Lakhmi in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | લખમી

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

લખમી

એક વખતે ધોળકા લાઈનના રેલવેના પાટા બદલાતા હતા, એટલે વેજલપરાથી સો-સવાસો માણસ કમાવા આવ્યું હતું, ને ધોળકા રેલવેના પાટા પાસે સીમમાં પડાવ નાખીને પડ્યું હતું.

કાનો અને એનો સસરો પૂંજો ઢેઢ એ તરફથી આડેધડ ચાલ્યા આવતા હતા અને ગમે તેમ કરી એલિસબ્રિજ જનારી મોટી સડક પકડીને ‘માણેકચોક’માં પહોંચવાનો એમનો વિચાર હતો. વેજલપરાથી આઠેક દિવસ થયા આવેલા; લોટદાળ લાવ્યા હતા તે ખૂટી પડ્યાં અને અમદાવાદ તથા એનું ‘માણેકચોક’ એમની સ્વપ્નસૃષ્ટિામાં પહેલેથી જ કાંઈક સોનેરીરૂપેરી મહેલાત જેવાં લાગેલાં, એટલે આજે તો ભલે રાતના આઠ વાગે કે નવ થાય, પણ ‘માણેકચોક’માંથી જ હટાણું કરવાનો નિશ્ચય કરીને બન્ને નીકળ્યા હતા.

મોટી સડક ઉપર એક પછી એક કેટલાંય વાઘ ચાલ્યાં આવતાં હતાં, અને એમણે ઉડાડેલી ધૂળ શાંત થાય ન થાય તે પહેલાં મોટરે ઉડાડેલી ધૂળના ગોટેગોટામાં સસરો-જમાઈ દટાઈ જતા હતા. થોડોક ઉજાસ થાય ત્યાં પૂંજો બોલતો : ‘મેં તો તમને પહેલેથી કહ્યું હતું કે ભલે વાળુ ટાણું થાય, પણ ડગલી કરાવવી તો તો માણેકચોકમાં જ.’ જુવાન પણ નમ્ર છોકરા જેવો આજ્ઞાંકિત કાનો કાંઈ બોલ્યા વિના પાછળ પાછળ ચાલ્યો આવતો હતો. પૂંજો આજે પોરસમાં હોય, કે પછી ગમે તેમ, પણ પોતાના જમાઈને માણેકચોકમાંથી જ ડગલીનું લૂગડું અપાવી, ત્યાં ને ત્યાં દરજી પાસે સીવવા આપી, પછી જ ઘેર પાછો ફરવાનો હતો.

‘લોટ પણ ન્યાંથી લેવો છે ?’

‘હા, હા, તમે જુઓ તો ખરા, લોટ પણ ન્યાંથી જ લેવો છે. વશરામ લાવ્યો નાં, પરમ દી, રૂપિયાનો પચી શેર. પણ આપણે તો રૂપિયાનો ભલે ચોવી શેર મળે - બાજરાનો - પણ લેવો છે તો માણેકચોકમાંથી જ.’

‘મોડું બહુ થાશે’, કાનો બોલ્યો. કાનો જુવાનજોધ હતો, પણ એના પગમાં પોતાના પ્રૌઢ સસરા જેવું જોમ ન હતું.

‘બશેર જલેબી લેશું. ત્રણ દરવાજા પાસે, ખાંચામાં પીળી ધમરક મળે છે, ને સસરો-જમાઈ બેય ખાતા આવશું. ધોળી દૂધ જેવી રાત છે, પછી ભલે ને સોપો પડી જાય.’

એક કૂતરું પૂંજાની હડફેટે આવતું રહી ગયું ને પાસેથી સડસડાટ કરતી મોટર ચાલી ગઈ. એની ધૂળના ગોટાથી આસપાસનાં ખેતર છવાઈ ગયાં. પણ પૂંજો તો અમદાવાદ ને માણેકચોક એ બે નામની જ માળા જપતો હતો.

‘માણેકચોકમાં શું મનખો મળે છે ! ધોળકે મેળામાંય એટલાં નો થાય!’

સસરાને ભેળા જમાઈએ કરેલી આ તુલના જરાક ખૂંચી અને જમાઈ ‘કલ્ચર’માં - સંસ્કારિતામાં - જરાક પાછળ લાગ્યો - માહિતીની દૃષ્ટિએ : પણ આજે પૂંજો ચિડાવાના તોરમાં જ નહોતો; નહિતર કાનાને ‘ઢોર જેવો છો’ એમ કહી નાખત.

‘તમારી સાસુ જીવતાં અમે આવ્યાં હતાં, આજથી પાંચ વરસ પહેલાં. એનો મંદવાડ વિરમગામનો કે નડિયાદનો કે અમદાવાદનો કોઈ દાગતર વરતી ન શક્યો, પછી આપણી વશરામની વહુએ ડામ દીધા.’

પૂંજાનાં પગલાં જરાક નરમ પડ્યાં. એટલે કાનો સાથે થઈ ગયો. મિત્રના ખભા પર હાથ મૂકતો હોય એમ પૂંજો કાનાના ઉઘાડા કાળા ખભા ઉપર હાથ મૂકીને બોલ્યો : ‘તમે નાના હતા, તમને ખબર નથી, પણ કડવીની મા બહુ ચાલાક માણસ હતું.’

કડવી પૂંજાની મોટી દીકરીનું નામ હતું.

ભોળિયો કાનો સસરાની સામે જોઈ રહ્યો. અત્યારે પૂંજો એની સાથે મિત્રની જેમ વરતી રહ્યો હતો, પણ ‘દેશના એક વીસું રૂપિયા બાકી છે તે ભરી ગયા પછી તમારા માણસને - આ કડવીને - તેડી જજો,’ એમ એણે કહ્યું હતું.

‘તમે નાના હતા. કડવી પણ નાની હતી. પણ તમારી સાસુએ ક્યાં વરો આવ્યો ને ક્યાં ગયો, કાંઈ કળાવા દીધું નો’તું; બહુ ચતુર માણસ.’

કાનો પોતાની સાસુનાં વખાણ સાંભળી રહ્યો. એને એટલી તો ખબર હતી કે પોતે નબાપો બન્યો ત્યારે વેણની ખાતર પણ સાસુએ સંબંધ જાળવી રખાવ્યો હતો. અને એના દેશના રૂપિયા દસ વીસુંને બદલે છ વીસું લેવરાવ્યા હતા. એની સ્મૃતિમાં એની સાસુની મૂર્તિ પૂજ્ય અને પ્રેમભરેલી હતી.

પણ પૂંજાને તો આજે આ સાબરમતીનો કાંઠો જોઈને જૂનાં સંસ્મરણો જાગ્યાં હતાં.

‘તમારી સાસુ સાથે હું આવ્યો, ત્યારે આંહીં આ બંગલા કે કાંઈ નહિ હો. બધે જંગલ. હું ને વશરામ તો લોટ લેવા હારે જાઈએ. ને પેલો આરો દેખાય, ન્યાંથી અમે સીધા ખાનપુર દરવાજે નીકળી જઈએ. પણ તમારી સાસુ-લખમીનો જ અવતાર. હવે એવા માણહ કળજગમાં મળે નહિ. શું તમને વાત કરું, કાના !’ પૂંજાએ કાનાના ઉઘાડા ખભા ઉપર હથેળી લગાવી. કાનો તો મૂંગો મૂંગો હોંકારો જ ભણતો હતો.

‘ભાઈ, કડવીના વિવાહ કર્યા ત્યારે તમારી સાસુએ મને કહ્યું હો, કે આપણો જમાઈ દૂબળું માણસ છે, તે દેશના રૂપિયા છ વીસું જ લેવા છે. ઉપર રાત જેવડું ધાબું છે, ખોટું નહિ બોલું. મારા મનમાં એક વીસું ઓછા લેવાનું હતું, પણ તમારી સાસુ ચતુર માણહ ભાઈ, મને પણ માળું કોણ જાણે શું, તે એનો બોલ ઉથાપવાનું મન જ નો થાય. ભાઈ, ચાર વીસું ઓછા કરાવ્યા; એમાંથી હજી તમે એક વીસું ભર્યા નથી, પણ મારા મનમાં એનો દખધોખો કાંઈ ન મળે. ભાઈ, પછી વિવાહ તો ઊકલી ગયા. મૂકવું-કરાવવું પતી ગયું ને મેં કહ્યું : ‘કાં કેટલા રૂપિયા વધ્યા ?’

‘કાંઈ વધ્યું નથી. પસ્તાળીશ રૂપિયા ઘટ્યા છે,’ તમારી સાસુએ કહ્યું.

‘હવે ? વાણિયાનું ક્યાંથી ચૂકવશો ? નેમચંદ એક દી ખમે એવો નથી.’

‘તમારી સાસુ બોલતાં બહુ થોડું. ભાઈ, મને તો જવાબેય નો દીધો. ત્રીજે કે ચોથે દી વશરામ ને મેઘો અને સતારપરવાળો કાળિયો સૌ આવ્યા હતા. તમારાં સાસુ હોય એટલે મારા મનમાં ઘરની કાંઈ ફિકર નહિ. ભાઈ, હું તો હોકો ચગવીને લીમડા હેઠે બેઠો’તો હો, ને ગરાશ્યાની પેઠે વાતુંએ વળગ્યો’તો; પણ મનમાં ચટપટી કે જો નેમચંદ આવી ચડ્યો તો આબરૂના કાંકરા થઈ જાશે. ભાઈ, તમારી સાસુએ તો ચોખા, ગળ, ઘી, બધુંય તૈયાર કંપલટ રાખ્યું, ને સૌ ભાણે બેઠા. એટલામાં નેમચંદ આવ્યો. મારાં તો ઘરણ જ મરી ગયા. પણ તમારી સાસુ જબરું માણહ. કોઠલામાંથી રૂપિયા પસ્તાળીશ રોકડા કાઢીને ઓશરીની કોર ઉપર જ નવા નકોર ખખડાવી દીધા. હું મનમાં ઘા ખાઈ ગયો કે માળીએ રૂપિયા કાઢ્યા ક્યાંથી ?

‘મે’માન તો ગયા. પછી મેં પૂછ્યું કે ‘તેં રૂપિયા કાઢ્યા ક્યાંથી ?’ મોઢું મલકાવીને, દાઢીએ હાથ રાખીને એણે તો જવાબ દીધો, ‘તમારે શું કામ છે ? કાઢ્યા ગમે ન્યાંથી.’

‘ના, પણ તું વાત તો કર, કે રૂપિયા આવ્યા ક્યાંથી ?’ મેં કહ્યું.

‘તમારી સાસુનો સ્વભાવ જરાક હસમુખો ખરો. મને કહે, ‘હું ચોરી કરી આવી છું.’

‘પણ હું કાંઈ માનું ? મને ખબર હોય નાં કે આ સતજુગનો જીવ કાંઈ ચોરી કરે ?’

‘મેં કહ્યું કે ‘તું રૂપિયા ક્યાંથી લાવી એ કહે, નહિતર મારે ભગરીનું દૂધ-ઘી હરામ છે.’

‘તમારી સાસુ તો તાળી લઈને હસી પડ્યાં અને આપણી નાતમાં એના જેવો રાગ કોઈનો નહિ હો, ભાઈ. મને જવાબ આપવાને બદલે ભનકીને કહે કે ‘લે, હું તને ગીત ગવરાવું, ગીત ગા,’ અને એમ કહીને ફળીમાં રાસડા કર્યા :

‘કારતકે વ્હાલા કૃષ્ણકૃપાળા, વ્હાલા બંસીવાળા;

રાજ રૂપાળા રે, વ્રજમાં આવોને.

‘એટલામાં ત્યાંથી રૂડકી નીકળી. ત્યાં તો શામડી આવી, ને મોંઘી તેલનો શીશો લઈને જાતી’તી એ પણ થોભી ગઈ. માણહને જોણું થયું. ને ભાઈ, રૂપિયાની વાત રૂપિયાને ઠેકાણે રહી ને ઢેઢપામાં રાસડાની રમઝટ બોલી ગઈ. એટલી બધી બાઈડિયું તે હું એકલો શું કરું ? મનમાં કીધું, ભલે ગાઈ લ્યે. પછી વાત.

‘ભાઈ, મેં તો સાંજે ભાણું ઠેલી મેલ્યું. ‘રૂપિયા ક્યાંથી લાવી એ વાત કર તો હા, નકર ખાવું હરામ.’ પછી શું કરે ? મને કહે, ‘એ તો હું મુખિયાણીની પાસેથી ઉછીના લાવી છું. આપણે પછી ભરી દેશું.’

‘હવે મારે કાંઈ મુખિયાણીને પૂછવા જવાય નહિ. વખતે મુખિયાણીને છાનાછપના આપ્યા હોય એટલે મુખીને પુછાય નહિ. અને આપણે મુખિયાણી હારે બોલવું શી રીતે ? એટલે ભાઈ રૂપિયાની વાત તો એમ થાળે પડી. ગામના વાણિયાનું તો ચૂકવી દીધું. પણ પરગામના વાણિયાના રૂપિયા સાત વીસું ને સાત હતા, એ ક્યાંથી ભરવા ? થોડાક રાઘવ મોચી પાસે લેણા હતા તે આવ્યા, એક પારો ખંડી નાખ્યો, પણ અંદર પેલે ગોકળીએ સોનીએ રૂપાના કરડા મૂકેલા ! મારે બેટે બરાબર દગો દીધેલ, તે માંડ એનારૂપિયા અરધા ઊપજ્યા. વળી તમારી સાસુ મુખિયાણી પાસેથી થોડાક લાગ્યાં ને એમ ઓટાગોટા કરી અમે તો નામું ચૂકવવા હાલ્યાં.

‘પણ દીપચંદ તો ક્યાંય થાવો નથી હો. સાત વીસું ને આઠ રૂપિયાનું નામું નીકળ્યું, પણ એણે તો પાંચ વીસું રાખ્યા ને બીજા બે વીસું ને આઠ પાછા આપ્યા. કે’વા માંડ્યો, કે નામું ચૂકતે નહિ કરું.’

‘તમારી સાસુ કહે, ‘મારે પાઈનુંય દેણું રાખવું નથી. નામું ચૂકતે કરો.’

‘પણ દીપચંદ માને નહિ. કહે કે ‘ના, તમારા જેવું કળ ચૂકતે નામું કરી જાય તો તો પછી દુનિયામાં વહેવાર કેમ ચાલે ? તમતમારે રૂપિયા બે વીસું ને આઠ પાછા લઈ જાઓ ને વાપરો, ને મારું નામું ભલે બાકી રહ્યું.’

‘મેં કહ્યું, ‘પણ દીપચંદકાકા ! વળી ખપ પડશે તો તમારે ત્યાં જ કનડવા આવીશ.’

‘દીપચંદ કહે, ‘તારી વાત સાચી, પણ તું અમારો ખાતેદાર રહે એવી અમારે આશા ન હોય ?’

‘ભાઈ, હા-ના કરતાં રૂપિયા બે વીસું ને આઠ બાકી રાખ્યા. દીપચંદ બિચારો લાખનું માણહ હો.

‘મહિને રૂપિયે પૈસા લેખે સાવકારી વ્યાજ નોંધ્યું, ને અમારી ગાંઠે રૂપિયા પાછા બંધાવ્યા.

‘પછી હું ને તમારી સાસુ તો રૂપિયા લઈને પાછાં વળ્યાં. ત્યાં દીપચંદ પાછળ દોડ્યો, મને કહે, ‘હાલો પાછા, તમારું કામ છે.’ દુકાને ગયો ત્યાં ભાઈ દોઢેક શેર ઘી, ત્રણ શેર જેટલો ગળ, દશ શેર ઘઉં મારા મોં આગળ મૂક્યાં. મને કહે, ‘ઉપાડી લો. તમારું આટલું નામું થાય તો મારે પણ સોપારીનો કટકો આપી જાણવો જોઈએ.’ બહુ ના કહી પણ કાંઈ માને ? પછી મેં પણ એને બે રૂપિયા પાઘડીના કરીને આપ્યા અને અમે ઘેર આવ્યાં.’

જેવી મીઠાશ ભૂતકાળની યાદીની વાત કરતાં માણી હતી, તેવી જ મીઠાશ, પેલી બશેર જલેબીમાં લેતાં લેતાં, પૂંજાએ કાનાને બીજી પણ ઘણી વાતો પાછા ફરતી વખતે કહી સંભળાવી હતી. સાબરમતીનો વિશાળ પટ ખાલી પડ્યો હતો. તે ઉપર ધોળી દૂધ જેવી ચાંદની વરસતી હતી; નીચે રેતીની સફેદ ચાદર આકર્ષક ને મોહક બની રહી હતી. અને ચાંદનીમાં પસાર થતી આછી વાદળીની છાયા જેવી ભૂતકાળની સ્મરણકથા પણ સુંદર હતી.

પૂંજાની એ જીવનકથા ખરેખર સરસ હતી.

ત્યાર પછીના વાર્તાના પ્રવાહ પ્રમાણે પૂંજાનું આ ચતુર બૈરું મરણ પામ્યું હતું.

(ર)

પણ લક્ષ્મી ગઈ અને પૂંજાનો સઘળો જીવનરસ લેતી ગઈ. ૫છી તો નાનકડી છોકરી ભનકીને લઈને એ ઓટલે બેઠો રહે. પેલો જૂનો લીમડો, એનો જીવનસંગાથી જેવો હોકો અને ભલું હોય તો એકાદ રડ્યુંખડ્યું કૂતરું, આ એનાં સાથી. બસ, જાણે કાંઈ કામધંધો ન હોય તેમ એ બેઠો જ રહેતો. સૂરજ ઊગતાંથી આથમતાં સુધી, કેટલાક પેન્શનર ખાટ ઉપર હીંચક્યા કરે છે તેમ. પૂંજો પેલા ઓટલા ઉપર હોકો લઈને બેઠો જ હોય !

પણ લક્ષ્મી મરી ગઈ ત્યારે પૂંજાએ નાત કરી હતી એટલે એનું દેવું થયું હતું. જમાઈ પાસેથી દેશના રૂપિયા વધુ મળે એવો સંભવ હતો નહિ, એટલે પૂંજો ધીમે ધીમે કામે જાવા લાગ્યો, ને મહેનત કરી કરીને સૌનું ચૂકવવા લાગ્યો.

લક્ષ્મીને મરી ગયાં ત્રણ વર્ષ થયાં, તે દરમ્યાન અનેક વાર બીજું ઘર કરાવવાનો પ્રયત્ન થયો, પણ પૂંજો એક જ જવાબ વાળતો : ‘ના. મારાં છોકરાં દખી થાય, એની માએ મને ભળાવ્યાં છે.’

પણ છોકરીને સાચવવી, મજૂરી કરવી ને ભત્રીજાની વહુ છણકો કરતી આવે ને બે રોટલા ટીપી જાય તે ખાઈ લેવા એ સઘળી વાતથી પૂંજો કાયરકાયર થઈ ગયો. આડોશીપાડોશી સૌ એને વળગ્યાં કે હવે તો તું બીજું ઘર કરી લે. એટલું છતાં એ ટકી રહ્યો હતો. જોકે હવે નાતમાં તો એની વાત પણ થાતી હતી કે છતે પૈસે દુઃખી થાય છે. પણ પૂંજાનો વિચાર હતો કે દેણું ચૂકવાઈ જાય, બન્ને છોકરાં પોતપોતાના ઘેર આવતાં-જાતાં થાય, ને પછી કામઢું માણસ મળે તો વળી ઘરસંસાર ફરી માંડવો.

એક વખતે પૂંજો મજૂરીએ ગયો ત્યારે શામડી બાવળનો ભારો લઈને આવતી હતી. શામડી પાસેના ગામડાની હતી અને એટલામાં પોતાનાં રૂપ અને યૌવનને લીધે પ્રસિદ્ધ હતી. ઘણાએ એને હંસડી બાંધવા કહેવરાવ્યું હતુ, પણ શામડી એક જ તોછડો જવાબ વાળતી : ‘મારે તો હથેળીમાં થૂંકાવે એવું શોખીન માણસ જોઈએ.’ એની મારકણી આંખ અને નવું જોબન એને પુરુષ પ્રત્યે જરાક બેદરકારીથી જોતાં શીખવી રહ્યાં હતાં. જ્યારે સ્ત્રીને પોતાના રૂપનું ભાન થાય છે ત્યારે એની મસ્તી ઓર પ્રકારની હોય છે. શામડીની જરાક ભીનેવાન ચામડીની મઢેલી દેહ આવી મસ્તી ભોગવી રહી હતી. પૂંજો રસ્તે મળ્યો ત્યારે શામડીએ જરાક મશ્કરીમાં, જરાક બેદરકારીમાં અને જરાક પૂંજા જેવું નાતમાં મોભાવાળું માણસ સામું મળે ત્યારે બોલવું જોઈએ એવા વિવેકથી સહજ જ કહ્યું :

‘ક્યાં હાલ્યો પૂંજા ?’ માથા ઉપરનો ભારો નીચે ટેકાવીને તે વાત કરવા ઊભી.

પૂંજો એની સામે ઊભો રહ્યો : ‘જાઉં છું, બીડ વાઢવા.’

‘ઊધડું રાખ્યું છે ?’

‘હા. તું મહણાં ક્યાં જાય છે ? બીડ વાઢવા આવ ને !’

‘મારે તો આવે છે ભૂખરાત. તારે ત્યાં બીડ વાઢવા કોણ આવે ?’ શામડી ચીડવવા માટે જ બોલી.

‘કેમ ? મારો શો વાંકગનો દીઠો ?’

‘વાંકગનો કાંઈ નહિ,’ શામડી લહેકાથી બોલી, ‘પણ તારી હાંસડી કોઈ બાંધતું નથી, તે કાંક કહેવાપણું હશે નાં ?’

જુવાન ને રૂપાળી સ્ત્રીએ મારેલો આ ટોણો પૂંજાને છાતી સોંસરવો નીકળી ગયો. વળી, શામડી ટોણો માર્યા પછી જરાક મલકી પડી.

‘મારામાં શું કહેવાપણું છે ? મેં લખમીની પાછળ નાત નથી કરી ? શું મેં મારી દીકરીને વળાવી નથી ? મારી હાંસડી બાંધવા તો એક કહેતાં એકોતેર તૈયાર થાય છે, પણ મારે કાંઈ રૂપકડું ઘરમાં લાવીને લોકની આંખે ચડવું નથી.’

આ ફટકો શામડીને સોંસરવો નીકળે એવો હતો. ‘હા ભઈ, હા. અમે તો ભલે ને કાળાં રહ્યાં, તું કોક મઢમડી લાવજે.’ એટલું બોલીને શામડીએ

ભારો માથે ચડાવતાં ઉમેર્યું, ‘પણ પૂંજા, જોજે હો, રૂપકડી ગોતવામાં ક્યાંક છેતરાઈ જા નહિ !’

અને એક તીવ્ર સોંસરવી નીકળે એવી મોહક દૃષ્ટિ નાખીને શામડી ચાલતી થઈ.

તે દિવસથી પૂંજો જુદો પડી ગયો હતો. શામડી ઉપર એનું મન ચોંટ્યું હતું. વધારે તો એટલા માટે કે શામડીનો ટોણો પાછો એને જ સોંપવાની એની વૃત્તિ જાગી ઊઠી હતી. આઘાત-પ્રત્યાઘાતમાંથી ઉત્પન્ન થતો પ્રેમ ઘણી વખત કુદરતી પ્રેમ કરતાં વધારે બળવન, વેગભર્યો ને જુસ્સાભરેલો હોય છે. શામડીને પોતાના ઘરમાં બેસાડીને એની સાથે લહેકાથી ટોણા મારતાં મારતાં મશ્કરીભરેલી વાતો કરવાની પૂંજાને અનિવાર્ય જરૂરિયાત લાગી. એ જરૂરિયાતમાંથી જ એણે નિશ્ચય કર્યો કે ઘરઘું તો તો હવે શામડીને જ.

ઘણી વખત એવું પણ બને છે કે તમે જે ચિંતન કરતા હો તે જ વસ્તુ સામે આવીને મળે છે. ત્યાર પછી શામડી પૂંજાને ભેટી હતી. ઘણી વખત ચમચમ કરતા એના જોડા પહેરીને, એ તો પૂંજાને ઓળખતી ન હોય એમ કરીને ચાલી જતી. પણ એના મનમાં સો ટકા ખાતરી હતી કે પૂંજો એને બોલાવશે જ. અવી ખાતરી હોય છે, ત્યારે સ્ત્રી વધુ બેદરકારી દેખાડવાનો વેષ ભજવે છે. એક દિવસ પૂંજાએ વાતચીત કરી પણ ખરી.

‘અરે ! શામડી, તું તો આજ જલદી પાછી વળી ! કેટલા પૈસા આવ્યા ?’

‘આવ્યા, બેચાર આના. અમે કાંઈ ગોરાં છીએ કે વાણિયા-વેપારી મોહી પડે ?’

‘તે તમે બલોયાં કેમ પહેરતાં નથી ?’

પૂંજો પૂરી જાણ વિના કે ભાન વિના ઊંડા પાણીમાં ઊતરતો હતો.

શામડી મલકી પડી : એવા આત્મસંતોષથી કે પૂંજાને પોતે આકર્ષી રહી છે.

‘નહિતર તો જાણે પોતાને ખબર નહિ હોય ? રંડવાળને બલોયાં

પહેરતાં જોયાં હશે કાં ?’

‘એમ ? તું - તમે રાંડ્યાં છો ?’

‘ઓહોહો ! કાંઈ વાત છે ? તને ખબર નહિ હોય !’

‘તે હવે નવું ઘર માંડો ને !’

‘મને કાળીકૂબડીને કોણ રાખે ? સૌને ગોરું બૈરું જોઈએ.’

પોતાના રૂપના સંપૂર્ણ ભાન સાથે શામડી બોલી. એટલે એના બોલવામાં એક જાતનો ગર્વ હતો. ‘મને ન રાખવાની હિંમત કોનામાં છે એ તો બતાવો ?’ એવી જાતનું જાણે કે આહ્વાન હતું.

‘લે હવે ઠેકડી જાવા દે ને, કહું છું, ખિજાતી નહિ હો. મારી હાંસડી બાંધ ને !’

શામડી બે હાથની તાળી લેતી હસી પડી : ‘લ્યો. તમારે તો એક કરતાં એકોતેર મળે છે ને ?’

‘હા, પણ એમાં તારા જેવી કોઈ ન મળે !’

‘ના રે, આપણે તમારા જેવા મોટા માણસની પડખે ચડવું નથી. આપણે તો કોક આછુંપાતળું માણસ જોઈએ.’

‘લે હવે શામડી ! સાચી વાત કર ને !’

‘ના રે !’ શામડી લહેકો કરતી ચાલી ગઈ. પણ પૂંજાને ‘ના રે’ની પાછળ જ રહેલો ‘હા રે !’ નો સ્પષ્ટ અવાજ સંભળાયો.

(૩)

દાંતનાં ચાર બલોયાં ને સાડલો તૈયાર રાખીને પૂંજો તો શામડીની હા પડે એની રાહ જોઈ રહ્યો હતો. શામડીની બહેન કેસરે સમાચાર પણ આપ્યા કે શામડીએ હા પાડી છે.

પણ નિર્વિઘ્ને કામ પાર પડે તે પહેલાં અતિ મહેનતને પરિણામે પૂંજો સખત માંદો પડી ગયો.

પૂંજાએ કાગળ લખેલ એટલે કડવી ને કાનો પણ રેલવેમાં આઘે કામ કરવા ગયેલાં, ત્યાંથી ચાકરી કરવા આવી પહોંચ્યાં.

પૂંજાનો મંદવાડ તો લંબાતો ગયો. એમાં પાછા વશરામની ડાહી વૈદ જેવી વહુએ ડામ આપ્યા હતા. બિચારો પથારીમાં પડ્યો હાંફતો હતો. ઘરની ઘરવખરી એક પછી એક પગ કરવા માંડી. કાંઈક ભૂવાને દેવું પડ્યું. કાંઈક ગોરના જોશમાં આપ્યું, બાકી દવાની પડીકીમાં ગયું. પૂંજો બધી રીતે ઘસાતો ચાલ્યો.

અષાઢ માસની એક મેઘલી રાતે પૂંજો વધુ માંદો હતો. કાનો વશરામને બોલાવવા ગયો હતો. એક ખૂણામાંથી દોઢ પૈસાનો ઘાસલેટનો દીવો પ્રકાશ આપી રહ્યો હતો. ચૂલા ઉપર ધાનનું માટલું પડ્યું હતું, એમાં મોં નાખીને બિલાડી ખાવાને કરતી હતી. કડવી ગમગીન બનીને બાપની પાસે બેઠી હતી. છોકરી ભનકી બહાર સૂતી હતી.

‘કડવી ! હવે તો મને થોડોક શેરો કરી દે તો શરીરમાં તાકાત આવી જાય.’

કડવીએ તરત ચૂલો સળગાવ્યો, પણ કોણ જાણે કેમ, દીવાસળી હાથમાં રાખીને જ થંભી ગઈ.

‘બાપા ?’

‘કેમ દીકરી ? કડવી, શું છે ?’

‘આ આપણું પાણિયારું છે, કાં ?’

પૂંજાને આ સવાલથી નવાઈ લાગી, પણ તેણે ડોકું ધુણાવીને હા પાડી.

‘એ તો હમણાં એવું છે, કડવી ! તારી મા જીવતાં એ પાણિયારાનું રૂપ જુદું હતું. ત્યાં તાંબાપિત્તળની હેલ રે’તી, નીચે ચૂના જેવી ગાર થાતી ને ઉપર ચિતરામણ હતાં.’

કડવી છેક પૂંજા પાસે આવી.

‘બાપા ! મારે એક વાત કરવી છે. મારી માએ તમને કહેવાની કહી હતી.’

પૂંજો પથારીમાં અરધો બેઠો જેવો થઈ ગયો. તેની આંખ ભૂતકાળના પડદા ચીરીને કડવીની મુખાકૃતિમાં સચવાયેલું લખમીનું મોં જોઈ રહી. તેના ચહેરા પર દીવાનો પ્રકાશ પડતો હતો અને મોં ઉપર અપાર્થિવ તેજ હતું.

‘કોણ ? તરી માએ કહી છે ? - તું આજ હવે મને આ વાત કહેવા બેઠી ? આજ સુધી નો સાંભરી ?’

‘આપણો આ ચૂલો આંહીં જ હતો ?’

‘હા.’

‘અને આ પાણિયારું, તઈ તો બાપા, એ બેયની વચ્ચોવચ મારી માએ રૂપિયા સાચવીને રાખ્યા છે !’

‘હેં !’

‘અને મને કહ્યું ’તું કે તારા બાપા મજૂરી કરીને કામી ખાય, ત્યાં સુધી કાંઈ બતવીશ નહિ. રૂપિયા જોઈને નવી બાયડીના છંદમાં પડશે અને તમને દખ પડશે. પણ તારા બાપા દખી થાતા હોય, કોઈ આબરૂનો સવાલ આવ્યો હોય, કાળદકાળ પડે, તમારી માંદગીમાં ખપ પડે, તો આ રૂપિયા બતાવજે. આજ મને ઈ સાંભર્યું, બાપા !’

અંતરના ઊંડા મંથનમાં પડ્યો હોય તેમ પૂંજો કડવીની સામે જોઈ રહ્યો : ‘કડવી ! તેં બેટા, આજ સુધી આ વાત સાચવી રાખી, આવું તારું ડહાપણ એ તો તારી મા સિવાય બીજે ક્યાંયથી મળે નહિ. શી એની ચતુરાઈ! જો ને આજ ખરે ટાણે મને બચાવી લીધો !’

પૂંજો વધારે બોલી શક્યો નહિ, પણ એનું અંતઃકરણ અનેક વિચારો કરી રહ્યું હતું.

એટલામાં બારણું ઊઘડ્યું ને વશરામને તેડીને કાનો આવ્યો.

પૂંજાને જરાક સારું છે. એ જોઈને બન્નેને હૈયે ધરપત વળી. કડવી પૂંજા માટે શીરો તૈયાર કરી રહી હતી. બીજે દિવસે સવારે પૂંજાએ કાનાને બોલાવ્યો. રાતમાં કડવીએ રૂપિયા દોઢસો ભોંમાંથી કાઢી લીધા હતા. પૂંજાએ પોતાની પથારી નીચેથી એક રૂપિયો ફેંક્યો : ‘લ્યો કાના, આ રૂપિયા. ઘીગળ લઈ આવો ને શેરો કરીને આજ તો સૌ ખાઈએ. બજારમાંથી પાછા ફરો, ત્યારે શમડીને જમવાનું નોતરું દેતા આવજો !’

સજળ નેત્રે કડવીએ બાપની સામે જોયું. એની માએ ભાખ્યું હતું એ જ પ્રમાણે ભવિષ્ય થયું. પૂંજો હવે બીજું ઘર કરશે. ભાઈ, દોઢસો રૂપિયા ક્યાંથી ?

શામડી જમવા આવી. એનું યૌવન ને રૂપ તો સૌને આંજે એવાં જ હતાં.

સૌ જમવા બેઠાં.

એક તાંસળીમાં પૂંજો પણ શીરો ઉડાવી રહ્યો હતો. એને વિશ્વાસ બેઠો હતો કે હવે પોતે સાજો થઈ ગયો છે.

‘શામડી ! આજ તો મેં તમને એક વાત કહેવા બોલાવ્યાં છે.’

શરમની મારી બિચારી કડવી નીચે જોઈ ગઈ. કાનો બોલ્યો નહિ, પણ એનું મન દુભાયું. શી વાત છે એ સૌને ખબર હતી.

‘તમારે માટે મેં બલોયાં લઈ રાખ્યાં હતાં, સાડલો લઈ રાખ્યો હતો, અટલામાં તો હું માંદો પડ્યો.’

કડવીનો અંતરાત્મા કકળી ઊઠ્યો. માએ જે આગાહી કરી હતી તે જ પ્રમાણે થયું.

‘પણ કાલે તો અચાનક કડવીની મા સોણામાં આવ્યાં. એવું ને એવું તાજું શરીર છે, નમણી આંખે મારી તરફ જોઈ રહ્યાં છે.’

-કડવી, કાનો ને શામડી સાંભળી રહ્યાં.

‘જાણે મારી સાથે હમણાં બોલશે, પણ કોણ જાણે કેમ કાંઈ બોલ્યાં નહિ. પણ ઈશારત કરીને કહ્યું કે રૂપિયા દોઢસો મેં તારે માટે રાખ્યા છે, તે ભોંમાંથી ખોદી લે. ખાઈપીને તાજો થા. મજૂરી કરીને કમાતો થઈ જા અને છોકરાંને સાચવ !’

‘હેં !’

‘હા, સાચું કહું છું. મેં વેણ આપ્યું, પછી જ અલોપ થયાં.’

કડવી મનમાં ને મનમાં હસી રહી.

‘હવે મારાથી બીજી વાત નો થાય. બલોયાં ને સાડલો પાછાં લખમીનાં થઈ ચૂક્યાં ! લખમી તો સુખડના લાકડા જેવી હતી. એની કાયા હાલી ત્યાં સુધી અમને સૌને પાળ્યાં અને કાયા ગઈ ત્યારે પણ મીઠી માયા ભૂલી નહિ!’

કડવી બાપાની સામે જોઈ રહી. પૂંજો જાણે લક્ષ્મીને પ્રત્યક્ષ જોતો હોય તેમ બોલી રહ્યો હતો : ‘હવે તો લખમી આવી ગઈ પાછી ઘર સંભાળવા, એટલે મને નિરાંત થઈ. મને મનમાં તો હતું જ કે લખમી જેવો દેવતાઈ જીવ મને ભૂલે તો નહિ !’

(૪)

માણેકચોકમાંથી પાછા ફર્યા પછી, સાબરમતીના પટમાં જલેબી ખાતાં ખાતાં પૂંજાએ પોતાની આખી સ્મરણકથા કાનાને સંભળાવી. ‘માથે રાત જેવું ધાબું છે, કાના ! સાચું કહીશ હો, ભાઈ ! એ દિવસની ઘડી ને આજનો દી. મેં શામડીને ફરીને નીરખી નથી કે કેવીક છે ને શું કરે છે.

‘અને મને સપનું બપનું કાંઈ ન મળે. પણ મનમાં ઊગી નીકળ્યું કે હે જીવ, જેણે જિંદગીભર મને કાંઈ વરતાવા દીધું નહિ, એનું આટલું સંભારણું ન રાખું તો તો પછી મનખા દેહ મળ્યો ન મળ્યો.

‘મેં તો નવાં નકોર બલોયાં, સાડલો, સઘળું એમ ને એમ રાખી મૂક્યાં.

‘આજ હવે મને ખબર પડી કે તમારી સાસુ કહેતાં કે હું તો મુખિયાણી પાસેથી પૈસા લાવી, ચોરી લાવી, એ બધુંય ગપ. આપણે ઢેઢભાઈ તે પોરસેલી જાત. ઊંધાં ખરચ કરતાં પાછું વાળી જોવાના નહિ. એવો વરો કે એવું ટાણું આવે ત્યારે તમારી સાસુ પાંચ પૈસા ભેગા કરી રાખે, પૈ-પૈસો કરીને સાચવી રાખે, અને આજ હવે ખબર પડે છે કે એ બધુંય સાચવીને ખરે ટાણે જવાબ આપે એમ રાખી મૂકે. તમારી સાસુની ચતુરાઈ તો થાવી નથી હો.

‘અને કડવીને મરતી વખતે પાસે બોલાવી કહ્યું, ‘દીકરી, આ વાત તારા પેટમાં રાખજે હો. તારો બાપ મારી પાછળ નાત કરે તો એની મજૂરીમાંથી ભલે કરે. તારા વર પાસે વધુ પૈસા માગે તો તું ના પાડજે અને હું જે પૈસા દેખાડું છું એ તો ખરે ટાણે વાપરજે. અમથા બતાવીશ મા.’

‘મને મનમાં થાતું જ’ તું કે તમારી સાસુ મારી ઘરવખરી સચવાઈ રહે એવું કાંઈક કરતાં ગયાં હશે; અને જુઓ ને એમ જ થયું ! એવા કોક સતજગના જીવ નીકળી આવે છે !’

જલેબીવાળો ખાલી કાગળ ફગાવીને પૂંજો બેઠો થયો ને આઘે આઘે ઊગતા ચંદ્રને જોઈ રહ્યો. સસરો-જમાઈ મૂંગે હૈયે ને ભારે પગે પોતાના વાસ તરફ પાછા ફર્યા.

પણ લક્ષ્મીની જીવનસુગંધ જંગલના પવનમાંથી પણ આવી રહી હતી.