કોઈક ગહન અનુભૂતિનો અહેસાસ થઇ રહ્યો છે. અને સાથે કોઈ કઠિન પરીક્ષાનો સામનો કરી રહી હોઉં તેવું પણ પ્રતીત થઈ રહ્યું છે. ૧૨-૦૯-’૦૨ની સવારે દિવ્યેશે અંતિમ શ્વાસ લીધા. એ પછી તેઓની સૂક્ષ્મ હાજરીનો ઉજાસ હંમેશાં મારી આસપાસ રહ્યો છે. તેઓ મારા માટે હંમેશાં પ્રેરણા અને વિકાસના સ્રોત રહ્યા છે. અત્યારે પણ હું આ લખી રહી છું ત્યારે આ લેખનકાર્યમાં તેઓ જ સહાય કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
સદ્ગતિ (પ્રથમ નવલકથા) બાદ ‘લીલો ઉજાસ’ પણ સમભાવ’ દૈનિકની રવિપૂર્તિમાં હપ્તાવાર પ્રગટ થઈ. અત્યારે તે પુસ્તકાકારે પ્રગટ થઈ રહી છે. અને તેની પ્રસ્તાવના લખી રહી છું ત્યારે સ્વાભાવિક રીતે જ મિશ્ર લાગણીઓ અનુભવી રહી છું.
જીવનમાં બનતી નાની-મોટી તમામ ઘટનાઓને તીવ્ર સંવેદનશીલતાથી અને સજગતાથી લેવાની તેઓની ટેવ હંમેશાં ઉમદા લેખનનું નિમિત્ત બની રહેતી. વર્તમાનપત્રો, સામયિકો કે પુસ્તકો તેઓ માટે જીવંતતાની મૂર્તિ સમાન હતાં. તેને હાથમાં ઉપાડતી વખતે કે તેનાં પાનાં ફેરવતી વખતે કાગળને સહેજ પણ અસુખ ન પહોંચે તેનો ખ્યાલ રાખીને વાંચતા. ચાલીસ વર્ષ પહેલાંનું છાપું પણ આજે જ પ્રકાશિત થયું હોય તેવી તાજગીભરી સ્થિતિમાં તેઓ પાસેથી મળે. અસ્તિત્વની સ્થૂળ બાબતો સાથેની આટલી સંવેદનશીલતા સૂક્ષ્મ સ્તરે પણ ખૂબ ગહેરી રીતે વ્યાપેલી હતી. માનવીય સંબંધો અને જીવનમાં બનતી ઘટનાઓના હાર્દ સુધી પહોંચવાનો પ્રમાણિક પ્રયત્ન તેઓના અસ્તિત્વનો હિસ્સો બની ગયા હતા. આવી જ ઘટનાઓ અને તેની અંતરજાળના અહેસાસને ઘૂંટતા જતાં આ નવલકથાનો જન્મ થયો. આમ પણ સાહિત્ય એ જીવાતા જીવનનું પ્રતિબિંબ છે. આ નવલકથા લખાતી હતી ત્યારે તેનાં પાત્રો- મનીષા, ઉદય, સોનલ, નયન, મનહરભાઈ, વિનોદિનીબહેન વગેરે અમારાં ઘરના જ પાત્રો જેવાં બની ગયાં હતાં. તેઓની સાથે તાદાત્મ્ય અનુભવીને અમે એક અલગ જ દુનિયામાં વિહાર કર્યો હતો. આમ પણ દિવ્યેશના કોઈ પણ લેખના પ્રથમ વાચક બની રહેવાનું મને હંમેશાં ગૌરવ સાંપડ્યું છે. અને એ રીતે એક વાચક તરીકે તેના જ લેખક સાથે એ સંદર્ભમાં ચર્ચા કરવાના આનંદને મેં ભરપૂર માણ્યો છે. આજે એ બધું જ સ્મૃતિઓ સ્વરૂપે જીવંત છે.
નવલકથાના પ્રકરણોનું લેખનકાર્ય તો સમાપ્ત થઈ ગયું હતું. પણ ‘સમભાવ’માં હપ્તાવાર તેનું પ્રકાશન ચાલુ હતું. હજી ઘણા હપ્તાઓનું પ્રકાશન બાકી હતું પણ સમયના પ્રવાહમાં કોઈ નવા જ આયામો સર્જાયા હતા. દિવ્યેશે સપ્ટેમ્બર ૨૦૦૨માં દેહથી મુક્તિ લીધી અને અત્યારે આ નવલકથા પુસ્તક સ્વરૂપે આવી રહી છે. દિવ્યેશ હોત તો! તેઓએ આ નવલકથાની પ્રસ્તાવનાના કેવી રીતે લખી હોત! એનો તાગ મેળવવો જ કલ્પનાતીત છે. અને હું તેનો ઝાંખો અહેસાસ પણ કરું તો પણ તેને શબ્દદેહ આપવાનું મારું સહેજેય સામર્થ્ય નથી.
વિવિધ વિષયો (શેરબજાર, ફૂટબોલ, પર્યાવરણ, સમય, વ્યક્તિત્વ, મનોવિજ્ઞાન, સ્ટ્રેસ, અધ્યાત્મ ઉપરાંત વિવિધ વિષયો પરના લલિત નિબંધો)ને આવરી લઈને પ્રગટ થયેલાં ૧૧ પુસ્તકોની પ્રસ્તાવના પુનઃ પુનઃ વાંચી ગઈ. દરેકને તેનું આગવું અને વિશિષ્ટ મૂલ્ય છે. પણ તે સર્વમાં ય તેમણે જે લોકો પ્રત્યે હંમેશાં પોતાનો અનુગ્રહ વ્યક્ત કર્યો છે તેને તે સ્વરૂપમાં અહીં જોડું છું.
‘મારાં સ્વ. માતૃશ્રી શારદાબહેન (સહુનાં મોટી બેન) હંમેશા મારા માટે પ્રેરણાસ્રોત રહ્યાં છે. મારા પિતાતુલ્ય મોટાભાઈ ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી જેમણે મને ખેલદિલી અને જિંદગીને સ્વસ્થતાથી જોવાના પાઠ શીખવ્યા છે. મારા શ્વશુર અને પ્રાધ્યાપક સ્વ. શ્રી વિ. કે. શાહ, જેમણે મને મનોવિજ્ઞાનથી શિક્ષિત કર્યો અને પ્રજ્ઞાના પ્રકાશથી પાવન કર્યો છે. મારા સંતાનો ચિ. ઋત્વિક અને રુચાનો પણ હંમેશાં વિશિષ્ટ ફાળો રહ્યો છે.
મારા લેખનકાર્યને હંમેશા પ્રોત્સાહન આપનાર મારા મુરબ્બી મિત્રો શ્રી રાધેશ્યામ શર્મા, શ્રી રજનીભાઈ વ્યાસ અને શ્રી મુકુન્દ પી. શાહ પ્રત્યે હું અનુગૃહિત છું.
પુસ્તક પ્રકાશનમાં હંમેશાં ઉત્સાહ અને પ્રેરણાનો સ્રોત બનનાર ‘નવભારત પ્રકાશન મંદિર’ના સંચાલકો મને લેખનનું બળ પૂરું પાડે છે.
દિવ્યેશની અનુગ્રહની આ લાગણીઓમાં મારી લાગણીઓ પણ સમાયેલી જ છે. સાથે સાથે દિવ્યેશ તરફથી ‘સમભાવ’ના નિબંધકાર-નવલકથાકાર તંત્રી અને સહૃદયી વડીલ શ્રી ભૂપતભાઇ વડોદરિયા પ્રત્યે અનુગ્રહ પૂર્વક નમસ્કાર પાઠવું છું. ‘લીલો ઉજાસ’ની યાત્રામાં સહભાગી બનેલા સૌ કોઈ ‘સમભાવ’ના સહકાર્યકરો, મિત્રો, શુભેચ્છકો અને સહૃદયી વાચકો પ્રત્યે ઋણ સ્વીકાર કરું છું.
નવલકથા વિશે કશું જ કહેવાનું મારું ગજું નથી. આમ પણ વાચક બોલે એ જ સાચો બોલ. દિવ્યેશ આ સર્વમાં સૂક્ષ્મ રીતે સાક્ષી છે જ શ્રદ્ધા સાથે,
સ્મિતા ત્રિવેદી