Anant Safarna Sathi - 33 in Gujarati Fiction Stories by Sujal B. Patel books and stories PDF | અનંત સફરનાં સાથી - 33

Featured Books
Categories
Share

અનંત સફરનાં સાથી - 33

૩૩.ભૂતકાળની ઝલક



"હેય, ચુપચાપ કેમ ચાલ્યે જાય છે? કંઈક તો બોલ." આર્યનનાં અવાજે આયશાને ફરી વર્તમાનમાં લાવી દીધી. એ આયશા વિશે વધું જાણવાં માંગતો હતો. જેમ મુંબઈથી અમદાવાદ આવેલી આયશા આવી તો હતી રાહીને મળવાં પણ આર્યનને જોઈને તેને આર્યનમાં રસ પડવા લાગ્યો. એમ આર્યન પણ ક્યાંક ને ક્યાંક આયશા તરફ આકર્ષિત થયો હતો. જેનું એક કારણ તો આયશાની વાતો હતી. એ અત્યારે છે એવી પહેલાં ન હતી. મતલબ તેની સાથે એવું કંઈક થયું હતું. જેણે આયશાને આવી બનવા મજબૂર કરી હતી.
આર્યનનો અવાજ સાંભળીને આયશાએ આર્યન તરફ જોયું. ત્યાં જ તેનો ફોન વાયબ્રન્ટ થયો. આયશાએ ફોનની સ્ક્રીન પર 'પપ્પા' ફ્લેશ થતું જોયું. તેણે ફોન નાં ઉપાડ્યો. આયશા ઘરે કોઈને જાણ કર્યા વગર જ અમદાવાદ આવી ગઈ હતી. સાથે બોડીગાર્ડ પણ લાવી ન હતી. જેનાં લીધે એરપોર્ટ પરથી અચાનક બધાં બોડીગાર્ડને ચકમો આપીને અમદાવાદ આવી ગયેલી આયશા વિશે અત્યાર સુધીમાં તો તેનાં બોડીગાર્ડોએ પન્નાલાલ હિરાણી સુધી જાણકારી પહોંચાડી જ દીધી હશે. એમ સમજીને આયશાએ ફોન જ નાં ઉપાડ્યો. પન્નાલાલ વારંવાર ફોન કરતાં રહ્યાં. પણ આયશા તેમનો ફોન ઈગ્નોર કરતી રહી. એ વાત આર્યનથી છૂપી નાં રહી શકી.
"એકવાર વાત કરી લે ને. કંઈ કામ હશે તો નાહકના પરેશાન થશે." આર્યને સલાહ આપી.
"તેમણે હું ક્યાં છું? એ બધું અત્યાર સુધીમાં જાણી લીધું હશે. તો પરેશાન થવાની વાત જ નથી. ફોન ઉપાડતાં જ એ શિકાયતો કરવામાં લાગી જાશે." આયશા પહેલેથી બધું જાણતી હોય એમ બેફિકરાઈ પૂર્વક બોલી ગઈ. આર્યન આગળ કંઈ બોલી નાં શક્યો. બંને ચાલતાં ચાલતાં હોસ્પિટલથી બહું દૂર આવી ગયાં હતાં.
"અહીં થોડીવાર બેસીએ." આર્યને એક બાંકડો જોઈને કહ્યું. આયશા ખંભા ઉછાળીને બાંકડા પર બેસી ગઈ. આર્યન પણ તેની બાજુમાં ગોઠવાયો.
"તને તારાં પપ્પા અને તેમની લાઈફ સ્ટાઈલથી શું પ્રોબ્લેમ છે?" આર્યને ધીરેથી પૂછ્યું.
"ત્રણ વર્ષ પહેલાં મારી સાથે જે થયું. એમાં તેમની લાઈફ સ્ટાઈલ, તેમનો રૂતબો અને મારી આગળ પાછળ ચોવીસ કલાક ફરતાં તેમનાં બોડીગાર્ડ પણ એ ઘટનાને ઘટતી રોકી શક્યા ન હતાં." આયશાએ નિઃસાસો નાંખ્યો, "જીવનમાં જે થવાનું હોય. એ થઈને જ રહે. તો કોઈને કોઈ વસ્તુ પસંદ નાં હોય. તો તેમને જબરદસ્તી એ કરવાં મજબૂર નાં કરાય." એ થોડી ફિલોસોફિકલ બની ગઈ, "આપણે બધાં માણસ જ છીએ. આપણાં શરીરનાં આકાર અને લાઈફ સ્ટાઈલ ભલે જુદી હોય. પણ છીએ તો માણસ જ ને.! આપણું ભવિષ્ય પણ એકનાં જ હાથમાં છે, ભગવાન.!" તેની વાતોમાં સચ્ચાઈ તો હતી.
"એવું તો તારી સાથે શું થયું હતું? કે અત્યારે જે દોલત અને શોહરત પાછળ લોકો આંધળા થઈને ફરે છે. એ બંને તારી પાસે હોવાં છતાં તારે એ કંઈ જોઈતું નથી." આર્યને આંખો ઝીણી કરી.
"આજથી ત્રણ વર્ષ પહેલાં મારાં પપ્પા સાથે કામ કરતો એક વ્યક્તિ ફૂટ્યો હતો. તેણે મારાં પપ્પાને હિરાની સ્મગલિંગ માટે કહ્યું હતું. મારાં પપ્પાએ ચોખ્ખી નાં પાડી." એણે ત્રણ વર્ષ પહેલાંની ઘટનાં યાદ કરી, "મારાં પપ્પાની નાં મળ્યાં પછી તેણે એકલાં હાથે એ કામ કરવાનું વિચાર્યું. મારાં પપ્પાને જાણ થતાં તેમણે એ વ્યક્તિને ગિરફ્તાર કરાવી દીધો. અશોક જાનીનો દિકરો માલવ જાની...તેને પોતાનાં પિતાની ગિરફ્તારી વિશે જાણ થતાં મનમાં ગાંઠ વાળી કે એ મારાં પપ્પાએ કરેલ ભૂલની સજા મને આપશે. જો કે મારાં પપ્પાએ કરી એ કોઈ ભૂલ ન હતી. પણ એ માલવને કોણ સમજાવે?" આયશા થોડી ગંભીર થઈ, "માલવ જાની મારો બેસ્ટ ફ્રેન્ડ.! તેનાં પપ્પા મારાં પપ્પાને લીધે ગિરફ્તાર થયાં એ જાણ થતાં જ તેણે અમારી દોસ્તી પણ નેવે મૂકી. એક રાતે એ અમારી તમામ સિક્યોરિટીને ચકમો આપીને મારાં રૂમમાં ઘુસી ગયો. તેનાં હાથમાં એસિડની નાની બોટલ હતી. એ બધું જોતાં હું તેનાં મનનાં ભાવ તો કળી ગઈ. છતાંય હું કે અમારાં ઘરની સિક્યોરિટી કોઈ એ ઘટનારી ઘટનાને રોકી નાં શક્યું." એની આંખો ભીની થઈ ગઈ, "મારી ઉપર એસિડ ફેંકવા આગળ વધી રહેલાં માલવથી બચવાનો પ્રયત્ન કરતાં મેં મારાં રૂમની ટિપોય પર રહેલાં કાચનાં બાઉલમાં ભરેલાં પથ્થરો ફર્શ પર ઢોળ્યાં. એનાં પર તેનો પગ લપસતાં જ એસિડની બોટલ મારી તરફ ફંગોળાઈ. હું એક ઝટકા સાથે ફરી ગઈ. એ મારું નસીબ કહું કે નિયતિનો જ કોઈ ખેલ એસિડ મારાં ચહેરાં પર નહીં ને મારી કમર પર પડીને પોતાનાં નિશાન છોડી ગયું." એ રીતસરની રડી પડી, "હું ફર્શ પર ઢળી પડી. કમર પર સખત બળતરાં થતી હતી. મારાં કણસવાનો અવાજ સાંભળી બધાં મારાં રૂમ તરફ દોડી આવ્યાં. પણ થવાનું હતું એ તો થઈ ચૂક્યું હતું. મારાં ફર્શ પર ઢોળેલા પથ્થરમાં લપસવાથી માલવનાં પગમાં ઈજા થઈ હતી. એ ભાગી નાં શક્યો. પપ્પાએ પોલીસને ફોન કર્યો. પોલીસ માલવને પકડી ગઈ. પણ મારી ત્વચા ઉપર તો એ ઘટનાનાં દાગ રહી જ ગયાં ને.! પપ્પાની ટાઈટ સિક્યોરિટી, એનાં રૂપિયા, એની ખાનદાની, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ એ ઘટનાને ઘટવાથી નાં રોકી શક્યું." વર્ષો પછી ફરી એ ઘટના યાદ કરીને બધાં જ દ્રશ્યો આયશાની આંખો સમક્ષ તરવરવા લાગ્યાં. તેણે આંખો સાફ કરી અને બાંકડા પરથી ઉભી થઈ. પવનનાં એક સુસવાટા સાથે ફરી તેનું શોર્ટ ટી-શર્ટ ઉંચુ ઉડ્યું. આર્યનની નજર તેની કમર પર રહેલાં એસિડનાં નિશાનો પર પડી. આર્યનની આંખો ભીની થઈ ગઈ હતી. રોડ પર જતાં વાહનની હેડ લાઈટનાં લીધે આર્યનની આંખોમાં રહેલું પાણી ચમક્યું. એ અચાનક જ બાંકડા પરથી ઉભો થઈને આયશા તરફ આગળ વધ્યો. તેનું ટી-શર્ટ પવનનાં સુસવાટા સાથે ઉંચા નીચું થતું હતું. આર્યનની નજર એ નિશાનો પર જ ચોંટેલી હતી. ભીની આંખો અને આયશાનાં જીવનની કાળી બાજુ જાણ્યાં પછી જે તકલીફ આર્યનને થઈ. એ પછી તે ખુદ પર કંટ્રોલ નાં કરી શક્યો. તેનાં હાથની હથેળી આયશાની કમર પર રહેલાં નિશાનો પર ફરવા લાગી. અચાનક આર્યન દ્વારા થયેલાં સ્પર્શથી આશાની આંખો મીંચાઈ ગઈ. આર્યને તેને પોતાની તરફ ફેરવી આયશાની આંખો હજું પણ બંધ હતી. તે બંધ આંખોએ જ આર્યનનાં ગળે વીંટળાઈ ગઈ. આર્યનની આંખો પણ બંધ થઈ ગઈ. આયશા ત્રણ વર્ષ પછી આજે ખુલીને રડી. તેનાં ડૂસકાં આર્યનને પણ સંભળાતાં હતાં. એ પ્રેમથી આયશાનાં મેગી જેવાં વાંકળિયા વાળમાં પોતાની આંગળીઓ ફેરવતો રહ્યો. જાણે તે તેનાં વાળની ગુંચ સુલઝાવવા મથતો હતો કે આયશાનાં જીવનની? એ આયશા પણ સમજી નાં શકી. આર્યનની બાહોમાં તેને સિક્યોર ફીલ થતું હતું. એ બસ આર્યનને વળગેલી રહી. આર્યને પણ તેને પોતાનાથી અળગી નાં કરી.
"હવે જઈએ?" આયશાએ સ્વસ્થ થઈને, આર્યનનાં ગળે વળગી રહીને જ પોતાનાં હાથનાં કાંડે રહેલી વૉચમાં જોઈને પૂછયું. ત્રણ વાગી ગયાં હતાં. છેલ્લી બે કલાકથી બંન્ને સાથે હતાં. આયશા જેટલી જલ્દી ઈમોશનલ થઈ જતી. એટલી જ જલ્દી સ્વસ્થ પણ થઈ જતી. આ બધું તેણે પોતાનાં જીવનમાં આવેલાં ઉતારચઢાવ પરથી જ શીખ્યું હતું. દર વખતે બધી જગ્યાએ કોઈ તમને સંભાળવા નહીં આવે. એટલે જાતે જ પોતાની જાતને સંભાળતાં શીખી લેવું. એટલું આયશા સમજી ગઈ હતી.
આર્યન હળવેથી આયશાથી અળગો થયો. બંનેની નજર એક પળ માટે મળી. આર્યનનાં ચહેરાં પર આયશાનાં જીવનની કાળી બાજુ જાણીને પોતે તેનો સહારો બની શક્યો તેનો સંતોષ હતો. તો આયશાએ ઘણાં વર્ષો પછી કોઈ સાથે પોતાનું દુઃખ શેર કર્યું અને એ વ્યક્તિએ તેને સમજી તેનો સંતોષ હતો. બંને એક હળવાં સ્મિત સાથે એ જ રસ્તે ચાલતાં થયાં. જે રસ્તેથી આવ્યાં હતાં. આ વખતે મનમાં કોઈ મુંઝવણ ન હતી. કોઈ સવાલો ન હતાં. હતો તો બસ માત્ર સંતોષ.!
શિવાંશ બંનેની રાહ જોઈને બહાર જ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં બેઠો હતો. બંનેને આવતાં જોઈને એ તરત ઉભો થયો. ત્રણેય સાથે જ અંદર ગયાં. બધાં આટલી રાતે પણ જાગતાં હતાં. રાધિકા રાહીનાં રૂમનાં દરવાજા સામે ઉભી હતી. રાહીને સર્જરી પછી નોર્મલ રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. એ હજું પણ બેભાન હાલતમાં જ હતી.

મુંબઈમાં સ્થિત મલબાર હિલનાં અમીર ગણાતાં એવાં એરિયામાં આવેલો બે માળનો સ્વાગત બંગલો...જે કોઈ રાજમહેલથી ઓછો નાં આંકી શકાય. આખાં બંગલાની આજુબાજુ સ્થિત સેક્યુરિટિ ગાર્ડ, ભવ્ય પાર્કિંગ એરિયા જેમાં અલગ-અલગ પ્રકારની કેટલીયે ગાડીઓનો કાફલો ઉભો હતો. એન્ટરસ ગેટમાં પ્રવેશતાં જ બંને બાજુ રંગબેરંગી ફુલોની ક્યારીમાંથી પસાર થઈને ઘરનાં મુખ્ય દરવાજા સુધી પહોંચી શકાતું. એક બાજું સરસ મજાનું ગાર્ડન હતું. જેમાં એક ટેબલ અને થોડી ખુરશીઓ હતી. ત્યાં બેસીને નાસ્તો કે બીજું કંઈ કામ કરવું હોય તો તડકાથી બચવા ટેબલ ઉપર આખું ટેબલ અને ખુરશીઓ ઢંકાઈ જાય એ રીતે મોટી છત્રી લગાવેલી હતી. સાથે જ થોડે દૂર એક સફેદ કલરનો હીંચકો હતો. તેની પાછળની તરફ લીમડાનું વૃક્ષ હતું. જે એ હીંચકાને છાંયો આપી રહ્યું હતું.
સ્વાગત બંગલો બહારથી જેટલો આકર્ષક હતો તેનાંથી બે ગણો અંદરથી આકર્ષક હતો. સુર્યની પહેલી કિરણ સ્વાગત બંગલો પર પડી ગઈ હતી. બંગલાની અંદર પણ ટાઈટ સિક્યોરિટી હતી. લાકડાંની અદ્ભૂત કોતરણીવાળા વિશાળ સોફા પર પન્નાલાલ હિરાણી તેનાં પાતળી ફ્રેમવાળા નંબરનાં ચશ્માં જમણાં હાથમાં પકડીને એ હાથ લમણે રાખીને બેઠાં હતાં. બે ત્રણ બોડીગાર્ડ તેમની ખિદમત કરતાં તેમની સામે ગરદન ઝુકાવીને ઉભાં હતાં. પન્નાલાલ હિરાણીનો તંગ થયેલો ચહેરો જોઈને સ્વાગત બંગલો એકદમ શાંત અને ગંભીર ભાસતો હતો. આ બંગલાની દિવાલો અને એક એક વસ્તુ પણ જાણે પન્નાલાલ હિરાણીનો સ્વભાવ સમજતી હોય એમ બંગલામાં કોઈ રહેતું નાં હોય એવી શાંતિ છવાયેલી હતી. જે પન્નાલાલ હિરાણીની ચિંતા વ્યક્ત કરી રહી હતી.
"મુર્ખાઓ! એ તમારી નજર સામેથી ફલાઈટમાં બેસીને જતી રહી અને તમે તેને રોકવાનું તો દૂર તે કોની સાથે ગઈ? એ પણ જાણી નાં શક્યાં." પન્નાલાલ હિરાણીનાં ઉંચા અને ગુસ્સાથી ભરેલાં અવાજે થોડીવાર પહેલાં શાંત રહેલાં બંગલાની એક એક ઈંટને જાણે હચમચાવી નાંખી.
"આયશા બેબીને તો તમે ઓળખો જ છો. એ રાતે જે બન્યું..." પન્નાલાલ પાસે ઉભેલાં પચાસેક વર્ષનાં તેમનો શોરૂમ સંભાળી રહેલાં દેવરાજભાઈ એટલું કહીને થોડીવાર અટક્યાં પછી આગળ કહ્યું, "આયશા બેબી કોઈને કંઈ કહીને ક્યાંય જતી નથી. તેમને ક્યાંય જતાં રોકવા કે તેમની સાથે કોણ જાય છે? એ જાણવું સહેલી વાત નથી." કહીને દેવરાજભાઈએ પોતાનાં આંખ પરનાં ચશ્માં સરખાં કર્યા. ચશ્માં ખોવાઈ નાં જાય એ માટે ચશ્માં પર લાગેલી સોનાની ચેઇન અને હાથની આંગળીઓમાં પહેરેલી સોનાની વીંટીઓ અને આત્મવિશ્વાસથી ભરપૂર તેમનો ચહેરો તેમની ઉંમર અને આટલી ઉંમરના અનુભવો પછી તે વ્યક્તિને જોવાં માત્રથી તેનાં વિચારો સમજી શકતાં તેની ચાડી ખાતો હતો.
"આયશા માટે જ હું બધાંને પગાર ચુકવુ છું. છતાં એ આયશા પર નજર રાખી નાં શકે. તો મારે આ બધાનું શું કામ?" પન્નાલાલ હજું પણ ગુસ્સે હતાં. તેમનાં ચહેરાં પર આવતાં જતાં ભાવ તેમનાં ગુસ્સાનું માપ બતાવતાં હતાં. આજે દર વખત કરતાં ટેમ્પરેચર થોડું વધારે જ હાઈ હતું. આયશા બધું મરજી મુજબ કરતી. પણ આ રીતે મુંબઈ છોડીને ક્યારેય ગઈ ન હતી. એટલે પન્નાલાલ થોડાં વધારે પરેશાન હતાં.
"સાહેબ! આયશા બેબી કોફી શોપમાં જે છોકરાંને મળતાં એ પણ અમદાવાદ ગયો છે. કદાચ આયશા બેબી તેમની પાછળ જ અમદાવાદ ગયાં હોવા જોઈએ." પન્નાલાલ વધું ગુસ્સે થાય અને કોઈની નોકરી સંકટમાં મૂકાય. એ પહેલાં જ પન્નાલાલનાં ખાસ આદમી નાગજીએ આવીને કહ્યું.
"શિવાંશ? પણ એ અમદાવાદ શાં માટે ગયો છે?" પન્નાલાલ વિચારે ચડ્યાં, "કદાચ તેની જૂની હિસ્ટ્રી ખુલવાનો સમય આવી ગયો છે. જે આજ દિન સુધી કોઈ જાણી શક્યું નથી. પણ હવે હું એ જાણીશ." એ સોફા પરથી ઉભાં થયાં, "મારી પણ અમદાવાદ જવાની તૈયારી કરો." કહીને પન્નાલાલ ઉપર રહેલાં પોતાનાં રૂમ તરફ જવાં માટેનાં દાદરા પાસે પહોંચ્યાં. ત્યાં જ તેમનાં પત્ની સોનાક્ષીબેન પૂજાની થાળી લઈને તેમની સામે ઉભાં રહી ગયાં. પન્નાલાલે થાળીમાં સળગી રહેલી જ્યોત ઉપર બંને હાથ ફેરવીને આંખે અડાડી આંખો બંધ કરી. સોનાક્ષીબેને તેમની આંખો ખુલી એટલે હાથમાં પ્રસાદની લાડુડી મૂકી.
"તમે શિવાંશ અને આયશાને લઈને જે વિચારો છો. એ સાચું નહીં હોય તો આયશા બહું ગુસ્સો કરશે." પન્નાલાલે પ્રસાદની લાડુડી મોંમાં મૂકી એ સાથે જ સોનાક્ષીબેન બોલ્યાં.
"હું વિચારું છું. એવું નાં હોત તો તમારી દીકરી રોજ કોફી શોપમાં તેને મળતી નાં હોત." પન્નાલાલ ફરી સોફા પર ગોઠવાયાં. સોનાક્ષીબેન તેમની પાછળ પાછળ જઈને તેમની સામે ઉભાં રહ્યાં, "તમારી દીકરી મહીનામાં સાતેક વખત તેને મળતી હશે. તેની સાથે હસી હસીને વાતો કરે છે. મારાં આદમીએ જ તેનાં ફોટાઓ પાડીને મને બતાવ્યાં છે." એ વિચારે ચડ્યાં, "શિવાંશ મુંબઈનો બિઝનેસ ટાયકૂન હતો. કોઈ કારણસર એક વર્ષથી તેણે બિઝનેસ તેનાં મિત્ર ગણાતાં મેનેજર ઋષભને સોંપી દીધો છે. પણ મલયે બિઝનેસ ઋષભનાં નામે નથી કર્યો. એક દિવસ તો બધું શિવાંશને જ પાછું મળશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી."
"તો તમને આયશાનાં નિર્ણયથી કોઈ પ્રોબ્લેમ નથી?" સોનાક્ષીબેનથી પુછ્યાં વગર નાં રહેવાયું.
"એક વર્ષ પહેલાં શિવાંશ સાથે શું થયું? એ હું નથી જાણતો. પણ તેનો ખુલાસો થવાનો સમય આવી ગયો છે." પન્નાલાલ ફરી ઉભાં થઈને હાથ પાછળ ગોઠવીને ધીરે-ધીરે હોલમાં ચાલવા લાગ્યાં, "શિવાંશ છેલ્લી વખત અમદાવાદ જ ગયો હતો. ત્યાંથી આવ્યાં પછી તેણે પોતાનો બિઝનેસ છોડી દીધો હતો. આજે ફરી એ અમદાવાદ ગયો છે. તો ત્યાં જ તેની જૂની કહાની જાણવાં મળશે. આયશાનો દરેક નિર્ણય મને મંજૂર છે. શિવાંશ કદાચ બિઝનેસ છોડી શકે. પણ મલય તેને એવું કરવાં નહીં દે. એની મને ખાતરી છે. હવે વધું જાણકારી તો અમદાવાદ જઈને જ મેળવી શકાય."
"સાહેબ, તમારી અમદાવાદ જવાની તૈયારી થઈ ગઈ છે." નાગજીએ આવીને કહ્યું. તેણે પન્નાલાલનાં હાથમાં ફ્લાઈટની ટિકિટ આપી. પન્નાલાલ ટિકિટ લઈને દાદરા ચડવા લાગ્યાં. સોનાક્ષીબેન પૂજાની થાળી લઈને મંદિરમાં રહેલી રાધાકૃષ્ણની મૂર્તિ સામે જઈને ઉભાં રહી ગયાં. પૂજાની થાળી મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે મુકીને તેમણે બંને હાથ જોડી લીધાં‌.
"હે પ્રભુ! જે કર એ સારું અને સાચું કરજે. કોઈ સાથે અન્યાય નાં થવા દેતો." સોનાક્ષીબેન ભગવાન સામે વિનવણી કરવાં લાગ્યાં. ત્યાં જ પન્નાલાલ એક નાની બેગ સાથે ફરી હૉલમાં આવ્યાં.
"નાગજી! પેલાં શિવાંશ અને આયશાનાં ફોટો પણ આપ. કદાચ તેની જરૂર પડશે." પન્નાલાલે હુકમ કર્યો. નાગજી દોડતો સ્ટડી રૂમનાં ડ્રોઅરમાંથી ફોટોઝનું કવર લઈને આવ્યો. એ તેણે પન્નાલાલનાં હાથમાં મૂકયું. કવરને બેગમાં મૂકીને પન્નાલાલ ઘરનાં મુખ્ય દરવાજેથી બહાર નીકળી ગયાં. બહાર ત્રણ ગાડીઓ ઊભી હતી. આગળની ગાડીમાં બોડીગાર્ડ, પાછળની ત્રીજી ગાડીમાં બોડીગાર્ડ અને વચ્ચેની ગાડીમાં પન્નાલાલ અને નાગજી ગોઠવાયાં. ત્રણેય ગાડી અમદાવાદ એરપોર્ટ તરફ આગળ વધી.



(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ