Punjanm - 8 in Gujarati Thriller by Pankaj Jani books and stories PDF | પુનર્જન્મ - 8

Featured Books
Categories
Share

પુનર્જન્મ - 8

પુનર્જન્મ 08

સ્નેહા .... ગામના પાંચ આગેવાનો પૈકી એક આગેવાન બળવંતરાયની દીકરી. સુંદર, સહેજ લાંબો પણ ભરાવદાર ચહેરો , અણિયાળી આંખો , એ આંખોમાં લગાવેલ કાજળની તદ્દન પાતળી લાઇનિંગ અને એ લાઇનિંગથી આંખના છેડે ખેંચેલી સ્હેજ લાઇનિંગ આંખો ને અણિયાળી બનાવતી હતી, ગુલાબી હોઠ અને એ હોઠ પર રમતું મુક્ત હાસ્ય અને દરેક હાસ્યની સાથે થતા આંખોના હાવભાવ. અને હોઠ અને આંખોનો એ તાલમેલ એને વધુ મોહક બનાવતો. ઉંચી , પાતળી છતાં સહેજ માંસલ શરીર , ઉજળી પણ ચમકતી સ્કીન. કમર સુધી લાંબા થતા ઘટાદાર કાળા વાળ ની થોડી છુટ્ટી મુકેલી લટો વારંવાર પરેશાન કરતી હોય એમ કપાળ પર આવી જતી અને એવું લાગતું જાણે ચંદ્રમાને કોઈ આછી વાદળી આવી ને ઢાંકી જતી હોય અને એ વાદળીને દુર કરવા કપાળ સુધી આવતો એનો માંસલ ,ગોરો હાથ.જેની ગુલાબી હથેળીની મધ્ય માં એ મહેંદીથી કંઇક ને કંઇક નાનકડું ચિત્ર દોરી રાખતી. અને એક અદાથી કપાળ પર આવેલા વાળને એ દૂર કરતી. પણ એની સામે બગાવતે ચડ્યા હોય એમ એ જીદ્દી વાળ પાછા કપાળ પર આવી જતા.
સુરભિ કે અનિકેત કરતાં એ એક દોરો ઓછી રૂપાળી હશે , પણ એનો ઠસ્સો , લહેકો , એની ચંચળતા એના અસ્તિત્વ ને વધુ મોહક બનાવતા. પૈસાદાર ઘરની સ્નેહાને સાજ શણગાર કરતાં આવડતું હતું અને એના માટેની તમામ સુવિધા એના ઘર માં ઉપલબ્ધ હતી.
યુવાનીના ઉંબરે પગ મુકતા અનિકેત અને સ્નેહાની ઉંમર પ્રેમ કરવાની ન હતી પરંતુ હદય ઉપર પ્રેમ , સ્નેહ કે આકર્ષણે દસ્તક કરી દીધી હતી. સમાજ , ઉંમર , જ્ઞાતિ , આર્થિક સ્થિતિ તમામ બાબતોથી બન્ને અજાણ હતા. અને એ દસ્તક કરનાર હતી સ્નેહા.
એ પહેલી રાત હતી જે અનિકેતને સૌથી વધારે રોમાંચક લાગી હતી. આ જ આંગણામાં આવી જ રાત્રે એ આકાશમાં ચંદ્રની સાક્ષી એ તારાઓની વચ્ચે સુંદર સ્વપ્નાંને ગૂંથતો હતો.
અનિકેત પડખું ફર્યો. જેલ માંથી નીકળ્યા પછી એ આંગણામાં આજે એની પહેલી રાત હતી. મા અને બહેન વગર ઘર ખાવા આવતું હોય એવું લાગતું હતું.
ધુળેટીના દિવસે એ મિત્રો સાથે ધુળેટી રમવા ગામ ના પાદરે ગયો હતો. ત્યાંથી એ કરસનકાકાના ખેતરે ગયા. એ ઘરે આવ્યો ત્યારે સાંજના ચાર વાગવા આવ્યા હતા.
ઘરના દરવાજે એક કર્ણમંજુલ સ્વર એના કાને અથડાયો. એ જ અવાજ હતો. ઘરમાં એણે પગ મૂક્યો અને હદયના તાર ઝણઝણી ઉઠ્યા. સ્નેહા એની શેરીની અનિતા સાથે આવી હતી. અનિતા સુરભિની મિત્ર હતી. એ બધા ધુળેટીના કલર માં રંગાયેલા હતા. અલગ અલગ રંગોમાં રંગાયેલી સ્નેહા વધારે મોહક લાગતી હતી.
મા ઘર માં ન હતી. અનિકેતના આવવાની સાથે એમની હસી મઝાક પર થોડી બ્રેક લાગી. અનિકેત અને સ્નેહાની નજર એક પળ મળી અને અનિકેત ઘરમાં જતો રહ્યો.
સુરભિ , ભાઈની આદતોથી વાકેફ હતી. ભાઈને સાંજે ચાર વાગે ચ્હા જોઈતી હતી. અનિતા ઘરે જવા ઉતાવળ કરતી હતી. પરંતુ સુરભિ એ કહ્યું ' હું ભાઈ માટે ચ્હા બનાવું છું , તમે પણ પી ને જાવ. ઉતાવળ શું છે? '
સુરભિ એ ચ્હા બનાવી ને કપમાં કાઢી અને બાજુ માંથી જમના કાકી એ બુમ પાડી. સુરભિ ઉતાવળમાં કાકી ના ઘરે જવા ઉઠી. ' અનિતા , હું બે જ મિનિટમાં આવું છું. તમે ત્યાં સુધી ચ્હા પીઓ. '
સ્નેહા અને અનિતા એ ચ્હાનો કપ હાથમાં લીધો. સ્નેહા ચ્હાનો કપ લઈ અનિકેત ને આપવા ઘરની અંદર ગઈ. સ્નેહા એ ચ્હાનો કપ અનિકેત તરફ ધર્યો અને નટખટ હાસ્ય કરી બોલી.
' લોકો ને તો હેપી હોલીનો જવાબ આપવામાં પણ જોર આવે છે. '
ચ્હાનો કપ લેતા બન્નેના હાથ નો સ્પર્શ થયો. અને એક વિદ્યુત નો ઝણકાર બન્ને ને થયો.. અનિકેત બોલ્યો.
' એક મિનિટ. '
અને સ્નેહા રોકાઈ ગઈ. અનિકેતે ચ્હાનો કપ બાજુ માં મુક્યો અને સાઈડમાં મુકેલા ગુલાલને બન્ને હાથમાં લઇ સ્નેહાના બન્ને ગાલે લગાવતા કહ્યું..
' હેપી હોલી. '
શરમના શેરડા એ સ્નેહાના ગાલ ને વધારે ગુલાબી કર્યા.
અનિકેતે મોબાઈલમાં સમય જોયો. રાતનો એક વાગ્યો હતો. ટી.વી.ના અવાજો ક્યારના ય બંધ થઈ ગયા હતા. કૂતરાંના ભસવાના અવાજ સિવાય ચારે તરફ નિરવ શાંતિ હતી.

***************************

રાત્રે ખૂબ મોડી ઉંઘ આવી હતી. કોઈ એ એના ઉપર નાનકડો પથ્થર નાંખ્યો. એની આંખ ખુલી. સૂર્યના કિરણો એની આંખને આંજતા હતા. ચારે બાજુ બધા કામે વળગી ગયા હતા એનો અવાજ આવતો હતો. એણે જોયું મગન દિવાલ પર ડોકું કાઢી હસતો હતો.
' બા એ ચ્હા મોકલી છે. '
અનિકેત ઉભો થયો. એનો ભોળો ભાઈ હસતો હતો. મગને ગ્લાસ માં ચ્હા અનિકેત સામે ધરી.
' બા પૂછે છે, થોડું દૂધ મોકલાવું. અને જમવાનું? '
' થોડું દૂધ આપ. પણ જમવાનું તો હું બનાવીશ.'
માસી એ સરસ દૂધ પણ તપેલીમાં મોકલાવ્યું. અનિકેત ઘરના શુદ્ધ દૂધને જોઈ રહ્યો. પોતાના ઘરે પણ ક્યારેક ભેંસ અને ગાય હતી. પોતાને દૂધ નહોતું ભાવતું. ત્યારે મા પરાણે દૂધ પીવડાવતી.
બપોરે એણે પંજાબી શાક બનાવ્યું. મગનને એણે આપ્યું. એ ખુશ થઈ ગયો.
બપોરે એણે જેલ માંથી લાવેલ લિસ્ટ ને ચેક કર્યું. એમાંના નામ ને શોર્ટ આઉટ કર્યા અને એમના ઘરના સરનામાં પ્રમાણે , એરિયા પ્રમાણે અલગ અલગ તારવ્યા.
**************************

સાંજે મગન અનિકેત પાસે આવ્યો. એના બાપુ બે દિવસ માટે બહારગામ જવાના હતા. જમના માસી પણ મળવા આવ્યા.
' માસી કાલે હું શહેર માં જવાનો છું. '
મગન : ' ભાઈ , હું આવું. '
અનિકેત માસી સામે જોઈ રહ્યો. એની છાપ પ્રમાણે કોઈ એમના દીકરાને પોતાની સાથે મોકલે એ શક્ય ન હતું.
' અનિકેત કોઈ કામ થી જાય છે બેટા , એમાં એને તકલીફ પડે. '
અનિકેત માસીની સામે જોઈ રહ્યો. આંખમાં તગતગતા આંસુ જાણે કહી રહ્યા હતા.
' માસી મારો વિશ્વાસ કરો.મારો વિશ્વાસ કરો. '
અને માસી એ ભાષા સમજતા હોય એમ બોલ્યા.
' અનિકેત તું કામ થી જાય છે ને? '
' માસી કામ તો છે.પણ તમારી મરજી અને વિશ્વાસ. '
' બેટા , વિશ્વાસ તો છે. કોઈ વ્યક્તિ ભૂલ કરી પણ દે તો એનો અર્થ એવો નથી કે એ હંમેશા ભૂલો કરતો જ રહેશે. પણ તારા કાકા નું ધ્યાન રાખજે. '
' માસી ચિંતા ના કરતા. કાલે હું કહું ત્યારે મગન ને ગામ ને પાદરે મોકલી દેજો.'

**************************

રાત્રે એ જ વિચારોની હારમાળા ચાલુ થઈ. એક જ કલાસમાં ભણતા સ્નેહા સાથેનો સબન્ધ ગાઢ થતો ગયો. જે દિવસે રજા હોય ત્યારે સ્નેહા અનિતાની સાથે સુરભિ ને મળવા આવતી. અનિકેત અને સ્નેહા એક જ કલાસ માં ભણતા હતા એટલે સ્નેહા માટે કોઈક ચેપટર શીખવા નું બહાનું કાઢવું સહજ હતું અને એ એવું બહાનું કાઢતી પણ ખરી.
પૈસાદાર ઘરની એ છોકરી પાસે મોબાઈલ હતો. અને એ એક દિવસ આવી. ઘર માં કોઈ ન હતું.
' અનિકેત તારા માટે હું એક ગિફ્ટ લાવી છું. '
અનિકેત એની સામે જોઈ રહ્યો. એક બોક્સ એણે ખોલ્યું. અંદર એક મોબાઈલ હતો. બિલકુલ નવો.
અનિકેતને સમજ માં ના આવ્યું કે શું કરવું. એક મન આ મોબાઈલ લેવાની ના કહેતું હતું. પણ અંતરમન સ્નેહા સાથે વાત હંમેશા બેચેન રહેતું. અને આ એક જ માર્ગ હતો જે સ્નેહા સાથે વાત કરવાનો રસ્તો ખોલતો હતો. છતાં એણે એક પળ તો મોબાઈલ લેવાની ના પાડી.
' અનિકેત તને મારા સમ. '
સ્નેહાના એ સ્નેહભર્યા શબ્દો એ અનિકેતને નિરુત્તર કરી દીધો.

( ક્રમશ : )