"મમ્મી! મારે ઘણું મોડું થઈ ગયું છે હું જાઉં છું." એમ ઝડપથી હું કોલેજ જવા નીકળી. વિકી રાહ જોઇ રહ્યો હતો. એની સાથે હું કોલેજ પહોંચી.
"જો મારે આજે ઘણું મોડું થયું છે તો હું જાઉં છું આપણે પછી મળીએ." એમ કેહતા હું ઝડપભેર ચાલવા માંડી.
એટલે વિકી ઝડપથી આગળ વધીને મારો હાથ પકડી બોલ્યો; "અરે સાંભળ તો ખરી!!! સાંજે મળીશુંને? હું રાહ જોઇશ."
હું તો શરમથી લજામણી બનીને હાથ ઝાટકીને હસતાં ચેહરે ઝડપથી ચાલી ગઈ. કોલેજથી જયારે હું ઘરે પહોંચી તો મમ્મી કાગડોળે મારી રાહ જોતી હતી.
"તું આવી ગઈ! હું તારી જ રાહ જોતી હતી." એમ કહેતાં ઉત્સાહભેર મારી પાસે આવી ગઈ. "અરે! રૂપાલી તને ખબર છે આજે તારા...."
અરે મમ્મી! મને શાંતિથી પાણી તો પીવા દે ફ્રેશ તો થવા દે! કેટલી ઉતાવળ તને???" આજે પણ મારાથી ન રહેવાયું અને મારો અણગમો જાહેર થઈ જ ગયો. હું મારા રૂમમાં ગઈ. વિકીને મળવા પણ જવાનું હતું. "આજે હું શું બહાનું બતાવીશ એમ વિચારતી ફ્રેશ થઈને રૂમમાંથી બહાર આવી કે, અધીરી બનેલી મારી મમ્મી તરત જ બોલી ઉઠી.
"પેહલાં અહીં આવ મારી પાસે બેસ." થોડાં કર્કશ અવાજે મમ્મીએ મને એની બાજુમાં બેસવાનો ઈશારો કરતાં કહ્યું.
" જે કહેવું હોય એ જલદી બોલ, મારે જવાનું છે, કામ છે માટે. " એમ કેહતા હું મમ્મી પાસે બેસી. પેહલાં તો એણે મને મીઠી કોફીનો મગ હાથમાં પકડાવ્યો અને પછી કડવો ઘૂંટ પીવડાવ્યો એટલે મારી મીઠી કોફી કડવી થઈ ગઈ.
આમ પણ મમ્મીની કેહવાની રીત જ એવી કે કડવા ઘૂંટ પીવા તૈયાર જ રહેવાનું. એ કઈ કહેવાનું શરૂ કરે કે, સાંભળ્યા પેહલાં જ મારા ચહેરા પર અણગમો જાહેર થવા માંડે.
"હવે તું કાઈ બોલીશ કે નહીં ? એમ પૂછતાં મેં અણગમો દર્શાવ્યો.
એ મારા અણગમાને ભાળી ગઈ અને જરાય સમય બગડ્યા વગર ફટાફટ બોલી, " આજે તારા કાકાજીનો ફોન આવેલો એમણે કહ્યું જ્યાં તારા લગ્ન માટે જ્યાં વાત નાંખેલી. એ લોકો કાલે સાંજે તને જોવા આવે છે. " આટલું બોલીને એ એના કામમાં લાગી ગઈ.
હવે મારા માટે તો જાણે નવો જંગ છેડાઈ ગયો હોય એમ " હવે શું કરવું ! " એ પ્રશ્નએ મને ઘેરી લીધી. મારા ચેહરા પર નિરાશાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. થોડી ક્ષણ તો હું વિચારમાં વમળમાં અટવાઈ ગઇ. એટલમાં જ ફોનની રિંગ વાગી અને હું તરત જ સ્વસ્થ થઈ જોયું તો વિકીનો ફોન હતો, મેં કટ કર્યો.
મમ્મીને પૂછવા રહુ તો પ્રશ્નોની લાઇન લગાવી દે એટલે " મમ્મી! હું હમણાં આવી. " એમ કહીને તરત જ હું નીકળી ગઈ.
" અરે! પણ હમણાં તો આવી ઘરે હવે શું કામ યાદ આવી ગયું? " આવું પૂછતાં મમ્મી ત્યાં આવી પહોંચી પણ મેં સાંભળ્યું ન સાંભળ્યું કરીને નીકળી ગઈ.
જ્યાં હું અને વિકી કાયમ મળતાં એ ખાસ સ્થળે હું પહોંચી. હિલોળા લેતાં દરિયાના પાણીના લહેરાતા તરંગોને જોઈને મારું મન વિચારોના તરંગોમાં વિહાર કરવા લાગ્યું. એટલામાં વિકીએ આવીને પાછળથી મારી આંખો બંધ કરી લીધી.
" અરે! હું મજાકના મૂડમાં નથી સમજ્યો ? " મેં નારાજગી અને ગુસ્સો વ્યક્ત કર્યા.
" અરે! પણ શું થયું? એ કહીશ તું ? " એમ કેહતા વિકી મારી બાજુમાં બેસી ગયો અને મારા હાથમાં હાથ મીલાવી આંગળીઓ પરોવી લીધી.
" મારા સગપણની વાત ચાલે છે. કહેલું ને મેં તને !
એ લોકો આવતી કાલે સાંજે આવે છે, મને સમજાતું નથી કે, હું આ વખતે કયું બહાનું બનાવીશ ? આ વખતે તો ઘરના પણ વાત માટે રાજી જ છે. કહે છે કે, સફળ બિઝનેસમેન છે તો શું જોવાનું હોય ? હવે તું જ કહે આમાં કે શું થઈ શકે? "
" એમાં શું થવાનું જેમ હમેંશા થાય એમ તારે ના કહી દેવાનું ! " એમ કહીને વિકી હસે લાગ્યો.
" તને કંઈ પડી જ નથી મેં તને કેટલી વાર કહ્યું કે, મારી સાથે ઘરે આવ આપણે વાત કરી લઈએ. પણ, તું છે કે........" આટલું બોલીને મેં ગુસ્સામાં મોઢું ફેરવી લીધું.
ત્યારે વિકી મારી સામે આવીને બેઠો અને આંખોમાં આંખો પરોવીને બોલ્યો, " સારું આજે તું વાત કરજે તારા મમ્મી - પપ્પાને પછી હું આવીશ મળવા. "
આ સાંભળીને હું ખૂબ ખુશ થઈ ગઈ અને ઉભી થઈને સારું હું આજે જ વાત કરીશ. અને દરિયામાં ઉછળતી પાણીની લહેરાતા તરંગોની જેમ અમારાં બંનેના મનમાં પણ પ્રેમ અને આનંદના તરંગો હિલોળા લેવા લાગ્યા.
* વધુ આવતાં અંકમાં ....🙂🙏
✍..... ઉર્વશી. " આભા "
19/06/21