Vibration in Gujarati Short Stories by Dt. Alka Thakkar books and stories PDF | સ્પંદન

Featured Books
Categories
Share

સ્પંદન

' માઁ '




પાંચ વર્ષ નો ચિંટુ તેના મમ્મી- પપ્પા તથા નોકર - ચાકર સાથે વિશાળ બંગલા માં રહેતો હતો. જતીન અને શાલિની એ આ જમાનામાં એશોઆરામ માટે જરૂરી કહેવાતી એવી તમામ ભૌતિક સુખ - સગવડો ચિંટુ ને આપી હતી. ચિંટુ ની નાની સરખી ઈચ્છા પણ નોકર માટે હુકમ સમાન હતી. ઘરમાં તેનો પડ્યો બોલ ઝીલાતો. તે માંગે તે વસ્તુ - દરેક વસ્તુ તરત જ હાજર થઈ જતી, પરંતુ બંને માંથી એકેય પાસે ચિંટુ માટે ટાઈમ ન હતો. જતીન તેના બિઝનેસમાં તો ક્યારેક વલ્ડૅ ટૂર માં બિઝી રહેતો, જ્યારે શાલિની તેની કિટ્ટી પાર્ટી, બર્થડે પાર્ટી તો ક્યારેક મહિલા મંડળ ની આગેવાની અને ભાષણો માં બિઝી રહેતી. ચિંટુ નાનો હતો ત્યારથી આયા પાસે જ રહેતો. તેનું બધું જ કામ આયા સંભાળતી
- નવડાવવું, ખવડાવવું, રમાડવું - બસ આયા તેની બધી ફરજ બજાવતી પરંતુ આ બધા સુખ ની વચ્ચે ચિંટુ ની માસુમ - નિર્દોષ આંખો કંઈક શોધ્યા કરતી.......
એક દિવસ સ્કૂલ માં તેના ટીચર 'માઁ ' વિષય પર સમજાવતા હતા. માઁ બાળકને આવી રીતે વ્હાલ કરે, ખવડાવે, વાર્તા કહે, બીમાર હોય ત્યારે ખોળામાં માથું રાખી પ્રેમ થી માથા માં હાથ ફેરવે. આ બધું સાંભળી રહેલા ચિંટુ એ વિચાર્યુ " મારી પાસે મમ્મી છે એના બદલે એક માઁ હોત તો.........

' રાણી '

નિર્વા ની વિદાય થઈ રહી હતી. બધા ની આંખો માં આંસુ હતા. માતા - પિતા વ્યથિત હૃદયે વિદાય આપી રહ્યા હતા. સીમા બહેન - નિર્વા ની સાસુ તેના માતાપિતાને સાંત્વન આપતા હતા, ચિંતા ન કરો નિર્વા તો રાણી ની જેમ રહેશે અમારા ઘરે રાજ કરશે રાજ. નિર્વા ના માતા પિતા ને રાહત થઈ ને નિર્વા પણ ખુશ થઈ ગઈ આવી સાસુ મેળવીને.
બીજા દિવસે સવારે તૈયાર થઈ નિર્વા કિચનમાં આવી. સીમા બહેને કહ્યું ચાલ ફટાફટ રસોઈ ચાલુ કરી દે અહીં બધા ને વહેલા જમવાની આદત છે, ને તારી નણંદ પ્રિશા ને આરામ કરવા દેજે એ પછી આખો દિવસ આડીઅવળી થઈ ને થાકી જાય છે એ આમ પણ રજા હોય ત્યારે ૧૧ વાગ્યા પછી જ જાગે છે ને હા આજે કામવાળી આવવાની નથી અને હું હવે ભગવાન ની પૂજા કરવા બેસું હવે તો તું આવી ગઈ છે તો શાંતિ થી પૂજા કરીશ અને કંઈ વસ્તુ ન મળે તો સંકોચ રાખ્યા વગર પૂછી લેજે. નિર્વા ચારે બાજુ પથરાયેલા રાજ કારોબાર ને જોઈ રહી.

' જરૂરિયાતમંદ '

મેના બા અને અમથા કાકા નિરાશ વદને બેઠા બેઠા માળા ફેરવે છે ને સાથે ભગવાન ને ફરિયાદ કરી રહ્યા છે, આ કેવો રોગ આવ્યો છે? કોઈ બહાર પણ નીકળી શકતું નથી. જેને સગવડ છે એ તો ઘરમાં શાંતિ થી બેઠા છે પણ અમારા જેવા નું શું? કાકા ની તબિયત સારી હતી, ફેક્ટરી માં નોકરી એ જતા તો ૩ - ૪ હજાર રૂપિયા પગાર મળતો તો ગાડું ગબડી જતું , પણ તબિયત બગડતાં એ નોકરી છૂટી ગઈ, દીકરો આવતો તો મહિને ૨ હજાર રૂપિયા આપી જતો એમાં જીવ્યે જતાં. દીકરો તો કરોડો કમાતો હતો પણ એ કહેતો બે ઘરડા જીવ ને શું ખર્ચ થાય, સીધું - સામાન તો હું લાવી આપું છું. કોરોના અને લોક ડાઉન ને કારણે દીકરો ૩ મહિના થી ખબર કાઢવા આવ્યો નથી ઘરમાં સીધું પણ ખલાસ થઈ ગયું છે. ત્યાં તો બહાર કંઈ કોલાહલ સંભળાયો, અવાજ સાંભળી મેના બા બહાર નીકળ્યા તો કેટલાક સરકારી માણસો સામાનની કીટ અને ટીફીન આપતા હતા. મેના બા એ પુછ્યું બેટા કોના માટે છે? તો ભાઈ એ માહિતી આપતા કહ્યું ' બા આ તમારા જેવા સારા ઘરના માટે નથી આ તો " જરૂરિયાતમંદ " માટે છે. '