Aval Manzil in Gujarati Comedy stories by Shital Desai books and stories PDF | અવલ મંઝિલ

Featured Books
Categories
Share

અવલ મંઝિલ

અવલ મંઝિલ

શીતલ દેસાઇ અવાશીઆ

‘જલ્દી કરો.. દોડો..’ એવા અવાજ સંભળાઈ રહ્યા હતાં. આ ૧૦૮ સાથે આવેલ ડોક્ટરે કહી દીધું કે કેસ ખલાસ છે.. પણ હું તો ત્યાં જ ખૂણામાં જ હતો. સાવ લપાઈને બેઠો હતો. અરે ના, બેઠો ક્યાં, જમીનથી ઊંચે હતો..હા, યાર! આ તો રોકકળમાં ધ્યાન જ ન ગયું. જો કે મારૂ શરીર સામે જમીન પર ચત્તું પાટ પડ્યું હતું. રાતે ઊંઘમાં હું નીચે પડી ગયો હતો અને મરી ગયો હતો.

‘જલ્દી ગંગાજળ લાવો. ઘરમાં છે ખરું ? મા એ કટાક્ષમાં મારા પત્નીને પૂછ્યું. રડતી પત્નીએ કહ્યું:

‘હા એ તો હંમેશ પોતાની પાસે બાટલી રાખતા.

‘તઈયે...’મા એ ડોકું હલાવી.

હું તો પ્રાર્થના કરતો હતો, ‘હે ભગવાન! આ બાટલી ન કાઢે તો સારું.’ દિકરાએ કબાટ ફંફોસતા મા ને ઈશારો કર્યો. મા એ કહ્યું ઉપલા ખાનામાં. તેણે થોડી વાર ફંફોસ્યા કર્યું. બૈરાં મંડળ પાછા રોકકળમાં પડ્યા. દિકરો ફોન છે કરીને બહાર ગયો. વળી અંદર આવ્યો. વળી ફંફોસીને બાટલી પકડાવી. મા એ રડતાં રડતાં મારા મુખમાં પાણી રેડ્યું.

‘એલા, આમાં ક્લોરીનની વાસ કેમ આવે છે?’ દિકરા સામે જોઈ મા બોલ્યા.

‘દાદી, ગંગા શુદ્ધિ કરણ થઈ રહ્યું છે, એટલે હશે..’

મારી છાતી ગજ ગજ ફૂલી. મારો દિકરો હોશિયાર છે... માળો બેટો સાદું પાણી ભરીને વાત પતાવી... હા...શ બાટલી ખાલી હતી તે સારું થયું... કે છોકરા એ ... જે હશે તે...

એટલી વારમાં કાકાને ફોન થઈ ગયો હતો. તે આવી પહોંચ્યા હતાં. આમ પણ તે આ બધી બાબતોમાં એક્ષપર્ટ ગણાતા. તેમણે આવતાં વેંત પૃચ્છા શરૂ કરી.શું થયું? કેમ કરતાં થયું? રાતનાં શું ખાધું હતું? વ.

સારું.. હાલો ઠાકોરજી ની મરજી... હવે તમે બધા બહાર જાવ. મારો દિકરો,ભત્રીજો અને એક પાડોશી ત્યાં ઓરડામાં હાજર રહ્યાં. કાકાએ ઈવેન્ટ મેનેજર ની કામગીરી શરૂ કરી. નવા કપડાં આપો. વળી દિકરો દોડીને વહુને બોલાવી લાવ્યો. વહુએ કબાટ ખોલી થોડા કપડાં આઘા પાછા કરીને એક જોડી નવી કાઢી આપી.

‘શર્ટ નવું છે ને? આ પાટલૂન નવાની જરૂર નહીં. લેંઘો આપો.’ પેલીએ વળી લેંઘો શોધ્યો.

‘એલા મારૂ પેન્ટ એમ પણ કોઈને ક્યાં થઈ રહેશે? કાકા, તું કસર કેમ કરે છે?’ હું બબડ્યો.

વહુ બહાર જતી હતી કે કાકાએ ફરમાન કર્યું: કાતર આપજો. પેલી આમ પણ બઘવાયેલી હતી. હવે સાવ ચકળ વકળ થઈ ગઈ. તો ય કાતર કાઢી દીધી અને બહાર ગઈ. કાકાએ કહ્યું

થોડું ડોલ માં પાણી ને પોતું લાવો.

હવે દિકરો ય ચકળ વકળ થઈને તેમની સામે જોવા માંડ્યો.

‘ભાઈ, નવડાવવા પડશે ને? પાણી ને કપડું લાવો એટલે સ્પંજ કરીએ.’

પાણી આવતાંની સાથે જ કાકા એ શર્ટ પર કાતર ફેરવીને ફાડી નાંખ્યું. કપડાં ફાડી નાંખ્યા પછી દેહને જેવુ-તેવું સ્પંજ થતું હું જોઈ રહ્યો. માંડ કરીને બધા મથ્યા ત્યારે નવા કપડાં પહેરાવી શકાયા. ત્યાં સુધીમાં તો મારા શરીરને કેટલી ય વાર ઊંધું ને આડુ પાડ્યું. કાકાની સૂચના સતત ચાલુ. તેમનું મોઢું જ ચાલે,હાથ નહીં.બાકીનાંઓ મહેનત ઘણી કરે પણ તેમને આવડે નહીં.

‘હવે ચાદર લાવો. સુવડાવવા માટે જોઈશે ને?’ કાકા બીજાઓનાં અણઘડપણા પર મનમાં ખુશ થતાં લાગ્યાં.

ચાદર આવે ત્યાં સુધી પાછું એમણે બધી બાબતો નું બીજા રૂમમાં બેઠેલાં કાકીને રિપોર્ટિંગ કર્યું.વાત કરતાં કરતાં જ આ નવી નહીં એમ ઈશારો કર્યો.

‘પપ્પાએ આ ખાસ પસંદ કરીને ખરીદી હતી.’

દિકરા નું વાક્ય પૂરું થાય તે પહેલાં તેમણે એ દૂર ફગાવી દીધી.

ત્યાં કાકી પણ વ્યવસ્થામાં પડ્યા હતાં. ‘છાણ લઈ આવો... હવે આ ચોકખી સોસાયટીમાં પોદળા ક્યાંથી હોય?’

કોકને સૂઝયું: છાણાં છે?

‘હા ધૂપ માટે રાખીએ.. મચ્છર કેટલાં આવે છે?’ પત્નીએ કહ્યું.

છાણાં પલાળીને જેવુતેવું પ્રવાહી તૈયાર થયુંતે જોઈ કાકીએ જરાક મોઢું મચકોડી કહ્યું:

‘ હવે શું થાય? ચાલશે..’ અને વહુ ને બોલાવી.

‘આ તારે લીંપવું પડે.’ બિચારીને સૂગ ઘણી પણ કરવા બેઠી. કાકી મારા પત્ની સામે જોઈ બોલ્યાં:

‘આપણે છીએ,ત્યાં સુધી.. બાકી તો કો...ણ કરે આ જમાનામાં?’

મને કઈ ન સમજાયું. એલા, આ ભણેલ-ગણેલ વહુ તમે કહો તે બધુ કરે છે.. તો ય? પણ હવે વડીલ કોને કીધા? ...

‘અને હા ચોખા નો લોટ જોઈશે.. લાડુ બનાવવા માટે.’ કાકી ઉવાચ.

બહારનાં રૂમમાં છાણનાં ચોકા પર ચાદર પાથરી. હવે મારા શરીરને બહાર લઈ જવું પડશે ને?

‘ઉઠાવો.. ઉઠાવો.. આપણે ત્રણ છીએ.. એમ હોય તો બીજા લોકો ને બોલાવો..’ કાકા થોડા ગભરાયાં.

ત્યાં તો કાકા જેને અણઘડ માનતા હતાં તે પડોશીએ કહ્યું:

‘ચાદરનું સ્ટ્રેચર બનાવી દઈએ. ભારે છે.. મજબૂત લાવવી પડશે.’ વહુ અંદર દોડી.

‘અરે બહાર પાથરી છે એ જ લઈ આવો.’ કાકાની સૂચના મળી. એ લઈ તો આવી પણ છેડો પકડવા પણ તૈયાર થઈ ગઈ.

હું તો સાવ હળવો છું, ને આ બધાને મને ઉપાડતાં પરસેવો કેમ થાય છે? મને કઈ સમજાયું નહીં. મેં માથું ખંજવાળવા હાથ ઊંચો કર્યો. પણ જાણે વાળનાં બદલે હવા હાથમાં આવી.

હૈ...સા .. કરતાં હૉલમાં બધા આવ્યાં..

હેય.. ફેરવો... માથું ઉત્તર તરફ... અરે, આમ.. આ બાજુ.. કાકાએ હાથથી દિશા બતાવી. આખરે દેહ ને છાણ લીંપેલી જમીન પર મૂક્યો.હું એટલે મારો આત્માપણ હવે ક્ષણવારમાં હૉલનાં ખૂણામાં આવીને ઊંચે ચડી ગયો હતો.

ઘડીક હાશ થઈ..

‘અરે! રૂ લાવો.. એક દોરી પણ.. ‘દોરી પગનાં અંગૂઠા સાથે બાંધતાં બાંધતા કાકાએ દિકરાને સમજાવ્યું:

‘જીવ જલ્દી જવા ન માંગતો હોય.. એ પાછો આવવા પ્રયત્ન કરે. તેથી અંગૂઠા બાંધી દેવાનાં.’.

‘હે રામ! કાકા, તમારે હજી સો વરસ જીવવાની ખેવના છે એવું મને નથી.’

ત્યાં તો દિવેટ આવી.. રૂ નથી...

કાકાએ નાક-કાનમાં નાંખવા માટે દિવેટ ભેગી કરી ડૂચો બનાવવા માંડ્યો. તેમણે એક માત્ર પહેલું કામ કરવાની શરૂઆત કરી. ત્યાં તો પડોશીએ કહ્યું.. ઊભા રહો.. રૂ લાવું.. ઘેર પડ્યું જ છે.. મેડિકેટેડ છે..

બસ હવે બધા બેઠા.

ત્યાં ગોર મહારાજ આવી ગયાં. વિધિ શરૂ કરી.

‘લાડવા માટે ઘઉનો લોટ આપો.

કાકી ઉવાચ: ચોખા નાં લોટ...

‘જે હાજર હોય તે લોટ લાવો...વિધિ-વિધાન માણસ માટે છે. માણસ વિધિ-વિધાન માટે નથી.’ મહારાજે ફરમાન કર્યું. અને વહુ તો ખુશ થઈ ગઈ.

‘પાવલી લાવો અને તુલસી પત્ર...’ કોઈ વડીલ બોલ્યાં. તુલસી તોડવા જતાં દિકરાને કાકીએ રોક્યો.

‘તું સૂતકી કહેવાય. આ પાડોશી ભાઈ લાવી આપશે.’

‘પાવલી નું શું?

‘રૂપિયાનો સિક્કો મૂકો.’. ગોર મહારાજનો શબ્દ આખરી ગણાય.

‘એમ કહેવાય છે કે જીવની યાત્રાનાં માર્ગ માં કઈક જરૂર પડે એટલાં માટે પૈસા મૂકવાના.’

જે જે વસ્તુ હાજર હતી તેનાથી વિધિ સંપન્ન થઈ. માણસો ભેગા થતાં ગયા હતાં. અને શું થયું, કેમ થયું ની ઘૂસ-ફૂસ કરતાં હતાં.

‘જો પેટ ફૂલી ગયું છે.’

કેમ?

‘કાનમાં રૂ છે, પણ નાકમાં નાંખવાનું ભૂલી ગયાં એટલે..’ બહેને જ્ઞાન પ્રદર્શિત કર્યું.

આ બાજુ દોણી કોણ ઉપાડે? એ વિષે દિકરાને વડીલો સલાહ આપતાં હતાં. ત્યાં કોઈએ બિચારા મારા સાત વરસનાં પોતરાનાં હાથમાં એ પકડાવી.

હે ભગવાન! આને કઈ ખબર નથી કે દાદા ગયાં. દાદા હવે તેની સાથે ક્રિકેટ નહીં રમે.એ અબૂધ દિકરાને તો રોકકળ થી દૂર રાખો..

સહુ હાર પહેરાવી પ્રદક્ષિણા કરતાં હતાં. ત્યાં કાકીએ વહુનાં કાન માં ફૂંક મારી: ‘તારે પોક મૂકવાની.’

‘કેવી રીતે?’ તેણે સરળ રીતે પૂછ્યું.એણે કુટુંબમાં મૃત્યુ જોયા ન હતાં.બિચારીને એમ કે પપ્પાની પાછળ બધુ કરવું. કઈ રહી ન જવું જોઈએ.

કેટલાંકે ગાવાનું શરૂ કર્યું: ‘પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.’ બીજાઓ એ ઝીલ્યું.

‘ઉપાડો... કાંધ દ્યો ... દિકરો... ભત્રીજો... જમાઈ.. છે કોઈ કુટુંબનો?..’

ઘરમાં તથા બહાર કાઢવાની ટોળે વળીને રાહ જોતાં બધા લોકોનાં મુખ પર એક જ વાત: ‘બહુ ભલા માણસ હતાં.’

‘અરે,ભાઈ, આટલો સારો હતો તે આખી જિંદગીમાં કોક વાર તો કહેવું હતું, કે બોસ તમારા જેવો સજ્જન કોઈ નહીં.’.

‘રામ બોલો ભાઈ રામ.’ સંબંધ પ્રમાણે સહુ રોયાં...શબ વાહિનીએ વિદાય લીધી.

અને બસ. આવજો.

થોડી વારમાં તો બધા માટે કેટલી દોડાદોડ થઈ પડી? અને ભવિષ્યમાં કુટુંબ માટે હજી તો કેટલી જંજાળ ને મુશ્કેલી આવી પડશે એ કલ્પના નથી થતી. મારે દિકરાને ઘણું કહેવું હતું.આર્થિક વ્યવસ્થા જણાવવી હતી. પત્નીને એક બિગ થેન્કયુ કહેવું હતું, મા નાં કરચલી વાળા હાથને પંપાળવો હતો,પોતરાને ચૂમી લેવો હતો,નિખાલસ પુત્રવધૂને શીખ આપવી હતી, મિત્રોને છેલ્લી વાર ભેટવું હતું, મારા ઘેર પાણી સાથે પરસેવો સિંચીને વાવેલ વૃક્ષને ઉછરતાં જોવું હતું. ને ચકલીને બચ્ચાંને ઊડતાં શીખવતી જોવી હતી. હમણાં વિયાએલ કુતરીનાં પઠઠા ગલૂડિયાંને ચપ-ચપ દૂધ પી ને ગેલ કરતાં જોવા હતાં.અને સૌથી વિશેષ મારા પર અસીમ કૃપા માટે કુદરતનો ઋણ-સ્વીકાર કરવો હતો. પણ અચાનક અવલ મંઝિલ આવી ગઈ.

સ્મશાનમાં એક તરફ વિધિ ચાલતી હતી. ત્યાં કોઈ નાતીલાએ પૂછ્યું: ‘એલા, ચા નું શું છે?’

તે સમયે મારા ઘરની બહાર કૂતરી અને ગલૂડિયાંઓ કઈક સુંઘ્યા કરતાં ફરી હતાં ને જાણે કઈક શોધતાં હતાં!

,