને સાહેબ! કોઈ બીજું પણ 'કાકે દા ઢાબા' માં જઈ શક્યું હોત. હવે અનિલ જો બીજી વાર ત્યાં જાય તો તો તરત જ ઓળખાઈ જાય માટે તેણે બીજી કોઈ રેસ્ટોરન્ટ માં જ જવું રહ્યું." સરદારજી આજુબાજુ જોઈને ઊંડો શ્વાસ લેતાં ધીમા અવાજે કહ્યું, "તમને કદાચ લાગતું હશે કે હું જ્યાં ત્યાં નાક ઘુસાડું છું….હા વાત સાચી પણ શકમંદ ને સ્વાદની સમજ નથી એટલું તો ખરું.એણે એ 'કાકે દા ઢાબા' નો બકવાસ સૂપ ખાધો પણ ખરા જેથી કરીને કોઈને શંકા ન જાય અને એમ ઠેરવી શકાય કે શ્રીદેવીએ થોડો તો થોડો સૂપ ખાધો તો ખરા. અને એને ઓલા "લીટલ ચાઇના" વાળો આખા કાન જેવા મશરૂમસ વાળો સુપવ એમને એમ રાખી દીધો?!! ભારે નવાઈ. એના જેવી ટેસ્ટી તો કોઈ વસ્તુ નથી. મને એટલે જ શંકા ગઈ અને હું તમને મળવા આવ્યો!!" પોતાના ટેબલ ઉપર પાછા ફરતા એક કોલ સ્લો સેન્ડવીચ નો ઓર્ડર આપતાં સરદારજીએ કહ્યું, "કોઈ પોતાના માટે ફણસી વાળી વેજ હાંડી તો મંગાવતું હશે ક્યારેય!! હેમા સાવ બકવાસ બનાવે છે."
દિગ્મૂઢ થઈને એસીપી અને દયા બાઘા ની જેમ એકબીજા સામે જોઈ રહ્યા.
એસીપીએ પૂછ્યું, "તને લાગે છે કે સરદારજી ની વાતમાં દમ છે?"
"હોઈ શકે. અને આમ પણ અનિલ મારા લિસ્ટમાં ટોપ ઉપર છે." દયા સંશયપૂર્વક બોલ્યો.
"ચોક્કસપણે જેને ફણસી વાળી વેજ હાંડી ભાવતી હોય એમાં કોઈક ડખો તો હોય જ" એસીપીએ ખંધુ હસીને દયા ને ટોણો માર્યો. "મેં તને પણ ઘણી વાર શાકની થેલીમાં ફણસી લઈને ઘેરે જતો જોયો છે."
"સાહેબ, ફણસી નો વાંક ન કાઢો એમ તો તમનેય ક્યાં દાલમખની ભાવે છે! હાલો હવે જરા બાકીનું સાચું જાસૂસીનું કામ કરીએ". (સંપૂર્ણ)