કર્મનું ફળ
DIPAKCHITNIS(DMC)dchitnis3@gmail.com
સમી સાંજનો સમય હતો અને તે દિવસે ઓચિંતા એક બહેન જેમનો ચહેરો શ્યામ જેવો અને શરીર જોતાં એક વૃદ્ધા બહેનને લઈને મારે ત્યાં આવ્યા. મને કહ્યું તમારે માટે આ બહેનને માલિશ કરવા માટે લાવી છું. થોડા દિવસ માલીશ કરાવી જુઓ જો તમને સારુ લાગે તો વધારે દિવસો કામ કરાવશો નહીં તો તેમને રજા આપશો.
આ વાર્તાલાપ બાબતમાં, હું કાંઈ જવાબ આપું ત્યાં કે તે વૃદ્ભ બહેને કહું તમે મારી પાસે કામ કરાવી જુઓ રાખવા ન રાખવાનું પછી નક્કી કરજો મારે કોઈના હરામના પૈસા જોઈતા નથી બેન !
મને તેની વાત વ્યાજબી લાગી આમતેમ દવાદારૂ માટે ડોકટરને ત્યાં દોડી ને જઈએ તેના કરતાં ઘેરબેઠાં આ બહેન આવેલ છે તો શા માટે રાખી દઉં. એમ નકકી કરી મેં તેમને રાખી લીધા.
દેખાવે વૃદ્ધ બહેન માજી હતાં પરંતુ તેમની કામ કરવાની પદ્ભતિ કોઇ જુવાન બાઇને શરમાવે એવી હતી. મારે જ તેમને કહેવું પડ્યું : ‘‘અરર, મારાથી તો નહીં જીરવી શકાય આટલું ભારે માલીશ !’’
તે બોલી : ‘‘તમને ટેવ નથી તેમાં જ : બાકી તો માણસો એવા હોય છે કે કલાકો સુધી ના ન પાડે. ત્યારે, ધીરે ધીરે ચોળું, હં !’’ પછી પૂછ્યું : ‘‘હવે કેમ લાગે છે ?’’
‘‘હા બરાબર આમ જ : આમ ધીમે ધીમે ચોળજો.’’ મને થયું, પંદરેક મિનીટ આ કાર્યક્રમ ચાલશે : પણ એમ ન બન્યું. એ તો વગર પૂછે કેટલી વાતો કરવા લાગી : ‘‘વીસ વર્ષથી આ ધંધો કરું છું, બહેન ! દેખાવે તમને હું વૃદ્ધ અને ના ગમે તેમ લાગું. પણ કામમાં મને તમારે કહેવું ન પડે !’’
બિલકુલ જૂના જમાનાના વૃદ્ધ બહેનના મુખેથી પણ અંગ્રેજી શબ્દો સરતા જોઈને મને સહેજ હસવું આવ્યું. મારે કબૂલ કરવું પડયું : ના માજી તમારું કામ સોળ આના બહુજ સુંદર છે!’’
‘‘તો બસ, મારી બહેન ! ઘરાક રાજી તો હું પણ રાજી, મને જેટલો કામનો લોભ છે એટલો લોભ પૈસા નો નથી. અને તેમાં તો મારા જૂના ઘરાકો મને જ બોલાવે છે, પરંતુ મારાથી બધે ઠેકાણે પહોંચી વળાતું નથી. બહેન એટલે મારે બીજા કોઈને મોકલવા પડે. પણ આજના લોકો હાડકાના એટલા હરામ થઈ ગયા છે. કે જે રોટલો નભાવી જાણતા નથી આપણે ઓલી કહેવત છે ને - કે બ્રાહ્મણ હાથજોડ કરાવી દે, કઈ ઘર થોડા જ હલાવી દે !’’
મેં પૂછ્યું : ‘‘આવા કેટલાક કામ તમે કરતા હશો ? તમે થાકી નથી જતા આટલી બધી મહેનત કરીને ?
‘‘થાકી તો કામ નથી હોતું ત્યારે જાઉં છું : ઉલટી બીમાર જેવી થઈ જાઉં છું ! આમ ચોળવા-મસળવાથી તો મારા હાથને અને શરીરને પણ કસરત મળે છે. અત્યારે આ બીજું કામ છે તમારું : અને ખાઈ કરીને પછી પાછા ત્રણ કામ હજુ કરવા જઈશ.’’
‘‘એટલે તમને ૧૫૦૦/- ૨૦૦૦/- નો મહિનો પડે કેમ ?’’
‘‘૧૫૦૦/- ૨૦૦૦/- રોકડા ઉપરાંત ક્યાંથી બપોરનું જમવાનું સવારની ચા પણ મળે અને જેને ઘેર લાગટ એક બે મહિના કામ કર્યું હોય ત્યાંથી સાડી લૂગડું પણ મળે છે.’’
‘‘કે બધી સાડીઓનો તમે શું કરો- વેચી નાંખો ?
‘‘ના બહેન ના દાંત નીચે દબાવી ને કહ્યું : ‘‘અમે મડદાં પરના ખાંપણ થોડા લઈએ છીએ કે વેચી નાંખીએ ? અમે તો મડદાંને બેઠા કરીને કમાણીનાં, મહેનત ના લૂગડાં લઈએ છે. હું તો મારે હાથે કરું છું ! જો કે તમ જેવા ને પ્રતાપે પહેરનારી ત્રણ ત્રણ વહુઓ આવી ગઈ છે. અને તે ઉપરાંત મારા ભાઈની દીકરીઓ છે એને પણ આપું.’’
‘‘તમારે પણ દીકરા છે, માજી ? -અને કોઈ તમે આવાં કામ કરો છો ?’’ મે નવાઈ પામીને પૂછ્યું.
‘‘તે કામ કરવામાં શી ખોટ છે. બહેન ? દાણા પડ્યા સડી જાય અને તે કરતાં દળ્યા શું ખોટા?
માજીનો એક જવાબ મને દંગ કરી દેતો હતો. મેં પૂછ્યું : ‘‘છોકરાના બાપ ક્યારે- હમણાં જ ગુજરી ગયા ?’’
‘‘ના રે ના બહેન ! એ તો સાવ જુવાનીમાં દેવ થઈ ગયા છે ઉપઉપલા જણ્યાને ભગવાને હેમખેમ રાખ્યાં એટલો પાડ પ્રભુનો. નહીં તો એને તો થયો ટીબી ! પૈસા રોકડા તો અમારા જેવા પાસે ક્યાંથી હોય ? ખેતરની પેદાશ આવે એટલી ઘરમાં પૂરી ન થતી. એટલે મંદવાડમાં મારે કરજ કરવું પડ્યું. તોય આવરદા નહીં તે ઉઠ્યા જ નહીં. થોડોક વખત શોક પાળવા રહી ત્યાં લેણાવાળા ઉતાવળા થવા માંડ્યા, મેં તો શોક છોડી દીધો- એટલે કે મનમાંથી મરનારા ને ભૂલી ગઈ એમ નહીં. હું તો એક મોટા છોકરાને મુલકમાં તેની ફોઈની પાસે મૂકીને આવી. મુંબઈ બે છોકરાને જોડે લેતી આવી નવી-સવી હતી એટલે શરૂઆતમાં તો બિચારી કામ કરતી પછી એ છોડીને કપડાં વાસણ કરવાનું શીખી અને એકાદ વરસમાં તો એક જણીને આ ધંધામાં કમાતી જોઈને હુંય મારે આ કામ કરવા લાગી !’’
‘‘મોટા દીકરાને ઘેર કેમ મૂક્યો ?’’ મેં પૂછ્યું.
‘‘ઘેર મારી નણંદ વિધવા થઈને આવેલાં. તેને કોણ સાચવે ? અને ખેતીવાડીની પણ દેખભાળ કરવી પડે ને ? અમારે પણ ફણસના ચાર ઝાડ છે અને બીજા આંબા છે. એનીય ઉપજ આવે અને ખેતરમાં પંદર મણ ચોખા પણ થાય છે. મારા દીયરે કહ્યું તમારી જમીન નો કર અને ભરીશું પણ મેં ના પાડી. હવે કર ભરવાના આવે આખા દસ રૂપિયા- એટલામાં મારે એના ઓશિયાળા શું કામ થવું જોઈએ ? મારે દીકરા હતા ત્રણ ! લોકના હાથ સાજા કેમ કરું ?’’
‘‘પછી પેલા કરજનું શું કર્યું ?’’
‘‘અરે, એટલું બસો રૂપિયાનું કરજ કે ત્રણ જણાનું ખાવા-ખચઁ કાઢ્યા છ મહિનાનું કર્યું પૂરું અને બીજા ચાર-છ મહિનામાં ઘર ચણાવ્યું એટલું જમા કર્યું. પછી ઘરે જઈને ઘર નવેસરથી તૈયાર કરીને કરાવીને કર્યું.’’
‘‘ઘર નવેસરથી કરવાનો ખર્ચ કે થયો હશે ખરું ને ?
‘‘અરે બહેન મારે ક્યાં બંગલો ચણવાનો હતો કે ખર્ચ વધારે થાય ! અમારે ઝાડવાં તો ઘરના બાવળ, ખેર નાળિયેર જેવા હોય. અને માણસોને મજૂરી નહીં આપવાની કોઈનું ઘર ચણાતું હોય તો તે વખતે અમે મદદ કરવા જઈએ, અને જે જાય તે જંગલમાંથી ઝાડવાં કાપી લાવે. બબ્બે ખેપ નાંખે ત્યાં કાંટમાળ થઈ જાય. રૂપિયા તો સુથારને દેવા પડે, બાકી કાંઈ નહિ.
મેં કહ્યું : અરે વાહ ! ‘‘આ તો બહુ સારી કહેવાય. અહીં શહેરમાં તો કોઈ સંપીને કામ કરે જ નહીં.’’
‘‘આ તો શહેર ગામ ગણાય. બાપુ : અહીંયાના માણસો બહુ પાકાં ! ગામડાંના માણસમાં કળયુગ હજી આવ્યો નથી !’’
‘‘તમારા દીકરાને પરણાવ્યો કોણે ?’’
‘‘આ મારી કાંડાની કમાણી ઉપર દીકરાને મે જ પરણાવ્યા છે. અમારા નિયમ પ્રમાણે વહુઓને બધું જ ઘરેણું કરાવ્યું છે મે.’’
ચોળવા-મસળવાથી અંગો ઊલટાં અકળાયાં હતા, પરંતુ મારા હૈયામાં અપાર આનંદ હતો. વચમાં તે પૂછતી : ‘‘થાકી ગયા બહેન ?’’ મેં કહ્યું ’ ચોળવાનું બંધ કરો ભલે, પણ વાત તો કર્યા જ કરો. મારે તમારી બધી વાત સાંભળવી છે.’’ અને મને તમારી વાત સાંભળવી ગમે પણ છે.
તે બોલી : મારી વાતમાં શું માલ બળ્યો છે, બહેન ? વાતો તો બોલ્યા રસિયાના રાજા આવ્યા છે એની સાંભળવા જેવી હોય !’’
‘‘તમે હમણાં ક્યાં રહો છો ?’’
‘‘હું મારા ભાઈની છોકરી ભેગી રહું છું. મારા દીકરા બે માટુંગામાં રહે છે, હમણાં જ આવી. છ મહિનાનીથી ગામડે ગઈ હતી. મારા જૂના કામ બે બાઇઓને વેચી દીધા હતા. હવે હું આવી એટલે એ લોકો મને કહેવામાં આવ્યા બેન તમે જ આવો, પણ બહેન આપણને ગરજ હોય ત્યારે કોઈને રાખીએ અને આવતાં વેંત ખદેડી મૂકીએ સારું ન ગણાય. મને તો દેવે દઈ દેશે કોઈના રોટલા પર પાટુ થોડું મરાય ? મને પૈસાની એવી હાયવરાળ નથી. વળી મારા દીકરા ક્યાં ના પાડે છે ? ત્રણ જણા પાંચ પાંચ આપે તો યે બે મહિના ખેંચી નાખું. પણ એ હવે બાળબચ્ચાંવાળા : એને નડવા હું નથી જતી.’’
‘‘પણ તમે એની સાથે કેમ નથી રહેતાં ? વહુઓ કેવી છે ?’’
‘‘વહુઓતો જમાનાની બધી સરખી. કોઈના વખાણ થાય તેમ નથી. પણ મારા છોકરા એ છોકરા છે. હું ગામડે હોંઉ હું એક કાગળ ઉપર ત્રણે જણા દોડી આવે, તેમને માટે મા એટલે મા જ છે ! એવું છે એમના માટે એની હારે રહેવા જાઉં તો મારા જૂના ઘરાક જતા રહે, અને વળી મારા ભાઈની છોકરીને મારા જેવા માણસની જરૂર છે.’’
‘‘એને તમારે પૈસા આપવા પડે છે ?‘‘
‘‘નારે એક પૈસો પણ નહીં. તે બીજાંનાં કામ કરવા જાય ત્યારે હું સાથે તેને કામ કરાવવા લાગુ ને પાછી ! વળી ઘરમાં પણ કાંઈ બેસી થોડી જ રહું છું ? એના છોકરા ને રાખું કચરો કાઢું, સાંજે રસોઈ કરું.’’
મેં કહ્યું : ‘‘આટલી ઉંમરે તમે જે કામ ગણાવો છો તે સાંભળતા જ મારા તો હાજા ગગડી જાય છે માજી. !’’
‘‘સાચું કહું ? આ કમર કસીને કામ ન કરવાથી તમારા સાંધા ઝલાઇ ગયા છે ! હમણાં ઘંટી ફેરવવાની હોય, છાશ વલોવાની હોય, કે કૂવેથી પાંચ બેડા પાણી લઇ આવવાનું હોય ને તો, કોઈ રોગ પાસે ન આવે !’’
મારે કબૂલ કરવું પડયું કે, ‘‘તમે ગણાવ્યું તેવું કામ જયારે હું કરતી ત્યારે માથું કેમ દુખે એની મને ખબર પણ નહોતી.’’
તે આપમેળે કહેવા લાગી : ‘‘મારે બળદ હતા બે, મેં જાતે કમાઈને લીધા હતા. પણ મોટો છોકરો અલગ થયો ત્યારે એક બળદ એણે લઇ લીધો, લઈને પણ પાસે ન રાખ્યો : વેચી નાખ્યો, હવે એક બળદથી અમે ક્યાં ખેતી કરીએ ? તરત જ વાણીયા પાસેથી રૂપિયા કરજે કાઢ્યા અને બળદ લાવી. બીજો છોકરાએ કહ્યું જમીન વહેંચી આપ. પણ હજુ બે કુંવારા હતા ત્યાં જમીન ક્યાંથી વહેચું, બહેન ? પાંચ મણ ડાંગર પાકે એટલે કટકો આપ્યો, બીજી ન આપી. હા, ત્યાર પછી બે ને પરણાવ્યા એ પણ ઉધાર કરીને જ. હવે એના બાકી દેણાં આપું છું.’’
‘‘તે તમારા દીકરા નથી ભરતા પૈસા, કે તમારે ભરવા પડે ?’’
‘‘એય ભરે, તમારી વાત સાચી એ ભરે પણ એને વધે શું ? અત્યારે નાના છોકરાના હાથ બહુ છુટા જોઈએ ત્યાં ખર્ચે અને ન જોઈએ ત્યાં ખર્ચે, પછી વધે શું ? અને આમેય મારે ભેરુ કરીને એના માટે જ મૂકી જવું, એના કરતાં દેવું જ ન દઈ દઉં!’’
‘‘વહુઓ તમારું અપમાન કરે કોઇ વાર, માજી ?’’
‘‘ભેગી રહેવા જાઉં તો કોઈ ભૂલે એવું નથી- અને એને બોલતાં પૈસા કોઈ ન આવે. પણ આપણે આબરુને લીધે કંઈ ન બોલી શકીએ. તેના કરતાં જીવું ત્યાં સુધી આમ કમાઈ ખાવા દે જે પ્રભુ !- એવું તો માગું છું બહેન ! કેમ બોલતા નથી ?’’
ઘડિયાળ તરફ નજર ગઈ હોય તો બરાબર એક કલાક થઈ ચૂક્યો હતો, છતાં આ વૃદ્ધ બહેન ચોળવાથી સહેજ પણ થાક્યા નહોતા. મેં કહ્યું :બસ કરો માજી, હવે.‘‘
‘‘તે બોલ્યા ‘‘લાવો ચણાનો લોટ, હું પીઠે ચોળીને નવડાવી પણ દઉં !‘‘
એક ૫૦ રૂપિયામાં તેમની પાસેથી આટલું બધું કામ લેવાની મને શરમ આવતી હતી. પણ તે એમ કાંઈ છોડે ? એમણે સ્નાન કરાવ્યું : ઉપરાંત કપડું પણ ધોઈને સૂકવી નાખ્યું.
આવી ને પાછું તેમણે પૂછ્યું : ‘‘મારું કામ પસંદ પડ્યું ને, બહેન ? કોઈ નવું ઘરાક હોય તો બતાવજો. જેથી મારે પેલી બીજી બાઇઓને આપવા થાય અને હું મારા જૂના ઘરાક પાછા લઈ શકું. વીસ- વીસ વરસની માયા થઈ ગઈ છે ને, એટલે તેને કે મને નવા માણસ ઝટ દઈને ન ફાવે.’’
‘‘પણ માજી તમે અહીં આવ્યા તે હવે ત્યાં ખેતી કોણ કરશે ?’’
‘‘એક છોકરા વહુ ને ત્યાં જ રાખ્યા છે. એ ઉપજ આવે જ્યારે ત્રણ સરખા ભાગ પાડી નાખે છે. મારી નણંદ ખેતરમાં ઝૂંપડી બાંધી છે ત્યાં રહે છે. એને છોકરો ભાથું આપી આવે. મારે હમણાં આવું નહોતું, પણ એક બળદમરી ગયો એટલે બીજો લીધા વગર છૂટકો થોડો થાય ? આ છ-આઠ મહિના કામ કરીશ ત્યાં બળદ માટે લીધેલા રૂપિયા ભરાઈ જશે.’’
‘‘તો રૂપિયા તમે કોની પાસેથી લીધા છે ? વ્યાજે લીધા ?’’
‘‘ના બાપુ, વાણીયા ના ચોપડામાં માથું મૂકવા હું ના જાઉં ! મેં તો એક ખેડૂત ફણસના ચાર ઝાડ આપ્યા છે. જ્યાં સુધી રકમ ન ભરું ત્યાં સુધી ફણસની ઉપજ તે ખાય પછી મને પાછા આપશે.’’
‘‘એમ કરવામાં તકલીફ ન થાય ? લખાણ કે કાંઇ કરાવ્યું છે?’’
‘‘અરે મારા બહેન, લખાણ કે બીજું કાંઇ એમાં કરવાનું ના હોય ?અમે ગામડાં ગામના અને તેમાં ત્રાહીત માણસ એવી કોઇ તકરાર કે ઝઘડો કાંઇ ન કરે. હા જો સગાંનેઆપ્યાં હોય તો વળી હકક કરી બેસે ખરાં...! લો, ત્યારે, હું હે જાવું કે ? કાલે કેટલા વાગ્યે આવું ? જો તમારી પાસે મરજી હોય તો જ બોલાવજો, હો ! હું પૈસા માટે પરાણે નથી કહેતી.’’
મેં એ વૃદ્ધ માજી બીજા દિવસે આવવાનો સમય આપ્યો અને તે બહેન હોંશે હોંશે ગયા...