" શંકર કેમેરાની લાઈટ્સ તો તે બરાબર ચેક કરી લીધી છે ને..?? અને હૉલની લાઈટ્સ પણ બરાબર ચેક કરી લેજે અને મૃણાલિની મેમની આંખમાં લાઈટ ન પડવી જોઈએ તેનું બરાબર ધ્યાન રાખજે અને હા, પાછળના દરવાજે બરાબર લાઈટ તો કરેલી છે ને અંધારામાં કઈ રીતે મૃણાલિની મેમ અંદર આવશે જરા ચેક કરી આવ જા અને હા, હું હવે તેમને ફોન કરીને પૂછી લઉં કે તે કેટલી વારમાં અહીં આપણા સ્ટુડિયો ઉપર પધારી રહ્યા છે. કારણકે આપણે તેમને વેલકમ કરવા માટે પાછળ ના ગેટ પાસે ઊભા રહેવું પડશે. " મેહુલ શંકરને સુચના આપે જતો હતો અને એક જ શ્વાસે બધું જ બોલી રહ્યો હતો.
શંકર: હા સર, કેમેરાની લાઈટ બરાબર છે મેં ચેક કરી લીધી અને હૉલની પણ બધી જ લાઇટો બરાબર છે તે પણ મેં જોઈ લીધું અને પાછળના ગેટ પાસેનો બલ્બ ઉડી ગયો હતો તે પણ મેં બદલી કાઢ્યો બધું જ બરાબર થઈ ગયું છે. બસ હવે, તમે મેમને જરા પૂછી લો કે તે કેટલી વારમાં અહીં પધારવાના છે..?? પણ આપણે તેમને પાછળના ગેટથી કેમ બોલાવીએ છીએ તે મને પ્રશ્ન છે..??
મેહુલ: અરે ગાંડા, મૃણાલિની મેમ અહીં પધારવાના છે આપણાં સ્ટુડિયો ઉપર તે ખબર જો કોઈને પણ પડે તો અહીં આપણાં સ્ટુડિયોમાં ભીડ ભીડ થઈ જાય અને બીજા મીડિયાવાળા પણ તેમનો ઇન્ટરવ્યુ લેવા માટે અહીં દોડી આવે. આતો, આપણા બોસ સુમિત સરને એમની સાથે ઓળખાણ છે એટલે તે ઇન્ટરવ્યૂ આપવા માટે આપણાં સ્ટુડિયો ઉપર પધારી રહ્યા છે બાકી તે કોઈપણ મીડિયાવાળાની આગળ પોતાની કોઈ પણ વાત રજૂ કરતાં જ નથી.
શંકર: અચ્છા એવું છે. હવે મને ખબર પડી કે આપણે તેમને પાછળના ગેટથી માટે જ બોલાવીએ છીએ.
મેહુલ: (મૃણાલિની મેમને ફોન લગાવે છે.) મેમ, આપ અમારે ત્યાં પધારો છો ને..??
મૃણાલિની મેમ: હલો, હા, હું ઘરેથી નીકળી જ ગઈ છું બસ સીધી ત્યાં જ પહોંચું છું.
મેહુલ: જી, મેમ પધારો.
મૃણાલિની મેમ એક સેલિબ્રિટી ખ્યાતનામ એક્ટ્રેસ સુમિતસરના સ્ટુડિયો ઉપર પોતાનો ઇન્ટરવ્યૂ આપવા માટે પધારે છે.
એક સુંદર સોફા ઉપર બિરાજમાન મૃણાલિની લગભગ ચાલીસેક વર્ષના થયા હશે પરંતુ આજે પણ 22 વર્ષના લાગી રહ્યાં હતાં અને આજે પણ તેમની પર્સનાલિટી તેની તે જ હતી અને મોં ઉપર એટલું જ સુંદર હાસ્ય અને રૂઆબ પણ દેખાતાં હતાં.
મેહુલે પહેલાં તેમની ખાતીરદારી કરી પાણી, ચા-કોફી વગેરે મંગાવ્યા અને ત્યારબાદ તેમનું ઇન્ટરવ્યૂ લેવાનું ચાલુ કર્યું.
મેહુલ: નમસ્કાર મેમ, કદાચ મારાથી આપને કંઈક ખોટું લાગી જાય તેવું બોલાઈ જાય કે પૂછાઇ જાય તો મને માફ કરશો.
મૃણાલિની મેમ: સ્માઇલ સાથે ઇન્ટરવ્યૂ આપવા આવી છું એટલે એટલું તો સમજું જ છું કે તમે મને કંઈપણ આડુ- અવળું પૂછવાના જ છો પરંતુ બનશે તેટલો હું તમારા દરેક પ્રશ્નને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ.
મેહુલ: જી, મેમ. આપનો ખૂબ-ખૂબ આભાર. શંકર લાઈટ ઓન કર, કેમેરાની લાઈટ પણ ઓન કર અને કેમેરો પણ ઓન કર.
શંકર: જી, બધુંજ તૈયાર છે સર. આપ મેમનો ઈન્ટરવ્યુ લેવાનો ચાલુ કરો.
મેહુલ: (મેમને) મેમ, આપ કેટલા સમયથી આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરો છો..??
મૃણાલિની: જી, હું અઢાર વર્ષની હતી ત્યારથી. બાળપણથી જ એક્ટ્રેસ બનવાનો એક ગાંડો શોખ હતો. નાની હતી ત્યારે સ્કૂલમાં પણ ડ્રામામાં ભાગ લેતી હતી અને હંમેશા દરેક પ્રોગ્રામમાં ફર્સ્ટ જ આવતી હતી.
મેહુલ: આપ પહેલા મોડેલીંગ પણ કરતાં હતાં..??
મૃણાલિની: હા, નાની હતી ત્યારથી જ ઍક્ટિગ કરવાનો ખૂબ શોખ હતો એટલે મમ્મીએ મોડેલીંગ માટે છૂટ આપી હતી. સોળ વર્ષની થઈ ત્યારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ઑફરો આવતી હતી પરંતુ ભણવાનું બગડે તેથી મમ્મીએ "ના" પાડી હતી.
મેહુલ: તમારા મમ્મીનો તમારી લાઇફમાં ખૂબ મહત્વનો રોલ રહ્યો લાગે છે..??
મૃણાલિની: હા, નાની હતી ત્યારથી જ મમ્મીએ મારા ખાવા-પીવાથી માંડીને મારી સુંદરતા માટે, મારી પર્સનાલિટી માટે પોતાના જીવનનો ખૂબજ ભોગ આપ્યો છે અને હજી સુધી સદંતર મારી કાળજી તે લેતી આવી છે.
મેહુલ: મેમ થોડો પર્સનલ ક્વેશ્ચન છે પૂછી શકું છું..??
મૃણાલિની: મેં મીડિયા સામે મારી કોઈ પર્સનલ વાત હજી સુધી કોઈવાર ખોલી નથી પરંતુ તમે પૂછી શકો છો. મને યોગ્ય લાગશે તો હું જવાબ આપીશ.
મેહુલ: જુહૂ ખાતેના બંગલામાં આપ અને આપનાં મમ્મી એકલાં જ રહો છો..??
મૃણાલિની: હા, ઘણી નાની હતી ત્યારે જ મમ્મી પપ્પા અલગ થઈ ગયાં હતાં. કારણકે પપ્પાને દારૂની ખૂબજ ખરાબ આદત લાગી ગઈ હતી અને એટલું જ નહીં ત્યારબાદ તે ઘરે આવીને દારૂના નશામાં મને અને મમ્મીને ખૂબ માર મારતાં હતાં. મમ્મીનું જીવન તો બગડી જ ગયું હતું પણ તે મારું જીવન ખરાબ થવા દેવા નહતી માંગતી તેથી તેણે પપ્પાને કંટાળીને છોડી દીધાં હતા અને મારા નાના તેમજ નાનીના ખૂબજ ફોર્સ કરવા છતાં મારી મમ્મીએ બીજા લગ્ન કરવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. તે પણ યુવાનીમાં મારા જેટલી જ સુંદર લાગતી હતી પણ મારું જીવન ન બગડે તેથી તેણે પોતાના જીવનનો ભોગ આપ્યો હતો અને (મૃણાલિનીની આંખમાં આંસુ આવી ગયાં પણ તે મીડિયા સામે આંસુ બતાવવા માંગતી ન હતી. તેથી આંસુને છૂપાવીને બોલી)
મેહુલ: ઑહ નો, સોરી મેમ. આટલી બધી તકલીફો હોવા છતાં આપ આ સ્ટેજ સુધી પહોંચી શક્યા તો તેની પાછળનું કોઈ રહસ્ય ખરું મેમ..?? કોઈ સફળતાની ચાવી હોય તો અમને પણ બતાવો..??
મૃણાલિની: દરેક માણસનું જીવન કોઈને કોઈ તકલીફોથી ભરેલું જ હોય છે પણ એ તકલીફોને હસતે મોઢે સહન કરવી, ગમે તે પરિસ્થિતિ હોય તેને અનુકૂળ થઈને રહેવું અને હંમેશા પોઝીટીવ થોટ્સ જ રાખવા જેથી સફળતા ચોક્કસ તમારા કદમ ચૂમશે.
મેહુલ: ખૂબજ સાચી વાત કીધી તમે મેમ, આજે તમારી પાસેથી અમને ઘણુંબધું શીખવા મળ્યું. આપ અહીં અમારા સ્ટુડિયો ઉપર પધાર્યા તેથી આપનો ખૂબ ખૂબ આભાર.
મૃણાલિની: જી, આપનો પણ ખૂબ ખૂબ આભાર.
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
27/2/2021