Safalata in Gujarati Motivational Stories by Jasmina Shah books and stories PDF | સફળતા

Featured Books
Categories
Share

સફળતા

માધવે પોતાના જીવનમાં જે ધાર્યું હતું, જે નક્કી કર્યું હતું તે, તેણે આજે કરીને બતાવ્યું હતું. મીડિયાવાળા પણ આજે તેની મુલાકાતે આવી પહોંચ્યાં હતાં.

માધવે કલ્પના પણ ન હતી કરી કે, તેણે જે સિદ્ધિ હાંસલ કરી છે તેનાથી તેને આટલી બધી પ્રસિધ્ધિ મળશે અને આટલો બધો તે બધાજ મીડિયામાં છવાઈ જશે. મીડિયાવાળાને તો કોઈપણ સમાચાર મળ્યાં નથી કે તે ત્યાં જગ્યા ઉપર પહોંચ્યા નથી.

માધવ પોતાના મમ્મી-પપ્પાનો એકનો એક દીકરો હતો. ભણવામાં પહેલેથી જ ખૂબજ હોંશિયાર હતો પરંતુ મમ્મી-પપ્પાની પરિસ્થિતિ પહેલેથી જ ખૂબ નબળી એટલે માધવને સરકારી શાળામાં ભણવા માટે મૂકવામાં આવ્યો. ભણવામાં ખૂબ હોંશિયાર માધવને સરકારી શાળાનું શિક્ષણ ફાવતું નહીં પરંતુ ખાનગી શાળામાં ભણવા મૂકવાની મમ્મી-પપ્પાની પરિસ્થિતિ ન હતી તેથી મમ્મી-પપ્પા પણ મજબુર હતાં. માધવના પપ્પા મજૂરી કામ કરતાં હતાં અને મમ્મી બે-ચાર ઘરનાં કામ કરતી હતી.

એકવાર માધવની મમ્મીને સખત તાવ આવ્યો, પૈસા પાસે ન હોવાને કારણે માધવના પપ્પા તેને સરકારી દવાખાને લઇ ગયા. રિપોર્ટ કરાવ્યા તો ખબર પડી કે તેમને તો ટાઈફોઈડ થઈ ગયો છે ઘણાંબધાં દિવસો વીતી ગયા પછી માધવના મમ્મી પથારીમાંથી ઊભા થઈ શક્યા. માધવ પોતાના પપ્પાને અવાર-નવાર એક જ સવાલ પૂછ્યા કરતો હતો કે, " પપ્પા, મમ્મીને ક્યારે સારું થશે ? કોઈ સારા ડૉક્ટરને બતાવોને પપ્પા "
પણ માધવના પપ્પા પાસે એકજ જવાબ હતો કે, "બેટા આપણી પાસે એવા પૈસા નથી."માધવને આ વાતનું ખૂબજ દુઃખ થયું.

તેણે તે જ દિવસે નક્કી કરી લીધું કે, હું મોટો થઈને ડૉક્ટર જ બનીશ.

નાનકડી ઝૂંપડીમાં રહેતા માધવે 90% સાથે ધોરણ-10ની પરિક્ષા પાસ કરી પછી‌ તેણે જે નક્કી કર્યું હતું તે મુજબ તેણે સાયન્સ લાઈન લીધી. મહેનત કરવાથી સફળતા મળે જ છે તે વાતનો માધવને અનુભવ હતો અને પોતાની મહેનત ઉપર તેને ખૂબજ વિશ્વાસ હતો તેથી તેણે પોતાની નક્કી કરેલી દિશામાં અથાગ પરિશ્રમ કરવો ચાલુ કર્યો.

એક ઝૂંપડીમાં મમ્મી-પપ્પાની સાથે રહેતો તેથી મમ્મી-પપ્પાને હેરાનગતિ ન થાય તેથી તે રાત્રે રાત્રે પોતાની શેરીની સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને આખી આખી રાત વાંચતો અને ખૂબજ મહેનત કરતો.

મમ્મી-પપ્પાએ બે-ચાર વખત સમજાવવાની કોશિશ કરી કે આપણી પાસે ટ્યૂશન રાખવા માટેના પણ પૈસા નથી તો તું આ લાઈનમાં આગળ નહીં વધી શકે બેટા. પરંતુ માધવે એકવાર પોતાના મનમાં નક્કી કરી લીધું હતું કે, હું ડૉક્ટર બનીને જ રહીશ પછી કોની તાકાત છે કે તેને પાછો પાડી શકે..??

ખૂબજ મહેનત અને લગનથી ભણીને માધવના ધો.12 માં 92% સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબર આવ્યો.

ગુજરાત સમાચાર પેપરના પહેલા પાના ઉપર માધવનું નામ ઝળકી ઉઠ્યું. આજે તેની ‌તેમજ મમ્મી-પપ્પાની ખુશીનો કોઈ પાર ન હતો.

આખીયે ચાલીમાં બસ માધવના નામની જ ચર્ચા ચાલી રહી હતી. બોર્ડમાં પહેલો નંબર લાવનાર આ માધવ કોણ છે..?? એક ઝૂંપડીમાં રહેતો અને સ્ટ્રીટ લાઈટ નીચે આખી આખી રાત બેસીને વાંચતો આ માધવ કઈરીતે બોર્ડમાં પ્રથમ આવ્યો અને હવે આગળ તે શું ભણવા માંગે છે..?? શું બનવા માંગે છે..?? તે સૌને પ્રશ્ન હતો.

અખબારોમાં અને તમામ ટીવીની ચેનલો ઉપર તેની જ ચર્ચા અને તેનો જ ઈન્ટરવ્યુ ચાલી રહ્યો હતો.

અને તેને સુંદર પરિણામને લીધે તેને અમદાવાદની બી.જે.મેડિકલ કૉલેજમાં ઍડમિશન પણ મળી ગયું.

આજે તે એક પ્રતિષ્ઠિત ડૉક્ટર તરીકેની ફરજ બજાવે છે અને પોતાના જેવા ગરીબ પરિવારના સભ્યોની મફતમાં દવા કરે છે.

સૅલ્યૂટ છે માધવને તેમજ તેના મમ્મી-પપ્પાને....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ

2/3/2021