પ્રહર, પ્રત્યંચા સામે જોઈ રહયો. પ્રત્યંચાના મનમા અતીતના પન્ના જેમ જેમ ફરતા હતા, એમ એના ચહેરા પરના હાવભાવ પણ બદલાતા જતા હતા. પ્રહર એ ચહેરાને વાંચવા કોશિશ કર્યા કરતો હતો. અતીતમા એ શુ વિચારી રહી છે, એ પ્રહર સમજી શકતો હતો. વર્તમાન સ્થિતિનું કોઈ જ તારણ એ કાઢી નહોતો શકતો. પોતાની જાતને એ લાચાર મહેસુસ કરી રહયો હતો. કઈ રીતે પ્રત્યંચાને બચાવે એ સમજ નહોતી પડતી એને. પોતાની પર ગુસ્સો આવી રહ્યો હતો એને, પાખી સાચું જ કહેતી હતી બે વર્ષથી હું શુ કરતો હતો. હવે છેલ્લો સમય પહોંચી ગયો ત્યારે બધું મને યાદ આવ્યું. ફરી એના મને પૂછ્યું, શુ કરતો હતો પ્રહર ? પ્રહરે પોતાના જ મનને જવાબ આપ્યો, હું સતત આવ્યો હતો પ્રત્યંચાને મળવા, એ મને કંઈ કહેતી જ નહોતી. ફરી પ્રહરના મને પૂછ્યું, તો શુ તે તારી જાતે કોઈ તપાસ ના કરી, એ જગ્યા જ્યાં ખૂન થયા, એ સમયે શુ થયુ હોવું જોઈએ, એની આજુબાજુ કોઈક તો હશે ને ! હા, હું ત્યાં ગયો હતો એક વાર પણ ત્યારે પોલીસે બધું સીલ કર્યુ હતું. ત્યાં કોઈને પણ જવાની મનાઈ હતી. પછી પ્રત્યંચાએ પણ મને એની કસમથી બાંધી રાખ્યો. જાણે એનું જ મન એના પર હસતું હોય એમ કહેવા લાગ્યું, બહાના છે બધા આ, પ્રત્યંચાનો પ્રેમ સાચો છે એટલે એ તને આ બધાથી દૂર રાખે છે, તને કોઈ તકલીફ ના પડે. પણ તારો પ્રેમ સ્વાર્થી છે. પોતાની સુખ સગવડ ના છૂટે એના માટે પ્રત્યંચાનું બલિદાન આપ્યું. ના આ ખોટું છે, ખોટું છે... પ્રહર મોટેથી બોલવા લાગ્યો. પ્રહર શુ થયુ ?? પ્રત્યંચાએ પૂછ્યું. કશુ નહી. તુ ચિંતા ના કર. હું તને બચાવીશ. ગમે તે કરીશ જેલની બહાર તને લાવીશ.. મારી જોડે મારી દુનિયામાં પાછું આવવું જ પડશે તારે. હું નહી જીવી શકું તારા વગર. તુ પહેલી બની ગઈ છે મારા માટે. સત્ય તુ કહેતી નથી. અસત્યનો બોજ લઈ હું જીવી નહી શકું.
પ્રહર બહુ મોડું થઈ ગયું છે, હવે તમે જાઓ. આપણો મળવાનો સમય પૂરો થઈ ગયો છે. પ્રત્યંચા, પ્લીઝ એક વાર કહી દે, કેમ તુ ખોટું બોલે છે ? પ્રહર, તમે ખોટું વિચારો છો. હું સાચું જ બોલું છુ. મે ખૂન કર્યા છે. એમાં કોઈ અસત્ય નથી. હું કેમ ખોટું બોલુ એ કહો તમે, શુ મળવાનું ખોટું બોલીને, બધું જ તો ખોવાયું, તમે, તમારો પ્રેમ, તમારી પત્ની હોવાનું સત્ય, તમારી સાથે જીવવાની ઈચ્છા. સાથે જોયેલા સપનાઓને પુરા કરવાની ઈચ્છા. બધું જ તો ખોયું મે. શુ આ બધું મે કોઈ ખોટું બોલીને ખોઈ નાખ્યું. ના, પ્રહર સત્ય એ જ છે જે તમને હું કહું છુ. જે તમને દેખાઈ રહ્યું છે. ટૂંક સમયમા મને ફાંસી લાગશે. અને આ દુનિયાને અલવિદા કહી બીજી દુનિયામા હું જઈશ આ જ સત્ય છે. તમારે અહીં રહી ઘણા લોકોની મદદ કરવાની છે. પ્રત્યંચા, તુ કહે છે એટલું આસાન નથી. બધું વિખરાઈ જશે. પ્રત્યંચા થોડું હસી, વિખરાઈ તો ગયું છે બધું પ્રહર.... હવે તો સરખું કરવાનું છે. જાઓ તમારો જવાનો સમય થઈ ગયો છે. પ્રત્યંચા, હું જાઉં છુ પણ યાદ રાખજે હું પુરી કોશિશ કરીશ તને મારી ઝિંદગીમા પાછી લાવવાની. પ્રત્યંચાને જાણે કંઈજ ફરક ના પડતો હોય એમ હોઠો પર સ્મિત સાથે પ્રહર સામે જોઈ રહી. પ્રહર પ્રત્યંચાને જોઈ રહયો. એના ચહેરા પર કોઈ હાવ ભાવ નહોતા. હોઠો પર એક નિર્દોષ સ્મિત હતું. પ્રહર સમજી નહોતો શકતો. કોઈ સ્ત્રી આટલી મજબૂત કેવી રીતે હોઈ શકે. પ્રત્યંચાને ના મૃત્યુનો ડર છે, ના કશુ ખોવાનો. કઈ રીતે એ આટલી નીડર હશે કે એને જે ખૂન નથી કર્યા એ પણ એના માથે લીધા પછી પણ કોઈ જ દુઃખ નથી એને. પ્રહર જેલમાંથી બહાર નીકળી ગયો.
પાખી... પાખીને મળવું પડશે. પ્રયાગ જતો રહેવો જોઈએ હવે. એમ વિચારી પ્રહરે પાખીને ફોન કર્યો. પાખી આજે મળવું જરૂરી છે. હવે બહુ સમય નથી. યા, સ્યોર પ્રહર હું આવું છુ મળવા. તુ રિવર ફ્રન્ટ પહોંચ. હું ત્યાં આવી જાઉં છુ. ઓકે પાખી, થૅન્ક્સ... કહી પ્રહરે ફોન કટ કર્યો. રિવરફ્રન્ટ પર પ્રહર પાખીની રાહ જોવા લાગ્યો. એ જાણતો હતો કે પ્રહરને જેલથી રિવરફ્રન્ટ આવતા ઓછી વાર લાગે. પાખીને સમય લાગશે. છતા આજે પ્રહરનો સમય જતો નહોતો. એને ગુસ્સો આવી રહયો હતો કે પાખી હજી કેમ ના આવી. એટલામાં પાખી દેખાઈ. પાખી.... કેટલી વાર કરી. પ્રહર ઈન્ક્મટેક્સથી આવતા થોડો ટાઈમ તો લાગે ને. તે જેવું કહયું હું બધું પડતું મૂકી નીકળી ગઈ. ઓકે ઓકે પાખી, એ બોલ પ્રયાગ છે કે ગયા. પ્રયાગ આજે સવારે જ નીકળ્યા. પ્રહર આજે હું મારા દિલની વાત પ્રયાગને કહેવા માંગતી હતી. સવારથી નક્કી કર્યુ હતું, પણ જયારે પ્રયાગે કહયું, હું જાઉં છુ. ના તો હું એમને પૂછી શકી કે એ ક્યાં જાય છે ? ક્યારે પાછા આવશે ? ના તો હું એમને કંઈ કહી શકી. પાખી, ક્યાં સુધી આવું કરીશ. એક કામ કર તુ ફોન પર વાત કરી જો. ના પ્રહર, હું ઈચ્છું છુ હું સામે બેસીને જ પ્રયાગને મારા દિલની વાત કહું. હું જોવા માંગુ છુ, એ પણ મારા માટે શુ ફીલ કરે છે. સારૂ પાખી, જયારે ફરી પ્રયાગ આવે ત્યારે કશુ જ વિચાર્યા વગર તુ કહી દેજે. એવું ના બને સમય આમ જ વહેતો રહે ને પછી હાથ મા કંઈ ના રહે.
પ્રહર, તુ બોલ પ્રત્યંચાને મળવા ગયો હશે ને આજે તુ. શુ કહયું પ્રત્યંચાએ ? શુ કહે એ, પાખી એને આજે પણ કંઈ જ નથી કહયું. એ એમ જ કહે છે ખૂન એને જ કર્યા છે. પ્રહર, હવે શુ કરીશુ ! સમય તો વહેતો જાય છે. આમ તો કઈ રીતે બચાવી શકાશે પ્રત્યંચાને ? પ્રહર મને લાગે છે, પ્રત્યંચાથી અપેક્ષા રાખવી ખોટી છે હવે. જેને અત્યાર સુધી કંઈ નથી કહયું, એ હવે કશુ જ નહી કહે. તુ મને પ્રત્યંચાના મોમ ડેડ, એની ફેમીલી, એનું બેકગ્રાઉન્ડ એના વિશે કંઈક કહે, તો કદાચ એમાંથી કંઈક કલ્યુ મળે. તુ કહે તો મારી ફ્રેન્ડ આરોહીને મળીએ. એ બહુ મોટી લોયર છે. એ કંઈક મદદ કરી શકે. પાખી, અહીં જ તો બધું પૂરું થાય છે ને, પ્રત્યંચાએ કસમ આપેલી છે. એ મારી પત્ની છે, આ સચ્ચાઈ દુનિયા સામે ના આવવી જોઈએ. એટલે જ તો હું કશુ નથી કરી શકતો. પ્રહર, તારો અને પ્રત્યંચાનો જીવેલો હિસ્સો છોડ. એના ફેમીલી વિશે તો આપણે કહી શકીશુ ને. એની કોલેજ. પ્રત્યંચા ખુદ આરોહીને કંઈક તો કહશે ને. પ્રહર વિશ્વાસ રાખ, જો તુ સાચો છે, તારો પ્રેમ સાચો છે, પ્રત્યંચા નિર્દોષ છે તો ભગવાન પણ કંઈક તો મદદ કરશે જ.
પાખી, હું પ્રત્યંચાને સીસીડીમા કોફી પીવા લઈ ગયો. પ્રત્યંચા ત્યારે સિમ્પલ બ્લ્યુ કલરની કુર્તી અને પિન્ક કલરની લેંગીસ પહેરીને આવેલી. પ્રત્યંચા મને એના તરફ આકર્ષિત કરતી હતી. એની બોલવાની સ્ટાઇલ, મારા તરફ નીડરતાથી જોતી એની કાતિલ આંખો. પહેલી વાર મારી સાથે કોફી પીવા આવી હોવા છતા જાણે વર્ષોથી ઓળખતી એમ મારી સાથે ભળી ગઈ હતી એ. એ દિવસે અમે બહુ જ વાતો કરી. પ્રત્યંચાને મે એના ફેમીલી વિશે પૂછ્યું. એને કહયું હતું એના ફેમીલીમા એના પાપા ફીયાઝ ખાન, એની મમ્મી સુચીબેન, એનો મોટો ભાઈ હિયાન અને એનો નાનો ભાઈ સરલ આટલા જણા હતા. એ પોતાની ફેમીલીને બહુ જ પ્રેમ કરતી હતી. નાના ભાઈ સરલની એને બહુ જ વાતો કરેલી. બહુજ ખુશ હતી. એ અમારી એકલામા પહેલી મુલાકાત હતી. એ પછી અમારા ફોન પર કોન્ટેક્ટ વધી ગયા. પ્રહર, તો એ પોળના લોકોનું શુ ? એમની સાથે પ્રત્યંચાને શુ લેવા દેવા ? હા પાખી, એ પણ મે એને એજ દિવસે પૂછેલું. પોળના લોકોની એ મદદ કરતી હતી. એક વાર કોલેજના કામથી એને જમાલપુર સાઈડ જવાનું થયુ હતું. ત્યાં એ પોળના લોકોને મળી હતી. એને એમની સાથે એક લાગણીનો સંબંધ બંધાઈ ગયો હતો. એમની સાથે થતા કોઈ પણ અન્યાય સામે લડવા માટે એ હંમેશા તૈયાર રહેતી હતી. એ કહેતી હતી પોળના દરેક વડીલ પ્રત્યંચાને પોતાની દીકરી માનતા હતા. પ્રત્યંચા એટલે જ મારી પોળ આમ જ બોલતી હતી. પ્રહર, આપણે એ પોળમા જઈએ તો ? ત્યાં પ્રત્યંચાએ બધાને બહુ મદદ કરી છે તો એ લોકો પ્રત્યંચાને બચાવા કંઈક તો પ્રત્યંચા વિશે કહશે જે આપણા કામ લાગે. પાખી, તુ સાચું કહે છે. આપણે ત્યાં જવું જોઈએ. કંઈક તો નવું જાણવા મળશે.
શુ પોળના લોકો પ્રહર અને પાખીની મદદ કરશે? જાણો આવતા અંકે.