Gopal in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | ગોપાલ

Featured Books
Categories
Share

ગોપાલ

મોટું મેદાન હતું, અને એમાંથી એક સાંકડી પગદંડી નજર પહોંચે ત્યાં સુધી આવી ને આવી ચાલી જતી હતી. એની બન્ને બાજુ આવી રહેલાં, ઝીંડવો, ધોળિયું, અને બળદાણા - એમની ઘાસસુગંધ લેતો લેતો હું, ઉંબરવાડીના એ સાત ગાઉમાં ફેલાયલા વીડની પગદંડીએ પગદંડીએ ચાલી રહ્યો હતો. ચોમાસાના છેલ્લા દિવસો હતા. શરદ ઋતુમાં વાદળાં - એ ઘોળાં રૂપેરી આભરણથી આકાશને શણગારવા માંડ્યું હતું. આઘેની કેટલીક ધાર ઉપર રબારી પોતાનાં ઢોર ચરાવતા ઊભા હતા. ઠેર ઠેર પથરાયલી જમીનની લીલીછમ શોભાએ તમામના કંઠમાં બેઠેલાં ગીતોને જાણે બોલતાં કરી દીધાં હોય તેમ સીમ આખી જાણે ગાઈ રહી હતી ! ક્યાંકથી લંબરાગી દુહા આવી રહ્યા હતા. ક્યાંકથી મદરાગી નારીઓએ ટૂંકાં ઉતાવળાં પ્રેમગીત માંડ્યાં હતાં. કોઈ ઠેકાણે ખેડૂતને પોતાને ચાનક ચડતી લાગી. બીજે સ્થળે રસ્તે જનારાઓ ગાવાના તાનમાં આવી ગયા હતા. હું મારી કેડી ઉપર નજર માંડીને જતો હતો. પેલું ઘાસમાં રહેનારું પીળું પરડકું કે ઊડણિયું ક્યાંક ઝપટ કરી ન જાય એની સંભાળ લેવાની હતી.

થોડી વારમાં તો ઉંબરવાડીનો કોઠો દેખાયો. જૂના કર્નલ વોકરી જમાનાનો એ હતો. જે વખતે ગામ ઉપર ધાડ આવે, તો તાર કરવાની સંસ્કારિતા લોકોમાં હજી આવેલી નહિ, તે વખતનો એ કોઠો. આઘેથી નજરે પડે એવો ઊંચી ધાર ઉપર હતો. ત્યાં અગાશી ઉપર બેઠેલા જુવાનડા ચારે દશમાં નિહાળે. ને ગોફણિયાના ઘા પણ ત્યાંથી જ વછૂટે. ગામની રખેવાળી જ જુવાનિયાઓની પોતાની. એમાં કોઈનો ભાગ નહિ.

આ કોઠામાં બપોરે - રોંઢે અમે કોડિયે રમતા. રાતે સૂવા જતા. અગાશી ઉપર ભજનિકોની મંડળી પણ ત્યાં જ જામતી. વારેતહેવારે લોકો ભેગા પણ ત્યાં થતા. અને ગામની દીકરી પરણીને સાસરે જાય ત્યારે એનો છેલ્લો વિસામો પણ આ કોઠો હતો.

કોઠાની પાસેના ઓટલામાં બેઠેલાં માતાજીએ સેંકડો નારીનાં આંસુ જોયાં હતાં. અને હજારો જુવાનડાઓને ગાય માટે, નારી માટે, જળાશય માટે, એવી એવી આજ તો સફલી લાગે એવી બાબતો માટે, માથાં વઢાવવા માટે જાતા પણ ત્યાંથી જ નીરખ્યા હતા.

હવે તો એ કોઠો પણ પડુ પડુ થઈ રહ્યો હતો.

અમે જ્યારે ઉંબરવાડીએ જઈએ, ત્યારે ત્યારે એ કોઠાને છેટેથી નિહાળીને અમને પગમાં નવી જ લોહીધારા વહે ! આજ પણ એ કોઠાને જોયો એટલે મારી ચાલ ઉતાવળી થઈ ગઈ.

પણ બે નાડાવા રસ્તો માંડ કાપ્યો હશે ત્યાં, ‘એ પગે લાગિયે ગોરબાપા ! આજ તો અટાણમાં બાપા ! ગામ પવિતર કર્યું !’ એમ બોલતોક ને, બીજો કોણ ? મારો દોસ્ત હાજો રબારી, ત્યાં એક ખીજડાની પાસે બેઠેલો નજરે પડ્યો. એક ચામડાની પાકીટ-કોથળીમાંથી એ ગડાકુ કાઢી રહ્યો હતો. ‘આવો, બાપા આવો ! આ તો તમને કાંઈ દેવાય તેમ નથી. પણ બેક ચાળાં ટપકાવી દઉં બાપા ! ચા કરવી હોય તો ! ન્યાં ઓલ્યા નાળા પાસે જોગવાઈ થાશે !’

‘અરે ભાઈ ! હાજાભાઈ ! હવે ગામ ભેગો જ થાવા દ્યો ને. કેમ, છે તો સૌ મજામાં નાં ? કરસન પટેલ, બાવા બાપા, કાનજીભાઈ સૌ ?’

‘સૌ મજામાં છે બાપા !’

‘શું કરે છે અરજણ ?’

આ ઉંબરવાડીમાં હું તે પહેલાં માસ્તર હતો, ત્યારે હાજાને બે અક્ષર મેં શીખવાડેલા. અરજણ એનો છોકરો હતો. એને તો મેં અંગ્રેજી સુધી પહોંચાડેલો. પણ એ કામનો ચોર હતો એ મને ખબર હતી.

‘એ રિયો બાપા !’ હાજો બોલ્યો, ‘હવે એનાં હાડકાં હરામનાં થઈ ગયાં, ઈ હવે કાંઈ નો કરે - બાપા !’

‘પણ ઓણ કેવુંક છે ? નરવી છે ને હવા તો ?’

‘હવા તો એમ છે, બાપા ! પણ આ માંયલું મન છોકરે ભાંગી નાખ્યું, એની કાંઈ દવા ?’

‘કેમ એવો હીણો બોલ બોલ્યા, તમે હાજાભાઈ ? મરદ જેવા મરદ થઈને. હોય ઈ તો છોકરાં. હાલ્યા કરે. શું કર્યું છે અરજણે ? પાંત્રીસ રૂપિયા તો એ પગાર લાવતો’તો, એમ મને ખબર મળી’તી.’

‘ઈ પગાર ને નોકરી ને ભણતર, એણે તો અમારું ઉજ્જડ કરી નાખ્યું બાપા ! એમ કહો ને ! હવે આ પંદર જીવ આબરૂ સોતા સચવાઈ જાય તો બસ. આમાં છ-સાતને તો મેં છાશની નાળું પાઈ’તી ઈ માયલા છે. મારો ધરમ માતાજીને પરતાપે રહી જાય તો બસ. બાકી, આ તો બધો ઓટીવારનો જ પંથ હાલ્યો છે. શહેરમાં અરજણિયો ગ્યો. પાંત્રીસ રૂપિયાનો પગાર, ને મોઢામાં જુઓ તો દાંત જ નો મળે !’

‘અરર ! શું થયું ?’

‘થાય શું બાપા ! શે’રમાં જઈને પેલ’વેલા તો દાંત પડાવ્યા-માળો બોખો થ્યો ને વૌ પણ ખોઈ બેઠો !’

‘મરી ગઈ ?’

‘અરે બાપા ! મરી ગઈ હોત તો સારું. આ તો ભાગી ગઈ ! માથે રામકાણી રહી ગઈ છે. ભાગી તો ગઈ, પણ કોણ જાણે કોના ઘરમાં જઈને બેઠી ! હવે મારામાં શું ર્‌યું, તમે બોલો ? હવે આ જીવ ગળે વળગ્યા છે ને દા’ડા ખેંચું છું, બાકી હું તો મડદું ગણાઉં બાપા, મડદું !’

આ રબારી હાજાને એક લાકડી ને ધાબળા ભેર ઉઘાડે મેદાને, દીપડા સામે થાતો અમે જ જોયો હતો. આજ એ સાવ ભાંગી ગયો હતો. એ શીમમાં બેઠો હતો, પણ પહેલાં જે શીમનો હિલોળા દેતો પવન, એના મોંમાંથી દુહા બોલાવતો, એ સમય જ જાણે હવે પલટાઈ ગયો હતો.

(૨)

થોડી વાર પછી હું ત્યાંથી ઊઠ્યો પણ મન ખાટું થઈ ગયું હતું. હાજાના છોકરાને ભણાવવાનું કહેનારો હું પોતે જ હતો. એ છોકરો સાવ હરામનાં હાડકાંનો નીકળ્યો ! કૈંક વિચાર આવ્યા, એટલામાં કોઠો દેખાયો. કોઠા પાસેથી નીકળતાં, રસ્તા ઉપર જોડા કાઢ્યા. બે હાથ જોડીને માતાને માથું નમાવ્યું ને મારી ઓરડી તરફ જવા માટે પગ ઉપાડ્યા. એટલામાં તો બગલાની પાંખ જેવું ધોતિયું, કડિયું ને માથે રાતો મધરાશી કટકો, હાથમાં પાતળી લાઠી ને અરજણને જ ઓટલા ઉપરથી ઊતરતો મેં જોયો.

એને જોઈને હું ઊભો રહી ગયો, ‘કાં એલા એ અરજણ ! તું તો શે’રમાં હતો ને ક્યારે આવ્યો ?

‘આવ્યાં તો પંદર દી થ્યા બાપા ! પગે લાગીએ,’ કરીને અરજણે મારે ગોઠણે હાથ મૂક્યો.

‘પણ ભલા માણસ ! તું જુવાનજોધ આમ આંહીં રખડે, ને ડોસો ઢોરાંમાં હોય, ઈ કાંઈ સારું લાગે ?’

‘સારું તો નો લાગે બાપા ! પણ માને નહિ ને ! ડોસાને કહું છું, આપણે પહોંચ નો હોય તો બે જીવ ઓછા કરીએ, પણ એનો જીવ હાલતો નથી. માયા લાગી છે ને !’

અરજણની બોલીમાં ક્યાંય વાંધો ન હતો. તત્ત્વજ્ઞાનની છાંટ પણ દેખાતી. શરીર પણ એનું ઠીક ઠીક. બોલી ચોખ્ખી, મધુરી અને વિવેકી લાગે. દેખાવે પણ રૂપાળો. મોંમાંથી તો જાણે અમૃતના કટકા નીકળે. એમ એની બહારની આખી દેખાવસૃષ્ટિ ફરી ગઈ હતી. પણ કોણ જાણે શું હતું, એ આળસુ વિરામને જ વરી બેઠો હતો. એને ઢોરામાં જવું ન ગમે. નોકરી ન હોય તો હોટેલે બેઠો હોય. દૂધના હિસાબ માંડતો હોય. બે જીવ ઓછા કરવાની વાત કરતો હોય. વ્યવહારના ડહાપણની રજેરજ હકીકત જાણે જાણતો હોય. શી રીતે ઢોરોમાં ફાયદો થાય, એની વાતુ એવી કરે કે ભલભલા ગોથું

ખાઈ જાય ! પણ હાડકાં એનાં હાલે નહિ ! સૌ બોલતા કે એનું હાડ હવે કામ ન આપે - જીભ જ કામ આપી શકે !

(૩)

ત્યાર પછી તો હું અનેક ઠેકાણે ફંગોળાતો રહ્યો. માયામાત્ર દુઃખરૂપ છે એ આપણી મરી ગયેલી સરકાર જેવું કોણ જાણે નહિ, એટલે માસ્તર હોય કે મુખી, કોઈ સ્થાને માણસને વધુ વખત રાખે નહિ. મેં અનેક ગામનાં પાણી પીધાં, પણ ઉંબરવાડી જેવું કોઈ નહિ, નવરો પડું કે તરત એ ગામની પ્રીતિ સાંભરે ! કોઈ કોઈ જગ્યાને સૌન્દર્ય કરતાં વાતાવરણની ખૂબી વરેલી હોય છે. ઉંબરવાડી ગામ એવું.

છ-સાત વર્ષ પછીની વાત છે. એ વખતે દેશભરમાં ભયંકર દુકાળ પડ્યો હતો. પાણીનું એક ટીપું પણ આકાશમાંથી વરસ્યું ન હતું. લોકની વિપત્તિનો કોઈ પાર ન હતો. એ વખતે મને ઉંબરવાડીની માયા સાંભરી આવી. મારું નાનકડું પોટલું લઈને સ્ટેશને ઊતર્યો. પગરસ્તે ઉંબરવાડી જવા નીકળ્યો.

પણ જેમ જેમ જૂના થાનક જોતો ગયો તેમ તેમ હૃદયમાં હૃદય બેસી જવા લાગ્યું. જે જમીન મેં મૂકી હતી તે જાણે કે ભરખાઈ ગઈ હતી. ક્યાંક કહેતાં ક્યાંક લીલોતરીનું નામ-નિશાન મળે નહિ. ડુંગરા ખાવા ધાતા હોય તેમ સાવ કોરાધાક ઊભા હતા. ઠેર ઠેર ઝાડનાં ઠૂંઠાં દેખાતાં હતાં. વાડવેલા, ઝાડપાન કે બીડ, કાંઈ કહેતાં કાંઈ લીલું મળે નહિ ! એવે રસ્તે હું એકલો ચાલ્યો.

એટલામાં તો નદીનો પટ દેખાયો. કાંઈક રળિયામણી સૃષ્ટિ જોવા મળશે એમ ધારીને હું ઉતાવળે દોડ્યો. કાંઠા ઉપર આવ્યો તો અંદર નદીપટમાં વેકુરિયા કાંકરા માત્ર ખખડી રહ્યા હતા ! ચારે તરફ દૃષ્ટિ કરી. અહીં એક વખત પાણી હિલોળા દેતાં, ત્યાં ડુંગરાની ધારેથી વાંસળીઓ વાગતી, પેલી પાનપાટમાં તો ઢોર માતાં નહિ, રબારીઓ ત્યાં નવકાંકરી માંડી બેઠા હોય આજ ત્યાં કાંઈ જ ન હતું. એક પ્રકારનો હાડ ગાળી નાખે એવો ભેંકાર જાણે ધરતીમાંથી ઊઠી રહ્યો હતો. ભેંકાર !

અને ત્યાં તો મેં દૂરદૂરનાં ઠૂંઠાં ઉપર ગરજાંનાં ટોળેટોળાં બેઠેલાં દીઠાં. આંહીં હવે બીજા કોનું કામ ? ઉપર આકાશમાં નજર કરી. કસાઈખાના ઉપર સમળીઓ ઘૂમે તેમ સમળીઓ ઘૂમી રહી હતી. ભૂખી નજરે ધરતીને નિહાળતાં ગીધડાં ત્યાં બાવળનાં ઠૂંઠાં ઉપર બેસી રહ્યાં હતાં. અરે ! કાગડા સિવાય બીજું કોઈ પંખી પણ નજરે પડતું ન હતું ને ! અને આ કાગડા પણ ઉતાવળમાં હતા ! મેં મૂકેલું આ ઉંબરવાડી ? મન જાણે હેબતાઈ ગયું !

એ ભેંકારમાં હું આગળ વધ્યો. એટલામાં તો રસ્તામાં જ એક ઢોરનું આખું હાડપિંજર નજરે પડ્યું. બીજે ઠેકાણે એક હાડપિંજરની બખોલમાં ગરજાં ખેંચાખેંચ કરી રહ્યાં હતાં. એને થોડે જ દૂર, રસ્તા ઉપર ભટકતાં ફરતાં, મરવા વાંકે જીવતાં ઢોર ઉપર ગીધડાંનાં ટોળેટોળાં ઘૂમી રહ્યાં હતાં ! મને લાગ્યું કે જો આ જમીનનો આવો ને આવો ભયંકર દેખાવ જોવા મળ્યા કરશે તો ક્યાંક હું ગાંડો થઈ જઈશ ! કોક ભૂંભલા થોર વીણતું ડોશી-ડોસલું પણ દેખાય, તો એની પાસે જઈને કાંઈક બોલીને પણ આ ભયાનકતાને ઓછી કરું, એમ ધારીને હું એક બોડી ટેકરી ઉપર ચડ્યો, પણ ચારે તરફ ધરતીના હાડપિંજરી દેખાવ સિવાય કાંઈ જ નજરે પડતું ન હતું. બોડા ડુંગરા ને ટેકરાના અમસ્તા મીઠા લાગતા પડછાયા પણ, આજ તો અંધારપછેડો ઓઢેલા સ્મશાની ભૂત જેવા દેખાતા હતા !

ધરતીને જાણે કોઈ ભરખી ગયું હોય તેમ કોઈ ઠેકાણે જીવન્ત આનંદની લેશ પણ નિશાની નજરે પડી નહિ. લાંબે સુધી દૃષ્ટિ કરી, તો છેક આઘે આઘે, સુક્કા ભૂંભલા થોરની પાસે, એક કોઈક માણસ ઊભેલો નજરે પડ્યો. વધારે ચોકસાઈથી જોયું તો એની આસપાસ સાત-આઠ ઢોર હોય તેમ લાગ્યું. આટલે વખતે માંડ એ એક ત્યાં ઊભેલો નજરે પડ્યો હતો !

હું ત્યાં પહોંચ્યો તો, ભૂંભલા થોરની સુકાઈને ઠઠ્ઠ બની ગયેલી વાડની છાયામાં, એક રબારી ઊભેલો દીઠો. મને નવાઈ લાગી. કોણ હશે ? ધીમે પગલે, એ ન જુએ તેમ સરતો ગયો. લાકડીને આધારે એ નિરાશ જેવો એકલો ત્યાં ઊભેલો જણાતો હતો. એની આસપાસ સાત-આઠ હાડપિંજરી ગાયો એના મોં પાસે ટોળું વળીને ઊભી હતી. લાંબે લાંબે પંથે એણે નજર માંડી હોય તેમ જણાયું. છેવટે જાણે ક્યાંય એક લીલું તણખલું પણ ન જોતાં ‘હે રામ !’ કરીને હાડ વીંધી નાખે એવો નિસાસો મૂક્યો. વાડની આ બાજુ આવીને હું ઊભો રહી ગયો હતો, પણ આ નિસાસો સાંભળીને તો, મારા પગ પૃથ્વી સાથે જ જડાઈ ગયા. આવો ભારે નિસાસો ? માણસના નિસાસામાં આટલો ભાર મેં ક્યારેય સાંભળ્યો ન હતો !

કોણ ગોકળી છે એ જોવા નજર માંડી, પણ એમાં કાંઈ વળ્યું નહિ. થોરની વાડ ઠીક ઠીક ઘટ્ટ હતી. એવામાં એ ગોકળીની વાણી સંભળાણી. ‘હે ભગવાન ! અપરાધી, મારા નાથ ! હું નથી, હું નથી,’ એમ બોલતો એ સંભળાયો. બે-ત્રણ-ચાર વખત એ આમ ને આમ બોલ્યો. આ હાડપિંજરી ગાયો - ને એકલો ઊભેલો નિરાધાર રબારી, એ દૃશ્યે તો આસપાસનાં ખડકને પણ જાણે આંસુ આણ્યાં હોય તેમ લાગ્યું. એવામાં રબારીને ભૂંભલા થોરમાં કાંઈક જોવા માટે મોં ફેરવ્યું. મેં નજર સ્થિર કરી. લાકડી લાંબી કરીને અંદરથી એક કાંઈક વેલા જેવું એણે ખેંચી કાઢ્યું હતું. પણ એનાં કેવળ સાત-આઠ લીલાં પાન જોઈને એની આંખમાં આંસુ આવ્યાં હોય તેમ લાગ્યું. હું તો એ જોઈને દિડ્‌મૂઢ થઈ ગયો. એવામાં એણે એક એક પાન જાણે એક એક ગાયને વહેંચવા માંડ્યું ! જાણે છેલ્લી વેદનાભરી વિદાય ! એક એક ગાયને ગળે પોતાનો હાથ વીંટીને ગદ્‌ગદ કંઠે મોટેથી જાણે સીમની સાક્ષી લેવા માગતો હોય તેમ, એ બોલતો સંભળાયો, ‘માડી ! મા ! જનેતા ! હું તમને છોડી દેતો નથી. મારા વાંકગનો કાંઈ નથી. પણ મા ! ઉપરવાળો રૂઠ્યો છે. મારો વાંકગનો થી. મેં તમને છોડ્યાં નથી, મેં તમને કાઢી મૂક્યાં નથી. માતાજી ! મેં તમને રખડતાં મેલ્યાં નથી ! મેં હાજાએ... માતાજી !’

નામ સાંભળતાં જ હું તો ત્યાં સ્તબ્ધ થઈ ગયો. અરે ! આ તો હાજો રબારી ! એના માલની પણ આ દશા ! પણ આ હાજો શું કરી રહ્યો હતો, એ મને હજી કાંઈ સમજાતું ન હતું.

હાજો તો એક પછી એક દરેક ગાયના ગળામાં પોતાનો હાથ વીંટાળીને દરેકના કાનમાં બોલી રહ્યો હતો : ‘માવડી ! હું અપરાધી નથી. વાંકગનો મારો કાંઈ નથી. મેં કાંઈ મનચોરી કરીને સંઘરી રાખ્યું હોય ને તમને ભૂખ્યાં માર્યા નથી ! મારો અપરાધ માનશો મા ! વાંકગનો માફ કરજો માવડિયું !’

અને એ ભોળો રબારી જેમ જેમ બોલતો ગયો તેમ તેમ જાણે, એની સચ્ચાઈના શબ્દભણકારાને સમજી ગઈ હોય તેમ ગાયોની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યાં હતાં !

જમાનાજૂના રબારીની આ જમાનાજૂની પોતાના માલ સાથેની માલ શું ? - માતા સાથેની - આ છેલ્લી વિદાય હતી કે શું ? એ વિચાર આવતાં મારી આંખ પણ ભીની થઈ ગઈ. અત્યારે એને બોલાવતાં પણ જાણે કાંઈક અપરાધ થશે એમ લાગ્યું. હું મૂંગો મૂંગો પાછો સરી ગયો.

હું ઉંબરવાડીએ પહોંચ્યો ત્યારે તો રાત પડી ગઈ હતી. આખી રાત મારી નજરે હાજો જ દેખાયો ! જાણે એ વારંવાર ગાયોની આસપાસ ફરતો, એમના કાનમાં કાંઈક ધીમેથી કહેતો, વળી મોટેથી બોલતો, ગદ્‌ગદ થઈને મૂંગો થઈ જતો, બે હાથ જોડીને કોઈને નમતો, કોઈની ડોકે પોતાનું માથું ઢાળી બોલતો દેખાતો હતો !

(૪)

હાજાની ખબર કાઢવા બીજે દિવસે વહેલી સવારમાં જ એને ત્યાં દોડતો જ ગયો. પણ એની ખડકીએ ગયો ત્યાં મકાનની હરરાજીનું, આ આપણી ભયંકર કોરટું, સમજ્યા વિના દલીલબાજીથી કાઢ્યે રાખે છે એવું, ફરફરિયું ત્યાં લટકતું હતું ! મને હાજાના શબ્દના ભણકારા તાજા થઈ ગયાઃ અને હૃદયમાં જાણે હૃદય બેસી ગયું, ‘માવડિયું ! મેં કાંઈ સંઘર્યું નથી !’

કોઈ પાડોશમાં મળે તો હાજની ખબર પૂછું કે હાજો કાલે સીમમાંથી આવ્યો કે નહિ - પણ પાડોશની તમામ ખડકીને તાળાં હતાં ! કોઈ માલધારી ત્યાં ઊભો જ રહ્યો ન હતો !

હું પાછો ફરતો હતો ત્યાં પાસેની હોટેલમાંથી એક જુવાન ગોકળી આવતો જણાયો. હાજાના અરજણને જોઈને મને આશ્ચર્ય થયું. મેં એને જ પકડી પાડ્યો, ‘અલ્યા ! એ અરજણ ! ઓળખછ કે ભૂલી ગયો !’

‘પગે લાગીએ બાપા !’ અરજણનો અવાજ હજી એવો જ મીઠો હતોઃ આ ગજબની મીઠાશ અત્યારે ઝેર જેવી લાગી : ‘ભૂલું કાંઈ ? આ વખતે તો બહુ લાંબે ગાળે દેખાણા બાપા ! ક્યાં છો હમણાં બાપા ?’

પણ મને એની આ સફાઈભરેલી મીઠાશ મારી નાખી રહી હતી. મેં ઉતાવળે પૂછ્યું : ‘અરજણ ! હાજો ક્યાં છે ?’

‘એ ઢોરાંમાં રખડે બાપા ! ઈ કાંઈ માને ? પણ મલક આખાએ પોતાના માલ છોડી દીધા, તો આપણે કોણ ? ઈર્ષ્ઠર્હદ્બૈષ્ઠટ્ઠઙ્મઙ્મઅ બાપા ! આ તો ખોટનો ધંધો અને મારા બાપાએ, એમાં ને એમાં ઘરવખરી રાચરચીલું બધુંય ખોયું - ને હવે ચામડાના પૈસાય નહિ આવે એવો માલ થઈ ગયો ! કો’ક એમાં ચામડું હતું ત્યાં મેં કહ્યું કે હવે છોડો માયા, હવે છોડો, પણ માને કાંઈ ? કે’શે : ના, ઈ તો આપણી માયું ઠરી. માને કાંઈ છોડી દેવાય ? આ જુઓ તો બાપા ! મેં એક લખ્યું છે...’ અરજણે પોતાના કોટમાંથી એક કાગળ કાઢ્યો ને મારી સામે ધર્યો.

મારી નજરે તો હાજો તરતો હતો. એનો પેલો સાદ જાણે સંભળાતો હતો. આનું ફરફરિયું ફેંકી દેવાનું મનમાં થઈ આવ્યું. પણ મોંએથી કહ્યું :

‘શેંનું છે અરજણ ?’

‘ઈ તો ‘ડેન્માર્ક’માં ઢોરની માવજતનું આવ્યું’તું, એના ઉપરથી મેં લખ્યું છે !’

‘હું એની સામે જ જોઈ રહ્યો. એના કાગળ ઉપર જરાક નજર ફરી ગઈ તો ‘અરજણ’ને બદલે ‘અર્જુન’ એવો શુદ્ધ શબ્દ ત્યાં દેખાતો હતો.

એને કાંઈક કહેવાનો વિચાર કરતો હતો ત્યાં તો ગામનો મુખી એને જ ખોળતો લાગ્યો. એ ત્યાં ઊભો રહી ગયો હતો.

‘અલ્યા અરજણ ! તું આંહીં આંટા મારે છે. ડોસો ક્યાં છે ?’

‘શું ખબર પડે ભાઈ ? ઘર તો તમે હરાજીમાં લીધું છે. હવે શું છે, તે ગોતાગોત કરો છો ?’

મુખીએ એને બાવડું પકડીને આગળ ખેંચ્યો. એના કાનમાં કાંઈક કહ્યું. અરજણ સ્તબ્ધ થઈ ગયેલો લાગ્યો. ‘હેં !’ એના મોંમાંથી રાડ ફાટી ગઈ હતી. મેં ઉતાવળે જ પૂછ્યું : ‘શું છે ભગવાનકાકા ! કોની વાત છે ?’

સાચું-ખોટું કોને ખબર ? પણ - ભૈ, વાએ વાત આપી છે. કે’છે, હાજો ત્યાં ભૂંભલાથોરની ધાર પાસે એક બાવળને ઠૂંઠે લટકે છે !’

‘લટકે છે ? એટલે ?’ મારું લોહી જાણે થીજી જતું હોય તેમ એક ધ્રુજારી અંગઅંગમાંથી ચાલી ગઈ. કાલની હાજાની આખી વાત નજર સમક્ષ ખડી થઈ ગઈ ! પોતાની ગાયુંની વિદાય લેતો એ જાણે આંખ સામે ઊભો રહી ગયો !

‘એનાથી માલનું દુઃખ જોવાણું નહિ, એમ કે’ છે. માવડિયુંની માફી માગીને, કે’ છે એણે જાતને રસ્તે પાડી ! સાચનો કટકો હતો. એણે ઘરનાં છોકરાંની પેઠે માલ સાચવ્યો’તો. એનાથી આ માલનું દુઃખ જોવાતું ન હતું. વારંવાર એ આવી વાત કરતો હતો. આજ એની વાત સાચ ઠરી. અરે ! રામ !’ મુખીએ વાત પૂરી કરી.

કોણ જાણે કેટલી વાર સુધી હું ત્યાં મૂઢની જેમ પૃથ્વીને નિહાળતો ઊભો જ રહી ગયો. મારાથી અરજણ સામે જોવાયું જ નહિ. મેં થોડી વાર પછી એને જોવા ઊંચે નજર કરી ત્યારે મુખી કે અરજણ બેમાંથી કોઈ ત્યાં ન હતું !