એક વર્ષ પછી...
"તો હવે આપણે જાહેર કરવા જઈ રહ્યા છે Best Innovative Restaurant Idea of the Year નો એવોર્ડ. એન્ડ એવોર્ડ ગોઝ ટુ મિસ શ્રવ્યા પટેલ." એક મીઠો મધુરો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠે છે. શ્રવ્યા તેની જગ્યા પરથી ઊભી થઈને એવોર્ડ લેવા જઈ રહી હોય છે. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે. બધા જ લોકો ઊભા થઈને તાળીઓથી તેનું સન્માન કરે છે. ખરેખર તો આ સન્માન તેને આ એવોર્ડ માટે નઈ પણ પાછલા વર્ષમાં કરેલ તેના કામ માટે લોકો આપી રહ્યા હોય છે. શ્રવ્યા એવોર્ડ લઈને માઇક હાથમાં લે છે.
"મને આટલું બધું સન્માન આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હું પોતાને ખુબજ ખુશનસીબ માનું છે મે મને આવી સપોર્ટીવ ફેમિલી મળી છે. જેમણે મને મારા દરેક નિર્ણયમાં સાથ આપ્યો છે અને મારી મુશ્કેલીના સમયે પણ મને મદદરૂપ થયા છે. ફરીથી હું સૌનો આભાર માનું છું." શ્રવ્યા આટલું બોલીને સ્ટેજ પરથી નીચે આવે છે.
શ્રવ્યા અને તેનું ફેમિલી ઘરે આવે છે. શ્રવ્યા પોતાના રૂમમાં જતી રહે છે. તેને એક વર્ષ પહેલાંની વાત યાદ આવે છે અને તેની આંખોમાં આંસુ આવી જાય છે.
"તું હજી પણ એ જ વાત યાદ કરીને દુઃખી થયા કરે છે. શ્રવું ભૂલી જા એ બધું. વર્તમાનમાં જીવતા શીખી જા. મને પણ એ દુઃખ ખબર છે કે જ્યારે આપણા પોતાના જ આપણને દગો કરે. પણ મારી એક વાત સમજી લે એક વ્યક્તિને કારણે તું ઘરના બધા સભ્યો સાથે અન્યાય કરી રહી છે. એક વ્યક્તિ થી તારું બધું જ પૂરું થઈ ગયું? અમે તારા કંઇજ નથી. કે પછી એ વ્યક્તિ અમારા કરતા પણ વધુ મહત્વની હતી?"
"ના એવું નથી. તમારાથી પહેલા મારા માટે કોઈ નથી. મારા માટે મારી ફેમિલી જ બધું છે. દુઃખ મને એ વ્યક્તિના દૂર જવાનું કે એણે દગો આપ્યો એનું નથી. પણ મને એ વાતનું દુઃખ છે કે હું કોઈ વ્યક્તિને ઓળખવામાં આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકું? અને મારી એ ભૂલને કારણે મારી આખી ફેમિલીએ હેરાન થવું પડ્યું હતું."
"અમે હેરાન થયા છે એ વાત તું ભૂલી જા. પરિવાર જ પરિવાર ની મદદે આવે છે. ચાલ હવે બધું ભૂલી જા આ હવે સેલિબ્રેશન નો સમય છે. અને શ્રવ્યા યાદ રાખજે જીવન એક એવી Treasure Hunt ગેમ છે કે તેમાં આગળ શું થશે અને શું નીકળશે એ કોઈને ખબર નથી હોતી. માટે તું પોતાને દોષ આપવાનું બંધ કર."
"ભાઈ તેં દર વખતે મને સપોર્ટ કર્યો છે. દરેક વખતે તેં તારું નથી વિચાર્યું પણ હું આગળ વધુ તે જ જોયું છે તેં. શું તને કોઈ દિવસ વિચાર ના આવ્યો કે હું છોકરી થઈને તારાથી આગળ થઈ ગઈ કે મારું નામ તારા કરતા વધારે લેવાય છે? શું તને કોઈ દિવસ અર્શ જેવી ઈર્ષા ના થઈ મારાથી?"
શ્રવ્યા અને તેનો ભાઈ ત્યાં વાતો કરતા હતા અને પાછળ થી એક અવાજ આવે છે.
"શ્રવું, વિશ્વાસ કર મારા પર એણે આવું કોઈ દિવસ નથી વિચાર્યું તારા માટે. જ્યારે અમે તેને આપણી કંપનીનો MD બનાવવા માંગતા હતા ત્યારે તેણે શું જવાબ આપ્યો તને ખબર છે? એણે કહ્યું હતું કે મારા કરતાં વધુ લાયક આપણી શ્રવું છે. માટે તમે આ ખુરશી તેને આપજો. જેમ રામની પાછળ હંમેશા લક્ષ્મણ રહેતા હતા તેમ હું મારી બહેનની પાછળ જ હંમેશા રહેવા માંગુ છું. અને મને તે વાતનું ગર્વ પણ છે." શ્રવ્યાના પપ્પા બોલતા બોલતા રૂમમાં આવે છે અને સાથે તેની મમ્મી અને દાદા પણ આવે છે.
"પપ્પા મને ખબર છે કે ભાઈ મારા વિશે આવું કદી ન વિચારે પણ મારે માત્ર જાણવું હતું કે શું દરેક પુરુષમાં આવો પૌરૂષિક અહમ સ્વાભાવિક અને કુદરતી હોય છે કે એમના સંસ્કારને આધારે હોય છે?" શ્રવ્યા જવાબ આપે છે.
"બેટા એ તો હવે ખુદ ઈશ્વર જ જાણે કે એણે કયા વ્યક્તિમાં શું મૂક્યું છે! આપણે કોઈને ખોટા કે સાચા ન કહી શકીએ. તે વ્યક્તિની સમજ શક્તિ એટલી જ હોય એટલે તે એવું કરે. આપણે આપણી સમજ મુજબ સાચું કામ કર્યા કરવાનું. આજે આપણે કોઈ વ્યક્તિની નજરમાં સારું કામ કરી રહ્યા હોય છે તો વળી કોઈ વ્યક્તિની નજરમાં આપણું કામ ખરાબ પણ હોય શકે!" શ્રવ્યાના દાદા તેને સમજાવે છે.
"હા દાદુ તમે સાચું કહ્યું. તમને ખબર ન હશે પણ, ભાઈએ તમને કહ્યું તે જ રીતે શરૂઆતથી મારી સાથે જ રહ્યો હતો અને મને સાથ આપ્યો હતો. અને એણે જ મારી પર લાગેલા આરોપ દૂર કરવામાં મદદ કરી હતી." શ્રવ્યા બધાને આ વાત કહીને તેમણે આશ્ચર્યમાં મૂકે છે.
"શું તને ખબર હતી કે શ્રવ્યા ત્યારે ક્યાં હતી અને શું કરી રહી હતી? અને તને ખબર હતી તો તે અમને જણાવ્યું કેમ નઈ?" શ્રવ્યાની મમ્મી પૂછે છે.
"આખી વાત તમને સમજ પડે તે માટે હું શરૂઆતથી આખી વાત કહું."
________________________________________
એક વર્ષ પહેલા...
શ્રવ્યા તેની Boat પર દવા અને બીજો સામાન ઉતરી રહ્યો હતો તેની દેખરેખ રાખી હતી ત્યારે જ તેના મોબાઈલ પર નોટીફિકેશનની ટોન વાગે છે. તે જુએ છે તો તેના પર લાગેલા આરોપો બતાવતા news નો વિડિઓ હોય છે. તે જોતી હોય છે ત્યાં જ તેનો ભાઈ ત્યાં આવે છે.
"શ્રવુ, ચાલ મારે તારું કામ છે." તેનો ભાઈ કહે છે.
"પણ ભાઈ આ સમાચાર તો જો. શું બતાવી રહ્યા છે આ લોકો?"
"તું પહેલા મારી સાથે ચાલ. મે સમાચાર જોયા એટલે મને બધી ખબર છે. તારે પહેલા કોઈક જગ્યાએ છુપાઈ જવું પડશે." તેનો ભાઈ આમ કહી શ્રવ્યાના હાથ પકડીને તેને લઈ જતો હોય છે.
શ્રવ્યા પોતાના હાથ એક ઝાટકા સાથે છોડાવી દે છે અને કહે છે,
"ભાઈ તને ખરેખર એવું લાગે છે કે મેં આવું કર્યું છે?"
"ના. મને તારા પર વિશ્વાસ છે કે તું આવું બિલકુલ પણ ન કરી શકે."
"તો પછી તું મને આમ ગુનેગારની જેમ છુપાવવાનું શા માટે કહે છે?"
"શ્રવુ, તને ખબર નથી પણ તારી પાછળ ખુબજ મોટી ગેમ રમાઈ રહી છે. અને આની પાછળ ઘણાં બધાનો હાથ છે અને તને બલીનો બકરો બનાવવા માંગે છે. જો તું અહીંયા રહેશે તો ફસાઈ જશે. એટલે જ્યાં સુધી તું નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી તારે આવી રીતે છુપાવું જ પડશે."
શ્રવ્યા તો આ સાંભળીને નીચે બેસી જાય છે. તેનું મન હાલમાં ત્સુનામીની જેમ ઉઠલ પાથલ થઈ રહ્યું હોય છે. તેણે વિડિયો જોયો એના કરતા વધુ ડર એને એના ભાઈની વાત પરથી લાગવા લાગ્યો હોય છે. જાણે એ એક ચક્રવાતમાં ફસાવા જઈ રહી હોય અને પછી કદી બાહર જ ન નીકળી શકશે.
"પણ ભાઈ મારી સાથે કોણ આવું કરી શકે?"
"શ્રવુ હાલમાં એ વિચારવાનો સમય નથી. આપણે અહીંયાથી જવું પડશે."
આટલું કહીને શ્રવ્યાનો ભાઈ તેને ત્યાંથી લઈ જાય છે. તેને એક સુરક્ષિત જગ્યા પર પહોંચાડીને તે પોતાના ઘરે જતો રહે છે. ત્યાં તેને પોતાને કશું જ ખબર નથી એવી રીતે વર્તે છે. બધેજ શ્રવ્યા ની શોધખોળ થવા લાગે છે પણ તે કશે જ મળતી નથી.
(હાલમાં)
"તને ખબર હતી તો તેં અમને કહ્યું કેમ નઈ કે શ્રવું ક્યાં છે? તને ખબર હતી ને કે અમે કેટલા ચિંતામાં હતા." શ્રવ્યાની મમ્મી એના ભાઈને ખીજવાતા કહે છે.
"તે જોયું હતું ને કે પોલીસે આપણી કેવી પૂછપરછ કરી હતી? અને જો ભૂલમાં કોઈનાથી કશું કેહવાય જતે તો આપણી શ્રવુને કેટલી તકલીફ થતે?" શ્રવ્યાનો ભાઈ જવાબ આપે છે.
"હા બેટા તારી સાચી વાત છે પણ પછી શું થયું અને કેવી રીતે તે નિર્દોષ સાબિત થઈ તે તો જણાવ." શ્રવ્યાના પપ્પા કહે છે.
_______________________
એક વર્ષ પહેલા..
શ્રવ્યા પર આરોપ લાગ્યાના થોડા જ દિવસોમાં ફરીથી સમાચારોમાં એક નવા સમચાર વહેતા થાય છે કે શ્રવ્યા નિર્દોષ હતી અને તેને ફસાવવામાં આવી હતી. બધાને આશ્ચર્ય થતું હતું કે થોડા જ દિવસમાં શ્રવ્યા નિર્દોષ કેવી રીતે થઇ ગઇ? પણ આ માટે તમામ મહેનત તેના ભાઈ એ કરી હતી. તેણે શ્રવ્યાની Boat દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં આવેલ તમામ સામાનની માહિતી મેળવી હતી અને એ તમામ સામાન કઈ કઈ હોસ્પિટલ પર પહોંચી ગયો છે એની પણ માહિતી મેળવી હતી. અને બંને માહિતીનું ક્રોસ વેરીફીકેશન કરતા ખબર પડતી હતી કે એક પણ સામાનની હેરાફેરી થઈ નથી કે ખોટો સંગ્રહ કરવામાં આવ્યો નથી. અને શ્રવ્યાની Boat પરથી જે સમાન મળ્યો હતો તે પણ ડુપ્લીકેટ હતો અને કોઈ અજાણ્યા માણસો દ્વારા મુકવામાં આવ્યો હતો એવું CCTV કેમેરા પરથી ખબર પડે છે. એમાં થાય એવું છે કે અજાણ્યા માણસો પહેલેથી જ તમામ સીસીટીવી કેમેરા બંધ કરી ગયા હોય છે પણ શ્રવ્યાના ભાઈને આવા ષડયંત્રની ગંધ પહેલેથી જ આવી ગઈ હોય છે એટલે તેણે અમુક અમુક જગ્યાએ સિક્રેટ કેમેરા મૂકી દીધા હોય છે જે કોઈને જાણ થતી નથી. તે કેમેરાની મદદથી શ્રવ્યાનો ભાઈ તમામ સબુતો ભેગા કરે છે અને તે સબૂતો તે પોલીસને મોકલે છે. પોલીસ તપાસમાં ખબર પડે છે કે આ બધું શ્રવ્યાના પ્રેમી અર્શએ કરાવ્યું હોય છે. અર્શ અને શ્રવ્યા એક વર્ષથી એકબીજાના પ્રેમમાં હોય છે. અને બંનેના ઘરવાળાએ પણ તેમનો સંબંધ મંજૂર કર્યો હોય છે. જ્યારે આ બધું અર્શએ જ કરાવ્યું એવું સાબિત થાય છે ત્યારે શ્રવ્યા અને તેનો ભાઈ અર્શને મળવા જાય છે.
"આવો આવો. આજે બંને ભાઈ બહેન સાથે આવ્યાં. કોઈ સ્પેશિયલ વાત છે?" અર્શ તે બંને ને કહે છે.
"તેં શા માટે આવું કર્યું? તને પૈસા જોઈતા હતા તો હું તું કહેતે તેટલા આપી દેત." શ્રવ્યા આવતા વેંત જ તેને થપ્પડ મારી ને કહે છે.
"શ્રવું શું થયું તે તો કહે? આવી રીતે કેમ વર્તન કરે છે?" અર્શ અજાણ્યો બનતા કહે છે.
"હજી કેટલું નાટક કરીશ તું? મને બધી ખબર પડી ગઈ છે કે તેં જ મને ફસાવવાની કોશિશ કરી હતી." શ્રવ્યાં ગુસ્સામાં બોલે છે.
"આ બધું ખોટું છે. મે કશું જ કર્યું નથી."
"અમારી પાસે સબૂત છે કે તેં જ આ કરાવ્યું હતું. આવું કરવાની જરૂર શું હતી? અને અત્યાર સુધી તું પ્રેમનું નાટક જ કરતો હતો ને?"
"હા મેં જ કરાવ્યું હતું પણ હું તને પ્રેમ સાચો કરું છું."
"જો સાચો પ્રેમ કરતો હોત ને તો તું આવું ન કરતે. આવું કરવાની જરૂર શું હતી?"
"થાકી ગયો હતો તારા વખાણ સાંભળી સાંભળીને. ઘરમાં બધા વ્યક્તિના મોઢે તારા જ વખાણ હોય. અને દર વખતે એમ જ કહે કે શ્રવ્યા પાસેથી કઈક શીખ. જે મને પસંદ ન હતું. અને તું આ કામ કરે તે પણ મને પસંદ નથી. છોકરીઓ આ બધું કામ કરવા માટે બની જ નથી. તેઓ તો રસોડામાં શોભે. તેમણે આવી રીતે બહાર જવાનું હોય જ નઈ." અર્શ બધું બોલી દે છે.
તેની આ વાત સાંભળીને શ્રવ્યાનો ભાઈ કહે છે.
"છી! તારી આટલી ખરાબ માનસિકતા હશે એવી આશા ન હતી મને. તને શું ખબર કે સ્ત્રીઓ શાના માટે બની છે. સ્ત્રીઓ તો એ કામ માટે બની છે કે જે કામ આપણે પણ નથી કરી શકતા. આપણે સ્ત્રીઓનું કામ કદી કરી શકતા નથી પણ તેઓ આપણું કામ માત્ર કરે જ નહિ પણ ખૂબ સારી રીતે કરી શકે છે. અને એટલે જ એમનું સ્થાન પણ આપણાથી ખુબજ ઊંચું છે. આજની સ્ત્રી બધું જ કામ કરી શકે છે."
"તું એમ કહે છે ને હું કશું ન કરી શકું તો સાંભળ..
बालिका अहं बालिका नव युग जनिता अहं बालिका।
नाहमबला दुर्बला आदिशक्ति अहमम्बिका ।।
એનો અર્થ એવો થાય કે હું હાલની મોર્ડન છોકરી છું. હું ડરપોક કે અબળા નથી. હું આદ્યશક્તિ છું. હું અંબિકા છું. પણ તું આ બધું સમજવા અસમર્થ છે. ચાલ ભાઈ હવે આની સાથે વાત કરવી નકામી છે. અને આજથી હું તને નથી ઓળખતી અને તું મને નથી ઓળખતો." આટલું કહીને શ્રવ્યા ત્યાંથી જતી રહે છે.
પછી શ્રવ્યાના સારા કામને લીધે દવાની કંપની તેને બીજા રાજ્યમાં સામાન પહોંચાડવાની જવાબદારી પણ સોંપે છે અને તેની સાથે એક નવો બિઝનેસ કોન્ટ્રેક્ટ કરે છે. જેના વડે શ્રવ્યાને નવો જળમાર્ગ નો transport નો બિઝનેસ મળે છે. તેની સારી કામગીરીને જોતા બીજી કંપનીઓ વાળા પણ તેને આ કામ સોંપે છે. અને તેનો ડોમેસ્ટિક શિપિંગ નો નવો જ બિઝનેસ શરૂ થઈ જાય છે.
અને ધીરે ધીરે કોરોના પણ ઓછો થવા લાગે છે. જેનાથી બધા ધંધા શરૂ થવા લાગે છે અને શ્રવ્યા તેની Restaurant નું સ્વપ્ન પણ પૂરું કરે છે. જેનું ફળ તેને આજે મળે છે. આખા ભારતમાં પહેલી વાર આવી Floating Restaurant શરૂ થઈ હોય છે એટલે તેને Innovative Restaurant નો એવોર્ડ મળે છે.
(સમાપ્ત)
જે રીતે શ્રવ્યાએ હાર ન માની તે રીતે જ તમારે પણ કોઈ દિવસ હાર ન માનવી જોઈએ. કોઈ પણ છોકરી પુરુષો કરતા ઓછી નથી. અને આપણે હંમેશા આપણા ઘરમાં બહેન, માં , પત્ની કે અન્ય તમામ સ્ત્રીઓને તેમના સ્વપ્ન પૂરા કરવામાં તમામ મદદ કરવી જોઈએ. તેમને પણ પૂરેપૂરો હક છે તેમના સ્વપ્ન પૂરા કરવા માટે. હું મારો પોતાનો એક અનુભવ કહું. એક બિઝનેસમેન છે જેમનો કરોડોનો કારોબાર છે. તેઓ બે વર્ષ પહેલા વસિયત દ્વારા તેમની છોકરીનું નામ તેમના કારોબારમાંથી કાઢી નાખવાનું કહેતા હતા. તેમને એવું હતું કે છોકરીનું નામ બિઝનેસ માં જોડાય તો ખોટી તકલીફ ઊભી થાય. પણ તે સમયે મારા પપ્પાએ તેમને સમજાવ્યા કે હમણાં નામ કાઢવાની જરૂર નથી. શું ખબર આપણે એના આધારે જ બિઝનેસ ચલવવો પડ્યો તો? અને બે વર્ષ પછી આજે એ વાત સાચી પડી. એ છોકરી જ આજે નવી નવી આઈડિયા લાવીને તેમનો બિઝનેસ આગળ વધારી રહી છે.