Anant Safarna Sathi - 31 in Gujarati Fiction Stories by Sujal B. Patel books and stories PDF | અનંત સફરનાં સાથી - 31

Featured Books
Categories
Share

અનંત સફરનાં સાથી - 31

૩૧.નિયતિનો ખેલ

"શિવાંશ! રિપોર્ટ આવી ગયો છે." ડોક્ટરે આવીને કહ્યું. તેમનાં અવાજથી શિવાંશ અને રાહી એક વર્ષ પહેલાંની સફર કરીને ફરી વર્તમાનમાં પરત ફર્યા.
"ડોક્ટર! બસ પાંચ મિનિટ આપો." રાહીએ પોતાનો ડાબો હાથ ઉંચો કરીને ચાર આંગળીઓ સહિત અંગૂઠો બતાવી ઈશારો કરીને કહ્યું. ડોક્ટર ડોકું ધુણાવીને જતાં રહ્યાં.
"તો તારાં નાના-નાની અને મારાં પપ્પાની બધી કહાની સાંભળ્યાં પછી તે શું નિર્ણય કર્યો? અત્યાર સુધી તું ક્યાં હતો?" ડોક્ટરનાં જતાંની સાથે જ રાહીએ શિવાંશ તરફ જોઈને પૂછયું.
"તારાં પપ્પાએ જેમ શરત મૂકી. એમ જ કરવાનો મેં નિર્ણય કરી લીધો હતો." કહેતાં શિવાંશે રાહીનો હાથ પકડી લીધો, "મેં નાનીને એ ઘર ખાલી કરીને બીજે જતાં રહેવાનું કહી દીધું. એ બંને તે દિવસે જ ઘર ખાલી કરીને રાજકોટ જતાં રહ્યાં. મેં મારાં ફોનનું સિમ કાર્ડ કાઢીને ફોન બંધ કરી દીધો. પછી હું ધૂળેટીની રાતે જ મુંબઈ જવાં નીકળી ગયો. તન્વીને પણ પોતાનો ફોન બંધ કરી દેવા જણાવી દીધું." એણે એક ઉંડો શ્વાસ લીધો, "મુંબઈ પહોંચીને તન્વી અને મારાં બંને માટે નવું સિમ કાર્ડ ખરીદી લીધું. ઘરે બધાંને સમજાવી દીધું, કે તારી ઘરેથી કોઈનો કોલ આવે. તો શિવાંશ અહીં નથી રહેતો એવું જણાવી દેવું. પછી પ્રેરણા અને શુભમને પણ મારાં વિશે કોઈ જાણકારી નાં આપે એવું જણાવી દીધું. ટૂંકમાં તું હું ક્યાં છું? એ જાણી શકે એવાં બધાં રસ્તા મેં બંધ કરી દીધાં. તું મારાં વિશે વધું કંઈ જાણતી ન હતી. એટલે મારે એ બધું કરવું ઘણું એવું સરળ રહ્યું." કહીને શિવાંશ રાહીની આંખોમાં જોઈ રહ્યો, "મારાં સુધી પહોંચવાનાં બધાં રસ્તા બંધ કરીને મેં મારો બિઝનેસ મારાં મિત્ર ઋષભને સોંપી દીધો. પછી મેં એક રેસ્ટોરાંમાં નોકરી કરી. છ મહિના નોકરી કર્યા પછી મેં એક સાડીની દુકાન ખોલી." કહીને શિવાંશ સહેજ હસ્યો, "મને થયું બિઝનેસ મૂકીને ખુદનાં પગ પર જ ઉભું થવું છે અને મારાં ભાવિ સસરાની શરત જ પૂરી કરવી છે. તો કેમ ને એ જ કામ કરું જે મારાં સસરા કરે છે." કહેતાં શિવાંશે એક વર્ષ પહેલાંની કહાનીનો એ કિસ્સો કહીને પૂરો કર્યો જે એક વર્ષથી અધૂરો હતો.
"તો અત્યારે તું સાડીની દુકાન ચલાવે છે?" રાહીએ આશ્રર્યવશ થઈને પૂછ્યું.
"હાં અને દુકાન ધાર્યું હતું એ કરતાં પણ સારી ચાલે છે. સાથે જ ઋષભે બિઝનેસ પણ બખૂબી સંભાળી લીધો છે." કહેતાં શિવાંશે ગર્વ અનુભવ્યો, "ટૂંકમાં મને કોઈ નુકસાન નથી થયું. બસ જે કામ વિશે ક્યારેય વિચાર્યું પણ ન હતું. એ કામનો અનુભવ તારાં પપ્પાએ મને કરાવ્યો ખરો! બાકી રેસ્ટોરાંમાં નોકરી અને સાડીની દુકાન...એ બંને કામનો શિવાંશ પટેલ સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. હાં, રેસ્ટોરાંમાં જમવા જતો પણ ત્યાં કામ કરીશ એવું વિચાર્યું ન હતું. અને સાડીની દુકાનમાં તો કોઈ દિવસ ખરીદી કરવાં પણ પગ મૂક્યો ન હતો." કહીને શિવાંશ ભૂતકાળમાં એક ડોકિયું કરી આવ્યો, "આજે મોટી એવી દુકાન ચલાવું છું અને કેટલીયે છોકરીઓને અને સ્ત્રીઓને એક સાથે હેન્ડલ કરું છું. પહેલાં તો સાડીની ક્વોલિટી વિશે પણ ખબર નાં હતી. હવે તો કંઈ સાડી ક્યાં ફંકશનમાં પહેરી શકાય? એ પણ ખબર પડવાં લાગી છે." કહીને શિવાંશ ખડખડાટ હસી પડ્યો. રાહી પણ હસવા લાગી. ત્યાં અચાનક જ તેની આંખો ભરાઈ આવી.
"મારાં કરતાં તો વધું સંઘર્ષ તે કર્યો છે." રાહીએ શિવાંશનો હાથ કસીને પકડી લીધો, "મારાં પપ્પાની શરત પૂરી કરવા તે એવાં કામ કર્યા. જે તારે ક્યારેય કરવાની જરૂર જ ન હતી." કહેતાં રાહી રડી પડી.
"અરે ગાંડી! પેલું કહે છે ને, પ્રેમ અને જંગમાં બધું ચાલે. મારે તો તારાં પ્રેમ માટે જ જીવન સાથે એક જંગ લડવાની હતી." એણે પ્રેમથી રાહીનાં ગાલ પર હાથ મૂક્યો, "મેં તો બિઝનેસ જ છોડ્યો છે. પણ મારાં લીધે તું કેટલી હેરાન થઈ? તેનો કોઈ અંદાજો લગાવી શકાય એમ નથી." આ વખતે શિવાંશની આંખો ભીની થઈ ગઈ. હવે તેનો ખુદ પર કંટ્રોલ કરવો મુશ્કેલ બનતું જતું હતું.
"હવે તું તારો બિઝનેસ ફરી કદી નહીં સંભાળે?" રાહીથી અનાયાસે જ પૂછાઈ ગયું, "મતલબ એ તારાં પપ્પાની મહેનત છે. તેમનું પણ સપનું હશે કે એમનાં પછી તું તેમણે પોતાની મહેનતથી ઉભાં કરેલાં બિઝનેસને આગળ વધારે. તો શું તું મારાં પપ્પાની શરત માટે તેમનું સપનું પૂરું નહીં કરે?"
"એ બધું તો તારાં પપ્પાનાં હાથમાં છે. જેમ એ કહેશે એમ જ થાશે." શિવાંશે કહ્યું. દરવાજે ઉભાં તેની વાત સાંભળી રહેલાં મહાદેવભાઈની આંખો ભીની થઈ ગઈ.
"હવે હું તારો રિપોર્ટ લઈ આવું." કહીને શિવાંશ ઉભો થયો. શિવાંશની નજર મહાદેવભાઈ પર પડે એ પહેલાં એ તરત જ દરવાજેથી જતાં રહ્યાં.
"મને ડર લાગે છે." રાહીએ શિવાંશનો હાથ મજબૂતીથી પકડી લીધો, "સર્જરી પછી બધું બદલી જાશે. હું તને ભૂલી..."
"એવું કંઈ નહીં થાય. આપણે એક વર્ષ પછી પણ મળી શક્યાં. તો આગળ પણ સાથે જ રહેશું." શિવાંશે રાહીની વાત વચ્ચે જ કાપીને પ્રેમથી તેનાં માથાં પર હાથ ફેરવ્યો, "એક વર્ષમાં ઘણું બદલી ગયું. છતાંય આપણો પ્રેમ આજે પણ બદલ્યો નથી. તો સર્જરી પછી પણ ચાહે ગમે તે બદલે. આપણો પ્રેમ એવો જ રહેશે જેવો છે." એણે રાહીનાં કપાળે ચુંબન કર્યું, "હવે હું રિપોર્ટ લઈ આવું. એ પણ જરૂરી છે." કહીને શિવાંશ રાહીએ પકડેલો હાથ હળવેથી છોડાવીને જતો રહ્યો.
હોસ્પિટલની લોબીમાં બધાં શિવાંશનાં બહાર આવવાની જ રાહ જોઈ રહ્યાં હતાં. શિવાંશે બહાર આવીને બધાં પર એક ઉડતી નજર કરી અને આર્યનને સાથે આવવાનો ઈશારો કરીને બંને ડોક્ટરની કેબિન તરફ અગ્રેસર થયાં. ડોક્ટરની કેબિનનાં દરવાજા પાસે પહોંચીને શિવાંશનાં આગળ વધતાં કદમ ત્યાં જ થંભી ગયાં. ડોક્ટર શું કહેશે? રિપોર્ટ શું આવ્યો હશે? એવાં વિચારોએ શિવાંશનાં મનને ઘેરી લીધું. થોડીવાર પહેલાં રાહીને હિંમત બંધાવતો શિવાંશ અત્યારે ખુદ અંદરનાં કોઈ ખૂણેથી તૂટવા લાગ્યો હતો. આર્યને તેનાં ખંભે હાથ મૂકીને તેને દિલાસો આપ્યો અને બંને એક સાથે દરવાજા પર હાથ મૂકીને દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યાં. ડોક્ટર તેમની રિવોલ્વિંગ ચેર પર બેઠાં હતાં. શિવાંશ અને આર્યનને જોઈને તેમણે બંનેને સામે પડેલી ચેર પર બેસવાનો ઈશારો કર્યો. તેમનાં હાથમાં એક ફાઈલ હતી. જેને જોઈને તેમનાં ચહેરાનાં હાવભાવ બદલી રહ્યાં હતાં.
"આ રાહીનાં મગજનો એમઆરઆઈ રિપોર્ટ છે. હાલત બહું નાજુક છે." ડોક્ટરનો ચહેરો અચાનક જ ગંભીર થઈ ગયો, "શરૂઆતમાં ધીરે-ધીરે લોહી જામી રહ્યું હતું. જેની પ્રક્રિયા હમણાંથી થોડી વધું થઈ છે. આજે જ સર્જરી કરવી પડશે."
ડોક્ટરની વાત સાંભળીને શિવાંશ અને આર્યન એકબીજા સામે જોઈ રહ્યાં. વિચારવાનો નહીં પણ નિર્ણય લેવાનો સમય હતો. પણ પરિસ્થિતિ જ એવી હતી કે સર્જરી પછી શું થાશે? એ વિચાર આવતાં જ કોઈ પણ નિર્ણય સુધી પહોંચવું અઘરું હતું. જે યાદો વર્ષોથી સંભાળીને રાખી હોય. એ જ યાદો અચાનક જ મગજમાંથી નીકળી જાય. જે યાદગાર પળોનાં સહારે આપણે જીવતાં હોઈએ. એ જ પળો જાણે ક્યારેય જીવનમાં ઘટી જ નાં હોય. એવી પરિસ્થિતિમાં જીવવું પડે. એવાં સમયે એવાં જીવનની કલ્પના કરીને કોઈ નિર્ણય પર આવવું એ ખરેખર કોઈ પણ વ્યક્તિ માટે મુશ્કેલ કહેવાય.
"તમે તૈયારી કરો બીજો કોઈ ઉપાય પણ નથી. થાશે એ જોયું જાશે." ડોક્ટરને કહીને શિવાંશે આર્યન સામે જોયું. આર્યને તેની એક સવાલ પૂછી રહી આંખોમાં જોઈને આંખોનાં પોપચાં ઢાળીને સહમતિ દર્શાવી. ડોક્ટર બંને તરફ એક નજર કરીને જતાં રહ્યાં. બહાર રાહીની સર્જરીની તૈયારી થવા લાગી. આર્યન અને શિવાંશ ડોક્ટરની કેબિનમાં જ બેઠાં કંઈક વિચારી રહ્યાં.
"તે રાહીને એ રીતે છોડીને જઈને ઠીક નહોતું કર્યું." આર્યન શૂન્યમાં તાકી રહ્યો. શિવાંશ તેને જોઈ રહ્યો.
"કર્યું તો હતું સારાં માટે પણ બાજી ઉંધી પડી." કહીને શિવાંશ સહેજ હસ્યો, "પણ મારો સાથ તો તે પણ આપ્યો જ ને.! મેં તો ધૂળેટીનાં બીજાં દિવસે જ તને કોલ કર્યો હતો. ત્યારે તે પણ મને અમદાવાદ આવવાનું નાં કહ્યું અને મારો સાથ આપવાનું નક્કી કર્યું અને સાથે જ રાહી અને શિવમનાં પરિવાર વચ્ચે જે વાતે સંબંધ બગડ્યા હતાં. એ સુધારવામાં પણ તે મેં કહ્યું એમ જ કર્યું હતું." શિવાંશે એ દિવસ યાદ કર્યો. જ્યારે તેણે અમદાવાદથી મુંબઈ જઈને ધૂળેટીનાં બીજાં દિવસે જ આર્યનને ફોન કર્યો હતો. આર્યન ત્યારે રાહીનાં રૂમમાં હતો. ફોન ઉપાડતાં જ સામે છેડે શિવાંશ છે એવી જાણ થતાં જ આર્યન રૂમની બહાર જતો રહ્યો હતો.
"હાં, ત્યારે મને આવી ખબર ન હતી. ગેમ રાજકુમારે રમી અને જીવન રાજકુમારીનું જોખમમાં છે." એનો ચહેરો ગંભીર થઈ ગયો. એણે પણ એ દિવસ યાદ કર્યો, "જો પ્રેમમાં આવી જ પરીક્ષાઓ આપવી પડતી હોય. તો હું ક્યારેય પ્રેમ નહીં કરું."
"તારો આ વિચાર જ ખોટો છે. અને આવું કંઈ થશે એ તો કોઈને ખબર ન હતી. બધો ખેલ નિયતિનો છે." કહીને શિવાંશ હસ્યો. આર્યન તેની સામે જોવાં લાગ્યો, "પ્રેમ આપણાં કહેવાથી કે આપણી મરજીથી થતો હોત તો દુનિયાનો દરેક વ્યક્તિ આજે તેની મરજીનો માલિક હોત. હું પ્રેમ નહીં કરું એવું કહેવું સહેલું છે. પણ પ્રેમ દિલનાં દરવાજે ટકોરા દઈને નથી આવતો એ પણ એક ખરી હકીકત છે." શિવાંશ જાણે પ્રેમની દુનિયામાં ખોવાઈ ગયો, "કોઈ વ્યક્તિ તમારાં માટે ક્યારે ખુદથી પણ વધું સ્પેશિયલ બની જાય? ક્યારે તમે તેનાં માટે જીવવા લાગો અને તેનાં નાં હોવાથી જીવતે જીવ લાશ બનીને રહી જાવ‌. એ આપણને પણ ખ્યાલ નથી રહેતો."
"પણ આવો પ્રેમ થાય કેવી રીતે?" શિવા‍ંશની વાતો સાંભળીને આર્યનને પણ પ્રેમ વિશે જાણવાનું મન થયું.
"જેનો અવાજ સાંભળતાં જ દિલ એક ધબકાર ચૂકી જાય. તમે કોઈ પણ જગ્યાએ જાવ. આંખો માત્ર એને જ શોધે. દિવસને દિવસ નહીં અને રાતને રાત નાં સમજો. આખું વિશ્વ અલગ જ નજરથી જોવાં લાગો. રાત્રે તારાં જોઈને શાયરી સૂઝે, દિવસે સુર્ય જોઈને એનો ચહેરો જોવાનું મન થાય. ત્યારે સમજવું કે પ્રેમ થયો છે." કહેતાં જ શિવાંશનો ચહેરો ખીલી ઉઠ્યો, "તારાં તોડીને તેનાં પગમાં તો નાં મૂકી શકો પણ કોઈને જીવનભર ખુશ રાખવાનો વાયદો કરી શકો તો એ છે પ્રેમ.! જેની સાથે રહેવાથી જન્નતમાં રહ્યાંનો અનુભવ થાય એ છે પ્રેમ.! જેની ખુશીમાં ખુશ અને દુઃખમાં દુઃખી થઈ શકો એ છે પ્રેમ.!" કહીને એ સહેજ અટક્યો, "ટૂંકમાં સાચો પ્રેમ ભાગ્યે જ મળે છે. પણ જ્યારે મળે ત્યારે તમે દિલથી એ અહેસાસને સમજી શકો તો એ છે પ્રેમ.! આખું જીવન કોઈ એક વ્યક્તિને સમર્પિત કરી શકો તો એ છે પ્રેમ.! વર્ષો સુધી કોઈની ખરાં હ્રદયથી કોઈ શિકાયત વગર રાહ જોઈ શકો તો એ છે પ્રેમ.!"
પ્રેમની કોઈ પરિભાષા તો નથી હોતી. પ્રેમ તો બસ પ્રેમ છે.! છતાંય શિવાંશને પ્રેમ થયાં પછી જે અનુભવ થયો. એ તેણે આર્યન સમક્ષ રજૂ કરી દીધો. જે સાંભળીને આર્યન કોઈ અલગ જ દુનિયામાં ખોવાઈ ગયો. હજું તો પ્રેમ થયો પણ ન હતો. માત્ર પ્રેમ વિશે સાંભળ્યું જ હતું. ત્યાં તો આર્યનની આ હાલત હતી. તો પ્રેમ થયાં પછી શું હાલત થતી હશે? એ કદાચ બધાં સમજી શકતાં હશે. પ્રેમ એટલે કોઈનાં આગમનથી ચહેરાં પર શરમની લાલી આવી જાય તો એ છે પ્રેમ! કોઈનાં સાથે હોવાથી જીવનની દરેક રાતો ગુલાબી નજર આવે તો એ છે પ્રેમ.!
"શિવાંશ! રાહીને સર્જરી માટે લઈ જાય છે." અચાનક જ કેબિનનાં દરવાજે ઉભેલી રાધિકાએ કહ્યું. એ સાથે જ શિવાંશ સડસડાટ કેબિનનો દરવાજો ચીરીને ભાગ્યો. રાહીને તેનાં રૂમમાંથી બીજાં રૂમમાં શિફ્ટ કરી રહ્યાં હતાં. શિવાંશ દોડીને એ તરફ ગયો.
"ક્યાં હતો? વારેવારે ક્યાં ગાયબ થઈ જાય છે?" રાહીએ શિકાયત કરી.
"અહીં જ છું. ડૉન્ટ વરી, તું જલ્દી સાજી થઈ જા. હું તારી રાહ જોઉં છું." કહીને શિવાંશે રાહીનો હાથ પકડીને તેનાં માથે હાથ ફેરવ્યો. નર્સ સ્ટ્રેચર પર સૂતેલી રાહીને ઓપરેશન થિયેટરમાં લઈને ગઈ. જ્યાં રાહીની સર્જરી થવાની હતી. અંદર આવતાં જ ઇન્જેક્શન, બાટલા, ઓક્સિજન માસ્ક એ બધું જોતાં જ રાહીનો ડર વધી ગયો. માત્ર બધું જોયાં પછી જ તેનો શ્વાસ ફુલવા લાગ્યો.
"શિવાંશ...શિવાંશ..." રાહી ઉંડા શ્વાસ ભરતી બે વખત એક જ નામ બોલી શકી. ઓપરેશન થિયેટરમાં મોજુદ ડોક્ટરો અને નર્સ એકબીજાની સામે જોવાં લાગ્યાં. રાહીની હાલત ગંભીર હતી. ડોક્ટરનો ઈશારો મળતાં જ નર્સ બહારની તરફ દોડી ગઈ.
"અહીં શિવાંશ કોણ છે? પ્લીઝ જલ્દી અંદર આવો." નર્સે બહાર આવીને કહ્યું. નર્સનાં શબ્દો સાંભળીને શિવાંશ તરત જ ઓપરેશન થિયેટર તરફ દોડ્યો. શિવાંશને આવેલો જોઈને રાહી તરત જ નોર્મલ થઈ ગઈ. તેનાં ચહેરાં પર સ્મિત આવી ગયું.
"શું થયું? ડોક્ટર." શિવાંશે ડોક્ટર સામે જોયું.
"આમને ડર લાગી રહ્યો છે. એ ડરનાં લીધે માત્ર તમારું જ નામ લઈ રહ્યાં હતાં." ડોક્ટરે શિવાંશ તરફ જોયું, "કદાચ તમે આમનો ડર દૂર કરી શકો. બાકી સર્જરી વખતે પણ જો આમનો ડર આવો જ રહ્યો. તો કૉમ્લીકેશન આવી શકે છે."
"મને બસ બે મિનિટ આપો." શિવાંશે હાથ વડે ઈશારો કરીને કહ્યું. બધાં ડોક્ટર અને નર્સ બહાર નીકળી ગયાં. શિવાંશ રાહી પાસે બેસી ગયો.
"મેં તને ડરવાની નાં પાડી હતી ને.! તો પછી આ બધું શાં માટે?" શિવાંશનો અવાજ થોડો સખ્ત થયો, "સર્જરી જરૂરી છે. જો સમયસર નાં થઈ તો તારાં જીવને જોખમ છે. પ્લીઝ ટ્રાય ટૂ અન્ડરસ્ટેન્ડ."
"શું સમજું? કંઈ સમજમાં આવે તો સમજું ને? સર્જરી નાં કરાવું તો જીવને જોખમ છે. સર્જરી કરાવું તો પણ તને ભૂલી જવાનું જોખમ છે. જેનાં માટે આટલાં વર્ષ તડપી એને ભૂલી જવાનું જોખમ લેવા કરતાં જીવનું જોખમ લેવું સારું. હું તને ભૂલી જાવ એ કરતાં મારું મરી..."
"ચુપ... એકદમ ચૂપ, આવું તું વિચારી પણ કેમ શકે?" રાહી એકધારું બોલવાં લાગી. એમાં તે શું બોલી રહી હતી? તેનું તેને ભાન નાં રહેતાં શિવાંશે તેને વચ્ચે જ અટકાવી, "હવે મારે કોઈ મગજમારી નાં જોઈએ. તારી ફાલતું વાતો તો મારે બિલકુલ નથી સાંભળવી."
"તો શું સાંભળવું છે?" રાહીએ શરારતી સ્મિત સાથે પૂછ્યું. શિવાંશ કંઈ સમજી નાં શક્યો.
"આઈ લવ યૂ." રાહીએ શિવાંશનાં શર્ટનો કોલાર પકડીને તેને પોતાની તરફ ખેંચીને તેનાં કાનમાં કહ્યું. શિવાંશનાં ચહેરાં પર પણ અનાયાસે જ સ્મિત આવી ગયું.
"આઈ લવ યૂ ટૂ." શિવાંશે રાહીનાં કપાળને પ્રેમથી પોતાનાં હોંઠો વડે સ્પર્શ કર્યું. તેની પ્રમાણમાં વધારે વધી ગયેલી દાઢીનાં વાળ રાહીની મુલાયમ ચામડીમાં સહેજ ખૂંચ્યા. છતાંય રાહીનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. ડોક્ટર બહાર રાહ જોઈને ઉભાં હતાં. શિવાંશ રાહીએ પોતાનો પકડેલો હાથ ધીરે-ધીરે છોડાવીને જવાં લાગ્યો. રાહીનાં હાથમાંથી તેની પકડમાંથી ધીરે-ધીરે લપસી રહેલો શિવાંશનો હાથ અચાનક જ રાહીની પકડમાંથી મુક્ત થઈ ગયો. રાહીનો હાથ એક ઝટકા સાથે બેડ પર પડી ગયો. એ પછી રાહી કંઈ સમજી કે અનુભવી નાં શકી. તેની આંખો મીંચાઈ ગઈ. ડોક્ટરે આવીને રાહીને ઇન્જેક્શન આપ્યું. રાહી મીંચેલી આંખો સહેજ દબાવી બેહોશ થઈ ગઈ.
શિવાંશ બહાર આવીને રડવા લાગ્યો. અત્યાર સુધી આંખોમાં જ એકઠાં કરેલાં આંસુ એક સાથે વહી પડ્યાં. મલયભાઈ તેને શાંત કરતાં રહ્યાં. પણ શિવાંશ શાંત નાં થયો. એકવાર રડી લેશે તો શાંત થઈ જાશે એમ સમજીને આખરે મલયભાઈએ તેને તેનાં હાલ પર છોડી દીધો. શિવાંશનાં ખંભા પરથી મલયભાઈનો હાથ હટતાં જ શિવાંશ ઘુંટણિયાભેર ફર્શ પર પટકાયો. મહાદેવભાઈનું કાળજું પણ શિવાંશની એ હાલત જોઈને કંપી ઉઠયું. તે હાથ જોડીને ઘુંટણિયાભેર શિવાંશ સામે સામે બેસી ગયાં. શિવાંશે નજર ઉંચી કરીને મહાદેવભાઈ તરફ જોયું. તેમને હાથ જોડીને બેસેલા જોઈને શિવાંશે તેમનાં હાથ પકડીને તેમને ઉભાં કર્યા.
"આ બધું મારાં લીધે થયું છે. મને માફ કરી દે." મહાદેવભાઈએ ફરી હાથ જોડી લીધાં.
"નિયતિને કોઈ બદલી નાં શકે. તમારો એમાં કોઈ વાંક નથી." મહાદેવભાઈનાં જોડેલા હાથ શિવાંશે પોતાનાં બંને હાથથી પકડી લીધાં, "જે થઈ ગયું તેને બદલી નહીં શકાય. હવે જે થાશે તેનો સાથે મળીને સામનો કરવાનો છે."
"શિવાંશે સાચું કહ્યું. કર્મની કઠણાઈ કોઈ ટાળી નાં શકે. એમાં કોઈની ભૂલ નથી હોતી." મલયભાઈએ આગળ આવીને કહ્યું.
"ક્યારેક આપણી જીદ્દ જ આપણી પાસે બધું કરાવે છે." અચાનક જ એક અવાજ હોસ્પિટલમાં ગુંજી ઉઠ્યો. મહાદેવભાઈનાં કાન તરત ચમક્યાં. તેમણે પાછળ ફરીને જોયું. પાછળ કાન્તાબેન અને પ્રવિણભાઈ ઉભાં હતાં, "વર્ષો પહેલાં મેં તમારું અપમાન કર્યું. એની સજા આજે મારાં શિવાંશને મળી રહી છે." કાન્તાબેને શિવાંશ પાસે આવીને તેનાં માથાં પર પ્રેમથી હાથ મૂક્યો, "સાચું જ કહ્યું છે, નિયતિનો ખેલ ન્યારો છે. જ્યારે મહાદેવ મારી ઘરે મારી દિકરીનો હાથ માંગવા આવ્યો. ત્યારે તેનું અપમાન કરતી વખતે મેં ક્યાં એવું વિચાર્યું હતું, કે સમયનાં ચક્રો એવાં ફેરવાશે અને મારી જ દિકરીનો દિકરો મહાદેવની દિકરીને પ્રેમ કરી બેસશે."
"વિચાર્યું તો કોઈએ કંઈ ન હતું. મેં પણ શરત મૂકતી વખતે ક્યાં એવું વિચાર્યું હતું કે શિવાંશ એ શરત સાંભળીને રાહીથી દૂર થઈ જાશે અને શિવાંશનાં દૂર જવાથી મારી દિકરીની આ હાલત થાશે." કહેતાં જ મહાદેવભાઈ રડી પડ્યાં. આજે રાહીનાં કારણે વર્ષોથી અલગ થયેલાં કેટલાંય સંબંધો એક સાથે હતાં. પણ એ બધાંને એક કરનારી રાહી પોતાનાં જીવન માટે લડી રહી હતી.
"રાહીએ આપણને બધાંને એક કર્યા. પણ શું સર્જરી પછી આપણે તેને યાદ રહીશું?" અચાનક જ રડી રહેલાં ગૌરીબેન બોલ્યાં. તેમનાં એક સવાલે બધાંને વિચારતાં કરી દીધાં. સર્જરી પછી રાહીને કેટલાં વર્ષ? કંઈ ઘટનાં? કેટલાં લોકો? કેટલાં સંબંધો? શું યાદ રહેશે? શું ભૂલાઈ જાશે? કોઈને કંઈ ખબર ન હતી. એ બધાંની વચ્ચે જ મુંબઈથી રાહીની સર્જરી માટે આવેલાં ડોક્ટર આવી ગયાં.
"બધી તૈયારી થઈ ગઈ છે. સર્જરી શરૂ કરીએ." મુંબઈથી ડોક્ટર આવી ગયાં એ જાણ થતાં જ ઓપરેશન થિયેટરમાં રહેલાં ડો.મેહતાએ બહાર આવીને કહ્યું. બંને ડોક્ટર ઓપરેશન થિયેટર તરફ આગળ વધ્યાં.
"રાહીને સર્જરી પછી તેને કેટલું યાદ રહેશે?" શિવાંશે અચાનક જ ડોક્ટરને સવાલ પૂછ્યો. એ સાથે જ બંને ડોક્ટરનાં પગ ઓપરેશન થિયેટરનાં દરવાજે જ થંભી ગયાં.
"એ અત્યારે કહેવું મુશ્કેલ છે. સર્જરી પછી પણ કદાચ કંઈ નાં કહી શકાય." મુંબઈનાં ડો.શેટ્ટીનો ચહેરો થોડો ગંભીર થયો, "આવાં કેસમાં ચાર-પાંચ વર્ષની મેમરી લોસ થવાની શક્યતા રહે છે. હવે આ કેસમાં શું થાશે? એ અગાઉ નાં કહી શકાય." એ કહીને શિવાંશને દિલાસો આપવા તેનો ખંભો થાબડીને ઓપરેશન થિયેટર તરફ આગળ વધી ગયાં.
તે ઓપરેશન થિયેટરમાં ગયાં એ સાથે જ લાલ લાઈટ શરૂ થઈ ગઈ. બધાંની નજર એ તરફ જ હતી. દરેકનાં મનમાં અનેકો સવાલ હતાં. પણ જવાબ કોઈ પાસે ન હતાં. ડોક્ટર ખુદ કંઈ કહેવા તૈયાર ન હતાં. ગૌરીબેન અને ગાયત્રીબેન બંને હોસ્પિટલમાં રહેલી ભગવાનની મૂર્તિ આગળ રાહીનાં સ્વાસ્થ્યની પ્રાર્થના કરવાં લાગ્યાં. મહાદેવભાઈ અને મલયભાઈ લોબીમાં બેન્ચ પર બેઠાં હતાં. રાધિકા અને શ્યામ દિવાલને ટેકો આપી ઉભાં હતાં. ઋષભ અને તન્વી એ બંનેની બાજુમાં ઉભાં હતાં. આર્યન અને શિવાંશ ઓપરેશન થિયેટરનાં દરવાજા આગળ ઉભાં હતાં. નીલકંઠ વિલામાં આજે પણ રાહી માટે શિવ કવચ સ્ત્રોતનું ઉચ્ચારણ ચાલું હતું. રાધિકાએ કાર્તિકને મેસેજ કરીને રાહીની સર્જરી શરૂ થયાનાં સમાચાર આપી દીધાં હતાં. એ સમાચાર મળતાં જ દાદીમાં ફરી શિવ કવચ સ્ત્રોતનું ઉચ્ચારણ કરવા લાગ્યાં હતાં.
હોસ્પિટલની બહાર મિડીયાની ભીડ એકત્રિત થઈ ગઈ હતી. રાહીની સર્જરી શરૂ થયાની વાત આખાં અમદાવાદને ખબર પડી ગઈ હતી. લંડનનો ઓર્ડર પૂરો કર્યા પછી રાહીનું નામ વધું મોટું થયું હતું. અમદાવાદની જાણીતી ને માનીતી ફેશન ડિઝાઈનરની મોટી સર્જરી શરૂ થઈ ગઈ હતી. એવી જાણ થતાં જ મીડિયા અને રાહીનાં ફેન્સની ભીડ એકઠી થવા લાગી હતી.
"બહાર ભીડ વધી રહી છે. તેમને તેમનાં સવાલોનાં જવાબ નહીં મળે. તો એ અંદર આવી જાશે. પછી સર્જરીમાં પ્રોબ્લેમ થાશે." એક વૉર્ડબોયે આવીને હાંફળા ફાંફળા અવાજે કહ્યું, "તમે પોલિસને જાણ કરો. એ જ તેમને રોકી શકશે. લાઈટ જતી રહી છે તો અમારાં સ્ટાફે જનરેટરની સુવિધા જોવાની છે."
વૉર્ડબોય ઋષભને કહીને જતો રહ્યો. મલયભાઈએ બધું સાંભળીને તરત જ અમદાવાદનાં એસીપીને ફોન જોડ્યો. મલયભાઈનો ફોન જતાં જ એસીપી આખી ટીમને લઈને હોસ્પિટલની બહાર આવી પહોંચ્યાં. મલયભાઈનો બિઝનેસ ભલે ઋષભ સંભાળતો હોય પણ આજેય શિવાંશની મુંબઈથી લઈને આજુબાજુના કેટલાંય શહેરમાં બિઝનેસ ટાયકૂન તરીકેની ઈજ્જત હજું પણ પહેલાં જેવી જ હતી. મુંબઈનાં મલય પટેલ અને શિવાંશ પટેલનું નામ પડતાં જ લોકો ગમે એવું મોટું કામ સેકન્ડની ગણતરીમાં કરી આપતાં. પોલીસે બહારનું વાતાવરણ તો સંભાળી લીધું. પણ રાહીની સર્જરી પછી પરિવારમાં જે તોફાન આવવાનું હતું. એ કેવી રીતે સંભાળી શકાશે? એ સવાલ જ બધાનાં મગજમાં રહી રહીને ઉઠતો હતો. બધાંની નજર ઓપરેશન થિયેટરની લાલ લાઈટ પર જ મંડાયેલી હતી. રાહી માટે લાખો લોકો પ્રાર્થના કરી રહ્યાં હતાં. એમાં કોઈની દુઆ તો કબૂલ થઈ જાય. બધાંની એ જ ઈચ્છા હતી. પોલીસ, મિડીયા, પ્રાથર્ના, રાહીનાં ફેન્સ અને લોકોનાં સવાલોની વચ્ચે ઓપરેશન થિયેટરની લાઈટ બંધ થઈ. એ સાથે જ બધાં સજાગ થઈ ગયાં. ચહેરાં ગંભીર થઈ ગયાં. શિવાંશ અને આર્યન એકબીજાની સામે જોઈ રહ્યાં. રાહી એકની પ્રેમિકા તો એકની મિત્ર હતી. બંનેનો રાહી સાથે એક અલગ જ સંબંધ હતો. એક વ્યક્તિનો જન્મ થાય ત્યારે તેને બધાં સંબંધો તૈયાર મળતાં હોય છે. પણ પ્રેમ અને દોસ્તીનો સંબંધ વ્યક્તિ જાતે બનાવે છે. આજે રાહીએ પોતાની જાતે પસંદ કરેલાં બે સંબંધો તેની આતુરતાથી રાહ જોઈને બહાર ઉભાં હતાં. જેમાં રાહીને ક્યો સંબંધ યાદ હશે? અને ક્યો સંબંધ એ ભૂલી ગઈ હશે? એ બંનેમાંથી કોઈને ખબર ન હતી. બંનેની તો એવી જ ઈચ્છા હતી કે રાહી બંનેમાંથી એક પણ સંબંધને નાં ભૂલી હોય. હવે નિયતિ કેવો ખેલ રચે છે? એ જોવું રહ્યું .


(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ