Punjanm - 9 in Gujarati Thriller by Pankaj Jani books and stories PDF | પુનર્જન્મ - 9

Featured Books
Categories
Share

પુનર્જન્મ - 9

પુનર્જન્મ 09


સવારે સાત વાગે ફરી પથ્થર વાગ્યો. અનિકેતે જોયું , મગન ચ્હા લઈને ઉભો ઉભો ડોકિયું કરી હસતો હતો. આઠ વાગે અનિકેતે તૈયાર થઈ માસીના આંગણામાં ડોકિયું કર્યું તો મગન તૈયાર થઈ અધીરો થઈ બેઠો હતો. અનિકેતે એને પાદરે જવા ઈશારો કર્યો. મગન ખુશ થઈ બહાર દોડ્યો. અનિકેત એને જોઈ રહ્યો. મગનમાં માસીનું રૂપ ઓછું આવ્યું હતું. દેખાવમાં કાકા ઉપર ગયો હતો. સહેજ પાતળો , ઉંચો , પહોળા ખભા , સહેજ ઘઉંવર્ણો , હજુ પરિપક્વ ઓછો હતો પણ આમ બહાદુર હતો , પણ માસીની જેમ પ્રેમાળ હતો.
અનિકેત બ્લેક જીન્સનું પેન્ટ , વ્હાઇટ શર્ટ , બ્લેક બેલ્ટ , ગોલ્ડન વોચ અને બે આંગળીમાં સોનાની વીંટી , વાંકડિયા લાંબા વાળને વ્યવસ્થિત કાંકસો ફેરવી એ નાનકડા દર્પણ સામે જોઈ રહયો. મનમાં વિચાર આવ્યો , હવે કોને બતાવવું છે ? મનમાં કડવાશ ઉભરાઈ. પાકિટમાં પૈસા જોયા અને કેટલાક કાગળો સાથે લીધા અને ઘરને લોક કરી એ બહાર નીકળ્યો. આંખ પર બ્લેક ગોગલ્સ ચઢાવ્યા.
જીપ લઈને ગામ વચ્ચેથી એ નીકળ્યો ત્યારે એના ચહેરા પર બેફિકરાઈના ભાવ હતા. ગામવાળા એને કોઈ અજીબ નજરે જોઈ રહ્યા હોય એવું એને લાગ્યું. ગામવાળા પણ આ માણસને એક રીતે દાદ આપતા હતા કે આ માણસની જિગર ને ધન્ય છે. આખા ગામ સામે એ એકલો રહેવાની હિંમત કરી રહ્યો છે.
જીપ ગામના પાદરે પહોંચી ત્યારે મગન પાદરેથી પણ આગળ નીકળી ગયો હતો. અનિકેતે જીપ એની પાસે ઉભી રાખી અને મગન જીપમાં બેસી ગયો.
મગનના ચહેરા પર જીપમાં બેસવાનો અને ફરવા જવાનો આનન્દ સ્પષ્ટ દેખાતો હતો.

**************************

રાત્રે ઘરે આવ્યા ત્યારે લગભગ રાતના નવ વાગ્યા હતા. ગામમાં છૂટી છૂટી સ્ટ્રીટ લાઈટ આછું અજવાળું ફેલાવતી હતી. છુટાછવાયા માણસો પણ પાનના ગલ્લે હતા. બાકીના લોકો ક્યાં તો ખેતરે ચોકી કરવા અથવા ઘરે ટી.વી. જોવા બેસી ગયા હોય એવું લાગ્યું.
' મગન અત્યારે ખાસ કોઈ લાગતું નથી. તું માથું નીચું રાખીને બેસજે. હું જીપ ઘર આગળ જ ઉભી રાખું છું. '
અનિકેતે ઘરની બાજુમાં સાઈડમાં જીપ પાર્ક કરી. મગન એની બેગો લઈ એના ઘરમાં જતો રહ્યો. અનિકેતે ઘર ખોલ્યું અને એણે લાવેલો સામાન ઘર માં મુક્યો.
ઘર બન્ધ કર્યુ. હાથ પગ ધોયા અને કપડાં બદલી ખાટલામાં આડો પડ્યો.બહારની લાઈટ ચાલુ હતી. અને અનિકેત કેટલાક કાગળો લઈ એના પર નજર નાંખતો બેઠો હતો.
એ દિવસે સ્નેહા દાખલા શીખવા એની પાસે બેઠી હતી. સહેજ દૂર સુરભિ અને અનિતા એમનું હોમવર્ક કરતાં હતાં. ત્રણ વાર દાખલો શિખવાવ્યા પછી પણ એ દાખલો સ્નેહા ને ના આવડ્યો. અનિકેતે નોટના છેલ્લા પાને લખ્યું ' ધ્યાન ક્યાં છે તારું? '
સ્નેહા એ જરા પણ ખચકાટ વગર લખ્યું ' તમારા માં '
અનિકેતે લખ્યું ' તને કંઈ શરમ આવે છે ? '
એણે નફ્ફટ થઈ લખ્યું ' શરમ તો તમને આવવી જોઈએ કે હું પાસે બેઠી છું તો ય તમારું ધ્યાન ભણાવવામાં જાય છે. '
અનિકેતે લખ્યું ' એક તો ચોરી ઉપર થી શીનાજોરી. '
એ તોફાની જરૂર હતી. પણ એનામાં એક મર્યાદા હતી. અને અનિકેત પણ ક્યારેય એ મર્યાદા ઓળંગવાની કોશિશ કરતો નહિ. અને એના તમામ તોફાન અનિકેત પૂરતા મર્યાદિત હતા.
ખડકીના દરવાજે નોક થયું. અનિકેતે ઉભા થઇ દરવાજો ખોલ્યો. માસી અને મગન હતા..
અનિકેતે આજે લાવી આપેલ નવા કપડાં અને બુટમાં મગન સરસ લાગતો હતો.
' બેટા, આટલો ખર્ચ કરવા ની શુ જરૂર હતી. '
' માસી , જેલમાં મારે કોઈ ખર્ચ હતો જ નહિ અને અત્યારે પણ કયો ખર્ચ છે.ભાઈ છે મારો.એટલો તો હક છે ને મારો ? '
મગન આજે ખૂબ ખુશ હતો.આજે એણે પહેલી વાર સરસ થિયેટરમાં ફિલ્મ જોઈ અને એ.સી.હોટલમાં જમવાનું લીધું હતું.
અડધો કલાક વાતો કરી માસી અને મગન ગયા.
અનિકેતે ખડકીનું બારણું બંધ કર્યું અને ખાટલામાં આડો પડ્યો. જેલ માંથી લાવેલ લિસ્ટ માંથી છ ના ઘરે એ ગયો. ચાર જણ મળ્યા. બે હાજર ન હતા. છ એ જણના ફોન નમ્બર એણે લઈ લીધા હતા. બે જણ જે હાજર ન હતા એમની સાથે ફોનથી જ વાત કરી હતી. અનિકેતે બે લિસ્ટ બનાવ્યા. એક કામમાં આવે એવા અને બીજું જે કામમાં ન આવે તેવા નું. છ માંથી બે જ વ્યક્તિ કામના હતા. એમના નામ આગળ એણે જરૂરી રિમાર્ક લગાવી અને કાગળો સાઈડમાં મુક્યા.
મગનની ખરીદી અને ફિલ્મ જોવાને કારણે કોઈ ખાસ કામ થયું નહતું. રાતના અગિયાર વાગવા આવ્યા હતા. અનિકેતે ખાટલામાં લંબાવ્યું.

*****************************

ગજવામાં મુકેલ ફોન વાઈબ્રેટ થતો હતો. આંખ ખુલી ગઈ. ધાબળો ઓઢેલો રાખી અનિકેતે મોબાઈલ જોયો. સ્નેહાનો ટેક્સ મેસેજ હતો.
' હાય ... '
' સુઈ જા , રાત નો એક વાગ્યો છે. '
' તો શું થઈ ગયું. કોલ કરું ? '
' અરે અડધી રાત્રે વાત કઈ રીતે કરવા ની.કોઈ સાંભળશે તો તકલીફ થશે. સુઈ જા. '
પણ એ તોફાની એમ માને. ફરી ફોન વાઈબ્રેટ થયો. સ્નેહાનો કોલ હતો. બાજુના ખાટલામાં મા અને સુરભિ સુતા હતા. અનિકેત ઉભો થઇ પાછળના વાડામાં ગયો. રીંગ કપાઈ ગઈ હતી. થોડી વારમાં ફરી રીંગ વાગી. અનિકેતનું હદય ધડકતું હતું. એણે ફોન રિસીવ કર્યો. એક મધુર સ્વર કાને પડ્યો જેને માટે એનું મન તરસતું હતું. પણ આ સમય નહતો ફોન પર વાત કરવાનો.
' કેટલી વાર કરે છે ફોન ઉપાડવા માં. '
' છાનીમાની સુઈ જા. કોઈ જાગી જશે તો આવી બનશે.'
' ભલે આવી બને , હું ડરતી નથી. '
' હા , ઝાંસીની રાણી , મુક હવે. '
' હા , ઝાંસીની રાણી છું , કહો તો તમારા ઘરે અત્યારે આવી બતાવું. '
' ના મારી મા , હું ઝાંસીનો રાજા નથી. '
' મા નહિ હોં , કોઈ છોકરી સાથે બોલવામાં વિવેક રાખો , હજુ હું કુંવારી છું. '
' હા , મેડમ ભૂલ થઈ ગઈ. પણ હવે ફોન મુકો તો તમારો ઉપકાર. '
' ના , પહેલા પાંચ મિનિટ વાત કરો , પછીજ મુકીશ.'
આખરે એ તોફાની એ પાંચ મિનિટ વાત કરી પછી જ ફોન મુક્યો.
ફોનમાં મેસેજ ટોન વાગતો હતો. અનિકેતે મોબાઈલ હાથમાં લીધો. એક મેસેજ હતો. ટુમોરો એટ ટેન ઑકલોક એટ ઓલ્ડ રેસ્ટોરન્ટ.
અનિકેતે જોયું , બાજુમાં કોઈ ખાટલો ન હતો. ન મા હતી , ન બહેન હતી. સચદેવા એ કાલે દસ વાગે બોલાવ્યો છે.
એ દિવસે સ્નેહા સાથે વાત કરતાં હદયમાં ડર મિશ્રિત રોમાંચના ભાવ હતા. આજે હદયમાં શૂન્યાવકાશ છે. અને કદાચ કોઈ ભાવ છે તો એક ગંદા ભૂતકાળનો. જેના કાદવને લુછવા એ પ્રયત્નશીલ છે...

( ક્રમશ : )