Ascent Descent - 61 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 61

Featured Books
Categories
Share

આરોહ અવરોહ - 61

પ્રકરણ - ૬૧

મલ્હાર અશ્વિનની સામે એક મક્કમતાથી જવાબ આપતાં બોલ્યો, "એની તમારે ચિંતા કરવાની જરૂર નથી...પણ હવે તમે લોકો શું ઈચ્છો છો? એ મને જણાવો. મારો અંદાજો સાચો નીકળ્યો કે મિશનનાં દગાબાજ લોકોની ટીમ આ જ હોઈ શકે....!"

"એ તો બરાબર પણ તું પણ તો તારી ઓળખ છુપાવી રહ્યો જ છે ને આ તારી આધ્યાથી?"

" મિસ્ટર અશ્વિન... તમારે એ બધી વસ્તુની કોઈ જરૂર નથી. મેં કોઈ ખોટાં ઈરાદા સાથે કંઈ પણ કર્યું નથી...." એ કંઈ વધારે કહે એ પહેલાં જ કોઈ ગાડી બહાર આવી હોય એવું લાગ્યું. એ સાથે જ મલ્હાર અને અશ્વિનની વાત થંભી ગઈ. પણ એ લોકો અંદર હોવાથી બહાર કોણ આવ્યુ એ ખબર ન પડી.

અશ્વિન : " કદાચ ઉત્સવ હશે નહીં? એને તે પાછળ રાખ્યો હશે ને સરપ્રાઈઝ એન્ટ્રી માટે?"

મલ્હાર : " તમારી પાસે આટલી મોટી ફોજ છે. હું તો એકલો જ છું તો શું કરું હું?"

આધ્યા કંઈક મલ્હારની ઓળખની વાત આવી તો એનાં મનમાં અનેક સવાલો થયાં પણ એ ચૂપ રહી.

બીજી એક ગાડી આવી એમાથી એક વ્યક્તિને બહાર નીકળતી જોઈને બહાર રહેલાં બધાનાં હોશકોશ ઉડી ગયાં...!

બધાં પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયાં. એ વ્યક્તિની સાદગીને સહુ જોઈ રહ્યાં. પણ આ વ્યક્તિને કોઈ બોડીગાર્ડ કે સાથે કોઈ પણ વ્યક્તિ વિના જોઈને નવાઈ લાગી.

 

એક વ્યક્તિ ધીમેથી આવીને બોલ્યો, " આર્યન ચક્રવર્તી અહીં? કંઈ સમજાયું નહીં."...બધાં એક પરસેવે રેબઝેબ થતાં જાણે હવે શું થશે એ વિચારમાં ચૂપ થઈને એકબીજાની સામે જોવા લાગ્યા...!

 

મિસ્ટર આર્યન ચક્રવર્તી સહજ રીતે અંદર આવ્યા. કોઈને કંઈ સમજાયું નહીં કે આ વ્યક્તિ અહીં શું કરી રહ્યો છે. બધાં એમની સામે જોઈ રહ્યાં પણ કોઈને શું કહેવું એ સમજાયું નહીં. કદાચ સમય સમજી ગયાં હોય એમ આર્યન ચક્રવર્તી બોલ્યાં, " અરે કેમ આમ ગભરાઈ ગયાં છો બધાં? શું ચાલી રહ્યું છે બધું? મિશનનાં બધાં લોકો આજે અહીં ભેગા થયા છો મને કોઈ જણાવ્યું પણ નહીં? કંઈ વાંધો નહીં બોલો હવે શું નક્કી કરી રહ્યાં છો હવે."

 

ત્યાં હાજર દરેક જણા પોતપોતાના ક્ષેત્રમાં આગળ પડતાં છે. કરોડોની સંપતિના માલિક પણ છે... પણ આર્યન ચક્રવર્તી એની પાસે તો કેટલી સંપતિ હશે એ પણ કલ્પના કરવી અઘરી છે. એને મોટે ભાગે લોકોએ ટીવી, ન્યુઝમાં જ ચમકતા, બોડીગાર્ડથી લોકોના ટોળાઓથી ઘેરાયેલા જ જોયાં હોય એ વ્યક્તિ અહીં બોલાવ્યા વિના જ જાણે આવીને બધાની સાથે ભળવાની કોશિષ કરતો જોઈને બધા નવાઈ પામી રહ્યાં છે.

 

એક જણે હિંમત કરતા કહ્યું, " એ તો અચાનક જ બધું નક્કી થયું . બસ ખાસ કંઈ નહોતું તો આપને આપના વ્યસ્ત શિડ્યુલમાથી ક્યાં હેરાન કરવા?"

 

" હમમમ... પણ અહીં તો લગભગ સિત્તેર ટકા લોકો જ છે અને કર્તવ્ય મહેતા ક્યાં છે? મેઈન હેન્ડલ કરનાર વ્યક્તિ જ નથી."

 

"કોઈ કશું બોલ્યું નહીં એટલે આર્યન ચક્રવર્તી બોલ્યાં, " શું થયું કંઈ ગડબડ નથી ને? બહું મોટી વાતો કરતો હતો ને કર્તવ્ય? ક્યાં ગાયબ થઈ ગયો? મને તો એ દિવસે જ એની વાતો પરથી શંકા જતી હતી. એણે કંઈ એવું કર્યુ હોય તો કહો, પછી હું છું ને?હું તમારા બધાની સાથે જ છું."

 

બસ કદાચ આ મોકાની રાહ જોતાં હોય ને જાણે અજાણતાં જ કોઈ લોટરી લાગી હોય એવું લાગતાં જ મિસ્ટર આહુજા બોલ્યાં, "અરે સાહેબ એવું જ છે. બાકી આટલી ઉમરમાં કોઈને કમાવવાની પડી હોય કે આ સમાજસેવાની? એ આ બધું કહીને પોતે જ હવે રંગરેલિયા મનાવી રહ્યો છે. અને બીજાં બધાને આ ધંધો બંધ કરવા માટે ધમકીઓ આપી રહ્યો છે. સાહેબ તમે કંઈ કરો તો ચોક્કસ થશે. બાકી આમને આમ તો બધાનાં આર્થિક સંતલન પણ ખોરવાઈ જશે."

 

" પણ કરવાનું શું છે મારે? તમારી યોજના તો જણાવો તો હું કંઈ મદદ કરી શકું ને? તમે આટલાં બધાં મિશન સાથે જોડાયેલા ઉમદા વ્યક્તિઓ છો એટલે તમારાં પર તો હું આખો બંધ કરીને વિશ્વાસ કરી જ શકું. બાકી આટલાં બધાં લોકો થોડાં ખોટા હોય?"

 

"તમારી વાત સાચી છે. પણ આમ થોડાં કોઈનાં ધંધા બંધ પણ કરાય? એમ એકાએક બેકાર બનીને લોકો ક્યા જાય? પણ સાહેબ તમને કેમ ખબર પડી કે અમે અહીં છીએ? "

"હું એ જ કહું છું કે આવી જગ્યાએ વળી મિટીંગ રખાય? મને એક કોલ કર્યો હોત તો મારાં ત્યાં જ રાખત ને? આ તો મારા અમૂક ખાસ લોકોએ કહ્યું તો મને થયું લાવ હું પણ જાઉં કદાચ મને ફોન કરવાનું રહી ગયું હોય. વળી હું તમારા બધાં સાથે એટલો સંપર્કમાં પણ ન હોઉં એટલે."

 

"હા સાહેબ. પણ હવે ચોક્કસથી તમને તો મળીશું જ." સુભાષભાઈ વિજયી સ્મિત ફરકાવતા બોલ્યાં.

 

"પણ એ કર્તવ્ય છે ક્યાં? એ કોની સાથે રંગરેલિયા મનાવી રહ્યો છે એ તો કહો...એને મિડીયાની વચ્ચે લાવવો એ મારાં માટે રમતની વાત છે."

 

એટલામાં જ અશ્વિન આશ્ચર્ય પામતો અંદર આવીને બોલ્યો, " મિસ્ટર આર્યન તમે અહીં?" તેનાં ચહેરા પર હકારાત્મક તો ક્યાંક નકારાત્મક સંવેદના ફરી વળી.

 

સુભાષ પોતાનો મમરો મૂકતો બોલ્યો, " અશ્વિન ચિંતા ન કર. સાહેબ આપણી ટીમમાં જ છે. આપણો આગળનો પ્લાન તું જણાવી જ દે. પછી એ કર્તવ્ય મહેતાને તો એ જ સીધો કરશે. સાહેબની પહોચ તો તને ખબર જ છે ને?"

 

અશ્વિને મિસ્ટર આર્યન ખરેખર એનાં પક્ષમાં છે કે નહીં એ જાણવા કેટલાક સવાલો કર્યા પણ એમનાં દરેક જવાબો એમનાં પક્ષમાં નીકળ્યાં. એની અપેક્ષા મુજબનાં જવાબો પણ મળી ગયાં એટલે આખરે અશ્વિન બોલ્યો, " સાહેબ આ એનાં માણસોને તમે ઠીક કરીને યોગ્ય જગ્યાએ ઠેકાણું પાડી દો...પછી એ આપોઆપ દોડતો આપણી પાસે આવશે... ત્યાં સુધી એણે અમારાં ઘણાં બધાં અટકાવેલા કામો પૂર્ણ પણ થઈ જાય."

 

"હા મારી પાસે ઘણી અજ્ઞાત જગ્યાઓ છે એ કામ તો થઈ જશે. પણ એ બધાને લઈ જઈને કામ શું કરવાનું છે? તમારી સાથે એણે શું કર્યું છે?"

 

અશ્વિન એમની શાંતિથી અને સરળતાથી વાત કરવાની શૈલીથી એમને માની ગયો એણે પોતાના શકીરાહાઉસની શકીરાની બધી વાત કરી. એ સાથે જ એમાનાં નેવું ટકા લોકો જુદા જુદા કોલસેન્ટરના માલિકો છે તો કોઈકના સેન્ટર તો કર્તવ્યની ટીમ દ્વારા બંધ પણ કરાવી દેવાયા છે. આથી દરેકે પોતાની મનોવ્યથા ઠાલવી દીધી.

મિસ્ટર આર્યન સ્મિત સાથે બોલ્યાં, " તો તો આવાં વ્યક્તિનું કામ તમામ કરી દેવું જોઈએ નહીં? શું કહેવું છે તમારું?"

 

કદાચ સહુના મનની વાત જાણી લીધી હોય પણ હોઠ પર નહોતું આવતું એમ જ આ વાક્ય સાંભળીને એક સાથે ઘણાં બધાં બોલ્યાં, " હા સાહેબ એવું કંઈ થાય તો સારું. અમે તો થોડાક દિવસો એને કિડનેપ કરીને સીધો કરવાનું વિચાર્યું હતું કારણ કે આટલું મોટું જોખમ લેવામાં તો પકડાઈ જવાય તો? એ જ બીક હતી . પણ આવું થાય તો તો સહુને ઘી કેળાં...તમારાં જેવા ભગવાન ય નહીં..."

"હું છું ને? આવું કામ તો હું ચપટીમાં કરાવી શકું.... કોઈને ખબર પણ નહીં પડે."

મિસ્ટર આહુજા : " તો સાહેબ રાહ શેની? બહાર એક ગાડી આવીને ઉભી જ છે. એમાં ત્રણેક જણા હશે અને ત્રણ જણા અંદર છે. એ લોકોને પકડીને તમે તમારી રીતે વહીવટ કરી દો...એ કર્તવ્યને તમારે જે કરવું હોય એ કરજો...બસ એટલે મિશનનાં નામે મીડુ વળી જાય... ને બધાં પોતપોતાના કામમાં..."

આર્યન ચક્રવર્તી : " તમે નિશ્ચિત બની જાઓ." કહીને એમણે બધાની સામે જ કોઈને ફોન કર્યો. ને જોતજોતામાં તો મોટી બે ગાડીઓ સાથે એનાં મોટા બંદૂકધારી પહેલવાનો હાજર થયાં. એ સાથે જ મિસ્ટર આર્યન બોલ્યાં, " પણ એ પહેલાં મારે એ બધાં લોકોને ફક્ત જોવા છે. હું કોઈ વાત નહીં કરું એમની સાથે...એ મારી નાનકડી શરત છે. બસ પછી બધું જ થઈ જશે."

અશ્વિન: " આટલી નાનકડી વાત સાહેબ? ચાલો હું જ તમને લઈ જાઉં છું..." કહીને અશ્વિન એમને આધ્યા અને સોના જ્યાં બંધાયેલી છે ત્યાં લઈ ગયો સાથે જ એ બાજુની જગ્યા પર મલ્હારને પણ એ બાંધીને આવ્યો છે એ પણ ખુમારીથી બતાવ્યું. પણ મિસ્ટર આર્યન એમની શરત મુજબ કંઈ પણ બોલ્યાં નહીં. ચૂપ રહીને જોવા લાગ્યાં એટલામાં જ કેટલાક માણસો ગાડીમાંથી ઉત્સવ એ લોકોને પણ લઈ આવ્યાં કે તરત જ મિસ્ટર આર્યન કંઈ પણ બોલ્યાં વિના અશ્વિન સામે " કામ થઈ જશે" એવો ઈશારો કરીને પોતાની ગાડીમાં બેસવા નીકળી ગયાં...એ સાથે જ ગાડીમાં બેસતાં નાછૂટકે એમનાથી એક ડૂસકું ભરાઈ ગયું એ કદાચ એક વ્યક્તિ સિવાય કોઈ નોંધી ન શક્યું. ફક્ત બીજી ગાડીઓને ફોલો કરવાનો આદેશ આપીને પળવારમાં ગાયબ થઈ ગયાં....!

મિસ્ટર આર્યન કર્તવ્યની જગ્યાએ આ લોકોને કેમ સાથ આપવા લાગ્યાં? એમનું આ લોકો સાથે જોડાવવાનું ખાસ કારણ શું હશે? ખરેખર કર્તવ્યનું મિશન હવે રઝળી જશે? મલ્હાર ખરેખર કોણ હશે? એનું અને આધ્યાનું મિલન શક્ય બનશે ખરાં? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૬૨