Navvadhu in Gujarati Horror Stories by Aarti Garval books and stories PDF | નવવધૂ

Featured Books
Categories
Share

નવવધૂ

રાત્રિ ના લગભગ બાર વાગ્યા છે. જમીને અમે બધા ધાબા પર સુવા આવી ગયા.મને છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઝીણો તાવ આવતો હતો આથી ડોક્ટર ને બતાવ્યું અને રિપોર્ટ કરાવ્યો તો માલુમ થયું કે ટાઈફોઈડ ની અસર છે. શરૂઆત જ‌ હોવાથી ડોક્ટર એ કહ્યું દવાથી કંટ્રોલ માં આવી જશે.પરંતુ ધીમે ધીમે તાવ વધવા લાગ્યો, હું એકદમ બેચેન થઇ ગયો.

"તાવ અત્યંત વધી રહ્યો છે માં હવે મારાથી નથી રહેવાતું" - અંતે માં ને જગાવી ને કહ્યું


" અરે, તારું શરીર તો ઉકળી રહ્યું છે દિકરા" -‌‌માં એ મારું શરીર સ્પર્શ ‌કરતા‌ કહ્યું

મને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.બોટલ અને ઇંજેક્શન થી અડધા કલાક મા તાવ કંટ્રોલ માં આવી ગયો.આ બધા માં રાત્રિના બે વાગી ગયા. ઉંઘ ન આવતી હોવાથી હું રૂમની બહાર ગેલેરી માં આવ્યો. હોસ્પિટલ ની આજુબાજુ લીલા લીલા ઝાડ, ઠંડો ઠંડો પવન, ચારે તરફ અંધારું અને શાંતિ છવાયેલી હતી.હવે મેં સહેજ હળવાશ અનુભવી અને ગેલેરી માં મુકેલા બાંકડા પર બેઠો.

આજુબાજુ નજર ફેરવતાં મારું ધ્યાન મારા રૂમની એકદમ‌ સામે આવેલા રૂમ પર ગયું. દુલ્હન ના વસ્ત્રમાં કોઈ નવવધૂ ત્યાં ગેલેરી ના બાંકડા પર બેઠી હતી. ઘઉંવર્ણો રંગ, ભરાવદાર શરીર, દેખાવમાં સામાન્ય હતી.તેની આંખોમાં ભીનાશ અને ચહેરા પર ચિંતા સ્પષ્ટ વર્તાય રહી હતી.અને તે ચિંતા જ આટલી રાત્રે ત્યાં બેસવાનું કારણ હોવાનું મેં અનુમાન લગાવ્યું.મારા સામે જોઈ ને તેણે સ્મિત આપ્યું, સામે મેં પણ સ્મિત આપ્યું. થોડીવારમાં તે ઉભી થઇ અને અંદર જતી રહી. હું પણ ઉંઘ આવતા રૂમમાં જઈને સુઈ ગયો.

સવારમાં નર્સ એ બોટલ ચડાવી, ઇંજેક્શન,દવા વગેરેમાં જ સાંજ થઈ ગઈ. હું સહેજ ફ્રેશ થવા બહાર નીકળ્યો, સામેના રૂમ પર નજર કરી પરંતુ તે બંધ હતો.થોડીવાર બેસીને હું અંદર જતો રહ્યો. નર્સ એ ફરી બોટલ ચડાવી.મારી આંખ લાગી અને હું સુઈ ગયો. આંખ ખુલી ત્યારે લગભગ રાત્રિ નો એક વાગ્યો હતો.હું બહાર જઈ ને બેઠો. આજુબાજુ જોયું અને સામે આવેલા રૂમ પર જઈને મારી નજર સ્થિર થઈ. ત્યાં કોઈ ન હતું. બે વાગ્યે રૂમનો દરવાજો ખુલ્યો તે નવવધૂ ત્યાં જ જઈને બેઠી.તે મને જોઈ રહી અને હું તેને. કંઈક અજાણ્યું થઈ રહ્યું હોવાનો મને અનુભવ થયો. થોડીવારમાં તે ઉભી થઇ અને અંદર જતી રહી. હું દિવસમાં બવ વાર માત્ર તેને જોવા બહાર જતો પરંતુ દિવસ દરમિયાન તે રૂમ બંધ જ રહેતો.બપોરની કાળઝાળ ગરમી ને મેં આનું કારણ ગણાવ્યું.

આજે મને હોસ્પિટલમાં ચાર દિવસ થઈ ગયા અને દરરોજ તેને જોવા નીકળવું એ મારો નિત્યક્રમ. ડોક્ટર આવ્યા, ચેકઅપ કરી જણાવ્યું કે હવે હું સ્વસ્થ છું અને બપોર સુધીમાં મને ઘરે જવા રજા આપી. મારું મન બેચેન બની ગયું. તે નવવધૂ વિશે જાણવાની મારી ઈચ્છા તીવ્ર બની ગઈ એટલામાં નર્સ મને દવા આપવા આવ્યા, ઉત્સુકતાથી મેં તેમને પૂછી લીધું.

"આ સામેના રૂમમાં કોને દાખલ કર્યા છે?"

આ સવાલ સાંભળીને તેઓ‌ જાણે એકદમ સ્તબ્ધ થઈ ગયા. તેમના હાથ ધ્રુજવા લાગ્યા.

"તમે આવો સવાલ કેમ પુછી રહ્યા છો?"- સ્વસ્થ થતાં તેમણે પુછ્યું

" અરે એ તો બસ જાણકારી માટે." - મેં કહ્યું

"તે રૂમ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે.આજથી બે વર્ષ પહેલાં ત્યાં એક નવવધૂ ને સારવાર માટે લાવવામાં આવી હતી. લગ્ન બાદ તેના સાસરિયાઓએ પરિણીતાને દહેજ માટે માર માર્યો હતો. તેને તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવી હતી પરંતુ અહીં પહોંચતા સાથે જ સારવાર શરૂ થતાં પહેલાં જ તેણીએ દમ તોડી દીધો. ત્યારબાદ ઘણા લોકો એ ત્યાં કોઈ નવવધૂ ને જોઈ હોવાની વાત મળતા અમે તે રૂમ બંધ કરાવી દીધો.

" પરંતુ તમે આવો સવાલ કેમ પુછ્યો?"- નર્સ એ વાતના‌ અંતે પુછ્યું

"તેના મૃત્યુનો સમય?"- તેમને જવાબ આપ્યા વગર મારાથી સામે પુછાય ગયું

"બરાબર તો મને યાદ નથી પરંતુ કદાચ રાત્રિના બે વાગ્યે"- નર્સએ‌ કહ્યું

રજાની રાહ જોયા વિના હું બિલ ભરીને રવાના થયો........