Talks are gone, fragrance is gone in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | વાતો ગઈ, સુગંધ રહી ગઈ

Featured Books
Categories
Share

વાતો ગઈ, સુગંધ રહી ગઈ

‘વાતો ગઈ, સુગંધ રહી, સાહેબ ! એ વાતો આ જમાનામાં બનવાની નથી. બની ગઈ, તે બની ગઈ !’

‘અરે ! અ જમાનામાં આ જમાનાની વાતો બને, દલસુખભાઈ ! પણ આજે કેમ આવું બોલતાં બોલતાં જ દિવસના શ્રીગણેશ માંડ્યા છે ? બન્યું છે કાંઈ ?’

‘બન્યું કાંઈ નથી. પણ કાલે જૂનાં કાગળિયાં ઉખેળી રહ્યો હતો, ત્યારે એક વાત એમાં વાંચી. એ વાત હજી ભુલાતી નથી.’

‘એવી શી વાત હતી ? કોની વાત છે ? વાત કહી, એટલે એમાં

એક બૈરી તો આવતી જ હશે !’

‘ના. આ વાતની ખૂબી છે. આમાં એક પણ બૈરી આવતી નથી.’

‘તો બે પુરુષ આવતા હશે.’

‘કોઈક તો આવે જ નાં ? વિના તો વાત બને ક્યાંથી ?’

‘ત્યારે હવા ઝાઝું મોણ નાખ્યા વિના વાત શી છે એ જ કહોને !

કહો તો, ફી લેખે, ચાનો એક પ્યાલો મંગાવું.’

‘હાં, એ તમે ઠીક કહ્યું. તો વાત પણ જામશે.’ દિલસુખભાઈ બોલ્યા, ‘મને તો ટેવ પડી ગઈ છે. ચાના પ્યાલા વિના મારી વાત જામતી નથી. જૂના વખતમાં ચા નહિ હોય, ત્યારે શું કરતા હશે ?’

‘ત્યારે સોમપાન !’

મેં ગંગાને બોલાવીને, દિલસુખભાઈ માટે તરત ચા મંગાવ્યો. એટલે એ નિરાંતે સોફા ઉપર ગોઠવાઈને, ચાના પ્યાલાને બરાબર મૂકીને, વાત કરવાના તાનમાં આવ્યા હોય તેમ બેઠા. પછી તેમણે વાત શરૂ કરી :

‘જાણે વાત એવી છે, કે મારા જૂનાં કાગળિયાં હવે એટલાં બધાં વધી ગયાં છે કે એમને બાળી નાખવા માટે ત્રણ ત્રણ વખત પ્રયત્ન કર્યો, પણ ત્રણે વખત નાસીપાસ થયો.’

‘કેમ ઘરમાં દીવાસળી નહોતી ? તો અહીંથી લઈ જવી’તી ને !’

‘એમ નથી, એમ નથી, તમે વાત તો સાંભળો. વાત જાણે એમ છે કે આપણાં જૂનાં કાગળિયાંમાં શું હશે અને શું નહિ હોય, એ આપણે જાણતા હોતા નથી. એક વખત હું એવાં કાગળિયાં બાળવા બેઠો, ત્યાં કવરમાંથી એક ફોટો મળી અવ્યો !’

‘કોનો હતો ? કોઈ બૈરીનો ?’

‘અરે ભૈ ! તમે તો બહુ જ ઉતાવળા છો. મારો પોતાનો જ નાનપણનો ફોટો હતો. હું છ મહિનાનો હતો, ત્યારનો. બોલો, હવે એ બાળી નાખવાનું મન થાય ?’

‘ના. એ તો જીવ ન ચાલે. આપણી ભૂતકાળની ચીજ ગણાય.’

‘હાસ્તો, એવો ફોટો ફરીને ક્યાંથી મળવાનો હતો ? એટલે એ વખતે કાગળો બધા ભેગા કરીને પાછા મૂકી દીધા. બીજી વખત બાળવાની તૈયારી કરી. દવાસળી પણ સળગાવી. પણ ત્યાં એક કવરનો રંગ જોઈને એને ઉપાડ્યું, તો એમાંથી તો નગદ નીકળી પડ્યા !’

‘નગદ ? એ શું વળી ?’

‘દસની નોટ, એમ ને એમ કવરમાં રહી ગઈ હશે, તે આબાદ મળી આવી. એ કવર કચરામાં ગયેલું, એટલે નોટ પણ ભેગી ગયેલી. એટલે એ વખતે પણ કાગળ બાળવાના બાકી રહ્યા.’

‘એ તો એવું છે દિલસુખભાઈ ! તમે શોધખોળ કરતા રહો તો, જૂનાં કાગળિયાં કાંઈસ ને કાંઈ આપતાં રહે છે. કેટલીક વખત એમાંથી અજબ વસ્તુઓ ટપકી પડે છે. ઘણી યાદ રાખવા જેવી ને જાણવા જેવી વાતો એમાં સચવાઈ હોય છે. ત્યારે ભલે પડ્યાં, તમને શું નડે છે ? કાંઈ ખાવાનું તો માગતાં નથી ?’

‘ખાવાનું ન માગે, પણ હડફેટે તો આવ્યા જ કરે. એટલે છેવટે મેં નિર્ણય લીધો, કે એમને એક વખત ફાડીને ફેંકી દેવાં કે બાળી નાખવાં એટલે આડાં આવતાં આળસે. એ પ્રમાણે બાળવા માટે કાગળો ભેગા કર્યા, રવિવાર એટલે બધું સાફસૂફ કરી નાખવાનું હતું. પણ ત્યાં એમાંથી એવી એક સરસ વાર્તા નીકળી પડી કે, વાંચતાં આનંદ થઈ ગયો. લખી તો કોણ જાણે કોણે હશે, પણ વાત ખરેખર સુંદર લાગી. એટલે એ બધાંને પાછા પોટલામાં પધરાવીને તમારી પાસે આવ્યો. તમે પણ ચા ‘ટેસદાર’ બનાવો છો હો !’ દિલસુખભાઈએ ચા પીતાં પીતાં કહ્યું : ‘મસાલો વાપરતા લાગો છો.’

‘મસાલા વિનાની ચા, એતો આલાપ વિનાના ગાણા જેવી વાત છે. હું તો મસાલો ઘણાં વર્ષોથી વાપરું છું.’

આ દિલસુખભાઈ મૂળ વડોદરા રાજમાં નોકર હતા. જ્યારે બધું ભેળસેળ થયું, ત્યારે એ અહીં આવ્યા હતા. જૂના વખતમાં અમે સથે ભણેલા. પછી એ નોકરીમાં રહી ગયા. મેં નાનકડી કાપડની દુકાન માંડી. પણ અમારો સંબંધ બહુ સારો હતો. એટલે એ મારી પાસે રહેવા આવ્યા હતા. દરરોજ રાત્રે એ ચોક્કસ આવવાના. ને બે-ચાર તુમાર-તંત્રની વાતો કરીને હસાવવાના. એક વખત તો કોર્ટમાં અપરાધી તરીકે એક ગધેડો લાવવામાં આવ્યો હતો તેની વાત, એમણે કરી હતી. ને પછી તો વારંવાર, જુદા જુદા રંગમાં એ વાત કરીને, બે ઘડી હસાવતા. ગધેડાએ ‘ટ્રાફિક’માં અડચણ કરી, ને મરી ગઈ એક છોકરી. એટલે એના મૂળ અપરાધી તરીકે ગધેડાભાઈને હાજર કરવામાં આવ્યા. એ ગધેડાનો કોઈ માલિક જ ન નીકળ્યો. એટલે ગધેડાએ ગુનો કર્યો છે એ વાત સાબિત થઈ. એને એક દિવસ ભૂખ્યાતરસ્યા રાખવાની સજા થઈ. ને ન્યાયનું નાટક ચાલ્યું ! આવી આવી વાતો કરીને અમે બે-ત્રણ કલાક આનંદવિનોદમાં ગાળતા. આજ પણ એવી જ કોઈક વાત એમની પાસે હશે, એમ ધારીને મેં પૂછ્યું : ‘પેલી ગધેડાવાળી વાત જેવી વાત તો નથી નાં, દિલસુખભાઈ ?’

‘અરે ! હોય કાંઈ ? આ તો બહુ સરસ વાત છે.’

‘પણ તો હવે વાત માંડીને કહો. શું વાત છે ?’

દિલસુખભાઈનું નિત્યનું પ્રિય સૂત્ર, ‘વાત જાણે, એવી બની કે’ એમની દરેક વાતમાં હોય જ. એમણે ચા પૂરી કરી. ખોંખારો ખાધો. જરા સ્વસ્થ થયા. પછી જાણે મહભારત શરૂ કરતા હોય તેમ બોલ્યા :

વાત જાણે એવી બની કે, જૂના વખતમાં કોઈ એક ગામમાં કોઈ બે પાડોશી રહે. એમની વચ્ચે મોટો ઘાટો મૈત્રીસંબંધ. એકબીજાને સુખેદુઃખે મદદ કરે. એકબીજા તરફ ભાવ રાખે. બન્ને ખાનદાન. બન્ને ગૃહસ્થો. બન્ને દિલના સાચા.

હવે એવું બન્યું કે એકના ઉપર કાળનું ચક્ર ફર્યું. પણ ફર્યું તે એવું ફર્યું કે એને ત્યાં અનાજને ને દાંતને વેર થઈ ગયું. ઘણી મોટી ખોટ આવી, ને એ તદ્દન ગરીબ થઈ ગયો. એનું નામ કેશવલાલ. એના દોસ્તનું નામ ચંદુલાલ. ત્યાર પછી એક વખત કેશવલાલ ને ચંદુલાલ બન્ને એકીસાથે મંદિરમાં ભેગા થઈ ગયા. ચંદુલાલે બહાર મંડપમાં પોતાનાં કપડાં વગેરે ઉતાર્યા. પોતાનો સોનાનો કંદોરો પણ ઉતારીને મૂક્યો. પછી એ સેવામાં બેઠો.

કેશવલાલ પણ અવેલ તો એટલા માટે જ. પણ એની નજરે પેલો સોનાનો કંદોરો ચડી ગયો. એનું મન ધ્યાનધારણામાં કાંઈ ચોંટ્યું નહિ. એ તો થોડીવારમાં જ બહાર નીકળી ગયો. અને આસપાસ કોઈ નથી એ જોતાં, એનું મનપાપ વધારે તીવ્ર બન્યું. પેલો કંદોરો લઈને ચાલતો થઈ ગયો. મનમાં એને પશ્ચાત્તાપ થાય, પણ સામે ભયંકર ગરીબી ઘૂરકી રહી હતી. એ ગુપચુપ ઘેર પહોંચી ગયો. એણે ધાર્યું કે બીજે દિવસે ક્યાંક શહેરમાં પહોંચીને એનાં નાણાં કરી લઈશું.

કેશવલાલ ઘેર આવ્યો - ઘરમાં પેઠો - જમવા બેઠો. પણ એના મોં ઉપર અનેક રંગ રમે. ઘરમાં બાઈ અસલ લક્ષ્મીરૂપ જેવી હતી. તેનું નામ પણ લક્ષ્મી. એણે સાહેબી ને ગરીબી - બન્ને જોયાં હતાં. લક્ષ્મી કેશવલાલ સામે જોઈ રહી. તે ઘણી ચતુર હતી. એને થયું કે, કહો ન કહો, પણ આજે આમનું દિલ ઠેકાણે નથી.

તેણે તેને ધીમેથી પૂછ્યું : ‘આજ કાંઈ થયું છે બજારમાં ?’

‘ના થાય શું ? કેમ પૂછવું પડ્યું ?’

‘મારાથી તમે કોઈ દિવસ કાંઈ છુપાવ્યું નથી. હજારો ગયા ત્યારે પણ છુપાવ્યું ન હતું, અને આજે છુપાવો છો. એટલે કાંઈક આકરું બન્યું હશે. શું બન્યું છે, મને તો કહો. હું ક્યાં કોઈને કહેવા જવાની છું ? વાત જાણતી હોઈશ, તો વખતે કોઈકને જવબ આપવો હશે, તો બરાબર આપી શકીશ. શું વાત છે કહો તો ખરા ? મારા સમ, જો સાચું ન કહો તો. કોઈ દિવસ તમે છુપાવ્યું નથી ને આજે છુપાવશો ? ને જુઓ, તમને મારી એક પેટછૂટી વાત કહી દઉં. આપણા ઘરમાં, તમને એમ છે કે એક ખોટી બદામ પણ નથી. પણ મેં મારી એક બંગડી હજી સાચવી રાખી છે હો ! માથે કાંઈક તોળાતું હોય તો કહેજો. કાઢી નાખીશું. વળી વખતનાં વહેણ વળશે, ને બીજી આવશે.’

લક્ષ્મીની વાણી એવી તો પ્રીતિભરી હતી કે કેશવલાલ બે પળ તો કાંઈ બોલી શક્યો નહિ. તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

લક્ષ્મીએ વધારે મીઠા પ્રેમભર્યા અવાજે કહ્યું : ‘જુઓ, માણસના માથા ઉપર દુઃખ નહિ પડે તો કોના ગધેડાના માથા ઉપર પડશે ? સુખ-દુઃખ માટે તો આપણે જન્મ્યાં છીએ. શું વાત છે મને કહો !’

‘ચંદુલલનો કંદોરો...’ કેશવલાલ વધુ કાંઈ બોલી શક્યો નહિ.

‘ચંદુલાલનો કંદોરો ? ચંદુલાલ શેઠનો ?’

‘હા, સોનાનો કંદોરો !’

‘ઓહો ! સમજી; ચંદુલાલ શેઠે સોનાનો કંદોરો પહેર્યો હતો એમ કહેવું છે નાં ? અરે, પુરુષના કમર આડે પાંદડું. આવતી કાલે આપણે ત્યાં પણ એવો હશે. અને આપણે ક્યાં નહોતો ? આપણે એની ક્યાં નવાઈ છે? એમાં આવા ઢીલ થઈ ગયા ?’ લક્ષ્મી પ્રેમથી બોલી. બોલીને કેશવલાલ સામે જોઈ રહી. પણ ત્યાં એણે કેશવલાલને વારંવાર પોતાના ખિસ્સા ઉપર હથ મૂકતો જોયો. અને એના પેટમાં ટાઢો શેરડો પડી ગયો. એને થઈ ગયું, ‘અરે! આમણે ક્યાંક કંદોરો ચોર્યો હોય નહિ ?’

ત્યાં તો કેશવલાલ જ બોલ્યો : ‘મેં ચંદુલાલ શેઠનો કંદોરો લઈ લીધો છે. અમે ત્યાં મંદિરે ભેગા થઈ ગયા. કોઈ બીજું હતું નહિ. મેં ઉપાડી લીધો. એ વાત છે !’

‘હેં ? શું કહો છો ? ખરેખર ? ક્યાં છે ?’ લક્ષ્મીને પોતાની ધાસ્તી સાચી પડતી લાગી.

‘આ રહ્યો.’

લક્ષ્મી સોનાના કંદોરા સામે જોઈ રહી, અને કેશવલાલ શેઠ સામે જોઈ રહી, અને પોતાના ઘરમાં કુસ્તી કરતાં હાંડલાં સામે જોઈ રહી. પછી તે ધીમા, દૃઢ, પણ એ જ મધુરતાભર્યા અવાજે બોલી : ‘શેઠ, જુઓ, વાણિયાનો દીકરો તો, લાખો કમાય ને લાખો ખૂએ. વાણિયો જન્મ્યો છે જ કમાવા ને ખોવા. એ તો વેપાર છે. પાંચ મળે, તો વખતે પંદર જાય પણ ખરા. વખત તો ફેરા કરે. વખત ફરે, પણ માણસ ન ફરે. આજ જે કામ તમે કર્યું છે, તે કામ કોઈ ન કરે. પણ કાંઈ નહિ, હજી તક છે. ઊપડો, એને ઘેર પહોંચો. આ પાછો આપી આવો. આવા તો અનેક કંદોરા આપણે ત્યાં હતા, અને પાછા પણ થશે. સિક્કાની દોલત તો અવે ને જાય. પણ જો એક વખત દિલની દોલત ખોઈ બેસશો, તો પછી એ આવતી આવશે. પછી કોઈ દી એ નહિ મળે. ઊપડો, હજી વખત છે.’

કેશવલાલ, લક્ષ્મીના વેણે બે ઘડી તો સ્તબ્ધ બની ગયો. એના શબ્દોને પોતે ઉલ્લંઘી શકે તેમ લાગ્યું નહિ. તે બેઠો પણ થયો. પણ તેના પગમાં જોર ન હતું. લક્ષ્મીએ તેના ખભે હાથ મૂક્યો : ‘જુઓ, કહેજો કે, ‘શેઠ ! મન થોડીક વાર ચોર થઈ ગયું, પણ હું તો જે છું તે જ છું. અ તમારો કંદોરો. ને મારી આટલી એબ ઢાંકી દેજો. માણસ કાંઈ દેવ નથી !’

કેશવલાલ ઊંધું ઘાલીને સાંભળી રહ્યો, ને પછી ચંદુલાલના ઘર તરફ ગયો.

(ર)

તે ત્યાં પહોંચ્યો તો સદ્‌ભાગ્યે મોટું બારણું ઉઘાડું હતું. શેઠ ચંદુલાલ ઉપલા માઢ ઉપર બેઠક રાખતા, એ એને ખબર હતી. તે ચોરપગલે સીડી ઉપર ગયો. તેણે બે ત્રણ પગથિયાં નીચે રહી, અંદરનો અવાજ પકડવા પ્રયત્ન કર્યો. કોઈ કાંઈ બોલતું લાગ્યું નહિ. કેશવલાલ અંદર ગયો. શેઠ ચંદુલાલ બેઠા હતા. સામે એના બે છોકરા બેઠા હતા. એક તરફ મુનીમ જેવું કોઈક હતું. તે ધડકતે દિલે આગળ વધ્યો. એના મનમાં પાર વિનાનો ભય હતો. એણે ચંદુલાલ સામે જોયું, તો તેની આંખમાં એણે કોઈ શંકાની છાંટ પણ દીઠી નહિ. છોકરાઓ સામે જોયું. એ પણ કાંઈ જાણતા હોય તેમ જણાયું નહિ. મુનીમ તો ઊંધું ઘાલીને લખતા હતા. એને મનમાં થઈ ગયું, આને ખબર ન પણ હોય. તો આપણે ખબર, હાથે કરીને કરવી નહિ. બહાર પડેલી વાત બધે વવલાય. આપણે હાથે કરીને શું કરવા ચોર ઠરવું ? પણ એટલામાં શેઠ ચંદુલાલે અચાનક જ એને પૂછ્યું :

‘કેમ શેઠ ? આજ તો કાંઈ આ બાજુ ? શું છે ? શું આવ્યા છો ?’

‘આ આવ્યા છીએ એમ... કે... જાણે મારાથી - મારે -’ બોલતાં બોલતાં કેશવલાલથી અચાનક બોલાઈ ગયું : ‘થોડાક રૂપિયાની જરૂર પડી છે. થાલમાં...’ તેણે અકસ્માત જ પેલો સોનાનો કંદોરો શેઠની સામે ધરી દીધો. ‘અ થાલમાં.’

એના મનમાં, એ વખતે એના નિત્ય સ્વભાવરૂપ બની ગયેલી, ‘લેવદેવાની, થાલમાં ઘરેણાં આપવાની’ એ જ હવા આવી ગઈ હતી. એ જે બોલ્યો હતો તે અકસ્માત, અી હવામાંથી આવેલી વાત હતી. શેઠ ચંદુલાલે તેને કાંઈ શંકા ન હોય તેમ, પ્રેમથી વાત કરી, એટલે એને પોતાને પણ, લેવાદેવાની કુદરતી સ્વભાવવલણ આવી ગયેલી. કંદોરો ત્યાં મૂક્યા પછી તો એને ધરતીમાં સમાઈ જવાનું મન થતું હતું. અને મનમાં પણ ધ્રૂજી રહ્યો હતો, કે હમણાં ચંદુલાલ ત્રાડ મારશે કે ચોલટા ! બહાર નીકળ, બહાર નીકળ. મોટો થાલવાળો જોયો ન હોય તો ? પણ હવે ક્યાં થૂંક્યું પાછું ગળાય તેમ હતું ?

ચંદુલાલે કંદોરો જોયો. એ છક્ક થઈ ગયો. કંદોરો ખોયો, ત્યારે એને સાંભરતું તો હતું કે એ વખતે કેશવલાલ ત્યાં હતો. પણ તે કંદોરો લે, એ વાત માનવાની તો ઠીક, એવી શંકા કરવાની પણ એને જરૂર લાગી ન હતી. એ બને જ નહિ. સિંહ ઘાસ ખાય એવી એ વાત એને લાગતી હતી. એટલે એના મનમાં કેશવલાલનું નામ તો ટકતું જ ન હતું. એ ઘડીભર તો સ્તબ્ધ થઈ ગયો. શું બોલવું તે પણ એને વિમાસણ થઈ પડી. કેશવલાલ, લાખોનો ધણી, એ કંદોરો લે !

એ વાત ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી એને લાગી. પણ ત્યાં તો અહીં એણે આ પ્રત્યક્ષ કંદોરો જોયો. સાથે સાથે પોતે એ ઘરેણે મૂકવા આવ્યો છે એવી ધૃષ્ટતા કરતા, કેશવલાલને પણ જોયો. એ મનમાં ઘા ખાઈ ગયા. પણ તે વિચારમાં પડી ગયા હતા. એને થતું હતું, મેં એવી ગરીબી ક્યારે પાર કરી છે કે આના દિલની વાત જાણી શકું ? એટલે તે કાંઈ પણ બોલ્યા વિના મુનીમ તરફ ફર્યા : ‘મુનીમ ! આ રાખો. ને શેઠને જોઈએ તેટલા આપો !’

બન્ને છોકરા તો આ સાંભળીને અવાક્‌ થઈ ગયા ! પણ કાંઈક વાત હશે એમ માનીને એ ચૂપ રહ્યા.

કેશવલાલના ગયા પછી તેમણે કહ્યું : ‘આપણા જ કંદોરાના આપણે પૈસા ધીરવાના ? આ તો આપણો જ છે !’

‘નહિતર તો, આવા કંદોરા માત્ર તમારે ત્યાં જ હોતા હશે ?’ ચંદુલાલ બોલ્યો : ‘એ પણ હાથી હતો હો. ગોઠણસમા પાણીમાં તો હજી ઊભો હોય. એનું આ છેલ્લું છેલ્લું ઘરેણું હોય. કોને ખબર છે ? મનમાં ખોટી શંકા ઊભી કરીને કોઈને અન્યાય કરવો નહિ. આપણું ગયું છે એ સાચું, પણ એ કામ તો કોઈ ગઠિયાનું ! એ પણ મળી આવશે. ચોરી છાપરે ચડીને બોલશે.’

એ વખતે તો કોઈ કાંઈ વધુ બોલ્યું નહિ, અને વાત દટાઈ ગઈ.

(૩)

પણ ચંદુલાલના ઠપકાએ જે કામ કર્યું ન હોત, તે કામ એની ઉદારતાએ કર્યું ! કેશવલાલને દિલમાં વિચાર આવ્યો, કે હું કેટલો નીચે ઊતરી ગયો છું? અનેએ કેટલે ઊંચે બેઠો છે ? એણે તો માન્યું કે કોઈ ગઠિયાનું કામ છે. પોતાનો કંદોરો પોતે ન ઓળખે એ ન બને. છતાં એણે મારી એબ ઢાંકી દીધી. આનું નામ ઉદારતા. એ વિષે હવે શું કરવું તેની એના મનમાં કોઈ ગડા બેઠી નહિ.

એ ઘેર આવ્યો. પણ શરમના માર્યા લક્ષ્મીને કહી ન શક્યો કે, મારાથી કંદોરો ઘરેણે મૂકવાની વાત થઈ ગઈ છે. પણ શેઠે મદદ કરી છે, એવી વાત એણે કરી. લક્ષ્મીએ કહ્યું : ‘તો તો તમે પાછા ઝુકવો. વળી ભગવાનને સારા દી દેખાડવા હશે, તો જ આના દિલમાં આ વાત મૂકી હશે.’

આ વાતને ઠીક સમય વીતી ગયો. વખત વારાફેરા કરે છે તે પ્રમાણે, કેશવલાલની પ્રતિષ્ઠા ફરી જામી. બે પૈસો રળ્યો. પાછું બધું ઠેકાણે આવી ગયું. પણ એના દિલમાંથી પેલા કંદોરાની વાત હજી ગઈ ન હતી. પણ હવે એને મનમાં થાય કે ક્યારે વખત આવે, ને ક્યારે હું પાછો એનો ઉપકાર વાળી દઉં?

પણ કુદરતની ઈચ્છા બીજી જ હતી. ચંદુલાલ વહેલા ગયા. છોકરા બન્ને બિનઅનુભવી હતા. ધીમે ધીમે આંટ ને સમૃદ્ધિ ખોઈ બેઠા. ભૂખડીબારશ જેવા થઈ ગયા.

કેશવલાલને કોણ જાણે શું થયું, એ વખતે એના મનમાં, એક અહં જાગ્યો - કે પછી પોતાનાં નામલોક વહાલાં લાગ્યાં, કે પછી કોણ જાણે શું થયું, પણ જે રીતે પોતે કંદોરો ઉપાડ્યો હતો, તે જ રીતે આ છોકરાઓ જો કંદોરો ઉપાડવાનું કરે, તો પોતે એમને જે બે શબ્દ કહેવાના હોય તે કહી પણ શકે, અને વળી મદદ પણ કરી શકે. ઉદારતા, તે વખતે ચંદુલાલ શેઠે બતાવી હતી, છોકરાઓએ નહિ. છોકરાઓ તો કતરાતા હોય એ રીતે જોઈ રહ્યા હતા. કેશવલાલને એમની દૃષ્ટિ મનમાં યાદ રહી ગઈ હતી.

એટલે એમણે બરાબર ચંદુલાલના જેવો જ સોનાનો કંદોરો સોની પાસે તૈયાર કરાવરાવ્યો. એ આવ્યો, ત્યારે લક્ષ્મીને પણ બોલાવી : ‘જુઓ તો આ ! આ પણ ચંદુલાલ શેઠના જેવો જ છે ને ?’

‘હા, છે તો એવો,’ લક્ષ્મી બોલી : ‘પણ હવે શું તમને રહી રહીને શોખ જાગ્યો છે ? આ પહેરવો છે કે શું ?’

‘ના, ના, પહેરે તો શું ?’ કેશવલાલ હસી પડ્યો : ‘પણ આપણી તે વખતની વાત, બીજા બરાબર સમજે. જો સમજાવતાં આવડે તો. વાત સમજાવવા સમજાવવામાં ફેર છે ને ?’

‘હા...’ લક્ષ્મી વિચાર કરી રહી. તે કાંઈ બોલી નહિ. પણ એ વાત સમજી ગઈ. એને થયું કે શેઠને હવે લક્ષ્મીનો મદ જાગ્યો છે. પોતે પણ કાંઈક છે, એમ શોખથી બતાવતાં બતાવતાં - એટલે કે એમને મદ થયો છે. શેઠે બરાબર ચંદુલાલ શેઠ જેવો જ કંદોરો કરાવ્યો હતો. એનો અર્થ પણ એ સમજી ગઈ.

ત્યાર પછી કેશવલાલ તક શોધતા રહે. એક વખત એવી તક મળી ગઈ. બીજું કોઈ ન હતું. પોતે હતા. ચંદુલાલનો મોટો છોકરો આવ્યો હતો. તેના દેખતાં એ જુએ તેમ શેઠ સેવામાં બેઠા, અને કંદોરો ઉતારતા ગયા.

થોડી વાર પછી આવીને જુએ છે, તો કંદોરો ન મળે !

પોતે ઘેર ગયા. એમની મનની વાત હોઠે આવી ગઈ હતી. લક્ષ્મી એમને આજે બરાબર નિહાળી રહી હતી. ત્યાં તો શેઠ જ બોલ્યા : ‘જોયું ? એ તો ભૈય માથે પડી ન હોય, ત્યાં સુધી સૌ કંચનના. માથે પડે, એટલે બધાય કથીર !’

‘કેમ, શું થયું છે આજે ?’ લક્ષ્મીએ પૂછ્યું.

‘થાય શું બીજું ? આ પેલો, ચંદુલાલનો મોટો છોકરો, તે વખતે મારી સામે આંખો કાઢતો હતો, કેમ જાણે હું મોટો ચોર હોઉં, ને પોતે મોટો સવકારનો બેટો હોય ! પણ આજ હવે એનો વારો આવ્યો. મારો બેટો તરત હથ મારી ગયો !’

‘કેમ ? શાની વાત છે ? કાંઈ કહ્યું છે એણે તમને ?’

‘અરે ! કહેવાનો શું હતો ? આ તો હાથ મારી ગયો, તેની વાત છે. આપણો કંદોરો આજ એ ઉપાડી ગયો. હું અને એ, બે જ જણા હતા. ત્રીજું કોઈ ત્યાં હતું નહિ !’

‘એમ ? ખરેખર ?’

‘ત્યારે નહિ ? બીજું કોઈ હતું જ નહિ. મેં તો ખરું પુછાવો તો, મૂક્યો’તો પણ જાણી જોઈને. કીધું ભલે ઉપાડી જાતો. આપણે અમસ્તી મદદ તો કરવી જ છે ને ?’

‘ત્યારે તો મદદ કરી છે એમ જ માનોને !’ લક્ષ્મી હસતી હસતી બોલી.

‘એ તો એમ જ. પણ એની સાન ઠેકાણે લાવવી છે. એ પાછો એમ ન સમજી જાય કે, આપણને ખબર નથી. છાશમાં માખણ જાય ને વહુ ફુવડ કહેવાય એવું નહિ.’

‘એ તો બરાબર છે; તમે એ વખતનું સંભારણું રાખીને આજે એને મદદ કરો છો, એ વાત થોડી છે ? એ તો તમે જ એની વાત ગળી જઈને આવી રીતે આમ મદદ કરી શકો !’

કેશવલાલ પોતાના તાનમાં હતા. એટલે લક્ષ્મીના શબ્દોમાં કટાક્ષ છે એ કાંઈ એને સમજાય તેવું ન હતું. એ તો ઉત્સાહમાં આગળ વધ્યો. ‘હવે એમાં શું ? મદદ કરવી એ તો આપણો ધર્મ છે !’

‘હં શેઠ ! ત્યારે તમારી ધર્મની સમજણ કાંઈક અદ્‌ભુત લાગે છે હો!’ લક્ષ્મીએ જરાક તીવ્ર કટાક્ષમાં કહ્યું.

શેઠ હવે ચોંકી ઊઠ્યા : ‘કેમ એમ બોલ્યાં ?’

લક્ષ્મીએ પોતાની કેડેથી કંદોરો છોડીને સામે ટીંગાડતાં કહ્યું : ‘લ્યો, આ તમારો કંદોરો. આ હતો કે બીજો ?’

‘હતો તો આ જ ! પણ તમારી પાસે ક્યાંથી ?’

લક્ષ્મીએ હસતાં હસતાં કહ્યું : ‘ગમે ત્યાંથી. એનું તમારે શું કામ છ? તમારો ચોરી લીધો, પણ હવે કોઈને મદદ કરવી એ ધર્મ છે એમ સમજતા હો, તો આવું નાનકડું મન પહેલં મનમાંથી કાઢી નાખો. તમારી લાખોની મદદની નહિ, શેઠ ! તમરા નાનકડા મનની હવા ત્યાં નોંધાય છે !’ લક્ષ્મીએ આકાશ તરફ આંગળી દર્શાવી. ‘ચંદુલાલ શેઠની, જેમ હજી આજે પણ વાતની સુગંધી વહી રહી છે, એવી સુગંધ અમર રહે છે.

‘પૈસાની મદદ તો ઠીક હવે. દીધુંલીધું કેટલા દી ચાલવાનું છે ? પણ હવા...? એ તો જ્યાં સુધી હવા રહેશે, ત્યાં સુધી વાતની સુગંધી રહી જશે. લ્યો, કાં તો આ એ જ સામેથી આવતો લાગે છે. મને એ કંદોરો આપી ગયો હતો. આ આવ્યો - એ જ છે !’

‘કોણ ? કોણ છે ?’

‘બીજું કોણ ? ચંદુલાલનો છોકરો !’

કેશવલલ મનમાં ને મનમાં સમસમી ગયો. લક્ષ્મી પણ એનું મન વાંચતી સ્થિર થઈ ગઈ.

થોડી વર તો બેમાંથી કોઈ કાંઈ બોલ્યું નહિ. શી રીતે આ છોકરાને મદદ કરવી તેનો વિચાર કેશવલાલ કરતા હોય તેમ લક્ષ્મીને લાગ્યું. લક્ષ્મી એના એ મનનો લાભ લેવા માગતી હતી. તે ધીમેથી બોલી :

‘સાચેસાચું, જો ચંદુભાઈ શેઠવાળી વાતમાં માનતા હો, તો ભલે એ તમારે ત્યાં કંદોરો મૂકીને પૈસા લેવા નથી આવ્યો, પણ તમે વિચારો. તમારો

ઉદય ક્યાંથી થયો ? એનો વિચાર કરી જોજો. એટલે બધું દીવા જેવું ચોખ્ખું દેખાઈ જાશે. ઉપકારને કાંટે તોળનારા કરતાં, તો અપકાર કરનરો હજાર દરજ્જે સારો, એમ મારું મન કહે છે. જે ઉપકારને કાંટે તોળે છે, એ તો લોભિયાનો પણ લોભિયો છે. હવે તમને ઠીક પડે તે પગલું લ્યો. મેં તો કહેવાનું કહી દીધું.’

એટલામાં ચંદુલાલનો છોકરો ત્યાં આવી પહોંચ્યો હતો. એને જોતાં જ કેશવલાલ બોલી ઊઠ્યો : ‘અરે છન્નુભાઈ ! તમે આવ્યા તે ઠીક થયું. મારે તમને બે વાત કહેવાની હતી. હું આજે જે કાંઈ પામ્યો છું તે તમારા પિતાના દીધેલા પૈસાથી. બધાં કામ મેં એમને નામે કર્યાં, તો બે પૈસા રળ્યો. એટલે મારી કમાણીમાં ખરી રીતે તમારા પિતાનો ભાગ છે. આજ હવે એની ચોખવટ કરી લઈએ. કાલનો કોને ભરોંસો છે ?’

‘ને પૈસાનોય કોને ભરોંસો છે, એમ પણ કહોને.’ લક્ષ્મીએ વચ્ચે ટપકું મૂક્યું. તેની આંખ પ્રેમભરી મીઠાશથી હસી રહી હતી. જાણે એમાંથી શબ્દો આવી રહ્યા હતા; ‘શેઠ ! આ વાતો વહી જશે, વખત પણ વહી જશે, લક્ષ્મી પણ વહી જશે, કેવળ એની અમર્ત્ય સુગંધ રહી જશે !’