રંગરોગાન કરાવેલું સુંદર ઘર અને એમાંય સુંદર ફૂલોની ભરપૂર સજાવટથી ઘર શોભતું હતું. ઘરની દરેક દીવાલો પણ આજે ઘણી યાદો તાજી કરતું હતું. અનેક સગા - સંબંધી અને મિત્રો વચ્ચે પણ સાવ એકલતા ભાસતી હતી. એ પણ એવી એકલતા જેને કોઈની સામે વ્યક્ત ન કરી શકાય ફક્ત હૈયું મૂંગુ રુદન કરતું રહેતું અને કારમી ચીસો પાડતું રહેતું, જેની અસહ્ય પીડા ફક્ત પોતે જ અનુભવેલી અને વર્ષોબાદ આજ દિન સુધી એ જ્યારે પણ તાજી થાય છે તો વર્ષો જૂની વેદનાની પીડા પાછી ઉપડતી અને તૂટેલા કાચની કરચની જેમ ચૂંભતી અને અસહ્ય પીડા આપતી.
આ રવિકાંતભાઈના જેમ જ એમના પાડોશી દિનકરભાઈએ પણ ખુબ ઉત્સાહ અને આનંદમાં બે વર્ષ પેહલાં આવો પ્રસંગ પાર પાડેલો એની સઘળી યાદો એમની આંખો સમક્ષ તરવરવા લાગી. એ જ સમયે એમના મનમાં અચાનક અનેક વિચારોના ચક્રવાતે જન્મ લીધો.
" એ સમયે જે પીડામાંથી હું પોતે પસાર થયેલો એ જ આજના દિવસે આ રવિકાંતના ભાગ્યમાં..." આટલાં વિચાર સાથે એ ક્યાંક ખોવાઈ ગયાં. હવે એક પછી એક બધું આજે મનમાં જન્મેલાં વિચારોથી આંખો સમક્ષ જીવંત થવા લાગ્યું હતું. પોતાના રૂમની ગેલેરીમાંથી એકીટશે રવિકાંતના ઘરની ઝાકમઝોળ રોશની અને અત્યંત સુંદર સજાવટ જોતાં જ એમના મનમાં વિચારો ઉમળ્યા હતાં.
પાણીનો ધસમસતો પ્રવાહ, જેમ માટીનો બનાવેલો બંધ તોડીને આગળ વહી જાય; એમ જૂની યાદો જીવંત થઈને એમના હૃદયમાં પડેલાં ઉઝરડા પર ઘા કરીને કારમી પીડા આપી રહી હોય એમ પોતાના હૃદય પર હાથ રાખી આંસુથી છલોછલ આંખો સાથે એ પોતાના રૂમમાં આવ્યાં, કબાટ ખોલ્યું એમાં બાજુ - બાજુમાં બે નાના ડ્રોઅર હતાં એમાં એકમાંથી ચાવી કાઢીને એના વડે બીજુ ડ્રોઅર ખોલ્યું, એમાંથી એક ફોટોફ્રેમ કાઢીને જોવા લાગ્યાં ને આંખોમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યાં. બે ડગલાં ચાલીને પોતાના બેડ પાસે પહોંચ્યાં ને ત્યાં જ ફસડાઈ પડ્યાં.
"ના ! મારા જેવા તો ઘણાં ! જેના ભાગ્યમાં આ પીડા લખાઈ છે પણ....આવી તો ન જ હોવી જોઈએ. એના માટે જવાબદાર કોણ?" મનમાં ચાલી રહેલાં આવા અનેક વિચારો અને પ્રશ્નની સાથે દિનકરભાઈની આંખોમાંથી થતી અવિરત અશ્રુધારા એમના હાથમાં રહેલાં ફોટોફ્રેમને ભીંજવી રહી હતી. એમને મનોમન થતું હતું કે જોરજોરથી ચીસો પાડીને પોતે રડે પોતાના હૈયાંનો બળાપો ઠાલવે પણ ઘરમાં અન્ય ઓરડામાં અન્ય સદસ્ય પણ હતાં. એ વારાફરતી પોતાના ગળે આવેલાં ડુમાને પરાણે, ભારે જહેમત સાથે પાછા ધકેલતાં હતાં.
" અરે તમે ક્યારના શું કરો છો? મિલી તમારી રાહ જુવે છે, તમે એને બહાર લઈ જવાનો વાયદો કરેલો ને તો રાહ જુવે છે. " દિનકરભાઈના પત્ની ઉષાબેને મોટેથી રીતસર રાગડો તાણ્યો. એ સાંભળીને દિનકરભાઈ ચોંકી ઉઠ્યાં. ફટાફટ પોતાના પાયજમાના ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢીને ચહેરો ખાસ કરીને વારંવાર આંખો સાફ કરી અને સઘળી હિંમત એકઠી કરીને રુદનને હૈયાંમાં દબાવીને " એ આજે મને અચાનક આ રવિકાંતના ઘરે થતાં શોરબકોરના કારણે માથું ચડ્યું છે, તો હું આરામ કરવા માંગુ છું. તું એને મનાવી લે અને ન માને તો તું કે અમિત બંનેમાંથી એક લઈ જાઓ."
" એ... હાં... તમે આરામ કરો." શરૂઆતના લાંબા લહેકા સાથે એમના પતિને જવાબ આપીને ઉષાબેને એમના દીકરાની વહુને કહ્યું. " કૃપા તારા પપ્પાને ચા પીવી હોય તો બનાવી દેજે. " પછી એ મિલી સાથે વાતોએ વળગ્યાં અને કૃપા પોતાના કામમાં મશગુલ હતી.
દિનકરભાઈ પાછા ઊંડા વિચારોમાં ખોવાઈ ગયાં. "પપ્પા ! પપ્પા ! ચાલો મને ફરવા લઈ જાઓ, મારે આઈસ્ક્રીમ ખાવી છે. " દિનકરભાઈની આંખો સમક્ષ પોતાનો હાથ પકડીને પરાણે ઘર બહાર ખેંચી જતી નાની છ વર્ષની બાળકીનો ચહેરો તરવરવા લાગ્યો અને એકપછી એક બધી સ્મૃતિઓ તાજી થવા લાગી. બે વર્ષ પહેલાં રિયાના લગ્ન ધામધૂમથી કરેલાં. બધા સગા - વ્હાલા અને મિત્રો પણ એ દિવસે ખુબ ખુશ હતાં, રાત્રીના અંધકારમાં ઘરની ચારેતરફ રંગબેરંગી લાઈટ અને ગલગોટાના ફૂલો સજાવેલાં અને એ દિવસે તો બધા આગલાં દીવસે રાત્રે ગરબા અને નાચ - ગાનમાં સામેલ થયેલાં એટલે ઉજાગરો હોવા છતાં તાજા ખીલેલાં ફૂલ સમાન ચહેરા પર સ્મિત સાથે અને પોતપોતાની પસંદના સુગંધીદાર પરફ્યુમથી મહેકતાં હતાં.
દિનકરભાઈ પણ દીકરીના લગ્નની ખુશીમાં ફુલ્યાં નહોતાં સમાતા. લગ્નની તૈયારીઓના કારણે થયેલી દોડાદોડીનો થાક એમના ચહેરા પર જરાય દેખાતો નહોતો.
" રિયા તો કેવી સુંદર પરી લાગતી હતી, મારી ઢીંગલી ! " ફોટોફ્રેમ જોતાં મનોમન વિચારતા એ ફોટો સામે જોઈ રહ્યાં.
એનો લગ્નપ્રસંગ તો ધામધૂમથી પાર પડેલો પણ એની વિદાયવેળાએ દિનકરભાઈ પોતાના પર અંકુશ રાખી ન શક્યા અને આંખોમાંથી આંસુ વહેવા લાગેલાં, રિયાના ચહેરા સામે પણ એ જોઈ શકતાં નહોતાં.
એનાથી પણ વધીને તો જ્યારે એની વિદાય સંપન્ન થઈ અને એના ગયાં બાદ ઘરના ઉંબરામાં પગ મૂકતા જ જાણે હૈયાંફાટ રુદન થઈ જશે એવો ભાસ થયેલો અને પોતાનાં આંસુ છુપાવતા એ ચૂપચાપ નીચી નજરે ઝડપી ડગલે દાદર ચડી પોતાના રુમમાં ચાલ્યાં ગયેલાં અને રુમનો દરવાજો અંદરથી બંધ કરીને એની આ જ ફોટોફ્રેમને હૈયે લગાવી અપાર રુદન કરી રહ્યાં.
" આજે તું જીવનસાથીનો હાથ પકડીને જીવનમાં આગળ વધી ગઈ, નવા સફરની શરૂઆતમાં મને એ વાતનો ખુબ આનંદ છે પણ તારા જવાનું દુઃખ, તારો વિરહ પણ એટલો જ છે.
થોડીવાર બાદ એમને પરિસ્થિતિનો ખ્યાલ આવતાં સ્વસ્થ થઈને સગા - સંબંધી બેઠાં હતાં ત્યાં હોલમાં જઈને બેઠાં. બધા પોતાના ફોનમાં તો પોતપોતાની વાતોમાં મશગૂલ હતાં. દિનકરભાઈની પત્નીની આંખો રડવાના કારણે થોડી સુજી ગઈ હતી. એક એ જ હતાં જેમને દીકરીની વિદાયનું દુઃખ હતું. જ્યારે એ એના પપ્પાને ગળે લાગીને ધ્રુસકે - ધ્રૂસકે રડી હતી ત્યારે એને સાંત્વનારૂપે બે શબ્દો પણ કહી શક્યા નહોતાં એમ નહોતું કે એમની પાસે શબ્દો નહોતાં પણ એમના ગળે ડૂમો ભરાઈ આવેલો. ડુમાના કારણે એ પોતે એક શબ્દ પણ બોલી શક્યાં નહોતાં અને એના માથા પર હાથ રાખીને એના ચહેરાને તાકી રહેલાં.
એ ત્યાંથી થોડી દુરી પર એકાંતમાં જવા માંગતા હતાં પણ રિયાએ એમનાં બંને હાથ જોરથી પકડી રાખ્યાં હતાં જાણે કે, એનું ચાલે તો એના પપ્પાથી ક્યારેય દૂર ન જાય અને પછી તો થોડીક્ષણ એમ જ પસાર થયા બાદ એની સાસરીપક્ષ તરફથી એક બહેને એને ખભા પર હાથ રાખી આશ્વાસન આપી આગળ ચાલવા પ્રેરી અને એ પાછળ જોતી એ બહેન સાથે આગળ ડગલાં ભરતી, જાણે યાદોની ગાંસડી બાંધતી એના પપ્પાના હાથ છોડી ગઈ.
લગ્નના છ મહિના તો રીતિ - રિવાજ પુરા કરવામાં જ પસાર થયા એમાં ઘણાં દિવસો તો એ પપ્પાના ઘરે જ રહી. પણ ત્યારબાદ જેવા ચારેક મહિના પસાર થયા કે એણે એક દિવસ બપોરે ફોન કરેલો. એનો અવાજ ધીમો અને રડમસ હતો. એનો અવાજ સાંભળીને જ દિનકરભાઈ હેબતાઈ ગયેલાં એ જ ક્ષણે એમના રુંવાડા ઊભાં થઈ ગયેલા. એ સાથે જ અનેક પ્રકારના ના હોય એવા વિચારો મનમાં દોડવા લાગેલા.
ક્રમશ:
✍... ઉર્વશી. "આભા"