Raat - 5 in Gujarati Horror Stories by Keval Makvana books and stories PDF | રાત - 5

Featured Books
Categories
Share

રાત - 5




બસ આગળ વધી રહી હતી. ડ્રાઈવરે અચાનક બસ રોકી દીધી. પ્રોફેસર શિવ બોલ્યા, "ડ્રાઇવર! બસ કેમ રોકી દીધી? ફરી પાછું શું થયું?" ડ્રાઈવર બોલ્યો, "સાહેબ! અહીંથી બસ આગળ નહીં જાય. આગળ રસ્તો કાચો અને સાંકડો છે." દાદા બોલ્યા, "હા, હવે બસ આગળ નહી જઈ શકે. આગળ રસ્તો કાચો અને સાંકડો છે, બંને તરફ ખેતરો છે." પ્રોફેસર બોલ્યા, "Ok. ચાલો, બધા બસમાંથી નીચે ઉતરી જાવ. અહીંથી આગળ ચાલીને જવાનું છે." રોહન બોલ્યો, "અરે! આ શું નવી મુસીબત છે? એક તો આ થર્ડ ક્લાસ રીસર્ચ ટ્રીપ અને બીજી આ નવી નવી મુસીબતો." રોહનનો મિત્ર મોન્ટુ બોલ્યો, "અરે રોહન! તું ચીલ કર, ભાઈ! હવે આગળ ચાલી ને જવાનું છે એટલે વધારે મજા આવશે. અમે વાતો કરતાં કરતાં ચાલશું અને તું સ્નેહાને જોતો જોતો ચાલજે." રોહન બોલ્યો, "તારી વાત સાચી છે, પણ સ્નેહા પેલાં રવિ સાથે જ વાતો કર્યા કરે છે. જ્યારે જુઓ ત્યારે બંને સાથે જ જોવા મળે." મોન્ટુ બોલ્યો, "પણ તારે એનાથી શું મતલબ? તું ખાલી એને જોયા કરને!" રોહન બોલ્યો, "ના! હવે તો કંઇક કરવું પડશે!" મોન્ટુ એની વાતથી ગભરાતાં બોલ્યો, "તું શું કરવાનો છે?" રોહન શેતાની હાસ્ય સાથે બોલ્યો, "એ તો હવે તું તારી આંખે જ જોઈ લેજે."

બધાં એક એક કરીને બસમાંથી ઊતરી ગયાં. તેઓ આગળ વધવાં જઇ રહ્યાં હતાં, ત્યાં દાદા તેમને રોકીને બોલ્યાં, "ઊભા રહો બધા. જુઓ, હવે આગળ આપણે ચાલીને જવાનું છે. વચ્ચે નાની કેડી હશે અને બંને તરફ ખેતર હશે. તમે ખૂબ કાળજી રાખીને ચાલજો, કેમકે ખેતર છે એટલે જીવજંતુ હોઈ શકે." બધાએ તેમની વાત ધ્યાનપૂર્વક સાંભળી અને પછી તેઓ આગળ વધવાં લાગ્યાં. સૌથી આગળ દાદા ચાલી રહ્યા હતા તેમની પાછળ બધા સ્ટુડન્ટ્સ ચાલી રહ્યાં હતાં. સૌથી પાછળ પ્રોફેસર શિવ અને આશા મેડમ ચાલી રહ્યાં હતાં. સ્નેહા અને તેની સહેલીઓ સાથે ચાલતી ચાલતી વાતો કરી રહી હતી. રવિ પણ તેમની પાછળ પોતાના મિત્ર સાથે ચાલતો હતો.

શ્રદ્ધા અને સાક્ષી પ્રોફેસર શિવ અને આઇશા મેડમની આગળ ચાલી રહી હતી. સાક્ષી બોલી, "આ આઇશા મેડમ તો શિવને એકલાં મૂકતી જ નથી. જ્યારે હોય ત્યારે એની સાથે જ હોય છે." શ્રદ્ધા બોલી, "જે હોય તે, તારે શું કામ છે?" સાક્ષી કંઇક વિચારીને બોલી, "મારી પાસે એક પ્લાન છે." શ્રદ્ધા બોલી, "શું પ્લાન અને શેના માટે?" સાક્ષી બોલી, "સાંભળ! હું થોડીવાર પછી અચાનક પાછળ પડવાનું નાટક કરીશ અને ત્યારે પ્રોફેસર શિવ મને બચાવી લેશે. પછી એ મને પૂછશે કે કેમ પડી ગઈ, તો હું કહી દઈશ કે પગમાં ઠેસ આવી એટલે પડી ગઇ. પછી હું ચાલી નથી શકતી એવું નાટક કરીશ, એટલે શિવ મને પકડીને ચલાવશે. કેવો છે પ્લાન?" શ્રદ્ધા બોલી, "સૌથી પહેલાં તો તું સીરીયલ જવાનું બંધ કરી દે. આ કોઈ સીરીયલ નથી કે તું પાડીશ અને તારો હીરો તને બચાવશે, પછી ફૂલોની વરસાદ થશે અને બેકગ્રાઉન્ડમાં રોમેન્ટિક ગીત વાગશે." સાક્ષી બોલી, "અરે યાર! ટ્રાય કરવામાં શું જાય છે?" શ્રદ્ધા બોલી, "ઠીક છે. તારે જે કરવું હોય તે કર."

સાક્ષી થોડીવાર પછી અચાનક પાછળની તરફ પડી ગઈ. પ્રોફેસર શિવનાં શૂઝની લેસ છૂટી જતાં, તેઓ લેસ બાંધવા નીચે બેસી ગયાં. સાક્ષી નીચે પડવાની જ હતી કે, આઇશા મેડમે તેને પકડી લીધી. આગળ ચાલી રહેલાં એક સ્ટુડન્ટનો ફોન વાગ્યો. ફોનની રીંગટોનમાં 'તુજે દેખા તો યે જાના સનમ' ગીત વાગી રહ્યું હતું. તે ખિસ્સામાંથી ફોન કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ તેનો ફોન ખિસ્સામાં અટવાઇ ગયો હતો. સાક્ષી અને આઇશા મેડમ લીમડાનાં વૃક્ષની નીચે ઊભા હતાં. અચાનક જોરથી પવન ફૂંકાયો અને લીમડાનાં પાંદડા તેમની ઉપર પડ્યાં. બધાં સાક્ષી અને આઇશા મેડમને જોઈને ધીમે ધીમે હસી રહ્યાં હતાં. સાક્ષી આઇશા મેડમથી દૂર જતાં બોલી, "બચાવવા માટે આભાર!" આઇશા મેડમ બોલ્યાં, "અરે બેટા! એમાં શું?" પછી તેઓ આગળ ચાલવાં લાગ્યાં. સાક્ષી પણ નીચું માથું કરીને આગળ ચાલવાં લાગી.

તેઓ આગળ વધી રહ્યાં હતાં. ભક્તિ બોલી, "જુઓ, મંદિરની ધજા દેખાઇ રહી છે. લાગે છે કે આપણે મંદિરની નજીક છીએ." દાદા બોલ્યાં, "હા દીકરી! હવે મંદિર નજીક જ છે." થોડીવાર પછી અચાનક ભક્તિએ મોટેથી ચીસ પાડી. બધાં તેની ચીસ સાંભળીને ઊભા રહી ગયાં અને તેની સામે જોવા લાગ્યાં. ભક્તિની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યાં. તે જમીન ઉપર બેસી ગઈ. સ્નેહા તેની પાસે જઈને બોલી, "શું થયું ભક્તિ?" ભક્તિ બોલી, "મને પગમાં કંઇક કરડ્યું લાગે છે. પગમાં ખૂબ દુઃખે છે." વિશાલ બોલ્યો, "જુઓ, તે ખેતરમાં સાપ જઈ રહ્યો છે. લાગે છે ભક્તિએ તેનાં ઉપર પગ મૂકી દીધો હશે એટલે સાપ કરડ્યો હશે." દાદા બોલ્યાં, "હવે મંદિર નજીક જ છે. ત્યાં બાજુમાં પુજરીજીનું ઘર છે, ત્યાં જઇને સારવાર કરીશું." ભક્તિ બોલી, "પણ હવે હું નહિ ચાલી શકું." વિશાલ બોલ્યો, "કંઈ વાંધો નહિ. હું તને ઉપાડીને લઇ જઇશ. સ્નેહા! તું તારો સ્કાર્ફ ભક્તિનાં પગમાં બાંધી દે, એટલે ઝેર ન ફેલાય." સ્નેહા એ ભક્તિનાં પગમાં સ્કાર્ફ બાંધી દીધો. વિશાલ ભક્તિને ઉપાડીને ઝડપથી ચાલવાં લાગ્યો. ભક્તિ બેભાન થઈ ગઈ હતી.



#રાત
#horror #romance #travel