"તમે પેલું કહેવડાવ્યું કે નહીં પછી વિશ્વેશભાઈનાં કાકા સસરા ને, બિચારા ક્યારના કહ્યા કરે છે તે જરા ગોઠવણ થાય એમ કરી આપો ને પ્રભુ," સિતાજી એ પ્રભુ રામચંદ્ર ને યાદ કરાવતાં કહ્યું.
" દેવી... હનુમંત ને અમે બીજા જ દિવસે મોકલી દીધાં હતાં અને એ પતાવી આવ્યાં છે જઈ ને .... આપ નિશ્ચિન્ત થઈ જાઓ. વિશ્વેશભાઈ ને જરાય તકલીફ નહિ પડે અને એમનું કામ સરસ રીતે પતી જશે." પ્રભુ રામ બોલ્યા અને દેવી સિતા નાં મુખ પર સંતોષ છવાયો. સેવામાં રહેલ હનુમાનજી પણ પ્રભુએ પોતાનામાં કેવો વિશ્વાસ દાખવ્યો એ જોઈ ને રાજીપો પામ્યાં. પણ આ સાંભળતાં જ દેવ દરબારમાં બિરાજમાન માતા પાર્વતી નાં કાન સરવા થયા. અને એ બોલ્યાં, " ચાલો સરસ થયું એ. અમારી પાસે પણ યાચના આવી હતી ને અમે કૈલાશનાથ ને કહીએ પણ પ્રભુનું ધ્યાન પૂરું થાય એની રાહ જ જોતાં હતાં. આજે સવારે જ નાથ આવ્યાં છે તે કહી દઈશું એમ વિચારેલું. પણ હવે થઈ ગયું છે તો વાંધો નહીં. "
"એ શું બોલ્યાં દેવી, આપનાં મનની વાત તો અમે ધ્યાનમાં રહી ને પણ સાંભળી લઇએ છીએ અને અમે એની યાચના બાબતે ગોઠવણ પણ કરી જ દીધી છે. નંદી મારફત એના મિત્ર શૈલેષ ને મદદ કરવાની પ્રેરણા પાઠવી આપી છે. કહેવાનું તો અમારે તમને રહી ગયું." ભોળાનાથ બોલ્યાં. અને સહુ ને નવાઈ પામ્યાં.
" મિત્ર ની મદદ? પણ વિશ્વેશ ને તો એનાં ઉપરી અધિકારી તરફથી થોડા સમય માટે આર્થિક સહાય મળી જાય એવી એની યાચના નથી? અમારી પાસે પરમ દિવસે જ એ મુજબ ની અરજ આવી, જાઓ જોઉં મુષકરાજ જરા ટીપણું તો લઈ આવો..." લાડુ ને ન્યાય આપતા શ્રી ગજાનન બોલ્યાં ને મુષકરાજ આજ્ઞા શિરે ચડાવી ટીપણું લેવા દોડ્યા
હવે સહુ પહેલાં કરતાં વધુ અચરજ પામ્યાં.
"અતિ આશ્ચર્યની વાત છે.....શૈયામાં હોવાથી વાસુદેવ પ્રભુ ને બાધા ન થાય એટલે શ્રી નારદજી ને અમે એ સોંપ્યું હતું. દેવર્ષિ તો અમારી સૂચના થતાં જ તે મતલબનું કરવા મૃત્યુલોક ભણી નીકળી ગયેલા..." લાલ કમળમાં બિરાજેલ દૈદીપ્યમાન શ્રી લક્ષ્મીજી નાં ઘંટડીઓ નાં રણકાર જેવો મીઠો સાદ સહુના કર્ણ પટલ પર પડ્યો.
"નાઆઆઆરાયણ.....નાઆઆઆરાયણ..." દેવર્ષિ નારદ બોલ્યાં, "એટલું જ નહીં માતે, અમે તો એમની અરજ પ્રમાણે આ વખતે એમનું નામ પેલું કંઈક કહે છે એનાં ક્રમ માં આવી જાય એ માટે ચબરખીઓ ની ગોઠવણ પણ કરી આવેલાં, પણ એક બાબત અમને સમજાતી નથી.....આ એક પ્રાણીનાં આટલા કામ માટે આપણે ચારેય અલગ અલગ માધ્યમ થી પ્રયાસ કરી રહ્યાં છીએ... એ વળી કેવું...?"
"ચાર નહીં દેવર્ષિ...પાંચ કહો, અમને તો એના માટે છેક એક માસ પહેલાં એમનાં માલેતુજાર સાઢુભાઈ પંકજભાઈ નાં ત્યાં થી ગોઠવણ કરી અપાવવા બાબતે કહેલું. અને અમે વળી એ જ સમયે યાચના ધ્યાને લઇ પંકજભાઈ નાં મનમાં ઈચ્છા રોપી આવ્યાં છીએ..." કુળદેવી શ્રી જગતજનની માં અંબિકે બોલ્યાં.
"નાઆઆરાયણ નાઆઆરાયણ..." દેવર્ષિ ઊંડો વિચાર કરતાં હોય તેમ બોલ્યાં, " મનુષ્ય પણ ભારે વિચિત્ર પ્રાણી છે. આ એક જ યાચના આટલાં બધાં ને કરવાનો હેતુ જ સ્પષ્ટ થતો નથી. ક્યારે શું વિચાર કરે છે કાંઈ કળી શકાય નહીં. અમે સમસ્ત લોક ને શંકા કરાવીએ અને મનુષ્યમાત્ર છે જે વળી અમને પણ શંકા કરવા પ્રેરી જાય છે..." આ સભળતાં જ વિશ્વેશભાઈ નાં ઘરનાં દેવ દરબારમાં હાસ્ય પ્રસરી ગયું. અને પ્રસન્નતા નાં પ્રભુ ને થયું હવે કંઈક ચર્ચામાં ભાગ લેવા જેવો ખરો.
" મનુષ્ય પોતે જ પોતાની ક્રિયાઓ નો હેતુ નથી જાણતો દેવર્ષિ અને એટલે જ શંકા કુશંકાઓ માં અટવાયા કરે છે. ધીરજ અને વિશ્વાસ જેવા બહુ સરળ ગુણો મનુષ્ય આજ દિવસ સુધી આત્મસાત કરી શક્યો નથી. એનાં કારણે જ તો અમે શ્રી ગીતાજી જેવો મહામુલો ગ્રન્થ અર્પણ કર્યો છે. જેનો અભ્યાસ કરવા ઉપરાંત એ ઉદ્વેગમાં જ રહે છે. અને પછી અમે તો કાળા માથાના માનવી ... માણસ માત્ર ભૂલ ને પાત્ર એમ કહેવતો બતાવી ને સ્વબચાવ કરે છે. એનાં જેવું ચતુર તો આ સૃષ્ટિનું બીજું કોઈ સર્જન નથી. જે કાંઈ ચતુરાઈ છે કર્મ માં નથી વાપરવી. પણ ત્યારબાદ જો ગાફેલ થઈ જવાય તો એનો બચાવ કરવામાં જરૂર વાપરી નાખે છે.. હવે આ વિશ્વેશભાઈ ને જ જુઓ ને. દીકરાનાં વિદેશ જવા માટે દ્રવ્ય ની ગોઠવણ કરવા ઘણાં મનુષ્યો ને તો વિનવણી કરી જ છે, સાથે આપણાં બધાંને ખડેપગે રાખવાનું એ ચૂક્યાં નથી..." જગદગુરુ કૃષ્ણ બોલ્યાં.
"નાઆઆરાયણ નાઆઆરાયણ..ખૂબ સાચી વાત કહી પ્રભુ.....જાત જાતના ખેલ કરે છે આ પ્રાણી..."દેવર્ષિ એ ઉમેર્યા બાદ શ્રી રાધારાણી સક્રિય થઈ બોલ્યાં," પ્રભુ... એ તો મનુષ્ય છે...છેવટે કાળા માથાનો માનવી થઈ ને ઉભો રહી જશે...પણ આપણે હવે આગળ શું કરવું તે વિચારવું જોઈએ. કારણકે આનું કઈ થાય નહિ તો જવાબદારી કોની?" સમગ્ર દેવ દરબારે રાધારાણી નાં સૂચન ને વધાવ્યું.
મોરલીધર એ મધુર સ્મિત સાથે સંમતિ આપી......
નિત્યક્રમ પૂરો કરી વિશ્વેશભાઈ પૂજા કરવા ઘર મંદિર માં બેઠાં. ખૂબ ભાવ થી પૂજાપાઠ કરી પ્રસાદ અર્પણ કર્યો. પાંચેક મિનિટ પ્રભુ નું ધ્યાન ધરી આંખો ખોલી અને દેવ દરબાર માં વિરાજમાન દેવી-દેવતાઓ તરફ નજર કરી. કંઈક અલગ લાગ્યું. એમ થયું જાણે ગઈ કાલ સવાર થી અત્યાર ની વચ્ચે પણ એક વાર દેવ દરબાર સાથે મુલાકાત થઈ ચૂકી હોય. લાલજીને આ વાઘા તો આજે પહેલી જ વાર પહેરાવાયેલા પણ એમને લાગ્યું જાણે પહેલાં પણ જોયા હોય..... યાદ કરવા ખૂબ મથ્યા પણ યાદ આવ્યું નહીં. છેવટે તૈયાર થઈ ઓફિસ પહોંચ્યા અને કામમાં ગૂંથાઈ ગયા....
"સાહેબ આ મારી અરજી આપ્યે મહિનો થયો મને ખબર પડે અહીં થી એ બાબતે શું કાર્યવાહી થઇ....?" ટેબલ સામે ઉભેલા મુલાકાતી એ પૂછ્યું અને વિશ્વેશ ભાઈ એ માથું ઊંચું કર્યા વગર લખતાં લખતાં કહ્યું, "એક મિનિટ..." અને અરજદાર ઉભો રહ્યો. ચાર પાંચ મિનિટ સુધી શાંતિ થી જે કરતાં હતાં એ પૂરું કર્યું. પેન બંધ કરી ચશ્મા ઉતારી ખોખામાં મૂક્યાં અને ઉપર જોતાં બોલ્યાં," હા બોલો...શું હતું..?"
"સાહેબ આ મારી અરજ....."
"તમે તો પહેલાં પણ મને મળી ચૂક્યાં છો ને? હવે શું થયું ફરી?" એમની વાત વચ્ચે થી કાપતા વિશ્વેશભાઈએ કહ્યું.
"હા સાહેબ. ફરી કંઈ નથી થયું પણ હજી એ અરજી નો કોઈ જવાબ નથી આવ્યો તો મને થયું કે તપાસ કરી જોઉં..."અરજદારએ વિનમ્રતા સાથે જણાવ્યું. અને વિશ્વેશભાઈ નાં ચહેરા પર સ્પષ્ટ અણગમો આવી ગયો.
"જુઓ ભાઈ, મેં તમને તે દિવસે પણ કહ્યું હતું કે આ બાબતે તમારે ત્રીજે માળ રિકવરી શાખા ને અરજી કરવાની થાય છે. અરજી મારી શાખા ની નથી એટલે આને તબદીલ કરવા સિવાય મારી કોઈ જવાબદારી બનતી નથી....અને હજી રિકવરી શાખા પણ એને એનાં મૂળ વિભાગ કે હેડ ઓફિસમાં માં મોકલશે ત્યારે આ તમારી અરજીનું કંઈક થશે." વિશ્વેશભાઈ બોલ્યાં.
"એનાં કરતાં તમે સીધી જ ત્યાં આપી હોય તો કેટલી વાર લાગે? તમે બીજે બીજે મોકલો ને મોડો ઉકેલ આવે એની જવાબદારી કોની.....?" અને એક ક્ષણ માટે અટકી ગયાં. એમને કોઈક નો ફોન આવ્યો. વાંસળી ની મધુર રિંગટોન વાગી. એમને યાદ આવ્યું કે પોતે બોલેલું છેલ્લું વાક્ય પહેલાં ક્યાં સાંભળ્યું હતું. અને લાલજીનાં નવા વાઘા પહેલા કયાં જોયા હતાં.
" હા સાહેબ હું સમજી ગયો આપની વાત....હવે પછી ધ્યાન રાખીશ...વાંધો નહિ હું ઉપર તપાસ કરું..." અરજદાર બોલ્યે જતા હતાં. પણ વિશ્વેશભાઈ નું ધ્યાન એ તરફ નહોતું. દેવ દરબાર નું સ્મરણ કરી વંદન કરતાં બોલ્યાં, " હું પણ સમજી ગયો, હવે પછી ધ્યાન રાખીશ..."
Avani