એકસો છ
“શું રસ્તો છે તમારી પાસે?” વરુણે પોતાની મૂંઝવણ દૂર કરવા પૂછ્યું.
“આપણે ઓસ્ટ્રેલિયામાં હતાં ત્યારે જે મેચમાં તમને મેન ઓફ ધ મેચ મળ્યો એ રાત્રે તમે મને એક વાત કહી હતી યાદ છે?” સુંદરી વરુણની બાજુમાં આવીને બેઠી.
“એ રાત્રે તો આપણે ઘણી વાતો કરી હતી.” વરુણે યાદ કરવાની કોશિશ કરી.
“તમે કહ્યું હતું કે સુંદરી મેડમ, ભગવાન જે રીતે આશિર્વાદ વરસાવી રહ્યો છે એ રીતે લાગે છે કે મારી ઇન્ટરનેશનલ કેરિયર હવે પાટે ચડી જશે. યાદ છે?” સુંદરીએ વરુણને યાદ દેવડાવ્યું.
“હા તો?” વરુણને હજી પણ સમજણ નહોતી પડી રહી.
“ત્યારે તમે એમ પણ ઉમેર્યું હતું કે મેડમ, આ સફળતા એવી છે કે એની સાથે પૈસો પણ આવશે અને લખલૂટ પૈસો આવશે, આપણને ખબર પણ નહીં પડે કે આપણે આ પૈસાનું શું કરવું. હવે યાદ આવ્યું?” સુંદરીએ ફરીથી પ્રશ્ન કર્યો.
“હા, એ તો યાદ છે જ, હોય જ ને?” વરુણને નવાઈ લાગી.
“હમમ.. ત્યારે તમે કહ્યું હતું કે આપણે કોઈ બિઝનેસમાં રોકીશું એટલે આપણો જ પૈસો આપણને વળતર આપતો રહે. ત્યારે મેં તમારી એમ કહીને મશ્કરી પણ કરી હતી કે તમે ક્રિકેટર ખોટા બન્યા તમારે તો બિઝનેસમેન બનવું જોઈતું હતું.” સુંદરી હસી રહી હતી.
“હા એ હું બધું જ બરોબર જાણું છું પણ એનું શિવભાઈ અને કાગડીના સબંધ સાથે શું લેવાદેવા?” વરુણની ગૂંચવણ હજી પણ દૂર નહોતી થઇ રહી.
“જુઓ, તમારે તમારા આવનારા પૈસા કોઈ એવી જગ્યાએ રોકવા છે જ્યાંથી તમને સતત વળતર પણ મળતું રહે અને એ પણ બમ્પર વળતર રાઈટ?” સુંદરીએ પૂછ્યું.
“હા...” વરુણનો જવાબ.
“તમને શ્યામલભાઈની ચ્હા બનાવવાની કળા પર વિશ્વાસ છે પરંતુ તમને એ શંકા છે કે એક નાનકડી દુકાન સાથે એમની પ્રગતી એક જ જગ્યાએ રોકાઈ ગઈ છે અને હવે તેમાં આગળ વધવું અશક્ય છે. રાઈટ?” સુંદરીએ તેનું આગલું પાનું ઉતર્યું.
“રાઈટ! તો?” વરુણ હજી પણ એની શંકાનું સમાધાન શોધી રહ્યો હતો.
“તો વરુણ, તમારા પૈસા અને શ્યામલભાઈની ટેક્નિક એટલેકે એમનો ચ્હા બનાવવાનો જાદુ બંને મળી જાય તો? આપણે શ્યામલભાઈની ચ્હાની એક બ્રાંડ બનાવીને અમદાવાદના કોઈ હેપનિંગ પ્લેસ જ્યાં યંગસ્ટર્સની આવ-જા હોય ત્યાં એક કુલ એમ્બાયંસ ઉભું કરીને ચ્હા વેંચીએ તો? શરૂઆતમાં આપણે કોઈ શોપ રેન્ટ પર લઈશું અને પછી જેમ જેમ શ્યામલભાઈની બ્રાંડની પોપ્યુલારિટી વધતી જાય એમ આપણે કોઈ પ્લેસ પરચેઝ કરી લઈશું.
ભવિષ્યમાં વરુણ, આપણે ફ્રેન્ચાઇઝી પણ આપી શકીશું. વિચાર કરો વરુણ, આજકાલ આ રીતે કુલ પ્લેસમાં મોંઘી ચ્હા પીવી એ ઇન થિંગ ગણાય છે. ચ્હાની નાનકડી પ્યાલી પચીસ-ત્રીસ રૂપિયામાં વેંચાય છે અને એની સાથે કોરો નાસ્તો પણ ખૂબ ચાલે છે. આપણે કોઈ ગૃહઉધોગ ચલાવતી બહેનો સાથે ટાઈઅપ કરી શકીએ જે આપણને કોરા ગાંઠિયા, થેપલાં અને એવું બધું પ્રોવાઈડ કરે. શું કહો છો?” સુંદરીએ આશાભરી નજરે વરુણને પૂછ્યું.
“આઈડિયા ખોટો નથી, પરંતુ હું રોકાણ કરીશ તો શિવભાઈને ગમશે? એક રીતે હું તેમનો બનેવી છું અને મને ખબર છે કે એ ખૂબ સ્વમાની છે. એ હા પાડશે?” વરુણને શંકા ગઈ.
“વરુણ, સ્વમાની વ્યક્તિને મફતમાં પૈસાની મદદ કરવાની ઓફર કરીએને તો એનું સ્વમાન ઘવાય. અહીં તો આપણે એમની કળાને ફક્ત ટેકો આપીએ છીએ, ફાઈનાન્શિયલ અને ટેક્નિકલ એ શા માટે ના પાડે? એમને પણ પ્રગતિની ઈચ્છા તો હશેજ ને? જો બહુ ના પાડશે તો હું પપ્પાને પાર્ટનર બનવા માટે રાજી કરી દઈશ અને એમને શરૂઆતમાં સેલરી આપવાની ઓફર કરીશ.
બહુ ના વિચારો વરુણ, જો તમને મારો આ આઈડિયા ગમ્યો હોય તો આપણે આગળ વધીએ. તમારી ચિંતા પણ દૂર થઇ જશે અને બે પ્રેમીઓને એકસાથે જીવન જીવવાની તક પણ મળશે. બરોબરને વરુણ?” સુંદરીએ વરુણનો હાથ પકડ્યો.
“જેમ તમને તમારા ભાઈની ચિંતા છે એમ મને મારી બહેનની ચિંતા હોય જ એ સ્વાભાવિક છે. મેં હમણાં પણ કહ્યું કે મને એમના પ્રેમ સાથે કોઈજ વાંધો નથી, હોઈ શકે પણ નહીં, બસ મારે મારી બહેનની પ્રગતી અટકી જાય એની સાથે વાંધો હતો, તમે મારો એ વાંધો પણ દૂર કરી દીધો મેડમ.” વરુણે પણ સુંદરીનો હાથ પ્રેમથી દબાવ્યો.
“તો હું તમારા તરફથી હા સમજું?” સુંદરી ઉત્સાહમાં આવી ગઈ.
“હા, પૂરેપૂરી હા! પણ મેડમ, હજી તો એ ભણે છે. એનું શું?” વરુણે તેની ચિંતાનો આગલો મુદ્દો રજુ કર્યો.
“તો આપણે ક્યાં કાલને કાળ બંનેને પરણાવી દેવાના છે? એને એની સ્ટડી પૂરી કરવા દો શાંતિથી. પછી પણ ભલેને બીજા એકાદ-બે વર્ષ બંને શાંતિથી ફરે? અને વરુણ ઈશુ જે સ્ટડી કરે છે એ ભણ્યા પછી એને પણ કોઈ મોટી કંપનીમાં મોટી પોઝીશન મળશેને? તો ઘર ચલાવવામાં એ પણ મદદરૂપ થશે. એટલે તમે એ બધી ચિંતા ન કરો.” સુંદરીએ વરુણના માથે હાથ ફેરવતાં કહ્યું.
“મારા મમ્મી-પપ્પા? તમારા પપ્પા? એ રાજી થશે?” વરુણે પોતાની ચિંતાનો ત્રીજો મુદ્દો આગળ ધર્યો.
“તમને શું લાગે છે કે તમે દોઢ મહિનો રણજી ટ્રોફી રમવા ગયા હતા તો હું સાવ નવરી બેઠી હતી?” સુંદરી હસી પડી.
“એટલે? તમે ઓલરેડી એ બધાંને મનાવી લીધા છે કે શું?” વરુણની આંખો પહોળી થઇ ગઈ.
“હાસ્તો વળી!” કહીને સુંદરી ખડખડાટ હસી પડી.
“હે ભગવાન!” કહીને વરુણે પોતાનું કપાળ કૂટ્યું અને એ પણ હસી પડ્યો.
“ફક્ત તમને જ કહેવાનું બાકી રાખ્યું હતું, કારણકે તમે ઈશુને અને શ્યામલભાઈ બંનેને ઘરના બીજાં કરતાં મારી જેમ જ વધુ સારી રીતે ઓળખો છો. મને ખબર હતી કે તમને ઈશુ વિષે, શ્યામલભાઈ વિષે કેટલીક ચિંતાઓ હશે જ. આપણા બંનેના પેરન્ટ્સ તો માની જ જશે એની મને ખાતરી હતી અને માની પણ ગયાં, પણ મારા આ કડક ક્રિકેટર શું કહેશે એનો મને જરાક ડાઉટ હતો એટલે મેં પહેલાં એ સાઈડ કવર કરી લીધી અને આજે આ સાઈડ પણ.” હસતાં હસતાં સુંદરીએ વરૂણનું નાક પકડીને એનો ચહેરો હલાવ્યો.
“સુંદરી મેડમ, કોઈને પણ પોતાના પ્રેમ પર ગર્વ હોય જ. એ ગર્વ એટલા માટે હોય કારણકે તેને પોતાના પ્રેમી અથવાતો પ્રેમિકાના પ્રેમની ભાવના પોતાના પ્રત્યે કેટલી તિવ્ર છે તેનો ખ્યાલ હોય. પણ મને આજે તમારા પ્રેમ પ્રત્યે, જે સામાન્ય પ્રેમીને પોતાની પ્રેમિકા પર ગર્વ થાય એનાથી પણ વધુ અને કદાચ સો ગણો ગર્વ થઇ રહ્યો છે, કારણકે તમે પ્રેમ તો મને કર્યો હતો પણ મારી સાથે જોડાઈને તમારો પ્રેમ મારા પરિવાર સુધી પહોંચાડ્યો છે.
દોઢ-બે મહિના બહાર રહીને પાછો આવ્યો ત્યારે મેં જોયું કે પપ્પા, મમ્મી અને ઈશિતા તમને અઢળક પ્રેમ કરે છે તમારા પર એમને ખૂબ માન છે, કારણકે તમે એમને એટલોજ પ્રેમ કરો છો જેટલો કે મને. આજે જે રીતે તમે તમારા ભાઈ માટે જીદ કર્યા વગર મને બધીજ રીતે એના અને ઈશિતાના પ્રેમ વિષે સમજણ આપી અને મને મનાવી લીધો એ ફરીથી એ સાબિત કરે છે કે તમારા પ્રેમનું ફલક વિશાળ છે. હું ખૂબ લકી છું સુંદરી, તમને મેળવીને...” વરુણ સુંદરીની આંખમાં જોઇને બોલી રહ્યો હતો.
“...અને હું પણ એટલીજ લકી છું... તમને મેળવીને...” કહીને સુંદરીએ વરુણનો હાથ પકડી અને તેના ખભે પોતાનું માથું ઢાળી દીધું.
સુંદરી અને વરુણ બંને અગાશીમાં આ રીતે ઉભા ઉભા નજર સામે ઢળી રહેલા સુરજને જોઈ રહ્યા.
==:: પ્રકરણ ૧૦૬ સમાપ્ત ::==
==:: સંપૂર્ણ ::==
સુંદરીની સફર વિષે થોડુંક...
સુંદરીનું લખાણ આમ તો ગત વર્ષ એટલેકે વર્ષ ૨૦૨૦ના લોકડાઉનના સમયમાં સમય પસાર કરવાના હેતુથી જ શરુ કર્યું હતું. એ સમયે એવી ઈચ્છા હતી કે સુંદરીના ૧૨૦૦ થી ૧૫૦૦ શબ્દોમાં પ્રકરણો એક સાથે લખવા અને લગભગ ૫૦ પ્રકરણોની આ નવલકથા માતૃભારતી પર દરરોજ પ્રકાશિત થાય.
પરંતુ અમુક પ્રકરણો લખાયા બાદ કામકાજમાં વ્યસ્તતા આવવા લાગી એટલે સુંદરીનું લખાણ અટકી પડ્યું. પછી જ્યારે ફરીથી તેને લખવાનો મૂડ આવ્યો ત્યારે તેને અઠવાડિક ધારાવાહિક તરીકે અને તેના ૫૦થી પણ વધુ પ્રકરણ લખવાનું નક્કી કર્યું અને આજે ૧૦૬ પ્રકરણો બાદ સુંદરીની સફરે વિરામ લીધો છે.
દર અઠવાડીએ બે પ્રકરણો અને કુલ ૧૦૬ પ્રકરણો પ્રકાશિત થયા તેનો સીધોસાદો અર્થ એક જ થયો કે સુંદરી નવલકથા માતૃભારતી પર એક વર્ષથી થોડો વધુ સમય સતત ચાલી છે. સૌમિત્ર બાદ સુંદરી મારી એવી બીજી ધારાવાહિક નવલકથા છે જે એક વર્ષથી પણ વધુ સમય સતત માતૃભારતી પર ચાલી છે.
સુંદરી લખવાની મજા જેમ જેમ તેના વધુને વધુ પ્રકરણો લખાતાં ગયાં તેમ તેમ વધુને વધુ આવતી ગઈ. સાચું કહું તો સુંદરીના લખાણ બાબતે શરૂઆતમાં હું એટલો ગંભીર ન હતો જેટલી મારી અગાઉની ત્રણ નવલકથા વિષે હતો. આ નવલકથા જેમ આગળ કહ્યું તેમ લોકડાઉનમાં ટાઈમ પસાર કરવા માટે જ શરુ કરી હતી. પરંતુ જે રીતે વાચકોનો અઢળક પ્રેમ મળતો ગયો એમએમ મને લાગવા લાગ્યું કે ના સુંદરી મારા વાચકોને ખરેખર પસંદ પડી રહી છે અને એટલે મારે મારી કલમ હજી પણ કસવી જોઈએ અને જે સરળ વાર્તા મેં ૫૦ પ્રકરણો માટે વિચારી હતી તેને બદલે મારે વાર્તામાં વધુને વધુ ટ્વિસ્ટ લાવીને તેને બહેલાવવી જોઈએ.
પરંતુ સાથે સાથે એ પણ નક્કી કર્યું હતું કે વાર્તા બિનજરૂરી નહીં જ ખેંચું અને જ્યાં એવું લાગશે કે અહીંથી વાર્તા આગળ વધશે જ નહીં ત્યાં તેને વિરામ આપી દેવો અને બસ આજે એ દિવસ આવી ગયો જ્યાં સુંદરીએ વિરામ લીધો છે.
સુંદરીને વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે. મારી કોઇપણ નવલકથાના કમેન્ટ્સ સેક્શન આટલી મોટી સંખ્યામાં ભરાઈ જતાં મેં આજ સુધી નથી જોયાં. તો કેટલાક વાચકોએ ઈનબોક્સમાં પણ સુંદરીના વખાણ કર્યા અને જેમની પાસે મારો નંબર હતો એમણે વોટ્સએપ પર સુંદરીને વખાણી. મોટાભાગના વાચકોની બે ફરિયાદ હતી.
એક તો દરેક પ્રકરણ આટલું ટૂંકું કેમ હોય છે? એનો જવાબ તેમને હવે મળી જ ગયો હશે કે આ નવલકથાના પ્રકરણો દરરોજ પ્રકાશિત થાય એ હેતુથી તેની શરૂઆત થઇ હતી અને એટલે એક વખત આ ફોર્મેટ મનમાં બેસી ગયું પછી એને તોડવાની ઈચ્છા નહોતી થતી.
વાચકોની બીજી ફરિયાદ એ હતી કે અઠવાડિયામાં બે જ પ્રકરણો કેમ? એનો જવાબ એ રીતે આપી શકું કે હું વ્યવસાયી છું એટલે પહેલાં મારે એ કામ કરવું પડે જેમાંથી અર્થોપાર્જન થતું હોય અને આથી અઠવાડિયામાં ત્રણ પ્રકરણ લખવાની ક્ષમતા મારામાં ન હતી.
હું અત્યારે એ વાચકોના નામનું લાંબુ લીસ્ટ આપી શકું છું જેમણે દરેક પ્રકરણ બાદ પોતાનું મંતવ્ય કમેન્ટ્સમાં, ઈનબોક્સમાં કે વોટ્સએપ પર આપ્યું છે, પરંતુ લીસ્ટ લાંબુ હોવાથી અને એ વાચકોની ઓળખની ગુપ્તતાનું સન્માન જાળવતાં એમનાં નામ અહીં નથી આપી રહ્યો. પરંતુ જેમના વિષે આ વાત કરી છે એ તમામ વાચકો જાણી જ ગયા હશે કે હું એમના વિષે કહી રહ્યો છું આથી એ તમામનો ખૂબ આભાર.
અહીં સુંદરી વિરામ લે છે પરંતુ મારી કલમ નહીં. એક લાંબા બ્રેક બાદ કોઈ નવી નવલકથા સાથે માતૃભારતી પર પરત આવવાની યોજના જરૂર છે, પરંતુ ક્યારે એ ઈશ્વર ઈચ્છા પર છોડું છું. ત્યાં સુધી જો આપે મારી અન્ય ત્રણ નવલકથાઓ ન વાંચી હોય તો જરૂર વાંચીને ઈનબોક્સમાં તમારા મંતવ્યો જરૂર આપશો. આ ત્રણ નવલકથાઓ છે શાંતનુ, સૌમિત્ર અને સુનેહા.
સુંદરીને મળેલા તમારા ભરપૂર પ્રેમ બદલ ફરીથી ખૂબ આભાર.
ફરી જરૂર મળીશું.
આપનો,
સિદ્ધાર્થ છાયા
૦૪.૦૫.૨૦૨૧, મંગળવાર
અમદાવાદ.