પ્રકરણ - ૬૩
મલ્હારે એક રૂમમાં જતાં જ દરવાજો અંદરથી આડો કર્યો. એ સાથે જ મલ્હારે ધીમેથી આધ્યાની આખો ખોલી. પણ આખો ખોલતાં જ એને સામે કોઈ ઉભેલું દેખાયું. એ વ્યક્તિને જોતાં જ આધ્યા જાણે ગભરાઈને મલ્હારની એકદમ નજીક આવી ગઈ.
એ ગભરાઈને બોલી, " મલ્હાર આ વ્યક્તિ અહીં? આ તો ત્યાં... એ ફોટો..."
" તું ગભરાઈશ નહીં..એ તને એમની સાથે લઈ જશે."
"શું કહે છે મલ્હાર? પાગલ થઈ ગયો છે. ક્યાંક તે પણ મને પૈસા માટે?" આધ્યા રડમસ ચહેરે બોલી.
" ના હવે જરાપણ એવું નથી..."
" તો પછી...મને કહે જે પણ સચ્ચાઇ હોય તે...પણ હું આ વ્યક્તિ સાથે નહીં જાઉં."
સામે રહેલી વ્યક્તિ શાંતિથી સ્મિત સાથે બોલી, " દીકરી તું જરાય ગભરાઈશ નહી."
"હું અને દીકરી? કાશ! મારો કોઈ પરિવાર કે મારાં પણ માતા પિતા હોત!"
મલ્હાર એક ઝાટકે સીધો જ આધ્યાની અપેક્ષાની બહાર બોલ્યો, " આધ્યા આ તારા પિતા છે."
"શું? શું? આવું કેવી રીતે શક્ય છે? આ તું શું બોલી રહ્યો છે? આમ કોઈ આવીને મને કહે કે હું એમની દીકરી છું તો હું કેવી રીતે માની લઉં? તો આટલાં વર્ષ ક્યાં હતાં? મને આમ કારાવાસમાં સબડાવીને એક બદનામીના કલંક સાથે જીવાડીને હવે અચાનક દીકરી પ્રત્યે કેમ પણ પ્રેમ આવી ગયો?" કહેતાં બે મિનિટ તો આધ્યાને આખોમાં આસું સાથે તમ્મર આવી ગયાં. મલ્હારે એને પરાણે સંભાળી લીધી.
આધ્યા મલ્હાર સામે જોઈને બોલી, " હું કેવી રીતે માની શકું કે એ મારાં પિતા છે? આટલાં વર્ષો બાદ એમની દીકરી કેવી રીતે બની સમજાતું નથી. અને હવે આ દુનિયામાં કોઈ પુરુષ પર વિશ્વાસ હોય તો એકમાત્ર તું છે અને તું જ આ નાટકમાં ભાગીદાર છે?હવે વિશ્વાસ કોના પર કરવો મારે? "
" અંકલ તને બધું જ કહેશે આજે..." મલ્હાર શાંતિથી આધ્યાને સમજાવતા બોલ્યો.
"તો તું મારી પાસે આવ્યો એ બધું તારી યોજનાનો ભાગ હતું કે શું? તું આ વ્યક્તિનો માણસ તો નથી ને?" આધ્યાની આવો ધારદાર સવાલ સાંભળીને મલ્હાર સોપો પડી ગયો. પણ કદાચ બાજી સંભાળતા સામેવાળી વ્યક્તિ બોલી, " હું તને બધું જ કહું છું. એનો કોઈ જ વાક કે દોષ નથી." કહીને એ વ્યક્તિએ મલ્હાર અને આધ્યા બંનને ત્યાં બેડ પર શાંતિથી બેસાડીને એ સામે એક ખુરશી પર બેઠા. અને પોતાની વાત શરું કરી.
"હું આ મોહમયી નગરી મુબઈનો બેતાજ બાદશાહ કહેવાઉં છું... કરોડોની સંપતિનો માલિક છું....આ બધી જ મારી પ્રોપર્ટી છે... બસ પણ નથી કોઈ વારસ કે નથી કોઈ હવે એને ભોગવનાર...મારુ પોતાનું કોઈ જ નથી. બહારની દુનિયાનો એકદમ સુખી ગણાતો માણસ અંદરથી એકદમ વ્યથિત અને ખોખલો બની ગયો છે. એ જ છું હું એક તારો લાચાર પિતા... મિસ્ટર આર્યન ચક્રવર્તી!!! કદાચ કરેલા કર્મોનું જ ફળ ભોગવી રહ્યો છું એમાં કોઈનો કંઈ વાક નથી."
કદાચ આધ્યાને તો આર્યન ચક્રવર્તી એ નામ આટલું મોટું છે એ પણ ખબર નથી એટલે એને કંઈ એવી રૂપિયાની નવાઈ ન લાગી. આટલાં વર્ષો એ શકીરાની નજરકેદમાં રહીને ફક્ત એ એક નિસ્વાર્થ પ્રેમ માટે ફાફા મારી છે. એને જાણે પૈસાથી કોઈ એવો લગાવ જ નથી રહ્યો.
" આજથી ત્રેવીસ વર્ષ પહેલા હું અને તારી મમ્મી એટલે કે શ્વેતા મળેલાં. ભગવાનની કૃપાથી હું એક ગર્ભશ્રીમંત પરિવારમાં જન્મ્યો હતો. એ જમાનામાં પ્રમાણે મારા પિતા પણ એટલાં જ અમીર કહેવાતાં. પરિવારમાં દાદાજીને બે દીકરાઓ હતાં. એમાં મારાં કાકા યુવાન વયમાં જ એક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યાં હોવાથી બધી જ સંપત્તિ પપ્પાને નામે થઈ. એમને પણ બે દીકરા એમાં એક હું અને બીજાં મોટા ભાઈ. મોટાં ભાઈ લગ્ન પહેલાં હાર્ટએટેકથી મૃત્યુ પામ્યાં. પછી હું બધી સંપતિનો માલિક બન્યો. પપ્પાની કેટલીય કંપનીઓ હું સંભાળવા લાગ્યો. શરુઆતમાં તો મારી પાસે કેટલી સંપત્તિ છે એ જ હું સમજી શકતો નહોતો. સંસ્કારો તો માતાપિતાએ સારાં આપ્યાં હતાં પણ બધી રૂપિયાની હકીકત ખબર પડતા હું પણ ભાઈબંધોની જેમ પૈસા વધારે ને વધારે ભેગા કરીને નંબર વન બનવાની હોડમાં હું ગોઠવાઈ ગયો. એ દરમિયાન મારી મુખ્ય કંપની કે જેમાં હું આખો દિવસ હાજર રહેતો ત્યાં જ મારી અને શ્વેતાની મુલાકાત થયેલી.
એ પહેલીવાર ઈન્ટર્વ્યુ માટે આવેલી ત્યારે જ મારી નજરમાં વસી ગયેલી. એ પણ તારાં જેવી જ સુંદર દેખાતી હતી. સાથે ઈન્ટરવ્યુ દરમ્યાન ખબર પડી કે એ એટલી ઈન્ટેલિજન્ટ પણ છે. એને મારી પીએની પોસ્ટ માટે સિલેક્ટ કરાઈ હતી. બસ સમય વીતતો ગયો એ મારું ઘણું બધું કામ સંભાળી લેતી. એવું બનતું કે એક દિવસ પણ ન હોય તો હું જાણે હાફળોફાફળો બની જતો કારણ કે ઓફિસની મારી નાનાંમા નાની ડિટેલ એને ખબર હોય. મોટેભાગે સાથે કામ કરવાના કારણે ધીમે ધીમે અમે બંને એકબીજા સાથે પ્રેમમાં પડી ગયાં. તારી મમ્મી મિડલ ક્લાસમાંથી આવતી હતી. એટલે થોડાં જ સમયમાં એણે કહ્યું કે આપણે આ સંબંધને એક નામ આપી દઈએ... લગ્નનું... આ રીતે મળવું કે ફરવું યોગ્ય નથી. મારી અને મારાં પરિવારની બદનામી થાય.
પણ એ સમયે લગ્નનું નામ સાંભળીને મને ધ્રાસકો પડ્યો. મારી ઉમર ચોવીસ વર્ષની હતી. પણ મારે તો હજી મેં કહ્યું એ મુજબ નંબર વનમાં આવવું હતું... ત્યાં ટોચ પર ટકવું હતું.... એ સમયે લગ્ન મને બોઝ હોય એવું લાગ્યું. આથી મેં એને થોડો સમય રાહ જોવા કહ્યું. એમાં એક વર્ષ નીકળી ગયું હું એને લગ્ન માટે આશ્વાસન આપતો રહ્યો. પછી તો એનાં ઘરેથી પણ લગ્ન માટે ફોર્સ કરવા લાગ્યાં.
એક દિવસ એ મને આખરી નિર્ણય કરવા મારી પાસે આવી. એને જોબની તો જરૂર હતી પણ કદાચ જો હું ના કહું તો એ હવે જોબ છોડવા સુધી પહોંચી ગઈ હતી. હું પણ એને એટલું જ પ્રેમ કરતો હતો પણ મને કદાચ એ સમયે લગ્ન નામનાં બંધનમાં બંધાવું નહોતું. અને એને લગ્ન વિના રહેવું મંજુર નહોતું. એ દિવસે એ આવી તો ખરી પણ આ બધાં રિસામણા મનામણાંમા અમારી વચ્ચે એવું બની ગયું જે કદાચ લગ્ન પહેલાં નહોતું થવું જોઇતું. બેટા તું સમજદાર અને યુવાન છે એટલે હવે જે છે એ બધું સાચું જ કહું છું કોઈ પણ વસ્તુ છુપાવતો નથી.
શ્વેતા જે બન્યું એ વાતથી ગભરાઈ ગઈ હતી. એ આ કારણે મને લગ્ન માટે ફોર્સ કરવા લાગી. એ સમય દરમ્યાન અમારી વચ્ચે જુદાઈની જગ્યાએ વધારે નજદીકી આવી ગઈ. કદાચ એને એક આશા હતી કે હું માની જઈશ .લગભગ બે મહિના પછી એણે મને મળીને કહ્યું કે એ મારાં સંતાનની માતા બનવાની છે. આ સાંભળીને હું તો થીજી જ ગયો. એની હાલત પણ એવી જ હતી. એ મારી સાથે એક આશાસહ આવી હતી કે આ બાળકને કારણે હું માની જઈશ હવે તો ના નહીં જ કહું. પણ મેં એ સમયે પૈસા અને યુવાનીના મોહમાં આ બાળક અપનાવવાની ના કહી અને અબોર્શન માટે કહ્યું. એ મારી સામે બહું જ રડી હતી... રીતસરની કરગરી હતી. પણ પૈસાનું એક આવરણ મને એની લાગણીઓ સામે પીગાળી ન શક્યું. હું જે વાતાવરણમાં રહ્યો હતો એ મુજબ આ બધું કદાચ એક નોર્મલ કહેવાતું હોવાથી હું એની લાગણી ન સમજી શક્યો.
પણ શ્વેતા અમારાં બાળકને આ દુનિયામાં લાવવા મક્કમ બની હતી. કદાચ એ એક મા હતી જે પિતા ક્યારેય ન કરી શકે એમ એણે પરિવારની બદનામીના ડરથી કહ્યાં વિના ઘર છોડી દીધું... આ બાજુ હું એને અબોર્શન કરવા મજબૂર કરીશ એ વિચારે મને મળવાનું પણ બંધ કરી દીધું અને જોબ પણ છોડી દીધી. મેં એના માટે ઘણી તપાસ કરાવી પણ એ મળી જ નહીં.
આખરે નવ મહિના પછી મને કોઈ દ્વારા ખબર પડી કે એને એક દીકરીને જન્મ આપ્યો છે. એ સમયે હું એને શોધવા મજબૂર બન્યો. ઘણી શોધખોળ પછી એક બીજા નાનકડાં શહેરમાં એ મળી... સાથે એક નાની બાળકી એટલે તું..."
"તો પછી મારી આ સ્થિતિ કેવી રીતે થઈ? કે તમે એ સમયે પણ મને કે મારી મમ્મીને ના અપનાવી? નાનકડી દીકરીને જોઈને પણ તમારું દિલ પીગળ્યુ નહીં?"
મલ્હાર પણ કદાચ હવે શું બન્યું હશે એમની વચ્ચે એ જાણવા ઉતાવળો બન્યો. પિતાપુત્રીની આ વેદના જોઈને એ પણ દુઃખી થઈ ગયો. એ વિચારવા લાગ્યો કે કદાચ એ ભાગ્યશાળી છે કે એનાં જીવનમાં આવું કંઈ બન્યું નથી.... બાકી આ બહાર દેખાતી આ રોશની ભરેલી ઝાકમઝોળની પાછળ કેટકેટલીય ખુશીઓ અને વેદનાઓ દફનાવાઈ હશે એ વિચારતાં જ મલ્હાર હચમચી ગયો...!
શું કર્યું હશે મિસ્ટર આર્યને? આધ્યા એનાં પિતાને અપનાવી શકશે ખરાં? હવે મલ્હારનું સત્ય શું હશે? એ આધ્યાના જીવનમાં સ્વપ્ન બની બશે કે શું થશે? જાણવા માટે વાંચતા રહો, " આરોહ અવરોહ - ૬૪