Ascent Descent - 69 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 69

Featured Books
Categories
Share

આરોહ અવરોહ - 69

પ્રકરણ - ૬૯

કર્તવ્ય આધ્યાને મનાવવા એની મન: સ્થિતિ સમજવા એની પાસે બાજુનાં રૂમમાં જઈ રહ્યો છે ત્યાં એને ઉત્સવ મળ્યો. ઉત્સવ બોલ્યો, " ભાઈ આટલી બધીવાર? અને આધ્યાને શું થયું? એની આંખો સૂઝેલી હતી. કંઈ થયું તમારી વચ્ચે? મેં એને પૂછ્યું કંઈ બોલી નહીં. પણ કંઈ ગંભીર વાત લાગે છે. મને થયું કદાચ એ મારી હાજરીમાં સોનાને પણ કંઈ નહીં કહે એટલે હું બહાર આવી ગયો."

કર્તવ્ય : " હમમમ... થયું તો છે પણ પહેલાં હું એને મળીને તારી સાથે વાત કરું."

ઉત્સવની એ રૂમ તરફ નજર ગઈ તો એણે રૂમમાં અંદર બેઠેલા મિસ્ટર આર્યનને જોયાં તો એ ચોકી ગયો કે આ વ્યક્તિ અહીં? કંઈ તો છે પણ કર્તવ્ય એ હજુ મને કંઈ કહ્યું નથી. પણ ભગવાન જે પણ હોય એ હવે કંઈ સારું કરજે....

 

કર્તવ્ય આધ્યા પાસે પહોંચ્યો, " આધ્યા રૂમમાં રડી રહેલી દેખાઈ. સોના એને રડવાનું કારણ પૂછી રહી છે."

 

કર્તવ્યના અંદર જતાં જ એ બોલી, " મલ્હાર આધ્યાની આવી સ્થિતિ કેમ છે? તે એને શું કહ્યું? કંઈ થયું તમારી વચ્ચે?"

 

" હું થોડીવાર એની સાથે વાત કરી શકું?"

 

"મલ્હાર પ્લીઝ અમારું સારું ન થાય તો કંઈ નહીં પણ હવે એને રડાવીશ નહીં...અમે અમારી રીતે જિદગી પસાર કરી દેશુ પણ હવે કોઈ ઉતાર ચડાવ નથી જોઈતાં જીવનમાં કારણ કે આ બધું શું બની રહ્યું છે અમારાં જીવનમાં એ જ સમજાતું નથી મને તો..." કહીને સોના બહાર નીકળી ગઈ.

 

કર્તવ્ય સીધો જ કોઈ આડીઅવળી વાત કરવાને બદલે બોલ્યો, " આધ્યા તારી મમ્મીને મળવા મારી સાથે આવીશ?"

 

આધ્યા જાણે એકદમ જ ભાનમાં આવી હોય એમ બોલી, " સાચે તને ખબર છે કે મમ્મી ક્યાં છે? મારે એને જોવી છે. એને મળવું છે પણ મિસ્ટર આર્યનને તો કંઈ ખબર જ નથી એનાં વિશે..."

 

"હા... પણ હવે શું થશે એ કહી નહીં શકું. પણ એ પહેલાં તારે એક વ્યક્તિને મળવા જવું પડશે. તને તારી મમ્મીનો ફોટો પણ બતાવીશ. તને કાલે સવારે જ તારી મમ્મી પાસે જવા લઈ જઈશું. પછી જે પણ નિર્ણય હશે એ તારો જ હશે. એમાં કોઈનો કોઈ જ ફોર્સ નહીં હોય."

 

"પણ મારા માટે કર્તવ્ય તું...?" બોલતા જ આધ્યા અટકી ગઈ.

 

કર્તવ્ય કદાચ આધ્યાની વાત સમજી ગયો પણ કંઈ બોલ્યો નહીં. "સવારે આપણે વહેલા જઈશું... ધ્યાન રાખજે. બાજુનાં રૂમમાં જ છું. કંઈ કામ હોય તો કહેજે." કહીને કર્તવ્ય રૂમમાંથી નીકળી ગયો...!

***********

મિસ્ટર આર્યને કર્તવ્ય અને આધ્યા એ લોકોને પોતાના બંગલા પર સૂવા આવવા માટે કહ્યું પણ કર્તવ્ય એ જ્યાં સુધી બધું સોલ્વ ન થાય ત્યાં સુધી ના કહી દીધી. એટલે મિસ્ટર આર્યન ત્યાંથી નીકળીને ઘરે ગયાં. કર્તવ્ય રૂમમાં એકલો પડતાં ઉત્સવ ત્યાં આવ્યો.

 

ઉત્સવે કહ્યું, "ભાઈ શું બની રહ્યું છે કંઈ સમજાતું નથી મને તો...અને મિસ્ટર આર્યન અહીં કેમ? એ જ આપણને અહીં લઈને આવ્યા...અંદર કોણ હતા ત્યાં આધ્યા અને સોનાને કિડનેપ કરનાર? મને તું કંઈ સમજ પાડ હવે." કહીને ઉત્સવ કર્તવ્યની સામે બેસી ગયો.

 

"હું તને હવે બધી જ સત્ય હકીકત કહું છું. કારણ કે હવે આધ્યા સામે બધી જ હકીકત આવી ગઈ છે." કહીને કર્તવ્ય એ ઉત્સવને બધી જ વાત કરી.

 

ઉત્સવ તો જોતો જ રહી ગયો. એ બોલ્યો, " મતલબ આધ્યા મિસ્ટર આર્યનની દીકરી છે પણ એનું નસીબ તો જુઓ...ખરેખર નસીબ સામે કોઈનું ચાલતું નથી. પણ મોડેમોડે એને એનો પરિવાર મળી ગયો." એ થોડીવાર ચૂપ રહ્યો પછી બોલ્યો, " મતલબ, આધ્યા હવે એનાં પિતા સાથે એમનાં ઘરે રહેવા જતી રહેશે તો ભાઈ સોના..."

 

કર્તવ્ય ઉત્સવની સામે જોઈને બોલ્યો, " તને સોના ગમે છે ને?"

 

ઉત્સવે હકારમાં માથું ધુણાવતા કહ્યું, " હા પણ મને લાગે છે કે એના માટે મમ્મી ક્યારેય હા નહીં પાડે...આધ્યાની પાસે તો હવે એની ઓળખ છે પણ સોના પાસે નહીં...એને એનો પરિવાર કોણ છે ક્યાં છે કંઈ જ ખબર નથી કારણ કે એને જે હોસ્ટેલમાંથી લાવવામાં આવી હતી એ બહું નાની હતી એને એવું કંઈ બહું યાદ પણ નથી. મમ્મી અંતરાને પણ ઘરમાં લાવવા તૈયાર નથી તો શું સોનાને વહુ તરીકે સ્વીકારવા ક્યારેય તૈયાર થશે ખરી? તું તો આધ્યા સાથે..."

 

"તું વિચારે છે એવું નથી મને આધ્યા માટે લાગણી છે. એ મને ગમે છે. પણ હવે હું એને કંઈ નહીં કહી શકું. એને ખબર નહોતી પણ મને તો ખબર જ હતી કે એ મિસ્ટર આર્યનની દીકરી છે. જો હું કહીશ તો મતલબ સીધો જ થશે કે મેં એમની પ્રોપર્ટી માટે આ બધું કર્યું છે. મને ભલે એ અબજોપતિ રહ્યાં પણ હું એમની સંપતિ પ્રત્યે ક્યારેય આકર્ષિત થયો નથી. મને ખબર છે કે કદાચ આધ્યા મને પસંદ કરે છે પણ.... હું એને ક્યારેય સામેથી કંઈ નહીં કહું...એટલે જ આજ સુધી મેં એને મારાથી એવી રીતે મારાથી નજીક નથી આવવા દીધી."

 

ઉત્સવ : " મતલબ તું એને પ્રેમ નથી કરતો? ફક્ત એને એનાં પિતા સાથે મળાવવા માટેનું ફક્ત લાગણીનું નાટક હતું?

 

ઉત્સવનું આ વાક્ય જાણે કર્તવ્યને હ્રદય સોંસરવું ઉતરી ગયું. પણ એણે કંઈ વધારે કહ્યું નહીં. એ બોલ્યો, " ખબર નથી. ચાલ અત્યારે સૂઈ જઈએ."

 

"ભાઈ તમારાં મોઢે આ જવાબની મને અપેક્ષા નહોતી. તમે પપ્પાને તમારો આદર્શ માનતા હતાં ક્યાંક તમે પણ એમના જેમ જ...ક્યાંક તમે પણ ભલે દુનિયાની સામે સારું બનવાનું કહો છો પણ ક્યાંક આખરે તો આધ્યા કોલગર્લ જ હોવાથી તમે પણ એને અપનાવી શકતા નથી કે શું?"

 

કર્તવ્ય ફક્ત ચૂપ રહ્યો. એ કંઈ જ બોલ્યો નહીં. બેડ પર આડો પડી ગયો. ઉત્સવને કર્તવ્યની ચૂપકીદી સમજાઈ નહીં. એ પડખાં ફેરવતો સૂઈ ગયો...!

************

 

લગભગ રાતનાં બે વાગ્યાના સમયે આધ્યા રૂમની બહાર આવી. એને ઉઘ નહોતી આવતી. એ સાઈડમાં રહેલી બાલ્કનીમાં ઉભી રહી. એને થયું કે કર્તવ્યને બોલાવે.... એની સાથે પ્રેમભરી મીઠી વાત કરે...પણ પછી આજે છેલ્લી વારના કર્તવ્યના વર્તન પરથી એ પણ થોડી હચમચી ગઈ. એને એવું જ લાગવા માંડ્યું કે કદાચ કર્તવ્ય એ મલ્હાર બનીને ફક્ત એણે એને પિતા સાથે મળાવવા માટે આ કર્યું છે કદાચ એ માટે મારો વિશ્વાસ જીતવા જ ફક્ત એણે મારી ઉપર લાગણી વરસાવી હશે.

કદાચ અમીર પરિવારનો આટલો હોનહાર દીકરો જેના માટે કેટલી અમીર પરિવારની સુંદર દીકરીઓની લાઈન હશે એમાં હું એક તણખલું કહેવાવુ. બસ મારે કોઈ પણ રીતે કર્તવ્યને ભુલી જવો પડશે... વિચારતી એ ફરી અંદર રૂમમાં સૂવા જવા લાગી ત્યાં જ પાછળથી કોઈએ એનાં ખભા પર હાથ મૂક્યો. આધ્યા ગભરાઈ ગઈ. એણે જોયું તો પાછળ કર્તવ્ય ઉભેલો દેખાયો. એ બોલ્યો, " શું થયું આધ્યા? કંઈ પ્રોબ્લેમ છે? ક્યાંક તને તારા પરિવાર સાથે મેળવીને મેં તને દુઃખી તો નથી કરી ને?"

આધ્યા : " એવું તો કંઈ નથી પણ ખબર નહીં ક્યારેક એમ થાય છે કે શકીરા સાથે કામ કરીને લાગણીઓ પર એક શુષ્કતાનુ આવરણ લદાઈ ગયું હતું. કોઈ જીવનમાં આવે જાય કોઈ ફરક જ નહોતો પડતો. પણ હવે કોઈનાં એક એક વાક્યની દિવસ પર સીધી અસર થઈ જાય છે. ફરી એકવાર એવું બનવાની કોશિશ કરી રહી છું....પણ જાણે એવું બની જ શકાતું નથી...! પ્લીઝ કર્તવ્ય હું કોઈ પણ વધારે હવે ઝાટકો સહન કરી શકું એમ નથી." કહેતાં એ રડી પડી.

 

કર્તવ્ય કંઈ જ બોલ્યો નહીં. એની આંખો પણ કદાચ કહી રહી છે. એનું મન મક્કમ હોય એવું લાગી રહ્યું છે. આધ્યાની આખો કદાચ કર્તવ્ય હજુ પણ કંઈ કહેશે એ આશાએ જોઈ રહી. એ બોલ્યો, " આધ્યા હવે સૂઈ જા. સવારે છ વાગે નીકળીશું. બહું વધારે કંઈ વિચારીશ નહીં." કહીને કર્તવ્ય જતો રહ્યો...આધ્યા પણ પાછળ જ રૂમમાં જતી રહી...!

 

સવારે ઉઠતાં જ આધ્યા સાડાપાંચ વાગ્યે તૈયાર થઈને બહાર આવી ગઈ. એણે સોનાને થોડીક વાત કરી દીધી. આ બાજુ કર્તવ્ય એ સોનાની જવાબદારી ઉત્સવને સોંપી દીધી. નવાઈની વાત એ છે કે મિસ્ટર આર્યન સમય સાથે આવી ગયાં છે. સાથે જ એમની પત્ની પાયલ પણ છે. એમણે કર્તવ્ય અને આધ્યાની ગાડીમાં બેસાડી દીધા. આધ્યા અને પાયલની આખો જાણે એકબીજા સાથે કંઈ વાત કરવા મથામણ કરતી રહી જ્યારે મિસ્ટર આર્યનની નજર શ્વેતાને મળવા માટે લાંબી મંઝિલ કાપવા માટે ફરી એકવાર નવયુવાનની જેમ રાહ જોવા લાગી...!

 

શું શ્વેતા અને આધ્યાનું સુખદ મિલન શક્ય બનશે? કર્તવ્યની ચુપકીદી શું બતાવી રહી છે? આધ્યા માટેની લાગણીઓનો ધોધ અચાનક કેમ અટકી ગયો? શ્વેતા મિસ્ટર આર્યનને માફ કરી શકશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૭૦