Ascent Descent - 65 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 65

Featured Books
Categories
Share

આરોહ અવરોહ - 65

પ્રકરણ - ૬૫

મિસ્ટર આર્યને આધ્યા સાથે વાત આગળ વધારતાં કહ્યું," બેટા, એકવાર તો તારાં વિશે વિચારીને શ્વેતાને મળ્યાં વિના ત્યાંથી નીકળી જવાનું વિચાર્યું પણ પછી મેં ફરીવાર એક ભૂલ નથી કરવી વિચારીને જે થશે એ જોયું જશે એમ વિચારીને અંદર જવા માટે મન મક્કમ કર્યું.

પહેલાં તો કોઈ છોકરી હતી એણે ના કહી કે એની એપોઈન્ટમેન્ટ બુક છે. પણ એટલામાં કોઈ મોટી મેડમ આવી મેં એને વાત કરી એ પરથી કદાચ મને લાગ્યું ત્યાં સુધી એ કદાચ મને ઓળખી ગઈ હતી કે હું એ જ આર્યન ચક્રવર્તી છું જે હંમેશા બિઝનેસ વર્લ્ડમાં અવ્વલ નંબરે રહ્યો છું એ કેવી રીતે ઓળખતી હતી એ મને નહોતી ખબર પણ એ વખતે ફક્ત મારાં મનમાં શ્વેતાને મળવાની લગની હતી એટલે મેં કંઈ વધારે પૂછપરછ કરી નહીં. પણ એને મને જોતાં જ એ છોકરીને દૂર મોકલી દીધી પછી કહ્યું, " બોલિયે સાહબ...આપકો આધ્યા ચાહિયે ના? મિલ જાયેગી...બસ થોડા ચાર્જ જ્યાદા હે..."

મેં પણ પૈસાની ચિંતા કર્યા વિના શ્વેતાને મળવા મળશે એ જ વિચારે બમણાં પૈસા આપી દીધાં અને એણે મને તરત જ અંદર મોકલી દીધો.... પણ અંદર આવતા જ મારાં મનમાં આખું યુદ્ધ ખેલાઈ ગયું અને હું સોપો પડી ગયો...!

મેં તને દૂરથી જોઈ વર્ષો બાદ અદ્દલ શ્વેતા જ લાગી. હું શ્વેતા સમજીને તારી એકદમ નજીક આવી ગયો. પણ એ સમયે તને યાદ હશે એમ મને ચહેરા પરથી નજીક આવતાં ખબર પડી કે આ શ્વેતા નથી પણ અદ્દલ શ્વેતાની કોપી લાગી. એ વિચારીને મારાં મનમાં એક દ્વંદ્ધયુદ્ધ ખેલાયું. પછી એકાએક ચમકારો થયો કે કદાચ આ મારી દીકરી તો નહીં હોય ને?

તારાં ગાલ પર જે તલ છે એવો જ મારી દીકરીમાં એ જ જગ્યાએ હતો. ગાલમાં પડતાં ખંજન એકદમ શ્વેતા જેવા જ લાગ્યાં. મેં તને છ મહિના રાખી હતી એ પરથી મને ખબર હતી કે તને એક લાખુ છે.... બસ મારે યુવાન દીકરીને આવી રીતે ન જોવું જોઈએ પણ ખાતરી ખાતર તને ખબર છે એ મુજબ મેં જોઈ લીધું. ને મને પાક્કો વિશ્વાસ થઈ ગયો કે આ બીજું કોઈ નહીં પણ મારી અને શ્વેતાની દીકરી જ છે. પણ મને તારી આ સ્થિતિથી બહું દુઃખ થયું. એક પિતા તરીકે બહું લાચારી અનુભવી રહ્યો કે આટ આટલી જાહોજલાલી છતાં મારી દીકરીને આવું કામ કરવું પડી રહ્યું છે. મેં હાથે કરીને એને આ નરકમાં ધકેલી દીધી.

 

હું ધારત તો તને કહી શકત એ વખતે પણ એ સમયે કદાચ કહું તો બધી બાજી બગડી જાય અને એ સમયે સ્વાભાવિક રીતે તું વિશ્વાસ ન કરી શકે. બહું જ દુઃખી બનીને તને કંઈ કોઈ બોલે નહીં, એ તારી આજીજી પરથી ખબર પડતાં હું દોઢ કલાક ત્યાં એમ જ બેસી રહ્યો જેથી કોઈને શક ન થાય...!

 

ત્યાંથી નીકળીને હું ઘરે ન જઈ શક્યો. હું બહું જ બેચેન બની ગયો. કઈ રીતે તને આ નરક જેવી દુનિયામાંથી બહાર નીકાળવી મને મારી જાત પર ધિક્કાર થવા લાગ્યો. એ રાત્રે હું સીધો ક્લબ હાઉસમાં ગયો. જ્યાં મોટાં મોટાં લોકો ફોરેન બિઝનેસ મિટીંગ માટે કે પછી પર્સનલ મિટીંગ માટે કે પછી કદાચ માનસિક શાંતિ માટે પણ આવતા હોય. હું ત્યાં પહોંચ્યો. રાતના સાડા બાર વાગી ગયાં હતાં. ત્યાં બહું ઓછા લોકો હતાં. થોડીવાર એકલો બેસી રહ્યો. મારું મગજ ચકરાવે ચડ્યું હતું મારે પોક મૂકીને રડવું હતું પણ રડી પણ નહોતો શકતો...એ સમયે મેં નક્કી કર્યું કે કોઈ પણ રીતે મારે તને એ જગ્યાએથી બહાર કાઢવા અને તને તારી ઓળખ આપવી છે. પણ એ સાથે જ એક નિર્ણય પણ કર્યો કે હું તને એકલીને નહીં પણ આ દુનિયાની દરેક સ્ત્રીને હું આ પ્રકારની બધી જ લાચારીમાથી ઉગારુ. પછી ત્યાં હું એ દિવસે વર્ષોબાદ મારાં મનને શાંત પાડવા ઘણું બધું ડ્રિંક કરીને ત્યાં સોફા પર જ લંબાઈ ગયો...! "

 

"એક વાત પૂછી શકું ? "આધ્યા બહું ભારે હૈયે બોલી.

 

" હા બોલને!"

 

"તમને એવો વિચાર ન આવ્યો કે મને મળ્યાં પછી કે કદાચ મારી મમ્મીએ બીજાં કોઈ સાથે લગ્ન કર્યાં હોય અને હું એની બીજી દીકરી હોવ? એનાં જેવી દેખાતી હોઉં?"

 

"હોઈ શકે. અમે એની શંકાનું પણ નિવારણ કરી દીધું ડીએનએ ટેસ્ટ કરીને તારો અને મારો..."

 

" એવું કેવી રીતે શક્ય છે? મને તો કંઈ જ ખબર નથી."

 

"એવું કરી ન શકાય પણ કરવું પડ્યું એ માટે ફરી એકવાર માફ કરી દે." મલ્હાર શાંતિથી બોલ્યો.

 

" મને કંઈ જ સમજાતું નથી કે ખરેખર શું બની ગયું છે મારી સાથે? "

 

એકીશ્વાસે આટલું બોલવાને કારણે મિસ્ટર આર્યનને જાણે શ્વાસ ચડી ગયો એટલે મલ્હારે એમને પાણી આપ્યું. હવે કદાચ આધ્યાને ઘણું બધું ખબર પડી ગઈ છે પણ હજુ ઘણું બધું બાકી છે. એણે થોડીવાર પછી પૂછ્યું, " પણ મલ્હાર આ બધું કેવી રીતે જાણે છે? મતલબ એ તમારો કોઈ ઓળખીતો છે? કારણ કે હજુ સુધી મને એમ હતું કે મલ્હાર એક સત્ય છે પણ થોડાં સમય પહેલાં જે મેં વાતચીત સાંભળી એ પરથી ખબર પડી કે મલ્હાર સત્ય નથી એ  કદાચ કોઈ મહોરું છે.

 

મલ્હાર બોલ્યો, "આધ્યા હું કોઈનું મહોરું નથી, અને ભવિષ્યમાં પણ ક્યારેય બનીશ નહીં. પણ આ તો એક મેં આપ મને સ્વીકારેલી ઓળખ છે."

 

" કદાચ મલ્હાર ન હોત તો આજે હું તને મારી સામે આ રીતે ન મેળવી શક્યો હોત! કારણ કે મારી પાસે સંપતિ અઢળક છે, કહ્યાગરા માણસો પણ જોઈએ એટલાં છે પણ કદાચ મલ્હાર જેવો પ્રેમાળ, દીર્ઘદ્રષ્ટા અને કોઈને પણ પોતાના બનાવી દેવાની આવડત ધરાવનાર એક પોતીકો ન હોવા છતાં પોતીકો બનનાર માણસ કોઈ ન નથી." મિસ્ટર આર્યન દિલથી મલ્હારનો આભાર માનતા બોલ્યાં.

 

મલ્હાર બોલ્યો, " આધ્યા ચાલ હવે તને તારાં પિતાને તારી ખબર પડ્યાં પછીની સફરની વાત હું કરીશ જેનો સાક્ષી જાણે અજાણે હું બની ગયો છું." કહીને મલ્હારે વાત શરું કરી.

 

"આઠ મહિના પહેલાં એ રાત્રે તને મળીને આવ્યાં બાદ મિસ્ટર આર્યન જે ક્લબ હાઉસમાં હતાં એ જગ્યાએ મારી એક ફોરેન કંપની સાથે બિઝનેસ મિટીંગ હતી. એ સમયે મિટીંગ પૂરી થતાં લગભગ સાડા બાર ઉપર થઈ ગયાં. બીજા ત્રણ જણા મારી સાથે હતાં એ લોકો ફટાફટ નીકળી ગયાં. એ કલ્બ હાઉસમાં થોડો ઘણો સ્ટાફ સિવાય લગભગ કોઈ દેખાતું નહોતું. એ જ સમયે બહાર નીકળતો હતો કે મને યાદ આવ્યું કે મારી એક ફાઈલ અંદર રહી ગઈ છે એટલે હું પાછો અંદર ગયો. ત્યાં જ મને એ શાંત વાતાવરણમાં કોઈનાં બબડવાનો અવાજ આવ્યો, " મેં કેમ આવી ભૂલ કરી? મારે મારી દીકરીને પાછી આ દુનિયામાં લાવવી છે. એને મુક્તિ અપાવવી છે...ભગવાન તું જ મને મદદ કરી શકીશ... આ લાચાર બાપને..." આવાં અજીબ પ્રકારનાં વાક્યો સાંભળીને મારાં પગ થંભી ગયાં. શાંત વાતાવરણમા એ અવાજ સ્પષ્ટ રીતે ચોમેર વેરાઈ રહ્યો હતો. હું અવાજની દિશામાં પહોંચ્યો તો મિસ્ટર આર્યન સોફાની બાજુમાં નીચે બેસીને બોલતાં દેખાયાં.

 

પહેલાં તો મેં એમને ઓળખ્યાં નહીં કારણ કે એ વખતે એ જીન્સ ટી શર્ટમા હતાં. મને થયું કોઈએ વધારે પી લીધું લાગે એટલે આવો બકવાસ કરી રહ્યા છે. પણ થોડું વધારે વ્યવસ્થિત જોતાં મને ખબર પડી કે એ રડી પણ રહ્યાં છે. હું એમની નજીક ગયો. ન્યુઝ કે ટીવીમાં જ ચમકતાં જોયેલો વ્યક્તિ અહીં હોય એવી કલ્પના પણ ન થઈ શકે. છતાં મને લાગ્યું કે આમને ક્યાંક સારી જગ્યાએ જોયેલાં હોય એવું કેમ લાગે છે?..

 

મેં એમને બેઠા કર્યાં. પછી એમને ત્યાંથી લઈને લીબું શરબત પીવડાવ્યું. મેં સ્ટાફને પૂછ્યું કે એ લોકોને આ વ્યક્તિનો અવાજ સંભળાયો નહીં હોય? કોઈ કેમ બહાર આવ્યું નહીં?

 

એ લોકોએ કહ્યું કે સાહેબ તમે આમને ઓળખતાં નથી? એમની તકલીફ તો હમણાં મિડીયા વાળા આવશે એટલે ખબર પડી જ જશે.... અમારે તો શું સવાર સુધી રહેશે એટલે સવારે ભાનમાં આવતા આખી રાતનાં પૈસા તો મળશે જ.

 

મેં એમને પૂછ્યું તો ખબર પડી કે આ તો પ્રતિષ્ઠિત બિઝનેસમેન આર્યન ચકવર્તી છે. મેં ત્યાં પહોંચીને બરાબર જોયું તો ખબર પડી કે આ તો એ જ છે. પણ મને એ સમયે એ બહુ તકલીફમાં અને મનથી તૂટી ગયાં હોય એવું લાગ્યું. મને થયું કે કોઈની આવી સ્થિતિમાં મિડિયા આવે તો એ વધારે તકલીફમાં મૂકાઈ જશે. એટલે મેં ફટાફટ સ્ટાફને મિડીયાને ના પાડવાની વાત કરી તો એણે સ્પષ્ટ કહી દીધું કે સાહેબ એ તો હવે શક્ય જ નથી આવો મોકો કોણ જવા દે? ને એની વાત સાંભળીને હું અવાક બની ગયો...!

 

મલ્હારે મિસ્ટર આર્યન માટે શું કર્યું હશે? કર્તવ્ય એ શું આ બધું મલ્હાર પાસે કરાવ્યું હશે? કર્તવ્ય અને મલ્હાર વચ્ચે શું સંબંધ હશે? આધ્યા એના પિતાને અપનાવશે ખરાં? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૬૬