Hiyan - 15 in Gujarati Love Stories by Alish Shadal books and stories PDF | હિયાન - ૧૫

Featured Books
Categories
Share

હિયાન - ૧૫

હિયા તે બંને ને સવાલો કરતી હોય છે પણ બે માંથી એકપણ વ્યક્તિ જવાબ આપતી નથી.

"હિયા એ લોકો શું બોલવાના? તને હકીકત દેખાતી નથી? આવા માણસ પર આટલો પણ ભરોસો ના કરાય. તદ્દન શરમ વિનાના છે. ચાલ અહીંયાથી હવે અહીંયા રોકાવું પણ મરવા જેવું લાગશે." હિયાની મામી વચ્ચે જવાબ આપે છે.

"મામી તમે પ્લીઝ જરા શાંતિ રાખશો? હું આ લોકો સાથે વાત કરી રહી છું ને? તમે હવે વચમાં બોલશો નહિ." હિયા થોડા ગુસ્સા સાથે બોલે છે.

"વાહ. એક તો આ લોકોએ ખરાબ કામ કર્યું અને ઉપરથી મારા પર ગુસ્સો કરે છે. યાદ રાખજે હવે તારું અહીંયા કોઈ નથી. તારે અમારી પાસે જ આવવાનું છે. પછી હું જોવ છું કે કેવો ગુસ્સો બતાવે છે તું. સાંભળો છો તમે? મારું અપમાન થઈ રહ્યું છે અને તમે એક શબ્દ પણ નથી બોલતા? મારે હવે અહીંયા એક મિનિટ પણ રોકાવું નથી."

"તું થોડીવાર ચૂપ બેસ. એમને વાત તો કરવા દે કે મામલો શું છે. પછી બોલજે તું." હિયાના મામા કહે છે.

"તો કહો મને કે તમારી શું મજબૂરી હતી કે તમે આવી રીતે લગ્ન કરવા પડ્યા?" હિયા પૂછે છે.

"કોઈ મજબૂરી નથી. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ." આયાન જવાબ આપે છે.

"જૂઠું બોલી રહ્યો છે તું. દીદી તમે કહો કે સાચી વાત શું છે?"

હા તે છોકરી બીજું કોઈ નહિ પણ હિયાની મોટી બહેન માલવિકા હોય છે. અને આયાન અને માલવિકા એ એકબીજા સાથે લગ્ન કર્યા હોય છે.

"આયાન જે કહી રહ્યો છે તે સાચું જ છે. અમે બંને એકબીજાને ખુબજ પ્રેમ કરીએ છીએ. અને એટલે જ આજે અમે લગ્ન કરી નાખ્યાં." માલવિકા જવાબ આપે છે.

હિયા આ સાંભળીને આઘાત પામે છે. એક ક્ષણ કશું બોલતી નથી પણ પછી બોલે છે.

"મને તમારી વાત કર વિશ્વાસ નથી થતો. કારણકે હું જાણું છું કે તમે બંને મને કેટલો પ્રેમ કરો છો. એટલે તમે મને આવી રીતે વિશ્વાસઘાત ના કરી શકો એ પણ હું સમજુ છું." હિયા કહે છે.

"પ્રેમ? પ્રેમ એ પણ તને? મને તારી સાથે કોઈ દિવસ પ્રેમ થયો જ નથી. હું તો બસ તારી સુંદરતા પાછળ પડેલો હતો. એક સુંદર ગર્લફ્રેન્ડ હોય તો કોલેજમાં મારું એક સ્ટેટ્સ રહે એટલા માટે જ તને ગર્લફ્રેન્ડ બનાવી હતી. પછી તારાથી સુંદર અને મસ્ત છોકરી એટલે કે મને તારી બહેન મળી ગઈ. અમે એકબીજાનું દિલ ક્યારે આપી બેઠા એ અમને ખબર જ ન પડી. બાકી તું અને મારો પ્રેમ? નો ચાન્સ!" આયાન બધું એલફેલ બોલી નાખે છે.

આયાનના પપ્પા તેને તમાચો મારે છે. અને કહે છે.

"છી! તને મારો દીકરો કહેતા પણ શરમ આવે છે મને. તારી પાસે આવી આશા ન હતી મને. તને અમે આવા સંસ્કાર આપ્યા ના હતા. અને તારી બહેન છે તો તે એવું કદી ન વિચાર્યું કે તારી બહેન સાથે કોઈ આવું કરે તો? જતો રહે અહીંયાથી. આજ પછી તું અમારા માટે મરી ગયો સમજી લેજે." તેઓ ખુબજ ગુસ્સામાં હોય છે.

"બેટા તું તો કેટલી સમજદાર હતી. અને આટલી ઊંચી પોસ્ટ પર હોવા છતાં તને આવા ખરાબ વિચાર ક્યાંથી આવ્યા? અને તને તારી બહેન વિશે પણ વિચાર ના આવ્યો? સગી બહેને જ પોતાની બહેનનું જીવન બરબાદ કર્યું છે." હિયાના મામા પણ ગુસ્સામાં કહે છે.

"પપ્પા, મામા તમે એમને કશું કહેશો નહિ. મારું મન હજી પણ નથી માનતું કે તેઓ આવું કરે." હિયા જવાબ આપે છે.

"મામા, એમાં પોસ્ટ ક્યાંથી આવી? પ્રેમ તો કોઈને પણ થઈ શકે. અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો એમાં હિયાનું શા માટે વિચારું? હું એનું વિચારું તો મારા પ્રેમનું શું? અને એમ પણ એના આવા મૂર્ખ સ્વભાવને લીધે એને કોઈ પણ ઉલ્લુ બનાવી જાય તો એમાં અમારો શું વાંક?" માલવિકા જવાબ આપે છે.

"ચૂપ. એકપણ શબ્દ મારી દીકરી વિશે બોલ્યા છો તો. હમણાં ને હમણાં અહીંયાથી નીકળો. આજ પછી મારો કોઈ દીકરો નથી. આરવી, ધ્રુહિ અને હિયા એમ ત્રણ દીકરી જ છે એમ સમજી લઈશ." શાલીની બેન ગુસ્સામાં બોલે છે.

તેમનો ગુસ્સો જોઈને આયાન અને માલવિકા ત્યાંથી જતા રહે છે.

"ચાલો હવે આપણે પણ જઈએ. આપણે પણ રહેવાનો હવે કોઈ ફાયદો નથી. અને તમે હિયાને દીકરી ગણો છો તો હવે તમે જ એને રાખજો. અમારે આવી છોકરી નથી જોઈતી જેને ખુદ પોતાની જ વ્યક્તિ દગો આપતી હોય." હિયાની મામી બોલે છે. હિયાના મામા બોલવા જાય છે પણ સુનિલભાઈ ઇશારાથી ના પાડી દે છે અને હિયાની ખૂબ સારી રીતે કાળજી રાખશે એવું આશ્વાસન આપે છે.

આમ હિયા છેલ્લા એક વર્ષથી તેમના ઘરે જ એક દીકરી ની જેમ રહેતી હોય છે.

(વર્તમાન માં)

ભૂતકાળ યાદ કરીને હિયાની આંખોમાં આંશુ આવી જાય છે.

"બેટા હજુ વિચારી જો. હજુ પણ તારે એમને અહીંયા લાવવા છે?" સુનિલભાઈ કહે છે.

"પપ્પા મમ્મી હવે હું કહું છું તે તમે શાંતિ થી સાંભળો. એકવાર તમે કહો છો તેમ હું માની લવ કે તેમણે ખોટું કર્યું છે. તો પણ એની સજા એમને આપવાની હોય. એમના આવનારા બાળક નો શું વાંક? એ બાળકને તો આપણે અન્યાય કરેલો જ ગણાશે ને? એ બાળક ને તો આ બધી ખબર પણ ના હશે અને એણે કારણ વિના આટલો મોટો પરિવાર હોવા છતાં એના પરિવારથી દૂર રહેવું પડશે. એના વાંક વિના એ એના દાદા દાદી અને ફોઈ ના પ્રેમથી વંચિત રહેવું પડશે. અને હાલમાં તો એમને કોઈ મોટું સલાહ આપવા વાળું પણ નથી તો ન કરે નારાયણ ને એ આવનારા બાળક પર કોઈ તકલીફ ઊભી થાય તો?"

હિયા ના આટલું કહેવાથી તેઓ વિચારમાં પડી જાય છે. થોડીવાર તો કોઈ કશું જ બોલતું નથી. પછી સુનિલભાઈ બોલે છે.

"ઠીક છે તો તું આટલું ફોર્સ કરે છે તો અમે માની જઈએ છીએ. અમે એમને અહીંયા લાવવા તૈયાર છીએ. પણ હા એક શરત છે. એમણે આપણા ઘરની વાતમાં કોઈ દખલગીરી કરવાની નહિ. જો બે માંથી કોઈ એકપણ વ્યક્તિ તને ગમેતેમ બોલ્યું તો તેઓને તે જ સમયે ઘરની બહાર કાઢી મુકીશું. અમારામાંથી કોઈ પણ વ્યક્તિ તેમની સાથે વાત કરીશું નહિ. માત્ર માલવિકાની તબિયતનું ધ્યાન રાખવા જરૂર પુરતી જ વાતો કરીશું. અને બાળકના જન્મ પછી તેમણે ઘરની બહાર નીકળી જવું પડશે. હા એમનું બાળક જ્યારે ઈચ્છે ત્યારે અમને મળી શકે છે. જો આ શરત મંજૂર હોય તો જ તેઓ આ ઘરમાં આવી શકશે."

"મને તમારી બધી શરત મંજૂર છે. હું આજે જ જઈને એમને લઇ આવું છું." આટલું બોલતા હિયા ઘરની બહાર નીકળી જાય છે. તે પાછળ કોઈની વાત સાંભળવા પણ રોકાતી નથી.


___________________________________________

(બીજા શહેરમાં)

"આયાન આજે ઘરે જલ્દી આવી જજે. હિયા અહીંયા આવી રહી છે. લગભગ બે કલાક માં આવી જશે. હું એકલી હોઈશ તો તેનો સામનો કરવો મારા માટે મુશ્કેલ થઈ જશે." માલવિકા કહે છે. તે સ્ત્રી બીજું કોઈ નહિ પણ માલવિકા હોય છે.

"ચિંતા ના કરો. હું આવું જ છું. હું હમણાં જ અહીંયા થી નીકળું છું." આયાન જવાબ આપે છે.

લગભગ અઢી કલાક થઈ ગયા હોય છે આ વાત ને. આયાન અને માલવિકા હોલમાં બેઠા બેઠા હિયાની રાહ જોતા હોય છે. થોડીવાર પછી ઘરના દરવાજા પર બેલ વાગે છે. આયાન દરવાજો ખોલવા જાય છે અને દરવાજો ખોલતા જ સામે હિયા ને જુએ છે. બંને એકબીજાની આંખમાં ખોવાઈ જાય છે. લગભગ 5 મિનિટ સુધી એ લોકો એ જ સ્થિતિમાં રહે છે. પછી માલવિકા ત્યાં આવતા તેમનું ધ્યાન ભંગ થાય છે.

"અરે હિયા તું. આવ ઘરમાં." માલવિકા એવી રીતે બોલે છે જાણે એને હિયા ના આવવાની ખબર જ ન હતી અને હમણાં આશ્ચર્ય અનુભવતી હોય!

"રહેવા દો. મારે ઘરમાં નથી આવવું. તમે બંને જલ્દીથી તમારું બેગ પેક કરી દો. હું તમને લેવા આવી છું." હિયા જવાબ આપે છે.

"શું કહ્યું તે? મજાક તો નથી ને આ? અને ઘરમાં કેમ આવવાની ના પાડે છે?" માલવિકા કહે છે.

"હું સાચું કહી રહી છું. જલ્દીથી તૈયાર થઈ જાવ. હું અહીંયા રાહ જોઈ રહી છું. મારે મોડું થાય છે."

"હિયું, ઘરમાં તો આવ." આયાન બોલે છે. પહેલા તો આયાન ના મોઢે થી એક વર્ષ પછી હિયું સાંભળી હિયા લાગણીવશ થઈ જાય છે પણ પછી તે બહાર હીંચકો મૂક્યો હોય છે ત્યાં જતી રહે છે. અને કહે છે.

"હું ત્યાં બેઠી છું તમે જલ્દી આવો. હવે મારે બીજી કોઈ કામ વિનાની વાતો નથી સાંભળવી."

થોડીવાર પછી આયાન અને માલવિકા પોતપોતાનો સામાન લઈને આવે છે અને ત્યારે તે એક વસ્તુ નોટિસ કરે છે. જે જોઈને તેની આંખોમાં ચમક આવી જાય છે.

(ક્રમશઃ)