Semantics - 3 in Gujarati Short Stories by Sangeeta... ગીત... books and stories PDF | અર્થારોહિ - 3

Featured Books
Categories
Share

અર્થારોહિ - 3

‌આગળના ભાગમાં જોયું કે અર્થ અને આરોહી ની મુલાકાત બાદ અજાણતાં જ અર્થના મનમાં આરોહી વસી જાય છે... બાદમાં અર્થ આરોહી પ્રત્યેની આ લાગણીથી મીઠી મૂંઝવણ અનુભવે છે... હવે આગળ....

* * * * * * * * * * * * * * * *

થોડા જ દિવસોમાં કોલેજમાં બધું રાબેતામુજબ ચાલવા લાગ્યું. અર્થ બહેન કેયા સાથે બાઈક પર કોલેજ પહોંચ્યો. બાઇક પાર્કિંગ એરિયામાં પાર્ક કરી એ કેયા સાથે રોહન અને માનવ ઊભા હતા ત્યાં પહોંચ્યો.

" જો મહાશય આવી ગયા.. ! હાઇ કેયા..." અર્થ અને કેયાને જોઈને રોહન બોલ્યો.

"હેલ્લો..." કેયાએ સહેજ સ્મિત સાથે જવાબ આપ્યો. અને પછી અર્થની સામે જોઇને કહ્યું... " હું મારા ક્લાસરૂમમાં જાવ છું"
અર્થે માથું હલાવ્યું. અને પછી રોહન તરફ જોઈને બોલ્યો...
" એવું તે શું કામ હતું કે મારી એટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છો?"

"ના, અમારે કોઈ કામ ન્હોતું તારું... પણ પ્રિન્સિપાલ સાહેબને છે... અને તને એની ઓફિસમાં મળવા માટે બોલાવ્યો છે... કેમ કે કાલે જાની સાહેબને વિદાઈ આપવાની છે અને કદાચ એમના માંનમાં કોઈ કાર્યક્રમ યોજવાનો હોય... તારી કોઈ હેલ્પ ની જરૂર હોય ! " માનવે ચોખવટ કરતા કહ્યું.

કોલેજના સૌથી ચપળ અને હોંશિયાર સ્ટુડન્ટ માં અર્થની ગણતરી કરવામાં આવતી હતી. કોલેજમાં કોઈ પણ પ્રકારના કાર્યક્રમ હોય અર્થથી વધારે સારું સંચાલન કોઈ ન કરી શકે. અને એટલે જ પ્રિન્સિપાલ સૌથી પેહલા અર્થને મળવાનું પસંદ કરતા. અર્થ પણ એમને ક્યારેય નિરાશ નહોતો કરતો. હમેશાં નવા નવા વિચારોથી એ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દેતો.

" ઓકે મળું છું હમણાં.. " એમ બોલીને અર્થની નજર કોલેજના ગેટ પર સ્થિર થઈ ગઈ...

આરોહી તેની મિત્રો સાથે ગેટ પરથી અંદર આવી રહી હતી. કાળા કલરના સલવાર કુર્તિમાં લાલ રંગના સુંદર નાના ફૂલોની ભાત હતી, સાથે લાલ રંગનો શિફોનનો દુપટ્ટો હવા સાથે તાલ મિલાવી રહ્યો હોય ! એમ લહેરાઈ રહ્યો હતો.

ત્વચાના ભૂરા રંગને લીધે કાળા રંગના ડ્રેસમાં આરોહી ખુબજ આકર્ષક લાગી રહી હતી. મોસમ પણ મહેકી ઉઠે એનું રૂપ જોઈને એમ આરોહી ને જોનાર કોઈની પણ નજર હટાવવી મુશ્કેલ થઈ જતી. આરોહી માટે આ વાત સામાન્ય હતી. એ બહુ ધ્યાન ન આપતી. આજે અર્થ પણ તેને જોઈને જાણે ખોવાઈ ગયો હતો...

" અર્થ " રોહન થોડા ઊંચા અવાજે બોલ્યો.

" હાં.. શું ? " અર્થ જાણે કંઈ ખબર જ ન હોય એમ રોહન સામે જોઈ રહ્યો.
" કમાલ છે યાર તું પણ.. પ્રિન્સિપાલ સાહેબને મળવા જવાનો હતો ને તું ? " રોહન અર્થને યાદ કરાવતો હોય તેમ બોલ્યો.

" અરે હા, એ તો ભુલાઈ જ ગયુ... ચાલ હમણાં મળી લવ... તમે લોકો ક્લાસમાં પહોંચો, હું પણ ત્યાં જ આવુ થોડીવારમાં " આમ કહી અર્થ લગભગ દોડતો પ્રિન્સિપાલ ની ઓફીસ તરફ ગયો.

ક્લાસમાં ફસ્ટ બેંચે કેયાની બાજુમાં જ આરોહી બેસી ગઈ. કેયાએ તેના તરફ જોયું અને સહજભાવે સ્મિત કર્યું... આરોહી પણ હસી.. અને પોતાનો હાથ કેયા તરફ લંબાવતા બોલી.. " હાઈ, આઇ એમ આરોહી... એન્ડ યુ ? "

" કેયા " કેયાએ હેંડશેક કરતા ટૂંકમાં સસ્મિત જવાબ આપ્યો.

બ્રેક ટાઈમમાં મિત્રો સાથે કેંટીનમાં જવાને બદલે આરોહી અમુક બુક્સ લેવા માટે લાયબ્રેરીમાં ગઈ. સુંદર અને વિશાળ લાઇબ્રેરી જોઈ આરોહી ખુશ થઈ ગઈ. કેમ કે એને પણ અર્થની જેમ વાંચનનો ગાંડો શોખ હતો. પુસ્તકોની સુગંધ એના મનને તાજગી આપતી. જ્યારે એ કોઈ પુસ્તક વાંચતી હોય ત્યારે આસપાસની લગભગ પંચાણું ટકા બાબતો એના માટે ગૌણ બની જતી. કોઈ પણ પુસ્તક વાંચ્યા બાદ કલાકો સુધી એના વિશે વિચારવું મંથન કરવું એને બહુ ગમતું.

આરોહી હરોળમાં હારબંધ રાખેલા પુસ્તકો જોઈ રહી હતી... એની નજર ગોઠવેલા પુસ્તકો પર એક પછી એક એમ ફરી રહી હતી. અને એમ જ જોતા જોતા એ આગળ ચાલી રહી હતી... અચાનક એ કોઈ સાથે અથડાઈ ગઈ...

આરોહી એ જોયું તો એ દિવસે ક્લાસમાં જોયેલો એ ચહેરો એને યાદ આવી ગયો. હાથમાં પુસ્તક રાખીને અર્થ
આરોહિથી વિરૂદ્ધ દિશામાં ઊભો હતો. એ પણ પુસ્તકો જોઈ રહ્યો હતો. એની પીઠનો ભાગ આરોહી તરફ હતો એટલે આરોહી આવી રહી હતી એનો એને ખ્યાલ ન આવ્યો.

અથડાતાં જ આરોહીથી બોલાઈ ગયું... " ઉફ્ફ " ... અને પછી પોતાને સાંભળતા બોલી... "સોરી, મને ખ્યાલ જ ન રહ્યો... મારું સંપૂર્ણ ધ્યાન પુસ્તકો તરફ હતું... આઈ એમ રિયલી વેરી સોરી...! અને અર્થના હાથમાંથી નીચે પડેલું પુસ્તક એણે નીચે જુકીનેં ઉઠાવ્યું...

આરોહી ને પહેલીવાર પોતાની એટલી નજીક જોઈ અર્થ થોડો સ્તબ્ધ થયો.. તેના વાળમાંથી આવતી તાજી શેમ્પૂની સુગંધ અને કપડાં પર છાંટેલા પરફ્યુમની સ્મેલ તેને ફિદા કરી ગઈ... થોડીવાર પછી સ્વસ્થ થઈ તેની આંખોમાં આંખો પરોવીને તે બોલ્યો... " ઇટ્સ ઓકે, હું પણ પાછળ તરફ ફરેલો હતો... એટલે તમે આવો છો એવું ધ્યાન ન રહ્યું... અને અથડાઈ ગયા. ડોન્ટ વરી અબાઉટ ઇટ "

અર્થને લાગ્યું કે આજે તે આરોહી સાથે વાત કરી પોતાનો પરિચય આપશે... એ હજુ કંઇક વધુ બોલે એ પહેલાં તો આરોહી તેના તરફ સહેજ સ્મિત વેરી આગળ ચાલવા લાગી.
ગમતા પુસ્તકો મળી જતા એ ત્યાંથી સડસડાટ બહાર નીકળી ગઈ.
લોન પર ચાલી રહેલી આરોહી ને અચાનક કંઇક યાદ આવ્યું અને એના પગ આગળ વધતા અટકી ગયા.