લેખ:- ભીમ એકાદશી વિશે માહિતી
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
આપણે જાણીએ જ છીએ કે આપણાં હિંદુ ધર્મમાં વ્રતો અને ઉત્સવોનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. દરેક વ્રત અને ઉત્સવ પાછળ કોઈક ને કોઈક ધાર્મિક પ્રસંગ જોડાયેલ છે. આવું જ એક વ્રત છે, ભીમ એકાદશીનું. પાંડુપુત્ર ભીમ દ્વારા કરવામાં આવેલ એકમાત્ર ઉપવાસ. આ એકાદશીનું હિંદુ ધર્મમાં, ખાસ કરીને વૈષ્ણવોમાં ખૂબ જ મહત્ત્વ છે. આજે હું આ એકાદશી વિશે જ થોડી ચર્ચા કરવાની છું. જેટલી માહિતી હું મેળવી શકી એટલી આપની સમક્ષ રજુ કરું છું.
નિર્જળા - ભીમ એકાદશી કરવાનું ફળ
પદ્મ પુરાણમાં ભીમ એકાદશી એટલે કે, નિર્જળા એકાદશી કરવાનો મહિમા વર્ણવતા કહેવામાં આવ્યું છે કે, આ એકાદશી કરવાથી બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુનો દ્રોહ કરનાર, સદા જુઠુ બોલનાર આદિ અનેક મહાપાપોથી મુકિત મળે છે.
આ એકાદશી કરવાથી મેરુ અને મંદરાચળ પર્વત જેવા મોટા પાપનો કોઈ માણસ પર્વત હોય, તો પણ તેના પાપ નાશ પામી જાય છે. આ એકાદશી કરવાથી ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થાય છે.
નિર્જળા - ભીમ એકાદશી ન કરવાથી લાગતું પાપ :
આ નિર્જળા ભીમ એકાદશી જે કરતા નથી તેઓ આત્મદ્રોહી, પાપી, દુરાચારી અને દુષ્ટ થાય છે, અને એમના સો સો કુળ દુરાચારમાં જતા રહે છે.
નિર્જળા - ભીમ એકાદશીની શાસ્ત્રોક્ત કથા :
આ પ્રમાણે વ્યાસજીની આજ્ઞા અનુસારે આ રીતે ભીમ અને પાંડવોએ એકાદશી કરી હતી ત્યારથી તેનું નામ ભીમ એકાદશી પડયું છે. અને તેને નિર્જળા એકાદશી પણ કહેવાય છે.
યુધિષ્ઠિરે કહ્યું : “હે દુઃખીયાના બેલી……દીનાનાથ ! જેઠ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્મ્ય સમજાવો.”
શ્રીકૃષ્ણ બોલ્યાઃ “રાજન ! એનું મહાત્મ્ય પરમ ધર્માત્મા વ્યાસજી કહેશે, કારણ કે તેઓ સર્વ શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદ-વેદાંતના વિદ્વાન છે.”
ત્યારે વેદાવ્યાસજી કહેવા લાગ્યાઃ “બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું દ્વાદશીના દિવસે સ્નાન વગેરે કરીને, પવિત્ર થઈને, પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી. ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી પોતે ભોજન કરવું. રાજન ! જન્મશૌચ અને મરણશૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું.”
આ સાંભળીને ભીમસેન બોલ્યાઃ “પરમ પિતામહ ! મારી વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુન્તી, દ્રોપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે કયારેય ભોજન નથી કરતા, અને મને પણ તેઓ હંમેશા એજ કહે છે, “ભીમસેન ! તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો.” પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છુ કે મારાથી ભૂખ સહન થતી નથી.” ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યાઃ “જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તી ઈચ્છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું.”
ભીમસેન બોલ્યાઃ “પણ પિતામહ ! હું આપની સામે સાચી વાત કહું છું. એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું, તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું ?” મારા ઉદરમાં “વૃક” નામનો અગ્નિ સદાય પ્રજવોિત રહે છે. આથી જયારે હું ખૂબ વધારે ખાઉ છું ત્યારે જ એ શાંત થાય છે. આથી હે મહામુને ! હુ બહું બહું તો વર્ષ ભરમાં ફકત એક જ ઉપવાસ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તી થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો. હું એનું પાલન જરુર કરીશ.”
વ્યાસજીએ કહ્યું : “ભીમ ! જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુકલ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું. ફકત કોગળા અથવા આચમન કરવા માટે જ મોમાં જળ નાખી શકો છો. આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાંખવું. અન્યથા વ્રતનો ભંગ થઇ જાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પર્ણ થાય છે.
ત્યાર બાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જિતેન્દ્રીય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું. વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે, એ બધી નું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું કે, “જો માનવ બધુ છોડીને એક માત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પોપોથી છૂટી જાય છે.”
એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળકાફ, વિકરાળ આકૃતિવાળા અને કાળકા રંગના દંડ-પાશધારી ભયંકર યમદૂતો નથી આવતા. અંતકાળમાં પિતાંબરધારી, સૌમ્ય સૌભાવવાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મનસમાન વિષ્ણુદૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે.
માટે નિર્જળ એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું. સ્ત્રી કોય કે પુરુષ ! જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે અને પુણ્યનો ભાગી બને છે.”
આ સાંભળીને ભીમસેનને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરુ કરી દીધું. ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ એકાદશી નામથી વિખ્યાત થઈ.
શાસ્ત્રો અનુસાર આહારશુદ્ધિ વિના ચારિત્ર્યશુદ્ધિ શક્ય નથી. આહાર શુદ્ધ રાખવો એ દરેક ધર્મનો સાર છે. આહાર - વિહાર, અને આચાર વિચારના વિવેક વિના સંયમની સિદ્ધિ મેળવી શકાતી નથી. સંયમની સિદ્ધિ વિના આંતરિક સુખ શાંતિ શક્ય નથી. આધિ વ્યાધિ ઉપાધિથી ત્રસ્ત લોકોએ આ ભીમ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ.
વાંચવા બદલ આભાર.
સ્નેહલ જાની.