સ્વ એટલે પોતે અને સર્વસ્વ એટલે કે બધું જ. જીવનની શરૂઆત સ્વ થી થાય છે અને સર્વસ્વ પર આવી અટકી જાય છે.
મને સર્વસ્વ શબ્દ બહુ ગમે.જે આપણું બધું જ હોય એ સર્વસ્વ.
દરેકને સ્વથી પ્રેમ હોય છે અને પોતાનું સર્વસ્વ પણ બહુ વ્હાલું હોય છે અને એટલે જ જે બહુ ગમતું હોય એ જ સર્વસ્વ હોય છે.
મને પણ મારું સર્વસ્વ બહુ વ્હાલું છે.મારી પાસે નથી છતાં મને મારા સર્વસ્વથી બહુ પ્રેમ છે.
પરિવાર અને પ્રેમ એ બંને જીવનનું સર્વસ્વ છે.પરિવાર તો જન્મથી જ મળે છે જયારે પ્રેમ નસીબથી મળે છે.
પહેલા મને પણ થતું કે પરિવાર જ બધુ છે..મમ્મી પપ્પા જ બધુ છે..પણ ઉંમર ની સાથે ધીરે ધીરે પ્રેમ પણ મારું સર્વસ્વ બની ગયો એની ખબર જ ના પડી.
હું આ બધા વિચારોમાં ગુમ છું ત્યાં પાંચ વાગ્યાની ઘંટી વાગી એટલે હું ઘરે ગઈ. ઘરે જઈ પહેલા નાહીને ફ્રેશ થઈ મારી હોટ ચોકલેટ બનાવી અને ગેલેરીમાં બેઠા બેઠા પીધી.કપને ટેબલ પર મૂકી હું મારા રૂમમાં ગઈ અને મારો કબાટ ખોલીને જોતી હતી કે આમાંથી કઈ સાડી આજે સાંજે પહેરી જાવ..?
રેડ,લાઈટ પિંક,સ્કાય બ્લુ અને કેરેટ આ ચાર સાડી મેં બેડ પર મુકી.
વિચારું છું કે આમાંથી કઈ સાડી પહેરું…?
લાઈટ પિંક..!
ના..એ થોડી વધુ લાઈટ છે..મારી ઉંમર પ્રમાણે ઓછી સુટ કરશે.
સ્કાય બ્લુ..!
અ…હ...!
ઓહો..સમજાતું નથી કે કઈ પહેરું..!
કાશ મારે પણ એવું કોઈ હોત..જે મને ચુઝ કરી આપેત કે આ સાડી પહેર.
મોડી રાત્રે મારા ટેબલ પાસે આવી મને પાછળથી હગ કરીને કહે કે બસ હવે..સુઈ જા,કાલે લખજે.તારું કામ કાલે સવારે કરજે.
હું મારા વિચારોમાં હતી ત્યાં મારા ઘરની ઘંટી વાગી. કદાચ મીરાંબેન હશે.મીરાંબેન મારાથી ઉંમરે ઘણા નાના છે પણ માનસહિત બોલાવવા એ મારી આદત છે.
મેં દરવાજો ખોલ્યો તો મીરાંબેન જ હતા.મીરાંબેન બે બાળકોના માતા છે.તેમના પતિ હોટલમાં કામ કરે છે અને તે પોતે બીજાના ઘરે કચરા-પોતા, કપડાં-વાસણ વગેરે કામો કરવા જાય છે.
સવારે હું નવ વાગ્યે જતી રહું અને સાંજે પાંચ વાગે આવું એટલે સવારે કે બપોરે કામ કરવા ન આવી શકે માટે એ સાંજે મારા ઘરે આવે અને થોડીવારમાં કામ પતાવીને જતા પણ રહે…પછી કોઈ ચકલુય મારા ઘરે ન ફરકે…! કેમ કે મને કામ વગરની પારકી પંચાયત કરવી બિલકુલ પસંદ નથી.
દરવાજો ખોલી હું રૂમમાં ગઈ અને સાડી મારા પર રાખીને અરીસામાં જોતી હતી ત્યાં મીરાંબેન મારા રૂમમાં કામ કરવા આવ્યા.
મીરાંબેન :- ક્યાંય બહાર જાવ છો…?
"હા…બહાર જવાનું છે એટલે કઈ સાડી પહેરી જાવ એ ચુઝ કરું છું."
"એમાં શું વિચારવાનું…! તમે કોઈપણ સાડી પહેરી લો..તમને તો સરસ જ લાગશે. ગોરો વાન અને દેખાવે પણ નમણા છો..! સાડી પહેરશો એટલે ચાર ચાંદ લાગી જશે."
"આ કેરેટ કલરની સાડી સરસ છે નય..! આ જ પહેરું."
મેં ફટાફટ સાડી પહેરી અને મારા વાળની પોની વાળી.કોમ્પેક,કાજલ,પરફ્યુમ લગાવી હું તૈયાર થઈ પણ એક પોની બરોબર સુટ નહોતી થતી.એક તો નાના વાળ અને અને સાડી પર તેની પોની બિલકુલ સુટ નહોતી થતી એટલે મેં વાળ ખુલ્લા કર્યા.
હું મારું પર્સ અને રૂમાલ કાઢતી હતી ત્યાં મેં મીરાંબેનને સાદ પાડ્યો,
"મીરાંબેન..,હવે તમારે કેટલી વાર છે?"
"બસ પાંચેક મિનીટ."
"સારું…કામ થઈ જાય એટલે મને કહો..હું અહી ગેલેરીમાં બેઠી છું."
હું રૂમમાંથી ગેલેરીમાં જઈને બેઠી.
ત્યાં મુકેલા છોડમાંથી ફૂલોની સુગંધ આવતી હતી એ હું નિહાળતી હતી એટલામાં જ અચાનક મારી હાર્ટબીટ વધી ગઈ.
મને બેચેની જેવું ફિલ થવા લાગ્યું.
કંઈક મિસિંગ હોય એને શોધવા લાગ્યું.
કંઈક નવું થવાનું હોય એવો અહેસાસ થવા લાગ્યો.
હું ઊભી થઈ અને છોડમાંથી એક મોગરાનું ફૂલ ચૂંટયું અને મેં હથેળીમાં મૂકી આંખ બંધ કરી તેને સૂંઘયુ.
મને મારા અતીતની સુગંધ આવી.
એ મંદિર,એ ગુલાબ મોગરાની સજાવટ..મારા માનસપટ પર છાઈ ગઈ.મને પૂર્વ નો અહેસાસ થતો હતો..પણ આ બધું આજે જ કેમ થાય છે..?
મને મીરાંબેનનો અવાજ સંભળાયો.હું મારા વિચારોમાંથી જાગી અને ઘરને તાળું મારી હું બહાર ગાડી પાસે આવી.
"મીરાંબેન,તમારે હવે બીજે ક્યાંય કામ કરવા જવાનું છે?"
"ના..હવે મારા ઘરે જ જવ છું."
"હું આમ પણ બહાર જ જવ છું તો આવો તમને રસ્તામાં તમારા ઘર પાસે ઉતારતી જઈશ."
"ના..ના..બેન હું જતી રહીશ."
"લે...!એમાં શું થયું? હું તમારા ઘર પાસેથી જ જાવ છું તો તમને ત્યાં ઉતારતી જઈશ.આવો બેસી જાવ ગાડીમાં."
શિયાળાની ઋતુ છે અને ન્યુ યર નો ન્યુ મંથ જાન્યુઆરી… એટલે સાંજે અંધારું પણ વહેલા થઈ જાય.
ઘડિયાળમાં જોયું તો સાડા છ થયા હતા.મારે સાત વાગ્યા સુધીમાં પહોંચવાનું છે.
મીરાંબેનનું ઘર આવ્યું એટલે મેં ગાડી રોકી.તેમના ઘરની બહાર તેમના છોકરાઓ રમતા હતા.તેના મમ્મીને આવતા જોઈ તે નજીક આવ્યા.
મીરાંબેન :- બેન, અહીં સુધી આવ્યા છો તો ઘરે આવોને..અમને ગમશે તમે આવશો એ.
" ના..ના..મીરાંબેન,અત્યારે નહીં પછી આવીશ.અત્યારે મારે મોડું થાય છે.મારે સાત વાગ્યા સુધીમાં પહોંચવાનું છે."
"સારું તો..પછી આવજો."
મેં બે ચોકલેટ કાઢી તેના બાળકોને આપી અને પછી હું ગાડીમાં બેઠી અને તેઓ મને બહારથી આવજો કહેતા હતા.મેં પણ હાથ હલાવીને આવજો કહ્યું અને ત્યાંથી રવાના થઈ.
હું એક કંપનીમાં મેનેજર તરીકે કામ કરૂં છું.સારો પગાર છે,ઘરનું ઘર છે,ગાડી,ઘરે કામ કરવાવાળા આવે.કોઈ ટેનશન કે મગજમારી નહીં.છેલ્લા સાત વર્ષથી હું લખું છું અને મારી બુક પણ પ્રકાશિત થઈ છે અને એટલે જ હું આજે "Author of the year" ના કાર્યક્રમમાં આમંત્રિત થઈ છું અને સાથે સાથે નોમિનેટ પણ થઈ છું.
વિનિંગ નું ટાઇટલ જીતવું એ સારી વાત છે પણ નોમિનેટ થવું એ પણ મહત્વની બાબત છે.દરેક વ્યક્તિ ટાઇટલ કે પ્રાઈઝ ના જીતી શકે,કોઈ એક જ એ જીતે પણ નોમિનેટ થવુ એ પણ પ્રાઈઝ જીત્યા જેટલું જ મહત્ત્વનું માનવું જોઈએ કેમ કે પ્રાઈઝ જીતવા માટેની યોગ્યતા જે ધરાવે એ જ નોમિનેટ થાય છે.
એડ્રેસ મુજબ હું હોટલના સેકન્ડ ફ્લોર પર હોલમાં પહોંચી ગઈ.ઘણા બધા ગેસ્ટ આવી ગયા હતા અને બીજા લોકો પણ આવતા હતા.હું ટાઈમ મુજબ પહોંચી ગઈ હતી.
અહીં "Author of the year" નો કાર્યક્રમ રાખેલ છે.અલગ અલગ દસ ભાષાના નોમિનેટ થયેલા લેખકો અહીં મુંબઈ આવ્યા છે.હું તો અહીં મુંબઈમાં જ રહું છું એટલે કોઈ તકલીફ નથી પડી પણ અન્ય સ્થળેથી આવતા લેખકો માટે પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
ત્યાં આવેલા લેખકો સાથે હું વાતચીત કરી રહી હતી ત્યાં મારા હાથમાંથી રૂમાલ નીચે પડી ગયો.
મેં નીચે પડી ગયેલ રૂમાલ લીધો ત્યાં અંદરથી મોગરાનું ફૂલ નીચે પડ્યું અને હું એ ફૂલ લઉં ત્યાં કોઈકે એ ફૂલ લીધું અને મને આપતા કહ્યું,"કમર સુધી પહોંચતા તારા લાંબા વાળ આટલા ટૂંકા કેમ કરવી નાખ્યા તે…?"
મેં તે વ્યક્તિના હાથમાંથી ફૂલ લીધું અને કંઈપણ જવાબ આપ્યા વગર હું મારી ચેઅર પર જઈ બેસી ગઈ.
કાર્યક્રમ શરૂ થયો.
અલગ અલગ ભાષાના લેખકોએ તેમની કવિતા,શાયરી,ગીત,ગઝલ..વગેરે રજૂ કર્યો અને સાથે સાથે અલગ અલગ કેટેગરીના લેખકોને તેમની ભાષાની કવિતા-વાર્તા માટે અવોડ્સ-સર્ટીફિકેટ પણ અપાતા ગયા.મને પણ શ્રેષ્ઠ વાર્તાકારનો અવોડ પ્રાપ્ત થયો.
હું એક વડીલ સાથે વાત કરતી હતી ત્યાં એ વ્યક્તિ બુકે લઈને મારી પાસે આવ્યો અને બુકે આપતા બોલ્યો,
"કોંગ્રેચ્યુલેશન..મિસ પલ્લવી ઓઝા."
તે વડીલ ઊભા હતા એટલે મેં બુકે લઈ લીધો અને થેંક્યું કહ્યું.તે મારા વખાણ કરતા સામે બોલ્યો,
"મને ખબર જ હતી કે તું જ આ અવોડ જીતીશ કેમ કે તું બહુ મસ્ત લખે છે અને તારી દરેક રચના સારી હોય છે."
"હૃદયમાંથી પ્રામાણિકતાથી આવેલી વાર્તા કે કવિતા સારી વાર્તા કે કવિતા બનવા માટે કાબેલ જ હોય છે અને દરેક લેખક દિલથી જ લખતો હોય છે."
મારી સાથે જે વડીલ ઊભા હતા તેમને કોઈ બોલાવવા આવ્યું એટલે તે જતા રહ્યા.હું પણ જતી હતી ત્યાં તે મારી પાછળ આવ્યો.
"પલ્લવી...!"
"કશ્યપ...,હવે આ વાતો કરવાનો કોઈ અર્થ નથી.ઓલરેડી આપણે એકબીજાને ઘણું હર્ટ કરી ચૂક્યા છીએ અને એ વાતને વર્ષો વીતી ગયા છે"
"સોરી પલ્લવી..પણ એ મારી મજબૂરી હતી."
"અને તારું પ્રોમિસ..?"
★◆★◆★◆★◆★◆★◆★◆
(14 વર્ષ પહેલા)
પલ્લવી અને કશ્યપ બંને એક જ સ્કૂલમાં પણ અલગ અલગ સ્ટાન્ડરમાં ભણતા હતા.સ્કુલથી લઈ અડધી ડીગ્રી સુધી બંને સાથે જ હતા.બંને એકબીજાને ચાહતા હતા.
એક વાર કોલેજમાં એન્યુઅલ ફંગશન હતું.ત્યારે પલ્લવી અને કશ્યપ દિપપ્રાગટય માટે મંદિરને શણગારતા હતા.વધેલી વસ્તુઓ ફૂલ,ચોખા,કંકુ..વગેરે પાછું મુકવા જતા હતા ત્યારે કશ્યપે પલ્લવીને કહ્યું,
"પલ્લવી,હું શું કહું છું..આ કંકુ તારી માંગમાં ભરી દઉં."
"એ તું ના ભરી શકે..! જે એકબીજાને ચાહતા હોય અને લગ્ન કરવાના હોય એ ભરે..તું તો સરખું પ્રપોઝ પણ નહોતો કરી શક્યો તો આપણા લગ્ન ના થાય."
"લે...હું તને પ્રેમ પણ કરું છું અને મેં તને પ્રપોઝ પણ કર્યું છે તો આપણા લગ્ન થાય જ."
"હ..હ..! તે દિવસે કિટીપાર્ટીમાં સરખું પ્રપોઝ પણ નહોતું કરી શક્યો..યાદ છે ને..?"
"એ તો તે દિવસે મારો કઝીન જોડે હતો એટલે.."
"હા..તો..લગ્ન કરીએ ત્યારે પણ બધા હોય જ..!"
"સારું..તો એનો મતલબ એમ કે તું મારી સાથે લગ્ન નહીં કરે..?"
"ના...મેં એવું પણ નથી કહ્યું...!"
"તો ક્લિયર બોલ..હા કે ના..?"
કશ્યપનો હાથ પર હાથ મૂકી પલ્લવી બોલી,
"હા...લગ્ન કરીશ તો માત્ર તારી સાથે જ.બસ..?"
"થેન્ક યુ…માય વાઈફ."
"થેન્ક યુ કશ્યપ..બી હસબન્ડ."
"એક કામ કર..તારી આંખ બંધ કર."
"હવે હેરાન ના કર..ચાલ જલ્દી હોલમાં જઈએ."
"અરે એક મિનિટ યાર..."
"ઓકે."
કશ્યપે પલ્લવીના હાથમાં હાથ મુક્યો અને કહ્યું,
"આઈ લવ યુ પલ્લવી..ફોરેવેર."
અને સેજ કંકુ લઈ તેની માંગમાં ભર્યું.
"કશ્યપ..."
"રિલેક્સ..ટ્રેસ્ટ મી.. ડીગ્રી પુરી થાય અને પછી જોબ મળે પછી ઘરે વાત કરીશું."
"અરે હું એની વાત નથી કરતી..એ તો હું ઘરે કહી દઈશ..પણ આ કંકુ તો લૂછવું પડશે ને...! નહીં તો હું બધાની આંખે ચડી જઈશ."
"ઓહ..હા..હા...આલે આ ભીના રૂમાલથી લૂછી નાખ."
"હમ્મ..હવે ઓકે."
પલ્લવીના ઘરે તેના વેવિશાળની વાતો થતી હતી એટલે પલ્લવીએ તેના પેરેન્ટ્સને આ સંબંધ વિશે જણાવ્યું પણ તેના પેરેન્ટ્સ આ સંબંધની વિરુદ્ધ હતા.
પલ્લવી તેના પેરેન્ટ્સનું એકનું એક સંતાન અને રિચ ફેમિલી માંથી હતી,જયારે કશ્યપ સંસ્કારી ખરો પણ પૈસે ટકે બહુ સારા ઘરનો ન હતો.
પલ્લવીના પપ્પા એક સારા અને જાણીતા બિઝનેસમેન હતા.શહેરમાં સારી નામના હતી.પલ્લવીના પપ્પાએ કશ્યપના પપ્પા સાથે આ સંબંધ વિશે વાત કરી.
પછી કશ્યપના પપ્પાએ કશ્યપને તેમની બહેનના ઘરે ભણવા મોકલી દીધો.કશ્યપ ભણવામાં પણ હોશિયાર હતો.ડીગ્રી પુરા થતા જોબ પણ મળી ગઈ અને વેવિશાળ પણ નક્કી થઈ ગયું.
જયારે પલ્લવીની જીદથી કશ્યપ પલ્લવીને મળવા ગયો ત્યારે તેનું બિહેવ ચેન્જ થઈ ગયું હતું.પલ્લવીને તેના લગ્નની વાત ખબર પડી ત્યારે તે એ વાતને સ્વીકારવા તૈયાર જ નહોતી કે કશ્યપ તેની ઈચ્છાથી લગ્ન કરે છે.તે કશ્યપને જ પોતાનો પતિ માનતી હતી અને તે બીજા કોઈને સ્વીકારવા તૈયાર નહોતી.
★◆★◆★◆★◆★◆★◆★◆
હું અને કશ્યપ વાતાવરણને ગમગીન બનાવીને ઊભા હતા ત્યાં બાર તેર વર્ષનો છોકરો મારી પાસે આવ્યો.
છોકરો :- હેલો..મેમ..!તમારી આ બુકમાં તમારી સિગ્નેચર કરી આપોને.
મેં હસીને તેને એક સાઈન કરી આપી.તે કશ્યપને જોઈને બોલ્યો,
"જોવો પપ્પા...મેં તેમની બુકમાં સાઈન કરાવી લીધી.તમારા ફોનમાં અમારો એક ફોટો પાડોને..!"
મેં કશ્યપની સામે જોયું પણ તેને મારી સામે ન જોયું અને ફોન કાઢીને અમારો એક ફોટો પાડ્યો.
"બતાવો તો પપ્પા..ફોટો કેવો આવ્યો છે?"
તે ફોટો જોઈને જતો રહ્યો.મેં કશ્યપને પૂછ્યું,
"શુ નામ છે તારા બાબાનું?"
"મુદ્રલ. અને તારા બાળકનું શુ નામ છે...?
"તારા ગયા પછી મેં કોઈ બીજા સાથે લગ્ન નથી કર્યા કેમ કે મેં અગાઉ એક વખત કોલેજના એન્યુઅલ ફંગશન માં મેરેજ કરી લીધા હતા.તે દિવસથી દરેક સ્થિતિમાં મેં તને પતિ માન્યો હતો અને તને દિલથી ચાહ્યો હતો."
"તારા મમ્મી પપ્પા…?"
" પપ્પાનું એક્સીડેન્ટમાં મૃત્યુ થયું હતું અને મમ્મી તેના આઘાતમાં અગિયાર મહિના પછી મૃત્યુ પામ્યા."
"તો અત્યારે તું એકલી..?"
"હા...! હું કોઈ બીજાને અપનાવી ના શકી અને મારે નામના સંબંધો ક્યારેય જોઈતા નહોતા સો...હું સિંગલ જ છું.નાઈન ટુ ફાઈવ ની જોબ હોય છે અને બાકીનો સમય હું લખવામાં અને મારી સાથે વ્યતિત કરું છું."
"પલ્લવી....! આઈ એમ રિયલી સોરી."
મેં કશો પ્રત્યુત્તર ના આપ્યો.
"આઈ થિંક મારે હવે નીકળવું જોઈએ..દસ વાગવા આવ્યા છે.બહુ મોડું થઈ ગયું."
"હું મૂકી જાવ તને..?"
"ના..ના..હવે એ તારો હક નથી અને આમ પણ મારે તો કાયમનું થયું..!"
અમે નીચે ગાડી પાસે પહોંચી ગયા.મેં મારુ પર્સ અને હેન્ડબેગ અંદર મૂકી.કશ્યપ પણ ઊભો હતો.
"તારી નવી બુક નો ઇન્તઝાર રહેશે."
મેં તેની સામે સ્માઈલ કરી અને ગાડીમાં બેઠી.એનું બોલવાનું તો હજુય ચાલુ જ છે.
"નવી બુકનું ટાઇટલ શું હશે?"
"નહીં કવ..આવે ત્યારે જોઈ લેજે."
"કે ને...!"
"મારુ સર્વસ્વ"
"સ્ટોરી પણ કહી દે ને..!"
મેં હસતા હસતા કહ્યું,"શટ અપ..!"
"ટ્રેલર કહી દે...!"
"નો...મિસ્ટર કશ્યપ મહેતા...,થોડા ઇન્તઝાર ભી કર લો."
"હા..હવે તો એ જ કરવું પડશે ને."
"બાય.."
"બાય..સી યુ..ટેક કેર."
સાઈડ મિરરમાં તે દેખાતો હતો.હું તેને ખુશીથી જોતી હતી.તે પણ મારી જતી ગાડીને જોતો હતો.
મારે પણ તેની સાથે રહેવું હતું પણ નસીબમાં જ ગુગલી હતી.મારે અત્યારે પણ તેની સાથે થોડીવાર રહેવું હતું પણ રાત થઈ ગઈ હતી અને મારે ઘરે જવાનું મોડું થતું હતું એટલે હું નીકળી ગઈ.
મને તેનાથી કોઈ પ્રોબ્લેમ નહોતો.જે કાઈ થયું તેમાં અમારી મજબુરી હતી.તેનો પણ વાંક નહોતો.પરિવારની વિરુદ્ધ અમારે જ નહોતું જવુ.
હું ગાડી ચાલવી રહી છું અને મને શાંત વાતાવરણની વચ્ચે અંધારામાં અમારો ભવ્ય ભૂતકાળ મારી નજર સમક્ષ રમી રહ્યો છે.
ક્યાંક ચહેરા પર સ્માઈલ આવે છે તો ક્યાંક આંસુ.
આવા ગમગીન વાતાવરણમાં દિલને શાંત કરવા મેં ગીત ચાલુ કર્યું અને મહોમ્મદ રફી અને આશા ભોંસલે ના અવાજમાં શબ્દો નીકળ્યા....
અભી ના જાઓ છોડ કર કે દિલ અભી… ભરા નહીં હૈ....
અભી અભી તો આએ હો..બહાર બન કે છાયે હો....
હવા ઝરા મહક તો લે… નઝર ઝરા બહક તો લે...
અભી તો કુછ કહા નહીં..અભી તો કુછ સુના નહીં...
અભી ના જાઓ છોડ કર કે દિલ અભી… ભરા નહીં હૈ....