The dawn of life in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | જીવનનું પ્રભાત

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

જીવનનું પ્રભાત

મોરલા ટહુકે, લીલાંછમ જેવાં ખડ પથરાઈ જાય, અને સૃષ્ટિ નવું સૌંદર્ય ધરે એવો વરસાદ ન હતો. વૃષ્ટિ ન હતી, પવન પણ ન હતો; હતો આકાશ ને પૃથ્વી એક થાય તેવો, હાથીની સૂંઢ જેવો, પ્રલયના ભયંકર રૂપ જેવો, રાત અને દિવસનો, અખંડ અને પ્રચંડ, પૃથ્વીએ ન અનુભવેલો એવો બારે મેઘનો ધોધમાર હલ્લો. એક દિવસ નહિ, બે દિવસ નહિ. ત્રણ દિવસ નહિ, સાત-સાત દિવસ સુધી માણસો, પશુ, પંખી અને જડ સૃષ્ટિ બધાં, પોતાનાં ભાન અને ભેદ ભૂલીને, આકાશ સામે એક મીટ માંડીને જોઈ રહ્યાં હતાં કે ક્યાંય, એકાદ ધોળું વાદળું દેખાય છે ! એકરસ બનેલા સોયરા જેવા આસમાની આકાશમાં, દયાના બિંદુ જેવું ક્યાંક અજવાળું દેખાય છે ?... પણ આ તો પ્રલયકાળનાં છૂટેલાં વાદળાં સો-સો થરમાં આકાશ પાથરી રહ્યાં હતાં... અત્યંત ગંભીર શાંતિ હતી. એક પાન પણ ન ફરકે ને શ્વાસ પણ ન સંભળાય એવી ગંભીર, ભયાનક ધ્રુજારી છૂટી તેવી, નિરાશાના સમુદ્ર જવી શાંતિ હતી. માત્ર એકધારો અને અખંડ વરસાદ વધારે ને વધારે જોરમાં પડ્યે જતો હતો.

પશુ, પંખી કે માણસ કોઈ જ કાંઈ બોલતાં ન હતાં. સૃષ્ટિ નિઃશબ્દ થઈ હતી. જ્યાં બહારની ભાષા વિરમી જાય ને સાચી ભાષા શરૂ થાય એવો, અરસપરસનાં દુઃખનો મોંઘો વખત આવ્યો હતો. ભાષા નાશ પામી હતી. શબ્દો વિરમી ગયા હતા; ઈશારત નકામી થઈ પડી હતી; સૌ પશુ, પંખી ને મનુષ્ય, એકબીજાથી સમજી શકાય તેવી, સાચેસાચી આંખની ભાષા બોલી રહ્યાં હતાં.

અને એવા અખંડ પંદર દિવસ ગયા ત્યારે બધાએ આંખોથી વાતો કરી લીધી કે આ વરસાદ નથી; આ તો પ્રલયકાળનું ધૂર્જટિના રુદ્રસ્વરૂપનું તાંડવનૃત્ય ચાલે છે !... અને છેલ્લામાં છેલ્લા માળ, છેલ્લામાં છેલ્લી વૃક્ષની શાખા, નાના ડુંગરા અને મોટી મહેલાતો જલનિધિમાં પડેલ નાનાં ઢેફાં હોય તેવાં બનવા લાગ્યાં ! માનવજાત - શું હિંદુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન કે આફ્રિકન-એક મોટા પર્વતના શિખર પર ઊભી થઈ ગઈ હતી. મનુષ્યોના ખભા પર વાંદરાં બેઠાં હતાં, વાંદરાંના માથા પર સર્પો ચડી બેઠા હતા. ગરીબ જેવા બનીને સિંહ મનુષ્યનાં બચ્ચાં પાસે આંખો મીંચીને ઊભા હતા, અને તેમના વાંસા પર સૂંઢ નાખીને હાથી જરાક વિસામો લઈ રહ્યા હતા.

આ પર્વતના શિખર પરથી દૃષ્ટિ કરતાં પાણી, પાણી અને આકાશ સિવાય ત્રીજું કાંઈ મળે નહિ - પવન નહિ, પ્રકાશ નહિ, તેજ નહિ, છાયા નહિ, ભૂખ-તરસ, ઠંડક કે તાપ નહિ, લાલસા નહિ, મહત્ત્વાકાંક્ષ નહિ, ભય નહિ; કાંઈ નહિ. માત્ર એકબીજાની સામે જોતા હતા ત્યારે ન વર્ણવી શકાય તેવો, આંખની ભાષાથી જ સમજાય તેવો, એકલો અવિનાશી અને અદ્‌ભુત પ્રેમ દેખાતો હતો. સૌ એકબીજાની હૂંફથી જ આકાશ અને પૃથ્વી એકાકાર કરનાર આ જલનિધિને નિહાળી રહ્યાં હતાં.

ઓગણપચાસમા દિવસનું પ્રભાત ઊઘડ્યું, ત્યારે નીલામ્બર જેવા ઘેરા વાદળાની રૂપેરી કોર નિહાળવા માટે પૃથ્વી પર એક જ માણસ જીવતો રહ્યો. મોટામોટા ડુંગર પણ ટેકરી જેવા લાગતા હતા. અને આવી એક ટેકરી પર માત્ર એક જ જણ આશ્ચર્યમુગ્ધ થઈને ટેકરીને અથડાતાં પાણીનાં મોજાં નિહાળી રહ્યો હતો.

હવે છેક છેલ્લે એનો વારો હતો, અને જે માર્ગે આખી સૃષ્ટિ ચાલી ગઈ, તે માર્ગે જવા માટે, તે તૈયાર થઈને બોલ્યાચાલ્યા વિના તદ્દન શાંત થઈને બેસી રહ્યો હતો. પણ પાછલી રાત્રે ચાર વાગે પવન છૂટ્યો. પાણીનાં મોજાં અથડાવા લાગ્યાં. પૃથ્વીમાં શબ્દ થવા લગ્યા અને વાદળાંના થર છૂટા થઈને દિશાઓ નિર્મળ બનવા લાગી. રૂપેરી વાદળાંઓ પર સોનેરી કોર આવી અને જાણે કાંઈ બન્યું જ ન હોય તેમ સૂર્ય સુંદરરીતે પ્રકશવા લાગ્યો. આખી સૃષ્ટિ અત્યંત મનોહર બની ગઈ. અને જડ કે ચેતન કોઈનો શબ્દ ન હોવાથી નિઃશબ્દ શાંતિમાંથી ઉત્પન્ન થતા સંગીતના સ્વર સંભળાવા લાગ્યા.

આખી સૃષ્ટિનું સૌંદર્ય જોવા માટે જે ભાગ્યશાળી પુરુષ જીવતો રહ્યો તે સૂર્યોદય થતો જોઈને ઘેલોઘેલો બની ગયો. સૃષ્ટિ, સમાજ અને સંગાથ સર્વસ્વની નિશાની ગુમાવ્યા છતાં જ્યાં સુધી જીવનની નિશાની છે, ત્યાં સુધી મનુષ્યમાં નિરાશા જન્મતી નથી.

આ જુવાન માણસ, જેને હવે પોતાનું શું નામ છે અને નામ છે કે નહિ એની પણ દરકર ન હતી; જેને ખંડ, દેશ, જાતિ કે ભાષા વડે બીજા કોઈથી જુદા પડવાપણું ન હતું, અને જેને કીર્તિ, રાજ, લક્ષ્મી, વૈભવ, અદેખાઈ કે મહત્ત્વાકાંક્ષા સાથે લેવાદેવા હતી નહિ, તે હવે પોતાના જલનિધિથી રક્ષિત ને મર્યાદિત નાના સરખા ડુંગરા જેવા પ્રદેશમાં રહેવા લાગ્યો. મોજાંમાં ખેંચાઈ આવતી કોઈ કોઈ પેટીમાંથી, કંઈક ને કંઈક ખાવાનું મળી રહેતું. એ ઉપરાંત, એણે નાનું જેવું ખેતર બનાવીને, જે બિયાં મળ્યાં તે વાવીને, થોડાંઘણાં વૃક્ષો ઉગાડવા પ્રયત્ન કર્યો. સમય જતાં એની નાની સુરેખ ઝૂંપડીમાં, વેલની છાયા નીચે, ફૂલના છોડ શોભવા લાગ્યા. એકલો હોવા છતાં પણ, તેણે વ્યવસ્થા, શાંતિ ને સુઘડતા આણ્યાં અને પોતે જે જીવન જીવવાને ટેવાયેલો હતો તે જીવનના ભાંગ્યાતૂટ્યા અવશેષો સાચવવામાં જ તેને આનંદ આવવા લાગ્યો.

તદ્દન સ્વતંત્ર અને એકલું જીવન, પહેલાં તો ખૂબ ખૂંચવા લાગ્યું. સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, આકાશ ને ફૂલછોડ જાણે માનવતા ધરીને જ ઊભાં છે એમ તેને લાગવા માંડ્યું. સૂર્ય ઊગે, કે તારા નીકળે, કે ચંદ્ર ખીલે, એટલે એને મન કોઈ સજ્જન મિત્રને મળ્યા જેટલો સંતોષ થવા લાગ્યો. ઋતુઓ પણ આનંદ આપવા લાગી. પવન સજીવન લાગવા માંડ્યો. તેની સાથે વાતો કરવા માટે તે કવિતા જોડવા લાગ્યો. એવી રીતે તે એકધારું, એકલું ને શાંત જીવન ગાળવા માંડ્યો.

જેમ જેમ જળ શમતાં ગયાં તેમ તેમ છૂટાછવાયા પર્વતોનાં અનેક શિખરો દેખાવા લાગ્યાં. તે બધામાં પણ ક્યાંક વસ્તી હતી નહિ. જાણે શરીરમાં અનેક ઘા પડ્યા હોય તેમ, જૂની પૃથ્વી પર પડેલા આ ઘા જોઈને તથા તેને માનવકુલવિહોણી દેખીને આ જુવાનને દુઃખ થવા લાગ્યું. તેને એમાંથી એક પણ ટાપુ પર વાવટો બાંધવાનું મન થયું નહિ. એ તો હતો ત્યાં ને ત્યાં, પોતાના જ ટાપુનો પોતે રાજા, પ્રધાન, સિપાઈ ને રસોઈયો બનીને રહ્યો.

એક દિવસ તે આથમતા સૂર્યને જોઈ રહ્યો હતો. દૂર દૂર ક્ષિતિજમાં ડૂબતું સૂર્યનું પ્રતિબિંબ અત્યંત મનોહર લગતું હતું. પણ તેણે જરા બરીકીથી જોયું તો જાણે નાની સરખી હોડી હંકારીને, દૂરદૂરથી સમુદ્રના તરંગ પર ચડતેઊતરતે કોઈ ચાલ્યું આવતું હોય તેવું લાગ્યું. જે જૂની સૃષ્ટિ સ્વપ્ન જેવી મિથ્યા બની ગઈ હતી તેમાંથી આ કોઈ પોતાનો સજ્જન મિત્ર ઊગરી આવ્યો કે શું, એવા આશ્ચર્યથી એ દિશા તરફ વધારે ધ્યાનથી તે જોવા લાગ્યો.

હોડી હાંકનારે તેની સામેના ટાપુ પર વિસામો લીધો અને આવીને ચારેતરફ ચકિત દૃષ્ટિથી જોવાનું શરૂ કર્યું. આ જુવાન માણસે તે ટાપુ પર વધારે બારીકીથી જોયું ત્યારે તે આશ્ચર્યથી ને આનંદથી ઘેલા જેવો બની ગયો હતો.

હોડી હાંકીને આવનારે જેવો ટાપુ પર પગ મૂક્યો કે તરત જ સંધ્યાના રંગ જેવું સુંદર શરીર દેખાયું. આછા ઉજાસમાંથી તેના ગૌર શરીર પર ચારે તરફ પથરાઈ રહેલા કાળા સુંદર વાળ દેખાયા. અને જ્યારે તેણે જુવાનના ટાપુ તરફ જોવા માટે મોં ફેરવ્યું, ત્યારે તેના સ્ત્રીદેહ પર દિવસનાં છેલ્લાં કિરણો પડીને, તરત જ અંધકાર વળ્યો. એટલે અર્ધખુલ્લા, અણખૂલ્યા પ્રભાતના તેજ જેવી એની મૂર્તિ દેખાતી ન દેખાતી થઈ ગઈ. જલનિધિમાં અચાનક ઊગી નીકળેલા કમળ જેવી આ સુંદરી આ જુવાનની સંગાથે આખી રાત્રિ જાગ્રત સ્વપ્ના જેવી બનીને રહી; અને પ્રભાત થતાં ક્યરે હું એને જોઉં, એ તાલાવેલીમાં પેલા જુવાનને તારા, ચંદ્ર, આકાશ, ઉજ્જ્વળ રાત્રિ અને અદ્‌ભુત નિઃસ્તબ્ધતા કોઈનું ભાન ન રહ્યું.

પ્રભાત થયું. આજના જેવું સુંદર એ કોઈ દિવસ બન્યું ન હતું. ક્યારેક કુદરતને પણ આભૂષણો પહેરવાનો શોખ જાગે છે. આજનું પ્રભાત એવું હતું.

પેલો જુવાન માણસ તે અનામી સુંદરીને નિહાળવા ક્યારનો જાગી ગયો હતો. સૂર્યનાં હજારો કિરણો જલનિધિના તરંગ પર રમવા માંડ્યાં હતાં. પવન ઠંડો, મૃદુ અને માદક બન્યો હતો. આકશ ચોખ્ખું ને ભૂરું હતું. પૃથ્વી, પાણી, આકાશ, પવન ને તેજ પોતપોતાનું સાદું પણ અદ્‌ભુત સૌંદર્ય ધારી રહ્યાં હતાં : એ વખતે, પેલા જુવાને પેલી અનામી સ્ત્રીને ટાપુ પર ફરતી નિહાળી.

તેણે તેને સાદ પાડીને બોલાવવા માંડી, પણ સાદ પહોંચ્યો ન હોય કે પછી ભાષા સમજાઈ ન હોય, સુંદરી તો એક પથ્થર પર બેસીને સૂર્યને જ નિહાળવામાં તલ્લીન બની રહી. તેના વાળ સાથે પવન ગેલ કરતો હતો. તે સૂર્યનાં કિરણ નિહાળતી હતી અને સમુદ્રના જલતરંગના છંટકાવથી એના ગોરા પગ ધોવાતા હતા.

જુવાન માણસ અગાધ જળ નિહાળી રહ્યો. ડુંગર જેવા તરંગો પર ચાલવાની તેની હિંમત ચાલી નહિ. તે હતો ત્યાં ને ત્યાં બેઠો રહ્યો. એકબીજાને જુએ તેટલા સાંનિધ્યમાં છતાં, કોઈ કોઈને મળી શક્યું નહિ ને એમ ને એમ સાંજ પડી ગઈ.

અને એવી તો ઘણી સાંજસવાર ચાલી ગઈ. બન્નેમાંથી કોઈ કોઈને મળવાની જરાય તમન્ના હોય તેમ લાગ્યું નહિ.

એક સાંજ બહુ રૂપાળી હતી. રબારણ નદીમાં પગ ધોઈને ચોખ્ખી બને ને તેના ગોરાગોરા પગમાં છૂંદણાં ઊઠી નીકળે તેમ આકાશની ભૂરીભૂરી ભોંમાં નાનીનાની વાદળી પથરાઈ ગઈ હતી. છેક નમતી સાંજે જ્યારે સૂરજદાદાએ એના પર ભાત કોતરવાનું શરૂ કર્યું, ત્યારે તો આખું આકાશ, કણબીની લાડકી કન્યાએ પહેલે આણે પહેરવા માટે સાચવેલા નવાનકોર ચણિયા જેવું, રેશમથી ભરેલું બની ગયું. રૂપાળી સાંજ હતી.

આકાશમાં જ્યરે ચાંદો આવ્યો ત્યારે તેણે પૃથ્વીને છાનીમાની રસની વાતો કહેવાનું શરૂ કર્યું. વૈશાખી પૂનમ હતી. આખો ચાંદો હતો. અને જલનિધિ એને નિહાળીને છોળ ઉપર છોળ ઉછાળતો ગાજી રહ્યો હતો.

સાહસ કરવાનું મન થાય, પ્રેમની પાછળ મરવાનું મન થાય, વેદનાનો અંત લાવવા એક વખત ઝુકાવવાનું મન થાય એવી સરસ ચાંદની ખીલી હતી. આ વખતે એકાંતમાં પેલો જુવાન એકલો બેઠો હતો. જલતરંગ પર ચમકતી ચાંદની જોઈ, પર્વતમાળા પર ફરતી રૂપેરી રાત જોઈ. નિઃશબ્દ રાત્રિમાંથી આવતા શબ્દો સાંભળી, તે પોતાના સ્થાન પરથી અચાનક બેઠો થયો.

ટાપુના કિનારા પર પહોંચ્યો ત્યારે ઘુઘવાટ કરતા જલતરંગો તેના મનુષ્યની મશ્કરી કરતા હોય તેમ ગર્જી રહ્યા હતા. તેણે જરા કાન દીધો. ઝીણા સ્વરનું, ન સમજી શકાય તેવી ભાષામાં બોલાતું સુંદર ગીત પેલા ટાપુ પરથી આવતું હતું. ગાનારની પિછાન ન હતી, ભાષા અજાણી હતી; પણ રાત્રિની નિઃસ્તબ્ધતા ઊઠીને બોલે તેમ તેના શબ્દો ચોખ્ખા હતા. અજાણી ભાષમાં બોલાતું પણ જાણીતી અને જૂનામાં જૂની વાતનું તે સંગીત હતું. જે વિશ્વવ્યાપી છે અને છતાં જેને સૌ બારણે જ વળાવી દે છે, જેને માટે દુનિયા છે અને છતાં દુનિયામાં જેને માટે સ્થાન નથી, એવા પ્રેમનું મધુર ગીત હતું.

જીવનમાં જે મનુષ્ય દર પળે વિચ્ર કરવા થોભે છે તેને ક્યારેય અકસ્માતનો આનંદ આવતો નથી; વિચાર કરવાની આ પળ જ નહોતી. પેલા જુવાને શું થશે તેનો વિચાર કર્યા વિના, કેટલું દૂર છે તેના ભાન વિના, ક્યં જવું છે તે દિશા જાણ્યા વિના, રૂડી રાત જોઈને, અને આવી રાત્રે મરવામાં પણ આપઘાત નથી એટલો જ વિચાર કરીને જલનિધિમાં પડતું મૂક્યું. તે સમુદ્રના તરંગ પર ચડ્યો અને ઝપાટાબંધ અગળ વધ્યો, ત્યારે જ એને ખબર પડી કે અજાણ્યાં ને ઊંડાં પાણી કાપવામાં વળી કંઈ ઓર મજા છે.

ટાપુ પર પહોંચ્યો ત્યારે તેણે પેલી અનામી ને અજાણી સ્ત્રીને શિલા પર બેસીને ગીત ગાતી જોઈ. તેણે હોઠ પણ પૂરા ઉઘાડ્યા નહોતા, એક પણ તાન કે લયની તલ્લીનતા સેવી નહોતી; સહજ જ તે ગાયા કરતી હતી, અને તેનું ગાન સંગીત બનીને પથરાઈ જતું હતું.

જુવાન ધીમે પગલે છેક તેની પાસે ગયો.

પેલી સ્ત્રીના વાળમાં સુંદર ફૂલો હતાં. તેના નાજુક શરીરમાંથી સુવાસ ફેલાતી હતી. તેના ગોરાગોર મોં ઉપર ખુશ્બેગુલાબની ખીલતી કળી જેવા, બે સુંદર હોઠ અજબ માધુર્ય રેડી રહ્યા હતા : ચંદ્રલોકમાંથી અકસ્માત નીચે પડેલી અપ્સરકા જેવી તે સુંદરી હતી.

જુવાન તેની સામે નિહાળી રહ્યો. પણ પેલીનું સંગીત ધીમું પડ્યું જ નહિ. પેલો જુવાન ધીમે રહીને તેના પગ પાસે બેસી ગયો. અનામી સ્ત્રી પોતાનું ગાન આગળ ચલાવ્યે ગઈ.

ગાનનો એવો ભાગ આવતો લાગ્યો કે જ્યારે જુવાનના અંગેઅંગમાંથી જાણે સાદ થવા લાગ્યો - જાણે નિઃસ્તબ્ધતામાંથી અગમ્ય શબ્દો છૂટવા લાગ્યા-જાણે જીવનની સર્વોત્તમ ઘડી મૂર્તિમંત ખડી થઈ ગઈ ! તેણે સહજ જ અત્યંત મીઠાશથી પ્રેમભરેલા અવાજે પેલી સુંદરીને પૂછ્યું :

‘અજાણી સ્ત્રી ! તું કયા દેશમાં રહે છે ને આ તું શું ગાઈ રહી છે?’

પેલી યુવતી મીઠું, જાણે છીપમાંથી મોતી ચમકતાં હોય તેવું સૂરીલું ને પ્રેમભરેલું હસી; પણ કાંઈ જવબ વાળ્યો નહિ.

‘તમારો દેશ કયો ? તમારી જાત કઈ ?’ પેલા જુવાને બીજા પ્રશ્નો પૂછ્યા.

ગાન એકદમ બંધ થઈ ગયું. નીરવતા વ્યાપી થઈ. ‘જ્યાં શબ્દ નથી એ મારો દેશ. જ્યાં નામ નથી એ મારો પંથ.’ - એવો જવાબ જાણે આપોઆપ આ મૌનથી જ મળી ગયો હોય તેમ જુવાનને લાગ્યું.

પણ જુવાન હજી આગળ વધ્યો; પોતે જે જીવન જીવી ચૂકયો હતો, તેના થોડાઘણા રહ્યાસહ્યા અવશેષોમાંથી તેણે એક યોગ્ય વાત શોધી કાઢી.

‘તમે..ત..મે પરણ્યાં છો ?’

પેલી સ્ત્રી ખડખડાટ હસી પડી. તેણે કાંઈ જવાબ વાળ્યો નહિ. શરમિંદો બનીને જુવન ગુપચુપ બેઠો રહ્યો. પણ તેના મનમાં ગડમંથલ ચાલી રહી હતી : ‘આ સ્ત્રી ક્યાંની હશે ? તેનો દેશ કયો હશે ? તેની નાત કઈ હશે ? પોતે જે જીવન જીવવાને ટેવાયેલો હતો તેમાં, આ પ્રશ્નો જ જીવનના પ્રશ્નો ગણાતા અને બીજું બધું તો ગૌણ જ મનાતું.

‘અજાણી સ્ત્રી !’ અંતે તે બોલ્યા વિના રહી શક્યો નહિ, ‘તું ક્યંથી આવી ?’

સ્ત્રીએ જવાબ વાળ્યો : ‘સૃષ્ટિ બધી ડૂબી ગઈ છે. હું ક્યાંથી આવી છું તેની મને ખબર નથી.’

સૃષ્ટિ જીવતી હોય તોપણ કોણ ક્યાંથી આવે છે, એનો ખરો પત્તો લાગતો જ નથી. એ વિષે કાંઈ પણ વિચાર કર્યા વિના તે આગળ વધ્યો.

‘ત્યારે તમારી જાત તો તમને યાદ છે નાં ?’

પેલી સ્ત્રી હસી પડી.

‘જુવાન માણસ, તારે શું કહેવું છે ? તું માગે છે તે બધું મારામં હોય તો તારે શું કહેવું છે ? બોલ, નિશ્ચિત મનથી વાત કરી દે.’

અટલા જલપ્રલય પછી, જીવનની સર્વ વ્યવસ્થા જેમ હતી તેમ સાંગોપાંગ જળવાય તો જ જીવન ગણાય, એવી ઊંડીઊંડી અભિલાષા જેના અંતરમાં ઘર કરી રહી હતી તે જુવાને આસ્થેથી જવાબ વાળ્યો :

‘અજાણી સુંદરી ! હું તને ચાહું છું !’

સુંદરી જરાક દૃઢ રીતે ટટ્ટાર થઈ ! ‘અજાણ્યા પુરુષ ! એક વર ફરીથી કહે, તારે શું જોઈએ છે ?’

‘મારે તને ચાહવી છે, હું તને ચાહું છું. હું તને પરણવા - પણ રહે-તારી જાત કઈ છે ?’

પેલી સ્ત્રી બેઠી થઈ ગઈ.

‘તું દેશ કે જાતને ખાતર પરણે છે કે પ્રેમને ખાતર ? અજાણ્યા પરદેશી ! તું પ્રેમી નથી લાગતો. તું તો કોઈ જાત કે દેશ વિષે પક્ષપાત કરનારો કાયદાશાસ્ત્રી લાગે છે ! અને હું-હું તો સ્ત્રી છું; મારે તો પુરુષને અને પ્રેમને પરણવું છે, કાયદાશાસ્ત્રીને નહિ. જા, જા, જતો રહે ! જ્યાં દેશ અને જાત જાણ્યા પછી પ્રેમ થતો હોય એવા પ્રદેશની હું નથી !’

અને તેણે પેલા પુરુષની સામે પણ જોયા વિના ફરીથી પેલું ગાન, જગત જેટલું જૂનું ને પ્રેમ જેવું અમરગાન શરૂ કર્યું. એ પ્રેમનું જૂનામાં જૂનું નિત્યયૌવનનું ગીત હતું.

‘ત્યારે છેવટે માત્ર, તમારું નામ કહેશો ?’

‘જા, પુરુષ, જા ! તું કોઈ પ્રેમ નથી, તું ઘર ભાડે શોધનાર કોઈ ભાડૂત લાગે છે. હું તો અનામી પ્રેમમાં જ માનું છું. મારે કાંઈ નામ જ નથી. અને કાંઈ નામ હોય તો આટલું જ : સ્ત્રી.’

અંતરમાંના કોઈ અતળ ઊંડાણમાંથી આવ્યો હોય તેવો ગંભીર ‘સ્ત્રી’ શબ્દ સાંભળતાં જ ‘પુરુષ’ થંભી ગયો. તે પોતાની જાત, દેશ, વ્યવસ્થા, કાયદો ભૂલતો હોય, અને જાણે ‘પ્રેમની ખાતર પ્રેમ’ એવા કોઈ અનામી ગીતના સ્વરથી ખેંચાતો હોય તેમ આગળ વધ્યો. તે સ્ત્રીનો હાથ હથમાં લેવા ગયો, પણ તે તેના હાથમાંથી ચપળતાપૂર્વક દૂર ખસીને ઊભી :

‘તેં શું વિચાર્યું ?’

‘અનામી સ્ત્રી ! મારે પણ કોઈ જાત કે દેશ નથી. તું સ્ત્રી છે, હું પુરુષ છું; ને કોઈ અગમ્ય પ્રેરણા મને તારા તરફ ધકેલે છે.’

મીઠા હાસ્યથી આવકાર દેતી પેલી સ્ત્રી પોતાનો હાથ લંબાવીને ઊભી રહી. પેલો પુરુષ તેના ટેકાથી અગળ વધ્યો.